Samarpan - 27 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 27

આગળના ભાગમાં આપણે જોયું કે મનુભાઈ દિશાને આશ્રમ બતાવવા માટે લઈ જાય છે. આશ્રમનું મંદિર, ઓરડા અને બધી વ્યવસ્થા વિશે માહિતગાર કરે છે. દિશા પણ બધું બારીકાઈથી નિહાળે છે. મનુભાઈ દિશાને એક ઠેકાણે બેસવા માટે કહે છે. ત્યાં બેસતાં જ મનુભાઈ દિશાને આશ્રમ કેવો લાગ્યો તેના વિશે પૂછે છે, દિશા પણ કલ્પના બહાર લાગ્યો હોવાનો અભિપ્રાય આપે છે. અને સાથે જ પોતાને આ જગ્યાએ વારંવાર આવવાનું મન થશે એમ પણ જણાવે છે. મનુભાઈ પણ દિશાને પૂછી લે છે કે કોઈ કારણથી આવવા માંગો છો ? ત્યારે દિશા પણ તેમના જવાબમાં આશ્રમ જેવું વાતાવરણ તેને આકર્ષે છે અને આશ્રમમાં આવવા માટે તે થોડું ઘણું દાન પણ આપી શકે છે એમ જણાવે છે. મનુભાઈ પણ દિશાને વળતો જવાબ આપતા આશ્રમમાં આવવા માટે દાનની જરૂર નથી એવું સ્પષ્ટ જણાવી દે છે. દિશા પણ તેના જીવન વિશેની સ્પષ્ટતા કરે છે. મનુભાઈ પણ પોતાની પત્ની સાથે છેલ્લા થોડા વર્ષોથી આશ્રમમાં જ રહે છે તેમ જણાવી દિશાને પણ ગમેત્યારે આવવાનું આમંત્રણ આપે છે. દિશા મનુભાઈનો જવાબ સાંભળી ખુશ થઈ અને ઘરે જાય છે. દિશા આશ્રમમાં ગઈ હોવાના કારણે મોબાઈલ તેને સાઇલેન્ટ કરી દીધો હતો અને તેને મોબાઈલ જોવાનું યાદ પણ નહોતું આવ્યું, જ્યારે ઘરે આવીને જોયું તો તેના પપ્પાના મિસ કોલ હતા. ફોન કરતા દિશાને માલુમ પડ્યું કે તે જાત્રાએથી આવી ગયા છે અને મળવા માટે ઘરે આવવાનું કહે છે, દિશા રુચિ સાથે વાત કરી અને આવવાનું નક્કી કરે છે. દિશાની મમ્મી સાથે વાત કરતા દિશા થોડી ગળગળી પણ થઈ જાય છે. ફોન મૂકી દિશા મોબાઈલમાં એકાંતના મેસેજ જુએ છે. એકાંત મેસેજની અંદર દિશાને સમજવાનો દાવો કરે છે અને એક મિત્રતાની રીતે આગળ વધવા માટે પણ તૈયાર થાય છે. દિશા પણ તેને જીવનમાં આગળ વધવાની સલાહ આપે છે. રુચિ આવવાનો સમય થતા દિશા વાત પૂર્ણ કરે છે અને રુચિના આવતા જ એક અલગ ખુશીથી દરવાજો ખોલે છે. રુચિ પણ દિશાની ખુશીને પારખી જાય છે !!


સમર્પણ - ભાગ -27

દિશાના ચહેરા ઉપર આવેલી ખુશી જોઈને રુચિ દિશાને ખુશીનું કારણ પૂછ્યા વિના રહી ના શકી...
રુચિએ કહ્યું : "કેમ મમ્મી આજે આટલી ખુશ દેખાઈ રહી છે તું ?"
દિશાએ જવાબ આપતા કહ્યું : "તારા નાના-નાની જાત્રાએથી આવી ગયા છે, અને આપણને મળવા બોલાવે છે. નિખિલને પણ લઈ આવવાનું કહ્યું છે."

રુચિએ ખુશી સાથે કહ્યું : "wow, નાનું-નાની આવી ગયા છે ? ક્યારે જઈશું મળવા ?"

