મધુરજની - 13 Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધુરજની - 13

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૧૩

મેધે ફરી વિચારી લીધું. આ મધુરજની તો શૂળ બની ગઈ હતી. માનસી ગમતી હતી એથી જ તે એને પરણ્યો હતો. સુમંતભાઈએ તેના પર અઢળક કૃપા કરી હતી એ તો પછીની બીના હતી. કોઈ પણ પુરુષ તેને પસંદ કરે જ એટલી સુંદર તો તે હતી જ. તે તો સાવ અજાણ્યો પણ નહોતો, છ માસના પરિચય હતો.

તેને થઈ આવ્યું કે તે એક અંધારી ગલીમાં સપડાઈ ગયો હતો જેનો કોઈ અંત જ નહોતો. મધુરજનીમાં નીકળ્યા હતાં. શો અર્થ બચ્યો હતો એ શબ્દનો? આખું જગત ઉપહાસ કરતું હોય તેમ લાગતું હતું. એક સમયે તો તેને થયું કે તે મન પરનું નિયંત્રણ ખોઈ બેસશે.

અને સામે છેડે રહેલી માનસી પણ કદાચ એવીજ સ્થિતિમાંથી ગુજરી રહી હતી. આ વાત કહેવી પણ કોને? અંગત મિત્રને કહી શકાય. માર્ગદર્શન મળે પણ ખરું, પણ અહીં કોઈ અંગત હોઈ શકે ખરું?

માનસી તેને જ શા માટે પરણી? સાહેબને મળ્યો જ શા માટે? ખરેખર...તેના ભાગ્યમાં આમ હશે?

કશું ના સુઝતા, સવારે ફોન કરવા નીચે ગયો. માનસી સ્નાન કરવા જતી હતી. સામે જોયું પણ તે મૌન જ રહ્યો. કશું બોલવાની ઈચ્છા જ ના થઈ.

પટેલ સાહેબ સાથે વાતો થઈ. ખુશ થઈ ગયા.

‘હં...મેધ...બંને મજામાંને? ક્યાં છે માનસી? અને હા, તારું રીઝલ્ટ હવે આવશે. એક બે દિવસમાં. આવો નિરાંતે. સુમંતભાઈ તો કોઈ આશ્રમમાં પહોંચી ગયા છે. મેધ, સુમંતભાઈની વાતની માનસીને જાન ન થાય, એની કાળજી રાખજે. અને પ્રાધ્યાપકનો ઇન્ટરવ્યુ પંદરેક દિવસમાં ગોઠવવાનો વિચાર છે. તું આવી જાય પછી...’

પછી વતનમાં વાત કરી. લત્તાબેન જ હતા.

‘કોણ મેધ? મજામા દીકરા? ઠંડી કેવી પડે છે? અને મારી વહુ ક્યાં છે? મારે તો તેની સાથે વાત કરવી છે. મેધ...તને કેવી રીતે સમજાવું કે આ વહુ શબ્દ કેટલો ભાવવાહી લાગે છે મને? અને એ છે પણ વહાલી લાગે તેવી. સાવ નિર્દોષ બાળકી જેવી. તમે સીધા અહીં જ આવજો. અહીં પણ વહુનો સત્કાર કરવો પડશેને? કંકુપગલાં કરવા પડશેને? સહુ થનગની રહ્યા છે અહીં. તારા પપ્પા પણ હરખમાં જ હોય ને. બેટા, અમને તો આ બધું ચમત્કાર જેવું જ લાગે છે. કેટલી મૂંઝવણો હતી? આ ઘર છોડવાનું ગમત ખરું? અને એ સમય આવ્યો હતો આપણો. આબરું જાય પછી તો આખી જિંદગી વેરણછેરણ થઈ જાય. માનસીને પગલે....બધું શુભ બની રહ્યું છે. અને તને નોકરી પણ મળી જશે. બેટા, માનસી શુકનવંતી છે.’

ગળગળા થઈ ગયા હતા લત્તાબેન. પુનઃવિચારમાં પડી ગયો મેધ. સહુ માટે માનસી શુકનવંતી હતી. તેના પગલાં શુભ હતાં. પરિવારની આબરૂ બચી ગઈ હતી. સહુ ખુશ હતા.

