મધુરજની - 12 Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધુરજની - 12

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૧૨

કામાક્ષી માતાના મંદિરના પગથિયા ઊતરતી વેળાએ માનસીને સુમંતભાઈ યાદ આવી ગયા. શું કરતા હશે પપ્પા? નિરાંત અનુભવતા હશે, પુત્રીને સુપેરે વળાવી હતી- એની?

એ બિચારા જીવને ક્યાંથી ખ્યાલ આવે કે એમની પ્રિય માનસી વમળમાં ફસાઈ ગઈ હતી? ન પુત્રી સુખી હતી, ન મેધ. ખરેખર તો આ તેની જ નબળાઈ હતી. એ સમયનો આતંક, આટલા વર્ષે ભય પમાડતો હતો.

અરે, આખી કાયાને મનોતંત્ર- બધાં પર કબજો લઈ લેતો હતો. તેને લાગતું હતું કે એ જ, એ જ અધમ પુરુષ તેના પર ઝળુંબી રહ્યો હતો. આવી ખબર હોત તો લગ્નની હા ભણત જ નહીં. શા માટે મેધ જેવા સરળ પુરુષને છેતરવો?

‘એ બિચારા તો સુખી હશે. સદાચ...તે કહેતા હતા એ મુજબ પ્રવાસે પણ ઉપડી ગયા હશે. આખરે તેમની ઈચ્છા એ જ હતી ને?

અને ખરેખર, સુમંતભાઈ એ સમયે પુત્રીને યાદ કરતા હતા. યોગનો સમય હમણાં જ પૂરો થયો હતો. સોમેશ્વરજી પાસે જ હતા. બે દિવસોના મહાવરા પછી સુમંતભાઈને ફાવી ગયું હતું. એક બે સૂચનો કર્યા હતા સોમેશ્વરજીએ.

એ સમયે આશ્રમમાં શાંતિ હતી. પ્રવૃતિઓ તો ચાલતી જ હતી પરંતુ કોઈને પણ વાતાવરણને ખલેલ પહોંચાડવાની ઈચ્છા જાગતી નહોતી. એ પછી સુમંતભાઈ થોડું ટહેલ્યા, સોમેશ્વરજી સાથે.

‘ચરણ થાકે ત્યાં જ રોકાઈ જજો, પ્રોફેસર.’ તેમણે સૂચના આપી હતી. ગઈકાલ કરતાં જરા વિલંબથી થકાયું એ નોધ્યું સુમંતભાઈએ. પછી ઘાસની ભીની જાજમ પર બેસી ગયા, રાતે વરસાદે હાજરી પુરાવી હતી, એની ભીનાશ, હજી બચી હતી.

વસ્ત્રો ભીનાં થાય અને સુકાય, એની લેશ પરવા અહીં થતી નહોતી. પવનની લહેરખી સતત ચાલુ જ રહેતી. સોમેશ્વરજી તો ઉપરિયનો ભાગ્યે જ ઉપયોગ કરતા. એક કટિવસ્ત્ર તેમને પૂરતું હતું.

ના, સ્વામીજી હજી પણ આવ્યા નહોતા. પ્રતીક્ષા પણ નહોતી થતી. તેઓ તો યથેચ્છ આવે. આવા-ગમન કાંઈ નિશ્ચિત નહીં. અહીં સંદેશા- વહેવાર પણ ખાસ નથી થતો. ક્યારેક કોઈ પત્રો મોકલાવે છે અને પેલો ગફુર એને લઈ જાય છે. શહેરની પોસ્ટઓફિસ સુધી.’ સોમેશ્વરે સ્થળનો મહિમા ગાયો. એક રસમ પણ જણાવી. અને પછી ઉમેર્યું. ‘પ્રોફેસર, તમે કોઈને પત્ર લખી શકો છો, અને બુધવારે ગફુરને આપી શકો છો. અલબત આશ્રમ તરફથી આવું, ખાસ થતું નથી. સ્વામીજી જ્યાં હશે ત્યાંથી આશ્રમ પર અમીદૃષ્ટિ રેલાવતા હશે.’

એ સવારે સુમંતભાઈએ કોલેજના મંત્રી પટેલ સાહેબને પત્ર લખી નાખ્યો, માનસી અને મેધ વિશેનો.

‘સાહેબ...માનસી અને મેધ તો તમને સોંપ્યા જ છે. તમે મને કેટલી મોટી રાહત આપી એ હું વર્ણવી નથી શકતો. તમારા સરખાં સહૃદયી મિત્રો મળે એ પણ ઈશ્વરની મારા પરની અસીમ કૃપા જ ગણવી રહી.

