Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? - ભાગ 4

આગમાંથી નીકળેલી ભયાનક આકૃતિ જોઈને ત્યાં ઉપસ્થિત બધાં જ લોકો થથરી ઉઠ્યાં. ભૂત-પ્રેતની વાર્તા સાંભળવી અલગ છે અને તેને હકીકતમાં જોવું તદ્દન અલગ છે. આવા વિરાન સ્થળે અચાનક અગ્નિની જ્વાળામાંથી ભયાનક આકૃતિનું બહાર આવતાં જોવું અને આટલું જોયા બાદ પણ કોઈને હાર્ટ એટેક ન આવવો એ બહુ મોટી વાત હતી. કદાચ તે સમયના લોકોના કાળજા ચોક્કસ એટલાં મજબૂત હશે કે જેને લીધે તેઓ આ ઘટનાને પૂર્ણપણે હોશમાં નજરોનજર જોઈ શક્યાં.

ભયાનક આકૃતિને જોતાં ત્રણે મિત્રોની એવી હાલત થઈ ગઈ હતી કે જાણે કોઈએ તેમનું ગળું દબાવી દીધું હોય અને શ્વાસ લેવામાં અસહાય બન્યાં હોય . તેમની હાલત જોઈને ભુવો બોલ્યો. 'ગભરાવો નહીં. હું અહીંયા જ છું. આ તમને કંઈ કરશે નહીં. તમે એને બોલાવી એટલે તે તમારી નજીક આવી રહ્યું છે.' પરંતુ જંગલમાં તમારી સમક્ષ સિંહ ઉભો હોય અને તેનો જંગલનો પહેરેદાર એમ કહે કે ડરો નહીં તે કંઈ નહિ કરશે તો શું આપણી બીક ઓછી થઈ જવાની છે? નહીંને? તેવી જ રીતે નજીક આવી રહેલી ડરામણી આકૃતિને જોઈને કયો માણસ નચિંત બનીને ઉભો રહી શકે છે.

માંડ હિંમત એકઠી કરીને જ્યંતી ડરતાં ડરતાં બોલ્યો, ' મારા બાપા, અમે જોઈ લીધો ભૂત હવે તેને તેના ઘરે પાછો મોકલી દો.' ભુવો બોલ્યો, ' અરે, કેમ શું થયું . આવી તક બીજી વખત નહીં મળે. એટલે જોઈ લો.' લાંબી અને કાળી આકૃતિ, કંપારી કરાવી જાય એવા અવાજો, બિહામણું રૂપ, માથાનાં ભાગે નીકળી જ્વાળાઓ જાણે કોઈએ ઉપર સળગતી સગડી મૂકી દીધી હોય એવો ઉપરનો ભાગ જોઈને કઈ વ્યક્તિ એક સેકેન્ડ માટે પણ આ સ્થિતિનો સામનો કરી શકે? ભુવો ફરી બોલ્યો, 'અરે ભાઈઓ, તમારાં હાથમાં મંત્રેલા વટાણા આપેલા છે ને તેનો ઉપયોગ કરો. જેમ જેમ લાલ વટાણાને તેની સામે નાખતા જશો તેમ તેમ તે તમારી નજીક આવશે અને જેમ જેમ લીલા વટાણાને નાખશો તો તે તમારાંથી દુર જશે.'

પરંતુ ગભરાટમાં આંગળીમાં ક્યાં રંગના વટાણા આવ્યાં તે જોવાની હિંમત પણ તે સમયે એકઠી કરવી તે પણ ઘણી મોટી વાત હતી. ડરના માર્યે ઠાકોરે પટ પટ વટાણા નાંખવાના શરૂ કરી દીધાં. પરંતુ આ શું આ આકૃતિ તો વધુને વધુ ઝડપથી નજીક આવી રહી હતી. એટલામાં ભુવાએ ત્રણે મિત્રોને ચેતવ્યાં અને કહ્યું,' તમે શું કરી રહ્યાં છો. આમ કરવાથી તે વધુ નજીક આવી રહ્યું છે તમે મુસીબતમાં મુકાઈ શકો છો. લીલા વટાણા નાખો જલ્દીથી. ત્રણે મિત્રોએ લીલાં વટાણા તેની સામે નાખવાનાં શરૂ કરી દીધાં અને તે આકૃતિ પાછળની તરફ ખસવા લાગી. તે જેમ પાછળ જઈ રહ્યું હતું તેમ તેમ મિત્રોને થોડી રાહત થવા લાગી હતી. હવે આ આકૃતિ કુંડની નજીક આવી પહોંચી હતી.
ભુવો જોઈ રહ્યો હતો કે રાત્રી વધુ ગાઢ બની રહી છે અને આ આત્મા વધુ સમય સુધી શાંત રહેશે નહીં અને જો તે ઉગ્ર બની જશે તો બધાં ઉપર મોટી મુસીબત આવી શકે છે એટલે તેને થયું કે હવે આ આત્મા પર કાબુ કરી લેવો જોઈએ. ભુવાએ તરત જ મંત્રોચ્ચાર ચાલુ કરી દીધાં. તેને પાછો અગ્નિમાં મોકલી દેવાની ક્રિયા ચાલુ કરી દીધી હતી. પરંતુ તે એટલું સરળ નહતું. રાત્રીના સમયમાં નકારાત્મક શક્તિ વધુ પ્રબળ બને છે જેના પર નિયંત્રણ કરવું મુશ્કેલ જનક બને છે. તે બિહામણી આકૃતિ ધરાવતી આત્મા પાછું જવા માટે તૈયાર હતી નહીં તે પોતાને કુંડ થી દુર કરી રહી હતી. ભુવાને તેનો અંદાજ આવી ગયો એટલે તેણે તેની બધી શક્તિ લગાવીને મંત્રોચ્ચાર કરવા લાગ્યો. આમ કેટલાંય સમય સુધી ચાલતું રહ્યું. અને ત્રણે મિત્રો એકબીજાનો હાથ પકડીને આ ઘટનાને જોતાં રહ્યાં. છેવટે ગાઢ રાત્રી હવે પૂર્ણ થવા આવી હતી અને થોડા સમયમાં સૂર્યોદય થવાનો હતો. જેને લીધે નકારાત્મક શક્તિનો પ્રભાવ ઘટવા લાગ્યો એટલે તે આત્મા આખરે ભુવાના કાબુમાં આવી ગઈ અને તેને પરત મોકલી દેવામાં આવી. ત્યાં સૂર્યોદય થયો અને ત્રણે મિત્રોની જાનમાં જાન આવી.

તેઓ કોઈપણ પ્રકારનો સવાલ પૂછ્યા વિના ભુવાની મંજૂરી લઈને ગામ તરફ દોટ મૂકી અને સીધા ઘરે જઈને નાહીને ભગવાનની સામે દીવો કરીને પગે પડ્યાં. આ ઘટના દાયકાઓ પહેલાં બની ચુકી છે તેમજ જેમની સાથે બની છે તેઓ ત્રણે પણ આજે જીવિત નથી પરંતુ જ્યારે તેઓ જીવિત હતાં અને તેમના મુખે થી જ્યારે આ ઘટનાનું વર્ણન સાંભળ્યું હતું ત્યારે તેમનાં મુખ પર મેં એવો ગભરાટ અને એવો જ ડર જોયો હતો. જે મને હજી પણ બરોબર યાદ છે.