સુહાની વિચારે છે કે "આ મારો વ્હેમ હતો. હું અત્યાર સુધી રાજન વિશે વિચારતી હતી ને એટલે જ મને અરીસામાં રાજન દેખાયો." સુહાની ખાસ્સી વાર સુધી રાજન વિશે,ચૈતાલી વિશે અને દેવિકાએ કહેલી એક એક વાત વિશે વિચારતી રહી.
બીજા દિવસે સુહાની અને દેવિકા ક્લાસમાં મળે છે.
સુહાની:- "દેવિકા મારે તને એક વાત કહેવી છે."
દેવિકા:- "હા બોલ."
સુહાની:- "મારી સાથે નજીવી ઘટના કેટલાંય દિવસથી બને છે. પણ મેં તને કહેવાનું જરૂરી ન સમજ્યું."
દેવિકા:- "એવી તે કંઈ ઘટના બની?"
સુહાની:- "તું પહેલાં મને કહે કે તું મારા પર હસતી નહીં."
દેવિકા:- "અરે બાબા નહીં હસું...કહે તો ખરી."
સુહાની:- "એક સવારે હું વરંડામાં બેઠી હતી. તો એક સુંદર પતંગિયું મારી પાસે આવ્યું. પછી એક દિવસે એક સુંદર ચકલી આવી. એક દિવસે મોર આવ્યું અને એક દિવસે મારી પાસે બાજ આવ્યું હતું. આ ચારેય જ્યારે જ્યારે મારી નજીક આવ્યા ત્યારે મને એક પ્રકારની ખુશીનો અહેસાસ થયો."
દેવિકા:- "હા તો તેનું શું?"
સુહાની:- "મને એક ક્ષણ માટે વિચાર આવ્યો કે ક્યાંક એ રૂપ બદલીને રાજન તો નહીં આવ્યો હોય."
દેવિકા:- "તને શાના પરથી લાગ્યું કે એ રૂપ બદલીને આવતાં બધાં જ પક્ષીઓ રાજન છે."
સુહાની:- "ગઈ કાલે એક બાજ આવ્યું હતું. અરીસામાંથી મે જોયું તો બારી પાસે રાજન હતો.
કદાચ હું ત્યારે રાજન વિશે વિચારતી હતી તો બની શકે ને કે મારો વ્હેમ હોય."
દેવિકા:- "તારે આ વાત મને પહેલાં કહેવી જોઈએ ને."
સુહાની:- "મને એમ કે આ તો સાવ નજીવી ઘટના છે એટલે મેં તને ન કહ્યું. પછી મને તારી વાતો યાદ આવી કે શૈતાન રૂપ બદલીને આવી શકે છે. તો શું ખબર કે રાજન શૈતાન હોય."
દેવિકા:- "હા બની શકે. હવે ચૈતાલી અને રાજન પર નજર રાખવી પડશે."
સુહાની અને દેવિકા દરરોજ રાજન અને ચૈતાલી પર નજર રાખતાં. ચૈતાલી વિશે સુહાનીએ નોંધ લીધી કે ચૈતાલી અને રાજનમાં કંઈક તો છે. કંઈક તો છે જે એ બંનેમાં અસામાન્ય છે."
એક સવારે ક્લાસમાં સુહાની અને દેવિકા મળે છે.
સુહાની:- "તને કંઈ એવું લાગ્યું જે વિચિત્ર હોય."
દેવિકા:- "હા મને ચૈતાલી થોડી વિચિત્ર લાગે છે. એનું વર્તન પણ કંઈક વિચિત્ર છે."
સુહાની:- "મેં એક વાતની નોંધ લીધી કે ચૈતાલી ઓછું બોલે છે અને હંમેશા હસતી હોય છે."
દેવિકા:- "તને ખબર છે એવું કોણ કરે?"
સુહાની:- "નથી ખબર મને. તું જ કહી દે."
દેવિકા:- "એવી રીતે તો ચૂડેલ-ડાકણ હસે છે."
સુહાની:- "મને ખબર છે કે તું થોડી પાગલ છે...પણ હવે મને એવું લાગે છે કે તારું મગજ એકદમ જ જતું રહ્યું છે."
દેવિકા:- "તને મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો ચૈતાલીના પગ જોજે. જો એના પગ ઉલ્ટા હશે તો તું મારું નામ બદલી દેજે."
સુહાની:- "દેવિકા સાચું કહું તો મને તારી બધી વાત ધડ માથા વિનાની લાગે છે."
