અમાસનો અંધકાર - 13 શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાસનો અંધકાર - 13

શ્યામલીએ વીરસંગની આપેલી પાયલ પહેરી વીરસંગની વાતને સ્વીકૃતિ આપી દીધી. એ જ એના મનમંદિરની પૂજારણ એવું મનોમન કહી પણ દીધું.

શ્યામલીના લગ્નની ઘડીઓ આવી ગઈ. લગ્નનું પહેલું નિમંત્રણ વેવાઈને આપવા જવાના વિચાર સાથે કાળુભા જમીનદારને આંગણે પહોંચે છે. હૂંફાળા આવકાર સાથે લગ્નને વધામણી આપી મોં મીઠા થાય છે. આખા ગામમાં વીરસંગના લગ્નની જ ચર્ચા હોય છે.

બપોરે ભાવભર્યા ભોજન પછી કાળુભા જમીનદાર પાસે રૂકમણીબાઈને મળવાની ઝંખના વ્યક્ત કરે છે. વીરસંગને સાથ જવા હુકમ થાય છે અને જુવાનસંગ વીચારે ચડે છે. વીરસંગના લગ્ન પછી આ રૂકમણીબાઈ એને પદ પરથી હટાવવા દીકરાને મજબૂર કરશે. દીકરાનો મોહ એ ડોસીને ક્યાંક ફરી રંગીન સપના દેખાડશે તો મારે એના જ જૂતાની ધૂળ ચાટવા મજબૂર થવું પડશે.

બે કાળુડા ઘોડા ગામના પાદરને વટાવી ગામથી થોડે દૂર આવેલી હવેલી પહોંચે છે. નારદ જે હવેલીનો ચોકિયાત છે એ તોતિંગ દરવાજો ખોલે છે અને અંદરની સુઘડતા, શાંત વાતાવરણ અને બેચેનીભરી નિરવતા જોઈ કાળુભા દંગ થઈ જાય છે.

કાળુભા બે હાથ જોડતો જોડતો જ તમામ માતા અને બહેનોને નમન કરે છે. રૂકમણીબાઈ અને રળિયાત બા મંદિરની સાફસફાઈ કરતા હોય છે. એ દરવાજો ખુલવાના અવાજથી એકીટશે આવનાર આગંતુકને નિહાળે છે. વીરસંગ એમનો પરિચય કરાવે છે. રૂકમણીબાઈ હરખાઈ છે પણ આંખો સિવાય એનો ચહેરો ઢંકાયેલો હોય છે. એ શ્યામલીના વખાણ કરે છે અને ખૂબ ખૂબ આશિર્વાદ આપે છે.

એક ઢોલિયે બેસીને રળિયાત બા વહેવારને લગતી વાતચીત કરે છે. રૂકમણીબાઈ તો નીચી નજરે જ રહે છે. વીરસંગ એક વાત ધ્યાનમાં લે છે કે એની માતા કે અન્ય સ્ત્રીઓ અહીં જરા પણ ખુશ નથી.

થોડીવારમાં દોડતે વેગે એક લાલ ઘોડા પર અસવાર થઇને જુવાનસંગ પણ આવે છે. જુવાનસંગના આવવાથી નાની વિધવા યુવતીઓ તો પોતાના રૂમમાં ભરાઈ જાય છે. રળિયાત બા પણ ઢોલિયેથી ઊભા થઈને એક બાજુ ઊભા રહી જાય છે. આટલી મર્યાદા અને જુવાનસંગનો ડર એ નીચી ઢળેલી નજરો વર્ણવી રહી હતી.

જુવાનસંગ થોડી મોટી મોટી વાતો કરી કાળુભા પર એનો પ્રભાવ પાડે છે. વીરસંગ હજી પણ એના કાકાને ઓળખી નથી શકતો. રૂકમણીબાઈ ઓળખી ગઈ છે એની નિતી પણ દીકરો ખોવાશે એ ડરથી કશું બોલતી નથી. આમ જ આ મુલાકાત અસમંજસમાં નાંખી દે એવી હતી.

હવે, કાળુભા પણ વિદાય લે છે. શ્યામલીએ મોકલેલ પેંડા અને રૂદ્રાક્ષની માળા એ ભગવાના મંદિર પાસે રાખે છે અને કહે છે આ તમારા માટે રૂકમણીબેન. આમ કહી, એ વીરસંગની માતાને પગે પડે છે અને કહે છે કે જાનની સંગાથે તમારે આવવાનું જ છે. અમારા અહોભાગ્ય કે અમ તુચ્છની દીકરીને આપે આપના પરિવારમાં સ્વીકારી. રૂકમણી તો ખાલી હાથ જોડી ઊભી રહે છે. એ જુવાનસંગની હાજરીમાં કંઈ બોલી શકતી નથી.

વીરસંગ પોતે કાળુભાને ગામના શેઢા સુધી મૂકવા જાય છે જુવાનસંગના હુકમથી.. એ બેયના ગયા પછી એ રૂદ્રાક્ષની માળા અને પેંડાના ડબ્બાને પગથી લાત મારે છે અને કહે છે કે " કાળા નસીબ લાવ્યાં છો ને ખાવા છે ધોરા પેંડા. "
તમને તો આ ઢોરનું નિરણ જ પચે. જમીન પર સૂતા સૂતા આકાશના સપના તમને કોઈને જોવાનો હક નથી. આમ કહી એ પણ જતો રહ્યો.

એના ગયા પછી નારદે એ હવેલીનો દરવાજો બંદ કર્યો અને ફરી એ પીંજરું કાળું લાગવા માંડ્યું. રળિયાત બા રડતી રૂકમણીબાઈને કહે છે , " દીકરી , ચૂપ થઈ જા. આના માટે કોઈ પાણિયારી ઘડાઈ જ હશે જે આનો જીવ લેશે."

---------------------- (ક્રમશઃ) -------------------

લેખક : શિતલ માલાણી

૯-૧૦-૨૦૨૦

શુક્રવાર