હવે મારી વાત. ભાગ્ય સાથે જ ગણાય કારણ કે હું એક સરસ સ્થાને પહોંચી શક્યો. નોંધી લેજો એ સ્થાન. ભરૂચથી લગભગ ઊંડાણમાં થોડાં કિલોમીટરના અંતરે- આશરે પચીસેક હશે! ભરૂચ સ્ટેશને એક ટેક્ષી ડ્રાઈવર ગફુર છે જે આ સ્થળ વિશે જાણે છે. સાવ અંતરિયાળ સ્થાન છે. નર્મદામૈયા પાસે જ છે.

સાહેબ મેધ માગે તો આ માહિતી આપજો.

હવે મને મૃત્યુનો ડર રહ્યો નથી. ભલે...ગમે ત્યારે આવી જાય.

સુમંતભાઈએ પત્ર ગફુરને આપી દીધો. હવે તો પરિચય પણ થયો હતો ગફુર સાથે.

‘સારું કર્યું, ગફુર...તું મને અહીં લઈ આવ્યો. બાકી...હું તો ત્યારે પૂરા ભાનમાં પણ ક્યાં હતો?’ સુમંતભાઈ આભારવશતા વ્યક્ત કરતા ને તે હસી પડતો.

‘સાહેબ...મને પણ આ રીતે જ કોઈ લઈ આવ્યું હતું અહીં. બધા આ રીતે જ આવે છે. રોજ સમય નથી મળતો, પણ થોડીવાર માટે પણ આવી જાઉં છું. ક્યારેક તો દરવાજા પાસેની ઓટલી પર બે ઘડી બેસીને ચાલ્યો જાઉં છું. હા, બુધવારે સમય કાઢીને આવું છું. ક્યારેક ઝન્નતને લઈને આવું છું. મારી બીબી છે, સાહેબ. પઢીલિખી છે, સાહેબ.’

ગફુર થોડી વાત માંડે, તેના વિશે, પરિવાર વિશે. આમ તો તે બહુ બોલકો હતો. આશ્રમમાં હોય ત્યારે વિશ્રામ આપી દેતો એના હોઠોને. શાંતિ- આશ્રમની મર્યાદા પણ જાળવે જ ને. તે તો પરિચિત હતો- ખૂણેખૂણાથી. દરેક વ્યક્તિ સાથેનો ઘરોબો દેખાઈ આવતો હતો.

‘સાહેબ...હું પંદર-સોળનો હતો ત્યારથી જ...’ તેણે તેના ગાઢ પરિચયની વાતો માંડી હતી, સુમંતભાઈ સાથે.

સુમંતભાઈને પણ ટૂંકા પરિચયમાં જ તેના પ્રતિ આત્મીયતા જન્મી હતી. આમ તો ટેક્ષી ડ્રાઈવર, એક લબરમૂછિયા જુવાનમાં શું જોવાની અપેક્ષા રાખી શકાય? રુક્ષ જિંદગી, રુક્ષ વ્યવસાય, અને એવાં જ માહોલમાંથી ગુજરવાનું રાત-દિવસ.

આ તો તદ્દન અલગ જ હતો. સુમંતભાઈ આશ્રમના વાતાવરણની અસર જોઈ શક્યા. વાલિયામાંથી વાલ્મીકીનું પરિવર્તન કોઈ કપોળકલ્પિત ઘટના નહોતી. આ તો માનવ- ઈતિહાસની એક સહજ પ્રક્રિયા હતી.

ગફુરે કહ્યું હતું- ‘સાહેબ, આ બુધવારે અમે ત્રણેય આવશું. હા, તમને મેં નાનકડી હીનાની વાત તો હજી ક્યાં કરી છે?’

‘સમજી ગયો ગફુર...એ તારી ફૂલ જેવી દીકરી હશે.’ સુમંતભાઈએ તરત જ ખુશી વ્યક્ત કરી.

‘એમ જ છે સાહેબ.’ તે બોલ્યો હતો. તેનો શ્યામ ચહેરો ખુશીથી તરબોળ હતો.

અને...સુમંતભાઈની આંખો ભીની થઈ હતી. શું કરતી હશે માનસી? અરે, અત્યારે ક્યાં હશે એ પણ ક્યાં જાણતા હતા? ગફુરની માફક જ...તેમણે પણ માનસીને મોટી કરી હતી.

અળગા થવાનો સવાલ જ નહોતો થયો. માનસી તો તેમની છાયા હતી. સુમનના ગયા પછી તો તે વ્યાકુળ બની જતા, પુત્રીની જરા સરખી દૂરતાથી.

