સમર્પણ - 29 Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 29


આગળના ભાગમાં આપણે જોયું કે એકાંત તરફની લાગણીને દિશા છુપાવી રાખે છે. એકાંત પણ દિશા તરફથી પહેલની રાહ જુએ છે. દિશા વૃદ્ધાશ્રમમાં સેવા આપવા માટે જવાનું શરૂ કરી દે છે, આગળના દિવસે રુચિને પણ જણાવી દે છે. રુચિને પહેલા આશ્ચર્ય થાય છે પણ પછી એ સમજી જાય છે અને ખુશી ખુશી એ બાબતે સહમત થાય છે. દિશાની હાજરીથી વૃદ્ધાશ્રમનું વાતાવરણ હર્યું ભર્યું બની રહે છે, દિશા અને ત્યાંના વડીલો એક બીજા સાથે ભળી જાય છે. દિશા આશ્રમમાં કોઈપણ જાતની શરમ અથવા મોટાઈ રાખ્યા વગર નાના મોટા દરેક કામ કરવા લાગે છે. વડીલો પાસે બેસીને તેમની વાતો પણ સાંભળે છે. તેમની કેટલીક વાતોથી દિશાને હિંમત બંધાય છે અને "વિસામો" પ્રત્યે લાગણી પણ બંધાવવા લાગે છે. આશ્રમમાંથી ઘરે આવીને દિશા રુચિ સાથે આશ્રમના અનુભવો વ્યક્ત કરે છે. દિશાના ચેહરાની ખુશી રુચિ પારખી લે છે. એકાંત ફોન ઉપર વાત કરવાનું કહેવા છતાં દિશા મનને મક્કમ રાખી મેસેજમાં જ વાત કરે છે. દિશા પણ સમજી ચુકી હતી કે એકાંતનો પ્રેમ નિઃસ્વાર્થ છે. તેમ છતાં પોતે પ્રેમને કબૂલી શકે એમ નહોતી. તો સામે એકાંત પણ દિશાને જણાવી દે છે કે તે મિત્રતાની મર્યાદાને ક્યારેય ઓળંગશે નહિ, પરંતુ તેના તરફનો પ્રેમ અકબંધ રહેશે અને તેના જ પ્રેમમાં ડૂબેલો રહેશે. દિશા પણ એકાંતની કલ્પનાઓ કરી અને તેને પોતાની સમીપે અનુભવી લેતી હતી. દિશા જાણતી હતી કે જો એકાંત સામે તે પોતાનું દિલ ખોલી નાખશે તો એકાંત દુનિયાની ચિંતા કર્યા વગર તેનો હાથ થામી લેશે, જે પોતાના તરફથી અશક્ય છે. એકાંતે દિશાને ઘણીવાર મળવા માટે કહ્યું પરંતુ દિશા દર વખતે પોતાની ઈચ્છા હોવા છતાં મળવાનું ટાળતી રહેતી.
હવે જોઈએ આગળ....!!

સમર્પણ - 29

થોડા દિવસમાં આ નવા જ નિત્યક્રમમાં દિશા ઘડાઈ રહી હતી. રુચિ અને નિખિલ પોતાના વિવાહ અને લગ્ન વચ્ચેના ગોલ્ડન પિરિયડને ભરપૂર માણી રહ્યા હતા. બંને વચ્ચે કારણ વગર જગડ્યા કરતી રુચિની ફરિયાદો સામે દિશા નિષ્પક્ષ નિખિલનો સાથ આપતી. ખુશમિજાજ નિખિલ પણ દિશાનું ખૂબ ધ્યાન રાખતો. તે થોડા-થોડા દિવસે લંડન દાદા-દાદી સાથે પણ વિડીઓકોલમાં વાત કરી લેતો. સમય મળે રુચિના નાના-નાનીને પણ મળી આવતો. બધા જ રુચિને નિખિલનો સાથ મળવાથી સંતોષ પામતા.
હવે દર અઠવાડિયાના અંતે લગ્નની ખરીદી પણ થઈ રહી હતી.