‘આમાં મારા સુખની શી વિસાત?’ તે હસ્યો હતો.

‘મેધ, તારી વાતને કોઈ સ્વીકારશે પણ નહીં. તને જ દોષિત ગણશે.’

તે હોટલની રૂમમાં આવ્યો. સરસ તડકાવાળી સવાર હતી. માનસી ન દેખાઈ. બાથરૂમનું બારણું ખુલ્લું હતું. તે ત્યાં પણ નહોતી. મેધને ફાળ પડી. ‘માનસી’ તેણે ઉતાવળે સાદ પાડ્યો. ઉત્તર ના મળ્યો. તે તરત જ બાલ્કનીમાં ધસ્યો.

માનસી રેલીંગ પર નમી રહી હતી. તેનું અર્ધું શરીર તો પેલી તરફ ઝૂકી રહ્યું હતું.

એક પળમાં તો...માનસી ખીણના ઢોળાવમાં ગબડી પડવાની તૈયારીમાં હતી.

અચાનક જ મેધે તેને પકડી લીધી. તેના મોંનો રંગ ઊડી ગયો. હતી એટલી શક્તિ ભેગી કરીને તેણે માનસીને ખેંચી લીધી. માનસીની ઓઢણી સરીને ખીણમાં નીચે ઊતરી ગઈ હતી. માનસીની આંખોમાં સ્તબ્ધતા હતી. તે ખૂબ ગભરાયેલી હતી.

‘આ તું શું કરી રહી હતી, માનસી?’ મેધના સ્વરમાં ભય હતો. ‘માનસી તું ક્યારેક આવું ના વિચારતી.’

માનસી મેધને વળગી પડી. બેયનાં શરીરોમાં કંપ હતો.

‘કમનસીબ સ્ત્રી બીજું કરે પણ શું?’ માનસી કંપતા સ્વરે બોલી.

‘માનસી, કશું થયું હોત તો?’ મેધ ગભરાટમાં બોલ્યો.

‘અકસ્માત તો થતાં જ હશેને, આ ખીણમાં?’

‘માનસી...આમ ન કરાય, પ્લીઝ...’

‘મેધ...તને સુખ નથી આપી શકતી એ વાત મને કેટલી ડંખે છે?’

‘પણ આથી મને..શું મળત? અને તને તો...’

‘હા, મેં ચિઠ્ઠીમાં લખ્યું પણ છે...’

‘ચિઠ્ઠી...? તેં લખી?’

‘હા, મેધ...આ રીતે જીવવાનો કશો અર્થ જ નથી. તું..સોનલદેને પરણી શકે...એ માટે જ...’

‘સોનલદે...?’

‘મારી સખી સોનલદે. મેં તેના પર પણ ચિઠ્ઠી લખી છે...મેધ...તે તમને સુખી કરશે. બધી સ્ત્રીઓ કાંઈ મારા સરખી કમનસીબ ના હોય. આવી ઘટના કાંઈ બધાંનાં જીવનમાં...’ આટલું કહેતા તે અટકી.

‘માનસી...આપણે હવે આ સ્થળ છોડી જ દઈએ. સ્થળ કમનસીબ છે. આપણે પછી સ્વસ્થતાથી વિચારીશું...’

અને એક કલાકમાં તો મેધ પેક’પ કરી નાખ્યું.

‘ક્યો સાબ...જલદીસે? મૌસમ તો અચ્છા હૈ...’ કાઉન્ટર પરના બાબુએ નવાઈની લાગણી વ્યક્ત કરી. તેણે માનસીના ચહેરા પરનો તણાવ પણ વાંચી લીધો. પછી કશું જ ન પૂછ્યું, સમજમાં આવી ગયું કે મૈમસાબ ખુશ નહોતા.

આ તો સહજ ઘટના હતી. કેટલાય યુગલો અહીં આવતા જતા. દરેકની વાત અલગ અલગ હોય.

વિવેક થઈ ગયો. હિસાબ પણ ચૂકતે થઈ ગયો.

‘આપ ફિર...આઈયેગા.’ તેણે આશા વ્યક્ત કરી.