દેવિકા:- "ભલે તું મારી વાત પર વિશ્વાસ ન કરે તો વાંધો નહીં પણ આ ચૈતાલી,રાજન અને રોનકથી દૂર જ રહેજે સમજી?"
સુહાની:- "પણ રોનક તો સારો છે."
દેવિકા:- "ચૈતાલી,રાજન અને રોનક ત્રણેય સાથે છે મતલબ કે જરૂર એ ત્રણેયમાંથી કોઈ ને કોઈ શૈતાન હશે. તને યાદ છે ને મેં કહ્યું હતું કે શૈતાન કોઈપણ રૂપ બદલીને સામે આવી શકે છે. મારી વાત ધ્યાનથી સાંભળ...રાજન અને રોનક તને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરશે. પણ તારે એમની પાસે નથી જવાનું સમજી?"
સુહાસી:- "સમજી ગઈ."
સુહાનીએ કહી તો દીધું કે પોતે રાજનથી દૂર રહેશે. ખબર નહીં કેમ પણ સુહાની રાજન પ્રત્યે ખેંચાણ અનુભવી રહી. સુહાની અને દેવિકા બંને રાજન, રોનક અને ચૈતાલી પર નજર રાખતાં.
એક દિવસ બધાં ચા નાસ્તો કરી રહ્યા હતા. સુહાની ચૈતાલી નું નિરીક્ષણ કરી રહી હતી. અચાનક ચૈતાલીનું ધ્યાન સુહાની તરફ ગયું. સુહાની અને ચૈતાલીની નજર મળે છે.
સુહાનીએ નજર ફેરવી લીધી. સુહાનીને દેવિકાએ કહેલી વાત યાદ આવી. થોડી ક્ષણો પછી સુહાનીની નજર ચૈતાલીના પગ તરફ જાય છે. ત્યારે સુહાનીએ જોયું તો ચૈતાલીના પગ ઊંધા છે. સુહાનીને તો એક ક્ષણ વિશ્વાસ ન આવ્યો. સુહાનીએ પોતાની આંખો બંધ કરી દીધી. સુહાની મનોમન કહે છે "દેવિકાની વાતો મારા મગજમાં ચાલી રહી છે. એટલે ફક્ત મને વ્હેમ થયો છે." સુહાનીએ આંખો ખોલી. સુહાનીની તો હિમંત જ ન થઈ ચૈતાલીના પગ ફરીથી જોવાની.
સુહાનીના ચહેરા પર પરસેવો પરસેવો આવી ગયો હતો. છતાં પણ ડરતાં ડરતાં સુહાનીએ ચૈતાલીના પગ તરફ જોયું તો તેના પગ સીધા જ હતા. સુહાની મનોમન કહે છે "દેવિકાની વાતોને બહુ મગજ પર લેવાની નહીં. મને વ્હેમ જ થયો છે. ચૈતાલીના પગ તો સીધા જ છે."
બીજા દિવસે દેવિકા અને સુહાની ક્લાસમાં મળે છે.
દેવિકા:- "ગઈ કાલે મેં ચૈતાલીના પગ જોયાં."
સુહાની:- "ચૈતાલીના તો પગ સીધા જ હતા."
દેવિકા:- "પહેલાં મેં જોયું તો ચૈતાલીના પગ ઊંધા હતા. મને તો વિશ્વાસ ન થયો પણ ફરી નજર કરી તો ચૈતાલીના પગ સીધા જ હતા."
સુહાની:- "મે પણ પહેલાં ચૈતાલીના પગ ઊંધા જોયા. પછી ફરી નજર કરી તો સીધા જ પગ હતા. મને લાગે છે કે આપણે મનમાં ધારી જ લીધું હતું કે ચૈતાલીના પગ ઊંધા જ છે. એટલે આપણને એવું જ દેખાયું જેવું આપણે જોવાં માંગતા હતા. એટલે મને લાગે છે કે આ ફક્ત આપણો વ્હેમ હતો."
દેવિકા:- "સુહાની ચૈતાલી એક શૈતાન સાથે છે. તો બની શકે કે ચૈતાલીએ માયાજાળ કરી હોય. એના પગ ઊંધા જ છે. પણ બધાંને એવું દેખાડતી હોય કે એના પગ સીધા જ છે. ડાકણ કાળી વિદ્યા જાણે છે. તો આ કાળા જાદુને કારણે જ આપણને ચૈતાલી ભ્રમમાં રાખતી હોય તો."