દિશા પોતાની નજર સામે રુચિની પ્રાયોરિટી બદલાતા જોઈ રહી, જે જરૂરી પણ હતું. ઉંમરના આ પડાવ ઉપર દિશા બધી જ વાતમાં પોતાનું મન માનવતા ખૂબ સારી રીતે શીખી ગઈ હતી. પહેલાની રોજિંદી ઘાટમાળનું બધું જ ધીમે-ધીમે બદલાઈ રહ્યું હતું. રુચિ-દિશા વચ્ચેનો વાર્તાલાપ હવે ઓછો થઈ ગયો હતો. નિખિલના અને એની સાથે આવનારી જિંદગીના સપનામાં રુચિ ખોવાઈ રહી હતી. એ બધામાં ''વિસામો''એ ખરેખર દિશાને એક નવી રાહ ચીંધાડી હતી. ત્યાંના વડીલો અને દિશા વચ્ચે એક નવો સેતુ બંધાઈ રહ્યો હતો. પુરેપુરા ખંત અને હૃદયથી દિશા તેનાથી બનતું લગભગ બધું જ કામ કરી આપતી. ત્યાં રોજ સવારે હવે કાગડોળે દિશાના આવવાની રાહ જોવાતી. અને વડીલોને રોજ કંઈક નવું કરાવવા દિશા તત્પર રહેતી. કોઈકને ફિલ્મ જોવા જવું હોય, કોઈને મંદિર જવું હોય તો વળી કોઈને શોપિંગ કરવાની ઈચ્છા થઈ હોય, બધા જ દિશાને બેધડક પોતાની ઈચ્છાઓ જણાવતાં, અને દિશા વારાફરતી એ ઈચ્છાઓને પુરી કરવાના પ્રયત્નો કરતી.
બધી જ વસ્તુમાં જો કાંઈ ના બદલાયું હોય, તો એ હતું, ''એકાંત''ની પોતાની સાથે વાત કરવાની તત્પરતા, એના શબ્દોથી નીતરતો અઢળક પ્રેમ, અને એની વાતોથી છલકાતો પોતાના સાથ માટેનો ઇન્તજાર...
ઘણીવાર સંજોગ એવા આવીને ઊભા રહી જાય, કે બધું જ હોવા છતાં ખાલીપો વર્તાય છે. આજે દિશા એવા જ વળાંક ઉપર ઉભી હતી. જોવા જઈએ તો, કશું જ ખૂટતું નહોતું. બધું જ હતું એની પાસે, પોતાનું ઘર, ગાડી, ઘરનાં નો સાથ, પ્રેમાળ દીકરી, સમજદાર જમાઈ, અને પ્રેમના સ્ત્રોત સમો એકાંત. આ બધામાંથી ''એકાંત'' નામનો એક જ મણકો એવો હતો કે એ પોતાના જીવન રૂપી માળામાં પરોવી શકતી નહોતી, માળાના બેય છેડા હાથમાં લઈ દિશા પોતાની જીવન નૈયામાં બેઠી-બેઠી ભારોભાર અસમંજસના વમળોમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરતી રહેતી. પણ એક વાતથી એ અજાણ હતી, એ નાવડીના હલેસા ચલાવનાર બીજું કોઈ નહીં પરંતુ ''એકાંત'' જ હતો. જે પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે જ કાળજીપૂર્વક દિશાને સંભાળી રહ્યો હતો.
આજે સુરજે ઉગવામાં આળસ કરી હોય એમ લાગ્યું. રુચિને પણ પરાણે ઉઠાડવી પડી. દિશાએ આજે મહા મહેનતે પોતાની ઉત્સુકતાને સંભાળવાની હતી. રુચિએ ઊઠતાં વેંત જ પૂછી લીધું, ''તને થયું છે શું ? કેમ આટલી ઉતાવળી થાય છે આજે બધી વાતમાં ?'' દિશા થોડી ભોઠી પડી, ''હે ?.. ના રે.. તું રોજ રોજ ઉઠવામાં મોડું કરે છે પછી મારે કામનું મોડું થાય એટલે...બાકી મને શું થવાનું હતું ?'' બોલી તો ગઈ, પણ પોતે પોતાના વર્તનમાં ક્યાં થાપ ખાધી એ વિચારવા લાગી. ત્યાંજ રુચિએ પાછળથી આવીને બંને હાથે દિશાને પકડી અને કાનમાં પૂછ્યું, ''સાચું કહે, શું વાત છે ? આજે મારી મમ્મી સૂર્ય કરતા પણ ઉજળી અને હવા કરતાં પણ ઠંડી કેમ લાગે છે ?''
દિશાએ થોડું સંકોચાતા અને થોડું ગભરાતાં હળવેકથી કહ્યું, ''આજે અમે મળવાના છીએ.''
રુચિએ દિશાની પરિસ્થિતિ સમજી જતાં આશ્ચર્ય સાથે પોતાની પકડ થોડી વધુ મજબૂત કરી, ''મોમ... એકાંત ???''