મેધે હસી લીધું. અછડતી દૃષ્ટિ ફેરવી હતી આસપાસના દૃશ્યો પર. સામાન રિક્ષામાં મૂક્યો. માનસી મેધના હાથનો ટેકો લઈને બેઠી. હજી પણ તેના હાથમાં કંપ અનુભવાતો હતો. મેધ વિચારતો હતો કે તેણે એક પળનો વિલંબ કર્યો હોત તો કેવી મોટી દુર્ઘટના સરજાત?

માનસી નતમસ્તક બેઠી હતી. મેધે જમણા હાથે તેને પકડી. માનસી નીકટ આવી. તેણે હસવાનો પ્રયત્ન કર્યો.

કેવી મોટી દુર્ઘટના ઘટી હોત જો...તે વિલંબથી...આવ્યો હોત. એ વાત મનમાં સતત ઘુમરાતી હતી.

માનસી સાજીસારી તેની પાસે હતી, તેનાં હાથમાં હતી. તેણે આમ શા માટે કર્યું હશે ? તે પણ તેના જેટલી જ અસ્વસ્થ હશે ? હતી જ વળી.

તે શા માટે માનસીને છોડીને જતો રહ્યો ? ફોન કરવાનું કામ ખાસ અગત્યનું નહોતું. એ તો પછી પણ થઈ શકત. અરે, માનસીને સાથે લઈને પણ જઈ શકત.

ખરેખર તો તે માનસીથી દૂર ગયો હતો. તે તેનો રોષ, અણગમો વ્યક્ત કરી રહ્યો હતો.

આવી સ્થિતિમાં માનસીના આળાં મન પર શું વીતે- એની તેણે કલ્પના જ ક્યાં કરી હતી. આઘાતના પ્રત્યાઘાત તો પડે. અને એમ જ થયું હતું.

માનસી સાવ એકાકી બની ગઈ, શૂન્યમનસ્ક બની ગઈ. મેધ પોતાના ખ્યાલોમાં ડૂબ્યો હતો પણ માનસી તો તેના અતીત સામે ઝઝૂમી રહી હતી.

અને એ નહળી ક્ષણે તે એ દિશામાં ધસી ગઈ હતી. અત્યારે પણ તે પૂરી સ્વસ્થ ક્યાં હતી ? આંખો બંધ કરતી તો સામે ઊંડી ખીણ ઉઘડતી હતી. શ્વાસ અધ્ધર થઈ જતો હતો. ભીતર કશું વમળાતું હતું.

‘સારું થયું......કે મેધે....તેને ઝાલી લીધી.’ તે વિચારતી હતી. પણ એ ક્ષણે તો તેને થયું હતું...’ ચાલ.....બધી યાતનાઓનો અંત લાવી દઉં. હું જ નહીં રહું પછી.....ક્યાં કશું પીડાવાનું હતું ?”

એ જ દશામાં તેણે મેધ અને સોનલદે પર- બે ચિઠ્ઠીઓ પણ લખી હતી, પલંગના ઓશિકા નીચે મૂકી હતી.

ના......તેને એ સમયે......સુમંતભાઈ પણ યાદ આવ્યા નહોતા. હા, મૃત માતા યાદ આવી હતી.

‘મમ્મી....તરી પાસે આવું છું. કદાચ......બધાં જ દુઃખોનો ઉપાય મૃત્યુ જ હશે. ક્યાં તને એકેય પીડા થઈ હતી- તારા મૃત્યુ પછી ? બાકી તો તેં સહ્યું જ હશેને.....છેલ્લા શ્વાસ સુધી ? હુંય સાક્ષી છું.....’

તે આંખ મીંચીને રેલીંગ પર ઝૂકી હતી.

મેધ ને થતું હતું કે માનસી ખરેખર, મૂર્ખાઈ કરી રહી હતી. તેણે આવું તો કશું વિચાર્યું જ નહોતું. હજી, તેની આવડી જિંદગીમાં મૃત્યુ જોયું પણ ક્યાં હતું ? અરે, સ્મશાને જવાનો પણ પ્રસંગ બન્યો નહોતો.

અને....એક મૃત્યુ થતાં થતાં રહી ગયું હતું- તેની નજર સામે. અને એ પણ તેની પત્નીનું, ચાર-પાંચ દિવસો પહેલાં પરણ્યો એ પત્નીનું.

બસ-સ્ટેશન આવી ગયું. ભીડ હતી. તીણો પવન સનનન કરતો વિંઝાતો હતો. ખીણ નહોતી દેખાતી. પહાડી પણ દૂર હતી. સપાટ મેદાનમાં કેટલીય બસો ઊભી હતી.

ચહલપહલ હતી, થોડો કોલાહલ પણ હતો. રંગબેરંગી વસ્ત્રો માં વૈવિધ્ય હતું. પણ એ જોવાની સ્વસ્થતા બનેમાં નહોતી.

‘હું તપાસ કરું- બસની’ એમ કહી મેધ ગયો પણ એ સમયે પણ....તે ક્યાં જશે એ વિશે તો ચોક્કસ નહોતોજ. બસ, એકજ વાત નક્કી હતી, આ સ્થળ છોડીને ચાલ્યા જવાની.

મન ઊઠી ગયું. આ રમણીય સ્થળ પરથી.

માનસીથી દૂર જવા છતાં પણ.......મેધની એક આંખ પત્ની તરફ જ મંડાયેલી હતી. એ ઊભી હતી, સામાનની લગોલગ-સામાનની જેમજ.

મનનો ઉભરો શાંત થતો હતો પરંતુ શરીરમાંથી હજી પણ ઝણઝણાતી દૂર થઈ નહોતી. તેને થતું હતું કે મેધ તેનાથી દૂર ના જાય, બસ, વળગી જ રહે તેને.

અંતે એ જ તેની નિયતિ હતી. જો અલગ થવાનું હોત તો મળ્યાં જ શા માટે હોત ? ના, હવે તે ક્યારેય......એ વિશે વિચારશે નહીં.

‘અને પપ્પા.....ને શું થાય ? જીવી શકે જ નહીં એમની લાડલી વિના....’

આંખોમાંથી દડ દડ......આંસુ વહેવા લાગ્યાં.

અરે, તે શું કરી બેઠી હતી ? આત્મહત્યા શું ઉકેલ હતો ? ભાગ્ય મુજબ જીવી લેવામાં જ ડહાપણ ગણાય.

‘હું પ્રયત્ન કરીશ. એ કાંઇ અશક્ય કાર્ય તો નથી જ. અને મારે જ એ કરવાનું છે. હું જ આપીશ.....મારા મેધને એ સુખ, એ ધન્યતા, એ.....’

અચાનક તે ચમકી. આંખોની ઝાંખપમાં તેણે એક આકૃતિ જોઈ. બસમાંથી એ પુરુષ ઊતર્યો હતો.

હા, એ જ હતો.....તે ઓળખી ગઈ, એ અધમ પુરુષને. સફેદ વસ્ત્રો હતા. ખભા પર શાલ લપેટી હતી. હાથમાં એક બેગ હતી, ચામડાની.

એક બગલથેલો હતો, જે તેણે અનેકવાર જોયો હતો, જ્યારે તે વતનમાં હતી- બારતેર વર્ષની.

ના, એ પુરુષનું ધ્યાન માનસી તરફ નહોતું જ.

માનસી પુનઃછળી ઉઠી- ડરપોક મૃગલીની માફક. ધીમે ધીમે એ આકૃતિ.....દરવાજા તરફ ગઈ. કોઈ સાથે કશી વાત કરી- પૂછપરછ જેવી.

માનસીની નજર......એની પાછળ પાછળ...ટીંગાતી ટીંગાતી છેક દરવાજે પહોંચી.

ત્યાં જ મેધે તેને જગાડી.

‘માનસી.....ચાલ, દિલ્હીની બસ હમણાં જ ઊપડશે. એ પહેલાં....જરા પેટપૂજા કરી લઈએ....’

મેધ હસી રહ્યો હતો. તેણે નક્કી કર્યું હતું કે એ ઘટનાને, જેમ બને તેટલી ત્વરાથી ભૂલી જવી.

‘ના.....મેધ, ચાલો, બસમાં જ.....બેસી જઈએ.....’ માનસીની આટલી ઉતાવળ, મેધને ક્યાંથી સમજાવાની હતી ?