દિશાએ રુચિની વાતનો જવાબ આપતા કહ્યું : "તું કહે ત્યારે, મેં એમને એમ જ કહ્યું છે કે રુચિ આવે પછી અમે નક્કી કરીએ."
"તો ચાલને મમ્મી, અત્યારે જ જઈ આવીએ." રુચિએ જવાબ આપ્યો.
દિશાએ પણ વળતો પ્રશ્ન પૂછ્યો : "અને નિખિલ ?"
રુચિએ જવાબ આપતા કહ્યું : "હું એને ફોન કરી અને પૂછી લઉં.. એ આવે કે ના આવે આપણે જઈ આવીશું અત્યારે જ. કેટલા બધા દિવસ થયા એ લોકોને જોયે ? "
દિશાએ રુચિને નિખિલને ફોન કરવાનું કહી અને પોતે તૈયાર થવા માટે રૂમમાં ગઈ. રુચિ કૉલેજથી જ આવી હતી એટલે એને કપડાં બદલવાની ના પાડી.
રુચિએ નિખિલને ફોન કર્યો, પરંતુ એ થોડા કામમાં હોવાના કારણે તેણે ફરીવાર જઇ આવવાનું કહ્યું.. દિશાએ પણ તેના પપ્પાને ફોન કરીને જણાવી દીધું કે તે આવી રહ્યા છે. અને બંને એક્ટિવા લઈ અને પપ્પાના ઘરે જવા માટે નીકળ્યા.
દિશાના પપ્પાના ઘરે જતાં જ ત્યાનું વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું. દિશા અને રુચિએ પહેલા મમ્મી-પપ્પાને પગે લાગી પ્રણામ કર્યા. પછી બેસીને બધી યાત્રાની અને રુચિની સગાઈની વાતો કરી. નિખિલને પણ જલ્દી જ ઘરે લઈ આવવાની પણ વાત થઈ. દિશા અને તેની મમ્મી રસોડામાં જમવાનું બનાવી રહ્યા હતા. દિશા થોડી સુનમુન લાગતાં જ મમ્મીએ પૂછી લીધું, ''તકલીફમાં તો નથી ને દીકરા ?'' દિશાનો કન્ટ્રોલ તૂટી ગયો, ''ગેસ બંધ કરીને મમ્મીને વળગી પડી.'' રેખાબેનએ થોડીવાર રડી લેવા દીધા પછી, હળવેકથી અળગી કરતા બંને હાથના અંગુઠાથી દિશાની આંખો લૂછતાં ફરી પૂછ્યું, ''શું થયું છે બેટા, આટલી સ્ટ્રોંગ થઈને તું આમ રડે ? ચાલતું હશે ? બોલ, શુ હતું ?'' દિશાએ જવાબ આપ્યો, ''રુચિ...'' ફરી રડી પડી. હવે રેખાબેન મલકયાં, ''ગાંડી, આ તો સોનેરી સમય છે, દીકરીને વળાવવી કાંઈ કાચા-પોચાનું કામ નહીં.. અને તું જો આપણી રુચિ એ ઘરમાં પણ ઝળહળી ઉઠશે. ચિંતા શુ કામ કરે છે ? દીકરીની માઁને તો ભગવાન એના જન્મ સાથે જ કાઠી બનાવી દે છે આ દિવસ માટે. ખોટી ચિંતા છોડ, અને અમે છીએ, તારા સાસુ-સસરા છે. તારે ચિંતા કરવા જેવું કાંઈ છે જ નહીં.'' દિશા પણ થોડું મલકી અને ડોકું હલાવી હકારમાં ઈશારો કર્યો, પરંતુ તે એકાંતની અસમંજસ મમ્મી સાથે શેર કરી શકી નહીં.
રેખાબેને વાત આગળ વધારી, ''જો દિશા, હું તને વ્યક્તિગત રીતે એક વાત કહું, હું જાણું છું, કે તને એકલાં પડી જવાથી ડર લાગે છે, કેમકે તું એ રીતે રહી જ નથી. તો ભલે તને ખોટું લાગે, પણ મારું માનવું છે કે તારે હવે તો સેટ થવું જોઈએ.''