દિશાએ હકારમાં ફક્ત માથું ધુણાવ્યું.
રુચિએ હવે દિશાને ગોળ ફેરવી પોતાની સામે ઉભી રાખી , અને બાજુમાં રહેલી ખુરશીમાં એને બેસાડી. પોતે એના ઘૂંટણ પકડીને જમીન ઉપર બેઠી, ''મમ્મી, સાચું કહું ? તારી ખુશીમાં મારી પણ ખુશી છે. બસ એક વાતનો ડર છે કે તારો એમના ઉપરનો વિશ્વાસ ખોટો સાબિત ના થાય.'' દિશા પણ રુચિની પોતાના માટેની ચિંતા સમજી શકતી હતી. પરંતુ એકાંત વિશે એ હમણાં એને વધારે કાંઇ સમજાવી કે જણાવી શકે એમ નહોતી. ક્યારે, ક્યાં, કઈ રીતે મળવાનું વગેરેની વાતો કરી બંને જણાએ નીકળવાની તૈયારી કરી. દિશાએ એકાંતને પણ મેસેજમાં એ વિશેની જાણ કરી દીધી.
રુચિના કહેવા પ્રમાણે રિવરફ્રન્ટ પાસેના એક કેફે માં મળવાનું નક્કી થયું હતું. મળવાનો સમય જેમ જેમ નજીક આવતો હતો, એમ એમ દિશાના દિલની ધડકનો તેજ થઈ રહી હતી. આટલા સમયનો ઓનલાઈન મિત્ર ગણો કે પ્રેમ સામે આજે રૂબરૂ થવાનું હતું. એ સમય પણ આવી ગયો...
રુચિએ દિશાને એક કેફે પાસે ઉતારી. ત્યાં એકાંત પહેલેથી જ ગાડીમાં એની રાહ જોઈ રહ્યો હતો. દિશાએ બંનેની ઔપચારિક ઓળખાણ કરાવી. રુચિના ગયા પછી એકાંતે દિશાને ગાડીમાં બેસવા કહ્યું, અને બાજુની સીટનો દરવાજો ખોલી આપ્યો. અને ગાડી એક જગ્યાએ આવીને ઉભી રાખી. વધારે પડતી ઉત્સુકતાએ બંને ને મૌન બનાવી દીધા હતા, છતાં એકાંત ગમે તેવી વાતો નો દોર ચાલુ રાખવા પ્રયત્ન કરતો, જેનો દિશા બને એટલા ટૂંકમાં જવાબ આપતી.
ગાડી રિવરફ્રન્ટ આવીને ઉભી રહી હતી. એકાંત બહાર નીકળ્યો, દિશા તરફ આવીને દરવાજો ખોલી એને બહાર આવવા ઈશારો કર્યો. બપોર હોવાથી ત્યાંની ચહલ-પહલ નહિવત હતી. એક જગ્યાએ છાંયડો જોઈને બંને એ બેસવાનું નક્કી કર્યું. એકાંતે આજે પ્રેમ સિવાયની બધી જ વાતો કરી, જેથી દિશા આ પહેલી મુલાકાતને હળવાશથી લઈ શકે. ધીમે ધીમે દિશા પણ વાતોમાં ખુલવા લાગી. દિશા સામે વહી રહેલા નદીના પાણી તરફ જોઈને વાતો કરી રહી હતી, જ્યારે એકાંતની નજર દિશા પરથી એકવાર પણ હટી શકી નહીં. કલાક જેવું બેઠા હશે, થોડી વારના બંને તરફના મૌન પછી, એકાંતે લગભગ સ્વગત કહ્યું , ''દિશા...'' દિશાની તંદ્રા તૂટી એણે એકાંત સામે જોયું, પહેલી વાર રૂબરૂ એની આંખોમાં જોવાનો આ પહેલો અવસર હતો. એ પણ નજર હટાવી શકી નહીં. એકાંતે પોતાનો જમણો હાથ આગળ ધર્યો. દિશા પાસે વિચારવાનું કાઈ હતું જ નહીં, યંત્રવત એણે પોતાનો જમણો હાથ એના હાથમાં મૂકી દીધો. એકાંતે એને પાળી ઉપરથી હળવેકથી ઉતરવામાં મદદ કરી. દિશાએ પણ ઉતરીને ગાડી તરફ જવા પગ ઉપાડ્યા. ત્યાંજ એકાંતે પાછળથી થોડા મોટા અવાજે એને બોલાવી, ''દિશા...''
