સુહાનીનુ ધ્યાન બે ચમકતી આંખો પર જાય છે. સુહાની ખૂબ ડરી ગઈ. અંધારામાં એ બે ચમકતી આંખો સુહાનીની નજીક આવતી જતી હતી. સુહાની થોડી ક્ષણો તો એમ જ જોતી રહી. એ બે ચમકતી આંખો નજીક આવી ત્યારે સુહાનીને ખ્યાલ આવ્યો કે એ એક મોટી કાળી બિલાડી હતી. રાતના સમયે કાળી બિલાડીનુ આવવું સુહાનીને થોડી ક્ષણો માટે ડરાવી ગયું. સુહાની પોતાના રૂમમાં ગઈ. સુહાની સૂતાં સૂતાં વિચારવા લાગી કે દેવિકાની વાતો,પેલા સૂમસામ રસ્તા વિશે થતી વાતો મારા મગજમાં સતત ચાલતી રહે છે એટલે કદાચ હું ભીતરથી ડરી ગઈ છું. સુહાનીએ પોતાના મનમાં ચાલતા વિચારોને શાંત કર્યા ને સૂઈ ગઈ.
સુહાની સવારે ઉઠી. સવારનું વાતાવરણ ખુશનુમાં હતું. સુહાની નાહી ધોઈ ફ્રેશ થઈ વરંડામાં ચા પીતી હતી ત્યાં જ ફરી પેલું પતંગિયું આવ્યું. સુહાનીના ખભા પર બેસી ગયું. સુહાની રસોઈના કામમાં વ્યસ્ત થઈ ગઈ. કામ કરતાં કરતાં સુહાનીની બે ત્રણ વાર નજર એ પતંગિયા પર ગઈ. સુહાનીએ વિચાર્યું કે "કદાચ આ પતંગિયાને અહીં જ બહુ ગમી ગયું છે." ખબર નહીં કેમ પણ સુહાનીને આ પતંગિયાને જોઈ અનોખો અહેસાસ...એક અનોખી ખુશી થતી હતી.
સુહાની બપોરે જમીને સૂઈ ગઈ. સુહાની ચાર વાગ્યે ઉઠી ત્યારે ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો. સુહાની બહાર નીકળી અને વરસાદને જોવા લાગી. સુહાની નું ધ્યાન ઝાડની નીચે રહેલાં ગલુડિયા પર જાય છે. થોડી પળો ગલૂડિયાને જોતાં સુહાનીને ખ્યાલ આવ્યો કે ગલૂડિયાને પગ પર કંઈક થયું છે. સુહાની ઘરની બહાર નીકળીને એ ઝાડ પાસે ગઈ. સુહાનીએ જોયું તો એ ગલૂડીયાના પગે સ્હેજ લોહી પણ નીકળ્યું. સુહાની ઘરમાં જઈ દવા લઈ આવી. ગલૂડિયાના ઘાવ પર દવા લગાવી. ગલૂડિયા માટે ખાવાનું પણ લઈ આવી હતી. થોડીવાર પછી એ ગલૂડિયું એના મિત્રો સાથે જતું રહ્યું. સુહાનીને અહેસાસ થયો કે પોતાને કોઈ જોઈ રહ્યું છે. સુહાનીએ વૃક્ષ તરફ નજર કરી. ત્યાં કોઈકના હોવાનો અહેસાસ થયો. સુહાની વૃક્ષ પાસે ગઈ તો ત્યાં કોઈ નહોતું. માત્ર એક ચકલી હતી. સુહાનીએ આજ પહેલાં આવી ચકલીને જોઈ નહોતી. ચકલી ખૂબ સુંદર હતી. એ ચકલી ઉડીને જતી રહી. સુહાની પણ પોતાના ઘરે આવતી રહી.
સુહાની અને વર્ષાબહેન સાંજે રસોઈ બનાવી રહ્યા હતા.
વર્ષાબહેન:- "આજે લતાબહેનને ત્યાં ભજનનો કાર્યક્રમ છે. તું આવવાની છે?"
સુહાની:- "ના હું નથી આવવાની. તમે જઈ આવજો."
સુહાની, વર્ષાબહેન અને મુકેશભાઈ જમી લે છે. વર્ષાબહેન અને મુકેશભાઈ લતાબહેનને ત્યાં જાય છે. સુહાની પોતાના રૂમમાં બારી પાસે જઈને બેસે છે. સુહાનીને ફરી એ જ વિચાર આવવાં લાગ્યાં. દેવિકાની વાતો,સૂમસામ રસ્તો...સુહાનીને પછી ખ્યાલ આવ્યો કે પોતે તો ઘરમાં એકલી જ છે. સુહાનીને થોડો ડર લાગવા માંડ્યો. એટલે સુહાની ઘરને તાળું મારી લતામાસીને ત્યાં જવા નીકળી. લતામાસીનુ ઘર તો છેલ્લે હતું. સુહાની ચાલતી ચાલતી જાય છે. સુહાની પેલા સૂમસામ રસ્તે જોતી જોતી જાય છે. ધીમો ધીમો વરસાદ ચાલી રહ્યો હતો. વ્યક્તિઓની અવર જવર પણ ઓછી અને ભયંકર કાળી ડિંબાગ રાત.
સુહાનીને એ સૂમસામ રસ્તા પર કંઈક દેખાય છે. એક યુવતી જતી હોય છે. એ યુવતીએ પીળા રંગની સાડી પહેરી હોય છે. સુહાનીને આશ્ચર્ય થયું કે આટલી રાતના આ યુવતીની આ રસ્તે જવાની કેવી રીતે હિમંત થઈ હશે? એ યુવતી સ્મશાનમાં જઈ ઉભી રહી. સુહાની મનોમન કહે છે "આટલી રાતે સ્મશાનમાં? કબ્રસ્તાનમાં પગ મૂકતાં જ શરીરે લખલખું આવી જાય...તો શું આને ડર નહીં લાગતો હોય?" સુહાની એ યુવતીનો ચહેરો જોવા મથી રહી. પણ એ યુવતીના છુટા વાળ ચહેરા પર વિખેરાયેલા હતા. ને સુહાની ખાસ્સી દૂર ઉભી હતી. સુહાની એ યુવતી પરથી નજર હટાવી ચાલવા લાગી. એક બે કદમ ચાલીને ફરી એ તરફ નજર કરી તો એ યુવતી ત્યાં નહોતી. પછી એ સૂમસામ રસ્તા પરથી જાતજાતના ડરામણા અને બિહામણાં અવાજો આવવાં લાગે છે. સુહાની ગભરાઈ ગઈ. એનું ગળું પણ સૂકાવા લાગ્યું. સુહાની ચાલીને લગભગ તો દોડીને જ લતામાસીના ઘરે પહોંચી ગઈ. સુહાનીનો ડર થોડો ઓછો થયો. સુહાનીએ પાણી પીધું અને વર્ષાબહેનની બાજુમાં બેસી ગઈ.
ભજન કીર્તનના ભક્તિમય વાતાવરણમાં સુહાનીને થોડી રાહત થઈ. સુહાની એના મમ્મી પપ્પા સાથે પાછી ફરે છે. સુહાનાથી અનાયાસે જ પેલા સૂમસામ રસ્તા પર જોવાઈ જાય છે. તો ત્યાં કાળો કોટ પહેરેલું કોઈ હતું. સુહાનીએ એ કાળા કોટ વાળી વ્યક્તિ તરફ નજર કરી તો એ આંખો એક ક્ષણ માટે ચમકી. સુહાનીને એમ લાગ્યું કે એ આંખો પોતાને જ જોઈ રહી છે. સુહાનીએ ઝડપથી વર્ષાબહેનનો હાથ પકડી લીધો અને વર્ષાબહેન તરફ જોઈ કહ્યું "ત્યાં કોઈ ઉભેલું છે."
વર્ષાબહેને એ સૂમસામ રસ્તા તરફ નજર કરી કહ્યું "ત્યાં તો કોઈ નથી."
સુહાનીએ તરત જ એ સૂમસામ રસ્તા પર નજર કરી તો ત્યાં કોઈ નહોતું. વર્ષાબહેન સમજી ગયા કે આ સૂમસામ રસ્તાને જોઈ સુહાની ડરી ગઈ છે.
સુહાની અને એનો પરિવાર ઝડપથી ઘરે પહોંચે છે. સુહાની તો ઘરે જઈને સૂઈ જ જાય છે.
સવારે બારીના કાચમાંથી સૂર્યનાં કોમળ કિરણો સુહાનીના ચહેરા પર પડે છે. સુહાની હળવેથી જાગે છે. સુહાનીને ગઈકાલ રાતની ઘટના યાદ આવી જાય છે. અનાયાસે જ સુહાનીની નજર પેલાં વૃક્ષ પર જાય છે. વૃક્ષ પરથી પેલી સુંદર ચકલી બારી પાસે આવે છે. સુહાની બારીનો કાચ ખોલે છે. તો એ ચકલી સુહાનીના રૂમમાં આવે છે.
સુહાનીને આશ્ચર્ય થયું કે સામાન્ય રીતે પક્ષીઓ તો માનવીઓને જોઈને શરૂઆતમાં ગભરાઈને ઉડી જાય છે. ને આ ચકલી અચાનક મારા રૂમમાં આવી ગઈ. સુહાની એ ચકલીને આશ્ચર્ય થી જોઈ રહી.
ચકલીની પાંખો રંગબેરંગી પણ ચકલીના શરીર પર મોટાભાગે સોનેરી રંગ વધારે હતો. સુહાનીએ ચકલીની આંખોમાં જોયું. સુહાનીને એક ક્ષણ માટે લાગ્યું કે ચકલીની આંખો કંઈક કહી રહી છે. થોડીવાર પછી સુહાની ન્હાવા ગઈ. નાહીને સુહાની પોતાના રૂમમાં આવી તો એ ચકલી હજી પણ એના રૂમમાં હતી. સુહાનીને એ ચકલીના આવવાથી કંઈક અહેસાસ થયો. ખબર નહીં પણ આ ચકલીને લીધે સુહાનીને એક પ્રકારની ખુશી થઈ. આવી ખુશી ત્યારે થઈ હતી જ્યારે પેલું જાણીતું પતંગિયું સુહાનીની આસપાસ રહેતું. સુહાની વરંડામાં ગઈ. અને પેલાં પતંગિયાને શોધવા લાગી પણ એ પતંગિયું આજે ત્યાં નહોતું.
સુહાની વરંડામાં બેસીને ચા પીતી હતી. ત્યાં જ પેલી ચકલી સુહાની પાસે આવી અને ઉડી ગઈ.
થોડીવાર પછી સુહાની કૉલેજ જવા નીકળી. સુહાની નાં મગજમાં ચકલી અને પતંગિયાના વિચારો વારંવાર આવી જતાં.
સુહાની કૉલેજ પહોંચે છે અને દેવિકા અને સુહાની મળે છે. સુહાનીને ઊંડા વિચારોમાં ખોવાયેલી જોઈ દેવિકા પૂછે છે "શું વાત છે સુહાની? આજે તું અલગ જ વિચારોમાં ખોવાયેલી છે."
સુહાની:- "દેવિકા તે દિવસે તે શૈતાન વિશે શું કહ્યું હતું?"
દેવિકા:- "તને બધું તો જણાવી દીધું હતું. ને તું પાછી કેમ મને પૂછે છે? તું મને પાછી પૂછે છે મતલબ કંઈક તો તારી સાથે ઘટના બની છે."
સુહાની:- "હા બની તો છે પણ એકદમ નજીવી ઘટના છે. ના નજીવી તો નહીં પણ અકલ્પનીય... મને નથી ખબર કે મારે તને આ ઘટના કહેવી જોઈએ કે નહીં."
દેવિકા:- "સુહાની મારાથી કોઈ વાત છૂપાવીશ નહીં. બોલ તે શું જોયું?"
સુહાની:- "ગઈ કાલે રાત્રે મેં સ્મશાનમાં એક સ્ત્રીને જોઈ."
દેવિકા:- "ઑહ એ તો હશે જ. મેં સાંભળ્યું છે કે ત્યાં કોઈ યુવતીનો આત્મા ભટકે છે. તું એ બધી વાત છોડ. અકલ્પનીય ઘટના બની એના વિશે બોલ."
સુહાની:- "કહી તો દીધું કે સ્મશાનમાં એક સ્ત્રીને જોઈ. ને એ સ્ત્રી એક ક્ષણમાં જ ગાયબ થઈ ગઈ. ને એક કોટ પહેરેલાં વ્યક્તિ ની ચમકતી આંખો જોઈ."
દેવિકા:- "બીજી કોઈ ઘટના નથી બની."
સુહાની:- "ના..."
ધીરે ધીરે યુવક યુવતીઓ કૉલેજમાં આવવાં લાગ્યાં. સુહાની પોતાના ક્લાસમાં જઈને બેસી જાય છે.
ક્રમશઃ