‘પપ્પા...હું તો પુસ્તક બદલાવવા ગઈ હતી, સોનલદે સાથે, બસ...કલાકમાં તો પાછી આવી જ ગઈ. હા, રસ્તામાં વળી બાઈસિકલે થોડી પજવી. પણ તમે કેમ આટલાં વિહવળ...?’ માનસીને અચંબો ય થતો ને ચિંતાય થતી.

‘કેટલાં પરેશાન થતા હતા- મારા માટે?’ તે વિચારતી.

તેને એક વેળા ભાન થયું હતું કે તેના વહાલા પપ્પા પર તે લાગણી ધરાવતી હતી. અને એથી પણ વિશેષ એ ધરાવતા હતા માનસી માટેય. બેય અન્યોન્ય, એકમેક પર આધારિત હતા, એકબીજા વિના અનાથ અને લાચાર હતા. સુમનની વિદાય પછી આ સંબંધો ગાઢ થયા.’

એ રીતે માનવી પણ રડી હતી. અને દૂર દૂર રહેલા સુમંતભાઈ પણ. સોમેશ્વરને આશા તેમનામાં ઊંડો રસ જાગૃત થયો હતો. રોગ ઓળખાયો હતો, ઠીક ઠીક આગળ પણ નીકળી ગયો હતો, તેમ છતાં સોમેશ્વરને આશા જન્મી હતી કે તે કશુંક જરૂર કરી શકશે. હજી એ અવસ્થા તો નહોતી જ આવી કે સંપૂર્ણપણે દરદીને તેના ભાગ્ય પર છોડી દેવાય.

તેમણે ફરી ગ્રંથો ઉથલાવ્યા હતા, માણસોને પણ તરત દોડાવ્યા હતા, કેટલીક વનસ્પતિઓ લાવવા.

ગણતરીના કલાકોમાં જ ઉપચારો શરૂ થઈ ગયા હતા, આ કંઈ રોગ નહોતો, સુમંતભાઈ કાંઈ દરદી નહોતા, આ તો નર્યો પડકાર હતો.

સોમેશ્વરના ચિત્તમાં કેવળ સુમંતભાઈ જ હતા. વાતવાતમાં પ્રશ્નો પણ પૂછી લેતાં હતા. રોગ વિશેના. શરીરમાં કશું ચાલતું તો હતું જ. પેટના અવયવોમાં ક્યાંક વિકૃતિ જન્મી હતી. કશુંક અનિયંત્રિત હતું. કેટલી ભયાનક વાત હતી?

સોમેશ્વર ખુદ સુમંતભાઈને સમય સમય પર ઔષધો પીવડાવતા હતા, ચટાડતા હતા, લેપન કરતા હતા. સવાર-સાંજ યોગ-ક્રિયાઓ વડે, શ્વાસોના નિયમનો કરાવતા હતા. આરામ, શયન, યોગ, ભ્રમણ...એ બધીજ દૈનિક પ્રવૃતિઓ સોમેશ્વરના નિયંત્રણમાં હતી.

બહુ જ ઓછો સમય રહેતો વિચારો કરવા માટે. એમાં તેમને માનસીના વિચાર આવી જતા.

‘પ્રોફેસર, તમારી જિંદગી...હું તમને પરત કરીશ. મને વિશ્વાસ છે. મારી દૃષ્ટિએ મૃત્યુ નિવાર્ય છે. એને આપણે બંને દૂર ઠેલી શકીશું. તમારી આયુષ્યની રેખા બળવાન છે. આપણે તેને વધુ બળવાન... બનાવીશું. પ્રોફેસર, મનને ઢીલું પાડવા ન દેશો...’

સોમેશ્વર, સમય પર તાકીદ કરતા. ટૂંકમાં સોમેશ્વરજી તો પુરેપુરા સુમંતભાઈના ઉપચારમાં એકાકાર થઈ ગયા. આ એક આનંદ હતો. તેમની ખુદની દિનચર્યા બદલાઈ ગઈ હતી. ખૂબ ભાવુક બની જતા. પત્ની સુમને પણ આટલી સુશ્રુષા ક્યાં કરી હતી? અરે એવો અવસર જ ક્યાં આવ્યો હતો? તેમની એટલી જિંદગીમાં? સ્વસ્થ શરીર હતું. નિખાલસ મન હતું. વય પણ યુવાનીની જ. રોગનું નામ જ નહીં.

હજી હમણાં સુધી તે આ ભ્રમણામાં હતા કે તેમને કશું જ નથી, નખમાં પણ રોગ નથી.