દિશાએ અકળાઈને મમ્મી સામે જોયું, ''મમ્મી...તું મને લગ્નનું કહે છે ? આ ઉંમરે ?''
રેખાબેને હસીને કહ્યું, ''હા, એમાં શુ ?, હવે તો લોકો ગમે તેટલી ઉંમરે પણ લગ્ન કરે જ છે. અને તું હજુ નાની જ છે.'' દિશાએ વાત પતાવવાના મૂડ માં કહ્યું, ''બસ, મમ્મી અહીં રુચિ ના લગ્નની વાત થવી જોઈએ, મારી નહીં.''
એમની વાતચીત દરમિયાન રુચિ રસોડામાં પાણી લેવા માટે આવતી હતી પણ દિશા અને નાનીની વાતો સાંભળી ત્યાં જ ઊભી રહી ગઈ.
દિશાની મમ્મી : "જાણું છું, પણ અમે ક્યારેક વિચારીએ ત્યારે તારી ચિંતા થાય છે. જો કે તારી ચિંતા તો બેટા અમને રીતેષકુમાર ગુજરી ગયા ત્યારથી થાય છે, અમે તો તને ત્યારે પણ ઘર વસાવી લેવા માટે સમજાવી હતી, પણ તું ત્યારે માની નહોતી.. રુચિની પાછળ તે તારું આખું જીવન ખર્ચી નાખ્યું, ભલે તને અત્યાર સુધી કોઈની જરૂર ના લાગી હોય રુચિ ઘરમાં હોવાના કારણે... પણ હવે તો થોડાં સમયમાં એ પણ ચાલી જશે, પછી શું ?"
દિશા : "મમ્મી, તું એ બધું વિચારવાનું છોડી દે, બધું જ થઈ પડશે, જો આટલા વર્ષોમાં આ બધું જ થઈ ગયું તો હવે આગળની જિંદગી પણ નીકળી જશે.!"
મમ્મી : "જો દિશા તું પહેલાથી જ આવી જીદ કરે છે, અને હજુ પણ તારી ઉંમર વધારે ના કહેવાય, હજુ પણ કોઈ એવું મળી જ શકે જે તને અપનાવી શકે !"
દિશા : "મમ્મી, મુકને આ બધી વાત, અને આ ઉંમરે આ બધું સારું લાગે ? દીકરીને પરણાવું કે હું પરણું ? તું છોડ આ બધું !!"
મમ્મી : "શું છોડું ? તું જેમ રુચિની માઁ છે, એમ હું પણ તારી માઁ છું, એક માઁ પોતાના છોકરાઓની ચિંતા ના કરે તો બીજું કોણ કરે ? મારી જગ્યાએ તું પણ હોય તો આમ જ કરે ને ?"
દિશા : "ના, હું આવું ના કરું.. હું સમજુ છું કે તને ચિંતા થાય છે, પણ મમ્મી હવે આ ઉંમરે આ બધું સારું ના લાગે, હવે શાંતિથી જીવન વિતાવવાનું છે, અને બધું થઈ પડશે.. તું ચિંતા ના કરીશ."
મમ્મી : "સારું બસ, ભલે મારી આ વાત ના માને પણ બીજી વાત તો તારે માનવી જ પડશે !"
દિશા : "કઈ વાત ?"
મમ્મી : "રુચિના લગ્ન પછી તારે અમારી સાથે આવીને રહેવાનું છે, તને પણ એકલું નહિ લાગે અને અમને પણ તારી ચિંતા નહિ થાય."
દિશાએ વધારે કોઈ જવાબ આપવા કરતા "જોઈશું" કહીને વાત પૂરી કરી બીજી વાતો શરૂ કરી.
વાતનો દોર બદલતાં જ દરવાજાની પાસે ઊભી રહેલી રુચિ પણ રસોડામાં આવી અને તેને કઈ સાંભળ્યું જ નથી એવું નાટક કરી ફ્રીજમાંથી પાણીની બોટલ લઈને બહાર ચાલી ગઈ.