સુહાની:- "તારી વાતમાં દમ તો છે."
દેવિકા:- "એટલે જ તો આપણે એ સાબિત કરવું પડશે કે આ ત્રણેયમાં કંઈક તો છે જે રહસ્યમયી છે."
સુહાની:- "પણ આપણે સાબિત કેવી રીતના કરીશું?"
દેવિકા:- "મારી પાસે એક યોજના છે."
સુહાની:- "મને પણ કહે."
દેવિકા:- "જેની પાસે શૈતાની શક્તિઓ હોય તે ઈશ્વરથી ડરે છે. તો આપણે ઈશ્વરનો સહારો લઈશું."
સુહાની:- "કેવી રીતે? મને કંઈ સમજ ન પડી."
દેવિકા:- "શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં તું એમને લઈ જજે. જો ત્રણેયમાંથી કોઈપણ મંદિરના પગથિયા ન ચઢી શક્યાં તો સમજી જવાનું કે એમનામાં શૈતાની શક્તિ છે."
સુહાની:- "પણ કેવી રીતે એ ત્રણેયને મંદિરે લઈ જઈશું."
દેવિકા:- "તમે પાંચ જણ દરરોજ બપોરે ચા-નાસ્તો કરવા જાઓ છો તો કોઈક બહાનું બનાવી એ મંદિર પાસે લઈ આવજે."
સુહાની:- "સારું હું પ્રયત્ન કરીશ."
સુહાની ક્લાસમાં પહોંચે છે. સુહાની પોતાની જગ્યાએ જઈ બેસે છે. સુહાની વિચારોમાં ખોવાયેલી હોય છે. રાજન પણ કંઈક વિચાર કરતો બેઠો હતો. રાજન સુહાનીને જોઈ મનોમન કહે છે
બાહોમાં લઈને તને
હું ઘણું બધું કહેવા માગું છું..
તારા હર એક નીકળતા શ્વાસને
હું મહેસૂસ કરવા માગું છું..
તારા ચહેરા પર ફરી રહી વાળની લટ સાથે
હું રમવા માંગું છું..
ધીરેથી તારા કાનની નજીક આવીને
હું તને કહેવા માગું છું..
બે ઈન્તેહા મહોબ્બત છે તારાથી
હા બસ ફક્ત તારાથી...!
સુહાનીને ખબર નહીં શું અહેસાસ થયો કે સુહાનીએ રાજન તરફ નજર કરી. રાજન સુહાની પાસે આવે છે તો સુહાની રાજનથી થોડી ડરે છે. રાજન સુહાનીની આંખોમાં જોઈ કહે છે "શું વાત છે સુહાની? તું કંઈક મૂંઝવણમાં છે."
સુહાની:- "ના એવી કોઈ વાત નથી."
રાજન:- "આજકલ તારી મૈત્રી રોનક સાથે કંઈક વધી ગઈ છે નહીં?"
સુહાની:- "હા અમે ખૂબ સારા મિત્રો છીએ."
રાજન:- "મિત્રો છો કે પછી મિત્ર કરતાં કંઈક વિશેષ..."
સુહાની:- "રાજન તું તો બધાને એક જ નજરથી જોય છે. શું એક યુવક અને યુવતી એક સારા મિત્ર ન હોઈ શકે?"
રાજન:- "હોઈ શકે...પણ એની પણ એક મર્યાદા હોય...અને મને લાગે છે કે તમે એ મર્યાદા ઓળંગી છે."
સુહાની:- "રાજન તારી એવી કેવી માનસિકતા છે. તારા મગજમાં જ બધું ભૂસું ભર્યું છે. મને લાગે છે કે તું સંકુચિત વિચારસરણી ધરાવે છે."
રાજન:- "હવે તો તને મારામાં ખામી જ દેખાશે ને...કારણ કે તારા માટે તો રોનક જ સારો છે."
સુહાની:- "હા એ તારા કરતાં સારો જ છે. કમસેકમ એ તારા જેવું તો નથી વિચારતો."
રાજન થોડીક્ષણો ચૂપ થઈ જાય છે. સુહાનીને એમ કે રાજન કંઈ બોલશે. સુહાની રાજન તરફ જોય છે.
સુહાની મનોમન દુઃખી થઈ અને વિચારવા લાગી કે "મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું કે શું?"
ક્રમશઃ