અચાનક...આ ભૂકંપ જેવો આંચકો અનુભવાયો હતો. તેમની આખી જિંદગી બદલાઈ ચૂકી હતી. એક વેળા, જે ઘરની ખૂબ મમતા હતી- એ સ્થળ અકારું બની ગયું હતું.

અને એક ચિંતાય વળગી હતી કે આ વાત માનસી સુધી ન પહોંચે, કોઈ પણ ભોગે.

અત્યારે તેમને મૃત્યુનો ડર જ રહ્યો નહોતો. ભલેને કોઈ પણ ક્ષણે આવે, તે એને આવકારવા તૈયાર હતા.

સોમેશ્વર આટલી આત્મીયતાથી ઉપચારો કરતા હતા, તેમને જીવાડવા મથી રહ્યા હતા, એમાં પણ પૂરી શ્રદ્ધા હતી. એ મહાન વ્યક્તિનો પરિશ્રમ, તેમની શ્રદ્ધા, તેમનું જ્ઞાન, એળા ન જવા જોઈએ. તેમને પણ સુખ પ્રાપ્ત થવું જોઈએ. એ તેમની ભાવના હતી.

એ સાંજે તનમાં કાળી પીડા ઉપડી હતી. થોડીવાર માટે પથારીમાં પડ્યા જ રહ્યા. સોમેશ્વરને મળી લેવાની ઈચ્છા જાગી. આવું તો ક્યારેય થયું નહોતું. ઉપચારથી શાતા મળી હતી.

વળી એકાએક શું થયું? સુમંતભાઈ વિચારવા લાગ્યા. શું આ મૃત્યુ તો નહીં હોય ને? પીડા અને પીડાનો અંત એટલે જ...મૃત્યુ! ના, આમ પડ્યા પડ્યા તો...અંત નથી લાવવો.

મનોબળની એક દીવાલ બની ગઈ. પીડા પીડાનું કામ કરે, મારે શું? એવી વૃતિની ભરતી ફરી વળી આખા આસ્તિત્વ પર.

તે ઉઠ્યા. પ્રથમ ભીંતને ઝાલીને અને પછી ટટ્ટાર. બે ચાર ડગ ચાલ્યા પણ ખરા. ખંડની બહાર પરસાળ સુધી આવી શકાયું. નજર ફેંકી આરપાર. એક માત્ર તિલક જ હતો, આખી લાંબી પરસાળમાં.

બારીમાંથી નર્મદાના પટ પરથી વહી આવતો પવન આવ્યો. મારે માટે તો એ પણ એક ઉપચાર જ છે. તે બોલ્યા, કષ્ટ થતું હતું તોપણ. બોલી શકાયું, ખડખડાટ હસી પણ શકાયું.

‘મહાશય, તબિયત તો ખાસ્સી સરસ લાગે છે.’ તિલક કહી પણ નાખ્યું.

તેઓ બંને ધીમે ધીમે ચાલતાં ચાલતાં નર્મદાની સમીપે આવ્યા. આશ્રમથી થોડા પગથિયા નીચે, નદી વહેતી હતી. ઢાળવાળા કાચા પગથિયા હતા.

સુમંતભાઈ ભાવથી જોઈ રહ્યાં, એ ભૂખરા...વિશાળ જલપટને. કેટલી દિવ્યતા હતી એ દર્શનમાં! બંને હાથ આપોઆપ જોડાઈ ગયા. આંખો તાકી રહી હતી એ અગાધ જળરાશિને. કેટલી ભૂમિ પાવન કરી રહી હતી આ નદી? અને કેટલા વર્ષોથી? કેટલા મનુષ્યોને પોષ્યા હશે આ જળે? અને છતાં પણ કેટલા કૃતઘ્ની રહ્યા મનુષ્યો? નર્યો સ્વાર્થ જ જોયો આ સંબંધોમાં?

હા, એટલે જ મૃત્યુ પામતો હતો મનુષ્ય. અને સનાતનકાળથી વહેતી હતી આ નદી. હજી વહેશે. અનેક વર્ષો, શતકો અને યુગો સુધી.

તે બોલી ઉઠ્યા- ‘ભલે...મૃત્યુ આવે. એ જ ઉચિત હશે.’

કોઈએ ખભા પર હાથ મૂક્યો. તે સમાધિમાંથી જાગ્યા. સોમેશ્વર મંદમંદ હસતા હતા.

‘ના પ્રોફેસર, તમારે મરવાનું નથી જ, મારી પરવાનગી સિવાય.’ સુમંતભાઈએ અનુભવ્યું કે જાણે તેમનું અર્ધુ દર્દ તો ગાયબ હતું.