" સમર્પણ " પ્રકરણ-6
આપણે પ્રકરણ-5 માં જોયું કે પરાગભાઈએ જીવરામશેઠને ઘરે પોતાની દીકરી પરણાવવાની " ના "
પાડી દીધી કારણ કે તે એવું માનતા હતા કે પૈસાવાળાને ઘરે દીકરી પરણાવીને કરિયાવર પણ એટલો જ કરવો પડે માટે તેમનું મન પાછું પડતુ હતુ.
હવે આગળ....
મગનકાકાનો જવાબ સાંભળીને ઈલાબેન તેમજ જીવરામ શેઠ બંને વિચારમાં પડી ગયા હતા. અને જીવરામશેઠ તો બોલ્યા પણ ખરા કે, " આપણે ક્યાં કંઈ કરિયાવર કે દહેજ કશું જોઈએ છે..?? "
ઈલાબેને પણ જીવરામ શેઠની આ વાતમાં હાજીઓ પૂરાવ્યો. પણ હવે પરાગભાઈને કોણ સમજાવે...?? તે
પ્રશ્ન હતો.
અનિષ બહારથી આવ્યો એટલે તેને પણ આ સમાચાર મળ્યા. એટલે તે ખૂબજ દુઃખી થઇ ગયો. અને હવે શું કરવું તેમ વિચારવા લાગ્યો પછી પોતાની મોટી ભાભી પાસે પહોંચી ગયો અને ભાભી પાસે જઈને ખૂબજ દુઃખી અવાજે કહેવા લાગ્યો કે, " ભાભી, નમ્રતાના પપ્પાએ તો " ના " પાડી હવે આપણે શું કરીશું. " મોટી ભાભી નિલમ જેટલી ડાહી અને ઠરેલ હતી તેટલી જ ઠાવકી અને હોંશિયાર પણ હતી. તેણે એકદમ શાંતિથી, પોતાના નાના દિકરાને સમજાવતી હોય તેમ અને તેટલા જ વ્હાલથી પોતાના લાડકા દિયર અનિષને સમજાવવા લાગી કે, " અનિષભાઈ તમે ચિંતા ન કરો, હજી સમય વહી નથી ગયો...!! નમ્રતાનું સગપણ બીજે થઈ નથી ગયું...!! હજી તો બાજી આપણાં હાથમાં જ છે. આમ નિરાશ શું થઈ જાવ છો..?? થોડી હિંમત રાખો અને તમે જો સાચા દિલથી નમ્રતાને પ્રેમ કર્યો હશે તો તે તમને મળશે જ... ભગવાન પર વિશ્વાસ રાખો. " અને પછી પોતાના લાડકા દિયર અનિષને માથે તેણે એક માતા પોતાના દિકરાને માથે હાથ ફેરવે તેમ હાથ ફેરવ્યો અને નિલમ બોલી કે, " અનિષભાઈ તમે ચિંતા ન કરશો હું આવતીકાલે જ તમારા સગપણનું માંગું લઈને નમ્રતાના ઘરે જઈને તેના માતા-પિતાને સમજાવું છું અને તે મારી વાત ટાળી શકશે નહિ. એવો મને વિશ્વાસ છે. "
મોટી ભાભીના આટલા પ્રેમથી સમજાવ્યા પછી અનિષના મનમાં પાક્કું થઈ ગયું હતું કે હવે મારી આ મા સમાન ભાભી ચોક્કસ મારું સગપણ નક્કી કરી દેશે અને તેના મનમાં જે અજંપો હતો, જે વિચારોનું ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું તે શાંત પડી ગયું હતું.
બીજે દિવસે સવારે જ મોટી ભાભી નિલમે પોતાની સાસુ ઈલાબેનને અનિષના સગપણ વિશે વાત કરી પરાગભાઈના ઘરે જવા માટે પોતાના સાસુ ઈલાબેન પાસેથી રજા માંગી લીધી.
અને પછી વ્હાલા દિયરની ઈચ્છા પૂરી કરવા નિલમે પોતાની સાથે લઈ જવા માટે દેરાણી નીમાને પણ તૈયાર કરી. બંને જેઠાણી દેરાણીને લાવવા માટે નીકળી ગઈ હતી.
નિલમ અને નીમાને આવતાં જોઈને જ રૂપાબેન અને પરાગભાઈને ખબર પડી ગઇ હતી કે આ બંને લગ્નનું માંગું લઈને જ આવ્યા હશે. રૂપાબેને બંનેની ખૂબ સરસ રીતે આગતા-સ્વાગતા કરી. નિલમે ઠાવકાઈપૂર્વક વાતની શરૂઆત કરતાં કહ્યું કે, " અમે અમારા દિયર માટે આપની દીકરી નમ્રતાનો હાથ માંગવા માટે આવ્યા છીએ. તમને જો કરિયાવરની ચિંતા થતી હોય તો, એ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની નથી. ભગવાનનું આપેલું અમારા ઘરે બધું જ છે અમારે તો ખાલી કંકુ અને કન્યા જ જોઈએ છે. આપની દીકરી નમ્રતા અને અમારા અનિષભાઈ એકબીજાની સાથે જ નાના- મોટા થયા છે સાથે જ રમ્યા છે અને સાથે જ ભણ્યા છે એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે. નમ્રતા ખૂબ ડાહી અને સંસ્કારી છોકરી છે અને અમને બધાને પસંદ છે માટે જો આપની ઇચ્છા હોય તો આપણે આ સગપણ પાક્કુ કરી દઈએ. " અને નમ્રતાને બોલાવીને નિલમે પોતાની પાસે બેસાડી તેને માથે વ્હાલથી હાથ ફેરવ્યો અને નમ્રતાને પણ પૂછ્યું કે, " બનીશને અમારા લાડકા દિયરની વહુ, નમ્રતા શરમાઈ ગઈ અને ઈશારાથી તેણે " હા " ભણી.
નિલમની વાત સાંભળીને રૂપાબેન અને પરાગભાઈને પણ રાહત લાગી અને તેમણે પણ આ સગપણ માટે " હા " ભણી. આખુંય વાતાવરણ જાણે ખુશીથી મહેંકી ઉઠયું. હવે બસ શરણાઇના સૂર રેલાય તેટલી જ વાર હતી....આગળના પ્રકરણમાં....