ત્યાંજ અચાનક નિખિલે પોતાના મજાકિયા અંદાજમાં ઘરમાં એન્ટ્રી લીધી, અને ઘરનું લાગણીશીલ અને ઠંડુ વાતાવરણ ગરમ અને ધબકતું કરી દીધું.
જમીને પણ રાત્રે મોડા સુધી નિખિલ, દિશા અને રુચિ ત્યાં જ બેઠા, રોકાઈ જવા માટે પણ કહ્યું, પરંતુ રુચિને કોલેજ જવાનું હોવાના કારણે તે મોડા મોડા પણ ઘરે જવા માટે નીકળવું પડે તેમ હતું. નિખિલ બંનેને ઘર સુધી મૂકીને ઘરે જવા માટે નીકળી ગયો.

ઘરે આવતા ઘણું મોડું થઈ ગયું હતું.. દિશાએ પણ મોબાઈલ જોવાની જગ્યાએ સીધું સુવાનું જ નક્કી કર્યું.. રુચિએ પણ નિખિલ સાથે આજે મેસેજમાં જ વાત કરી લીધી. પણ એના મનમાં મમ્મી અને નાનીની વાતો ઘુમરાયા કરતી હતી. રુચિએ પણ વિચાર્યું કે તેની મમ્મીએ આખું જીવન તેના માટે જ ખર્ચી નાખ્યું છે, જો તે ઇચ્છતી તો બીજે લગ્ન કરી અને પોતાનું જીવન સુખમય બનાવી શકતી હતી, પરંતુ હું જે આજે જીવન જીવી રહી છું તે કદાચ હું ના જીવી શકી હોત. પણ હવે એવું તો શું કરવું જેના કારણે મમ્મીનું જીવન પણ સુખમય બને ?
મોડા સુધી રુચિએ આ પ્રશ્ન વિશે વિચાર્યા કર્યું, પણ તેને કોઈ જવાબ મળ્યો નહિ, અને તેની વિચારોમાં જ આંખ મીંચાઈ ગઈ.
સવારે ઉઠીને રાબેતા મુજબ રુચિ કોલેજ જવા માટે નીકળી અને દિશા ઘરના કામ પતાવવામાં વ્યસ્ત થઈ ગઈ.
ઘરના કામ પતાવી દિશાએ મોબાઈલ હાથમાં લીધો.. આશા પ્રમાણે જ એકાંતના મેસેજ હતા. આજે મેસેજમાં એકાંત થોડો બદલાયેલો લાગતો હતો. તેના મેસેજમાં એક નવો ટોન દેખાઈ રહ્યો હતો.
એકાંતના મેસેજમાં તેણે લખ્યું હતું,

"ખબર નહિ કેમ ? પણ તે મિત્રતા સ્વીકારવાનું કહ્યું તો પણ મારા દિલમાં તો તારા માટે પ્રેમની જ ભાવના છે, પહેલા એમ વિચાર્યું હતું કે પ્રેમને હમણાં લોકરમાં રાખી અને તાળું લગાવી દઈશ. પણ એ ત્યાં સમાયો જ નહીં. એની જગ્યાએ પાછો આવીને બેસી ગયો. પણ તું ચિંતા ના કર... આ પ્રેમ કૂદીને હવે બહાર નહિ આવે. એને મારી અંદર જ સમાવીને રાખીશ. તે ના કહ્યું છે એટલે પ્રેમની વાતો બંધ. જેમ તને ગમશે એમજ રહીશ.''

"ભલે તારી મિત્રતાને મેં ત્યારે સ્વીકારી લીધી, પણ તારી રાહ જોવાની મારી આદત તો એજ રહી. ના તારો કોઈ મેસેજ... ના કોઈ મેસેજનો જવાબ... ના તે કોઈ મેસેજ વાંચ્યા..."
"હું ઈચ્છું છું કે બધું બરાબર જ હશે, કદાચ તું વ્યસ્ત હોઈશ. પણ ક્યારેક ક્યારેક તું આ રીતે ગાયબ થઈ જાય છે અને મોડા સુધી નથી દેખાતી ત્યારે તારી ચિંતા પણ થાય છે.જલ્દી જ જવાબ આપીશ તેવી આશા રાખું છું."
દિશાએ તરત જ જવાબ આપ્યો.
"હા, થોડી બીઝી હતી.. એટલે મેસેજ ના કરી શકી. અને મારી ચિંતા ના કરશો.. અને રાહ પણ ના જોશો.. હું ફ્રી હોઈશ ત્યારે વાત કરીશ."

વધુ આવતાં અંકે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED