જુવાનસંગ અને એની પત્ની સાથે વીરસંગ ઘણા ઠાઠથી કાળુભાને ત્યાં નાનાગઢ જાય છે. આખું ગામ વીરસંગની એક ઝલક માટે ચોરે -ચોકે અને ઝરૂખે ટોળે વળે છે. હવે આગળ...
કાળુભા પોતાના ગામના પાંચેક વડીલો, ગોર અદા અને પોતાની પત્ની ચંદા સાથે ઘરના દરવાજે કાગડોળે રાહ જુએ છે. ઘરમાં શ્યામલીની સખીઓ રસોઈએ વળગી છે. રાંધણિયામાંથી પકવાનની મીઠી મહેંક અને વાસણના રૂપરી રણકા પણ સંભળાતા હતાં. આખું ગામ જવાનસંગના આગમનથી નતમસ્તક ઊભું રહ્યું. જવાનસંગની પત્નીના આભૂષણો સૂરજના કિરણો સાથે અથડાઈને સોનેરી બની ગયા હતા.
વીરસંગ પણ પાતળી મૂંછ, પડછંદ કાયા અને વાંકડિયા વાળ સાથે ખૂબ જ સોહામણો લાગતો હતો. પગમાં રાજસ્થાની મોજડી એની શ્રીમંતાઈની ચાડી ખાતી હતી. ગામની કુંવારિકાઓ તો શ્યામલીના ભાવિ પતિને જોઈને મનોમન ઈર્ષ્યા કરી રહી હતી. શ્યામલી પણ એના બંધ ઓરડાની તિરાડોમાંથી ભાવિ ભરથારની એક ઝલક માટે બેબાકળી બની હતી.
બે ઘોડાવાળી બગી શ્યામલીને દ્રારે ઊભી રહે છે. કાળુભા પોતે હેઠા બેસીને જુવાનસંગને હાથ આપી આવકારે છે. બાજુમાં ઊભેલ ગોર અદા કપાળે કુમકુમ તિલક કરી જુવાનસંગને ચોખલે વધાવે છે. વીરસંગને પણ કાળુભા હાથ પકડી નીચા નમીને આવકારો આપે છે. ચંદા હાથમાં મોટું તરભાણું લઈને ઊંબરે જ ઊભી હતી. એ પોતે માથાને પાલવડે ઢાંકી વીરસંગને એ તરભાણામાં ઊભો રાખી એના પગ દૂધ અને પાણીથી ધોવે છે. આવનાર જમાઈનું પહેલું સ્વાગત ત્યારે આ અંદાજમાં થતું. પોતાની સાડીના પાલવથી એના પગને લૂછી દે છે. કાળુભા પણ એની મોજડીને પગમાં પહેરાવી અંદર લઈ જાય છે. છેલ્લે બગીમાંથી જુવાનસંગની પત્ની ઉતરે છે એને ચંદા અને શ્યામલીની કાકી હરખથી ભેટે છે. બધા ઘરમાં પ્રવેશે છે.
બધાને ઉત્તમ આસન આપી અલકમલકની વાતોએ વળગે છે. મુહુર્ત થતાં ગોર અદા શુભ ચોઘડિયું નિશ્ચિત કરી બેય પક્ષની સહમતિ માંગે છે. બે મહિના પછીની તિથિ નક્કી થાય છે. બધા ગોળની ગાંગડીથી મીઠા મોંઢે લગ્નના મુહૂર્તને આવકારે છે. જમીનદારની પત્ની ચંદાની સાથે શ્યામલીના ઓરડામાં જાય છે. એ કૂમળી કળી આજ નવરંગી પરિધાનમાં તો સુંદર રાજકુમારી જેવી જ લાગતી હતી. શ્યામલીએ પણ વીરસંગનું સ્વાગત બંધ બારીની તિરાડોમાંથી જોયું. એને તો એનો શામળિયો એની સાથે આજ જ લઈ જાય એવી ઈચ્છા થઈ ગઈ.
વીરસંગની કાકી શ્યામલીને ચણિયાચોળી અને આભૂષણોની મોંઘેરી ભેટ આપી. ઓવારણા લેતા લેતા શ્યામલીને ઢગલો આશિષ વચનો પણ આપ્યા. શ્યામલીની સખીઓ હસતી હસતી એના ગાલે પડતા શરમના શેરડા જોઈ રહી હતી. એક સખીએ તો કોણી મારતા કહ્યું કે " તારી ઈચ્છા હોય તો વીરસંગને બોલાવીએ અહીં."
થોડીવાર પછી ભોજનની વેળા થઈ. જુવાનસંગને કાળુભા બાજુમાં જ બેઠા. હસી મજાક અને વહેવારીક વાતો સાથે બધા ભોજનને ન્યાય આપી રહ્યાં હતા. વીરસંગને અલાયદા ઓરડામાં શ્યામલીએ જાતે થાળ પિરસ્યો હતો. નખશિખ આ અપ્સરા જેવી એની ભાવિ પત્ની આજ રીતે કાયમી ભોજન પિરસશે એવા ભાવ સાથે વીરસંગ ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે.વીરસંગને પણ કાળુભા અતિ આગ્રહથી જમાડે છે. બધા મહેમાનો મોજથી મહેમાનગતિ માણે છે.
જમણવાર પછી સંધ્યા સમયે જમીનદાર નાનાગઢથી પાછા ફરવાની અનુમતિ માંગે છે. ચંદા વીરસંગના હાથમાં એક થેલી આપે છે. એમાં નવરંગી પાઘડી છે. એ પહેરનાર વીરસંગ એની દીકરીનું માન સદાય જાળવશે એ હેતુથી આપવામાં આવી છે.
વીરસંગ નીકળતી વખતે શ્યામલીની સખીના હાથમાં એક પોટલી છોડતો જાય છે. એ સંપેતરૂ શ્યામલીના નામનું હોય છે. બધાના ગયા પછી એ પોટલી ખોલીને જોતા શ્યામલી માટે સુંદર મોતીજડિત પાયલ હોય છે. હરણી જેવી ભાગમભાગ કરતી શ્યામલી એ પાયલને પહેરી બહુ ખુશ થાય છે. અંદરથી એક ચિઠ્ઠી પણ નીકળે છે એમાં લખ્યું હોય છે કે ' મારી માતાના હાથની બનાવેલી આ પાયલ પહેરી મારા મનમંદિરમાં પધારજે.'
હવે તમે અને હું શ્યામલી અને વીરસંગના મિલનની વેળાને માણશું..
--------------- (ક્રમશઃ) ---------------
લેખક : શિતલ માલાણી
૯/૧૦/૨૦૨૦
શુક્રવાર