Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? - ભાગ-2

પેલા ભુવાએ ભૂત બતાવવાની વાત કરી અને ઉત્સાહમાં આવીને જ્યંતિએ હા તો પાડી દીધી પરંતુ તેના મનમાં ઘણાં સવાલો રમવા માંડ્યા હતાં. એટલું જ નહીં પરંતુ ઘરે બા ને આ વાત કરવી કે નહીં એની મુંઝવણ પણ હતી. આજના સમયમાં બાળકો પોતાના પેરેન્ટ્સને પૂછ્યા વિના આઉટ ઑફ ઇન્ડિયા પણ જઈ આવે પરંતુ આ તો દાયકાઓ પૂર્વેની વાત છે જ્યારે ભારતને તાજી તાજી આઝાદી મળી હતી. ત્યારના સમયમાં મા બાપને પૂછ્યા વિના છોકરાઓ ઘરનો ઉંબરો પણ પાર કરતાં નહીં.
હવે મૂળ વાર્તા પર પાછા ફરીએ તો જ્યંતિ તેની બા ને બધી વાત કરવા માટે એટલે મુંઝવાતો હતો કે તેની બા ને ચિંતા થશે બાકી તેને ખબર હતી કે તેની બા ને તેના પર પૂર્ણ વિશ્વાસ છે અને જ્યંતિ કોઈ ખોટું કામ નહીં કરે તેની ખાતરી પણ છે. આવા જ અસંખ્ય વિચારોની સાથે જ્યંતિ ક્યારે તેના ઘર નજીક આવી પહોંચ્યો તે તેને ખ્યાલ પણ નહીં આવ્યો. ઠાકોર અને છગન હવે તેના ઘરના રસ્તા તરફ આગળ વધવા જઈ રહ્યાં હતાં. પરંતુ તેઓના મગજમાં પણ ઘણું ફરી રહ્યું હતું કેમ કે આવી વાત ઘરમાં કેવી રીતે કરવી એ જ સૌથી મોટો યક્ષ પ્રશ્ન લાગી રહ્યો હતો.
ત્રણે મિત્રોએ એકબીજા સામે પ્રશ્નાર્થ ચહેરે જોયું અને હવે કાલે સવારે ગામની ચોકડી પર મળીશું એમ કહીને છુટા પડી ગયાં. જ્યંતિ ઘરે આવીને હાથ પગ ધોઈને જમવા બેઠો. તેના મનમાં ચાલી રહેલી ભમી રહેલી મુંઝવણો તેના મુખ પર સ્પષ્ટ જોવા મળી રહી હતી બા સમજી ગઈ કે જ્યંતિ ને કોઈ ચિંતા સતાવી રહી છે. આમ પણ બા તો ભોળી જ હોઈ તેને થયું કદાચ જ્યંતિ ઘરના ખર્ચને લઈને ચિંતામાં હશે એટલે તેણે જ્યંતિ ને પૂછ્યું. દીકરા, શું ચિંતા કરે છે? મને વાત જણાવ. મન હળવું થશે અને કોઈ રસ્તો નીકળશે. જ્યંતિથી હવે ચૂપ રહેવાયું નહીં તે બધું બોલી પડ્યો. બા બધું સાંભળતી રહી. થોડી વાર તો કંઇ બોલી નહીં અને પછી બોલી કે જ્યંતિ તે કહ્યું તે બધું બરોબર પરંતુ તારે આ બધું જાણવાની અને જોવાની શી જરૂર છે. બીજા વિશ્વમાં ડોકિયું નાખીને શું કામ હેરાન થવું છે. કેમ અન્ય અજાણ્યા જીવને પોતાનાથી પરિચિત કરાવવું છે શું કામ? જ્યંતિ બોલ્યો, બા તને મારા પર વિશ્વાસ છે ને? અને તને ખબર છે ને હું ભગવાન શિવનો પરમ ભક્ત છું તું ચિંતા નહીં કર. ભગવાન જેની સાથે હોય તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે અને બા એ મન વગર મંજૂરી આપી દીધી.
બા એ તે સમયે આ વસ્તુને ઘણી સરળતાથી લઈ લીધી હતી કેમ કે ત્યારના સમયમાં ગામડે ગામમાં ભૂત પ્રેતની વાતો અને તેને જોયા હોવાનો અનુભવ ઘણાંના મુખેથી સાંભળવા મળતો હતો તેમજ ત્યારના લોકો મનથી ઘણાં મજબૂત હતાં એટલે આવી વાતો સહજ લઈ લેતાં હતાં. જ્યંતિને જેમ ઘરેથી મંજૂરી મળી ગઈ હતી તેમ છગન અને ઠાકોરે પણ ઘરેથી મંજૂરી લઈ લીધી હતી. ઠાકોરે તો હાથમાં લાલ ધાગો પણ બંધાવી લીધો હતો.
ત્રણે મિત્રો બીજે દિવસે સવારે ગામની ચોકડી પર મળ્યાં. ત્રણે મિત્રો મંજૂરી મળવાને લીધે ખુશ તો હતાં પરંતુ સાથે ડર, ચિંતા અને ગભરાટ પણ અનુભવી રહ્યાં હતાં. બધાં વાત શરૂ કરે તે પહેલાં ઠાકોર બોલ્યો જો જ્યંતિ હું તારી સાથે દરિયાકિનારે આવીશ તો ખરો પરંતુ હું દૂર જ ઉભો રહીશ. તું અને છગન પેલા ભુવાની પાસે જજો. મને તો કાલે આખી રાત ઉંઘ નથી આવી. યારી દોસ્તીમાં આવું બધું પણ કરવું પડશે એ ખબર નહતી. જ્યંતિ બોલ્યો, જો ઠાકોર તારે આવવું હોય તો જ આવ આમ ઉપકાર કરીને ન આવ. જો, આવી તક પાછી મળશે નહીં અને આપણી સાથે પેલો ભુવો પણ તો છે કંઈ નહીં થાય. કંઈ સમસ્યા આવે તો હનુમાન ચાલીસા બોલવાની બસ.
બપોરનું ભાણું પતાવીને ત્રણે મિત્રો ફરી પાછા ચોકડી પર મળ્યાં. વાત કરતાં કરતાં સાંજ પડવા આવી. રવિવારનો દિવસ હતો. દરિયાકિનારેથી બધા પાછા ઘર તરફ વળી રહ્યાં હતાં અને આ ત્રણ મિત્રો ત્યાં જઈ રહ્યાં હતાં. ભુવાએ જણાવેલી જગ્યાએ ત્રણે આવી પહોંચ્યા. ભુવો પહેલાંથી ત્યાં મોજુદ હતો. જાણે કોઈ હવન કરવાનો હોય તેમ બધો સામાન લઈને બેઠો હતો. વરસાદ કરતાં વાદળોનો ગગળાટ વધારે ડરાવે તેવા દ્રશ્યનું નિર્માણ થયું હતું ભુવાથી માંડ વીસ ડગલાં દૂર હતાં ત્યાં ભુવો તેની જગ્યા પરથી ઉભો થઇ ગયો અને બોલ્યો, આવો અમે તમારી જ રાહ જોઈ રહ્યાં હતાં. ત્યાં તો ભુવા સિવાય બીજું કોઈ હતું નહીં તો પછી ભુવાએ 'અમે' એવું કેમ કીધું. બસ પછી શું જ્યંતિ અને તેના મિત્રો ડર્યા અને સમજી ગયાં કે ભાઈ આજે કંઈક મોટું થવાનું છે.....

(ક્રમશ)
( વધુ આવતાં અંકે )