દિશાએ પાછળ ફરીને જોયું, એકાંતની લગભગ છ ફૂટની લંબાઈ અચાનક ચાર ફૂટ થઈ ગઈ હતી. એકાંત ઘૂંટણિયે બેઠો હતો. દિશાની પાંપણોએ ઘડીભર જપકવાનો ઇનકાર કરી દીધો. હોઠ એની જાતે જ હળવે-હળવે ખીલી રહ્યા. હૃદયે એના મગજને રાજીનામુ આપી દીધું. એકાંતે ફરી એનો હાથ લંબાવ્યો, દિશાએ પણ પોતાનો હાથ આપ્યો. એકાંતે કહ્યું, ''દિશા, તું મારા પ્રેમના સ્વીકારને સંમતિ નથી આપી શકતી, તો ના આપ. પણ મારી લાગણીઓને તું સમજી શકે છે ને ? વિશ્વાસ છે ને મારા ઉપર ? ક્યારેય દગો નહીં દઉં દિશા... આજે અને આજ પછી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તને કોઈની પણ જરૂર પડે એમાં મારુ નામ હંમેશા પહેલા સ્થાન ઉપર રહે તેમ હું ઈચ્છું છું. તું ભલે મારો પ્રેમ ના સ્વીકાર. તારી લાગણીઓને પણ દબાવી રાખ મને વાંધો નથી, પણ હું તારો ઇમરજન્સી નંબર બનવા માંગુ છું, જે દરેક પરિસ્થિતિમાં સૌથી પહેલો ડાયલ થાય...''
''May I ???''
દિશા થોડી વાર એને જોતી જ રહી, અને જરાક અમથું ડોકું હલાવી આંખોથી એને સંમતિ આપી. એકાંત પોતાની આંખોમાં પહેલીવાર આવેલા પાણીને પરાણે રોકી રાખતા, સહેજ હસ્યો. અને દિશાને થેન્ક યું કહીને થોડી વાર એમજ એકબીજાની આંખોમાં જોઈ રહ્યા. શરમાઈ રહેલી દિશા અને આસપાસની પરિસ્થિતિનું ભાન થતાં જ એકાંત દિશા સાથે ગાડી તરફ આગળ વધ્યો. ગાડીમાં બેઠા પછી બંને એ વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ કરી શક્યા નહી. રિવરફ્રન્ટથી એ લોકો ફરી કેફે આવી પહોંચ્યા. કેફેમાં બેઠા પછીની મુશ્કેલી જરાક વધારે અઘરી હતી, ''મંગાવવું શુ ???'' એકાંતે એ જવાબદારી દિશાને સોંપી.
દિશાએ વેઇટરને બે ''ચ્હા'' નો ઓર્ડર આપી દીધો. એકાંતે તરત જ એક ''ચ્હા'' કેન્સલ કરાવી, અને એક પેસ્ટ્રીનો ઓર્ડર આપ્યો. દિશાએ આ વિચિત્ર કોમ્બિનેશનનું કારણ પૂછતાં જ એકાંતે કહ્યું, ''મેડમ, હું ''ચ્હા'' જેવો common અને તમે ''પેસ્ટ્રી'' જેવા vip. આ અજુગતા કોમ્બિનેશનથી આ પહેલી મુલાકાતને મારે મીઠાશ આપવી છે. આપણી વચ્ચે કાંઈ જ સરળ નથી તો આ મુલાકાતને પણ થોડી વિચિત્ર જ બનાવીએ.''
દિશા, એકાંત અને એના વિચારોથી વધુ પ્રભાવિત થઈ અને બંને જણાએ થોડીક વાતો-વાતોમાં અને થોડુંક એકબીજાને જોઈ રહેવામાં ઠંડી થઈ ગયેલી ચ્હા સાથે પેસ્ટ્રીની લિજ્જત માણી.
સાંજે પાછા વળતાં એકાંતે દિશા સમક્ષ ''વિસામો''ની મુલાકાત કરાવવાનો પ્રસ્તાવ મુક્યો. દિશાએ પણ એકાંતની આ ઈચ્છાને સમર્થન આપ્યું. દિશાએ ''વિસામો''ના દરેક વડીલ સાથે એનો પરિચય કરાવ્યો. મનુભાઈ અને સરલાબહેન સાથે ઓળખાણ પણ કરાવી. એકાંતે તક મળતાં જ અઠવાડિયે એકવાર અહીંની મુલાકાતની પરવાનગી પણ મેળવી લીધી.
વધુ આવતા અંકે...