પ્રકરણ-3
અબ્દુલના સાથી જમીલની “તેરી હર બાત પર હમારી નજર થી” વાળી વાત સાંભળીને રાજૂલને સવારે પોતાની એકદમ નજીક આવીને ઉભો રહી ગયેલો આધેડ યાદ આવી ગયો. તેને થયું એ ડોસલો પણ આ લોકોના કાવતરામાં સંડોવાયેલો લાગે છે.તે પણ કેટલાક દિવસોથી મારી આસપાસ મંડરાતો રહેતો હતો. સ્વિસ નાઇફના હુમલા વાળો પોતાનો દાવ નિષ્ફળ જતાં રાજૂલ હતાશ થઇ ગઇ.તેનો ગભરાટ ધીમે ધીમે વધી રહ્યો હતો.જોકે તેનું મગજ તેને બચવા માટેના પ્રયત્નો છોડી ન દેવાનું કહેતુ હતુ.એટલામાં ડ્રાયવર અબ્દુલના ફોનની રીંગ વાગી.તેણે ફોનનો નંબર જોઇને વાત કર્યા વગર ફોન કાપી નાખતા બોલ્યો “સાલે હરામી કો બોલાથા તુ ફોન મત કરના મૈં તેરેકો હિંમતનગર પહુંચ કર ફોન કરુંગા.યે સાલા હમેં ફસવાયેગા” કહી ગંદી ગાળ બોલ્યો. રાજુના મગજમાં ચમકારો થયો.તેણે એક નવી ચાલ વિચારી અને તુરંત તેને અમલમાં મુકી.તેણે બબડવાનું અને રોવાનું શરૂ કર્યું અને કહેવા લાગી “ભૈયા મૈંને કયા બીગાડા હૈ તુમ્હારા ? તુમને મુઝે ક્યોં અગુવા કિયા હૈ ? હમ ગરીબ લોગ હૈ હમારે પાસસે તુમ્હેં કુછ નહીં મિલેગા.મૈં આપકે હાથ જોડતી હું મુઝે જાને દો પ્લીઝ.મુઝે છોડ દો પ્લીઝ,કાર રોકોના ભૈયા,પ્લીઝ”. રાજૂલના આ શબ્દો તેની ઓફિસમાં તેના સુપરવાઇઝર સર્વેશનાં કાનમાં પડી રહ્યા હતા. સર્વેશને મોબાઇલ પર રાજૂલનો નંબર દેખાયો તે સાથે રાજૂલનો રોવાનો,આજીજી અને વિનંતી ભર્યા શબ્દો સાંભળીને તેણે રાજૂલને સામે સવાલ કર્યો. “હલો રાજૂલ શું થયું?કેમ રડે છે? અને આ બધું શું બોલી રહી છે.?” પણ રાજૂલનાં મોબાઇલનું સ્પીકર ચાલુ હોવાથી સર્વેશનાં શબ્દો જમીલ અને અબ્દુલના કાને પડયા.એટલે જમીલે એક ગંદી ગાળ બોલીને તુરંત રાજૂલ હાથમાંથી મોબાઇલ છીનવી લીધો અને બેટરી તથા કાર્ડ કાઢીને ફેંકી દીધા.સાથે સાથે તેનું પર્સ પણ છીનવી લઇને એક થપ્પડ મારતા બોલ્યો “યહ તો સાલી ખતરનાક ભી હૈ ઔર ચાલુ ભી હૈ.” રાજૂલ પોતાનો બીજો પ્રયાસ પણ નિષ્ફળતા જતા અને જમીલની થપ્પડથી હેબતાઇ ગઇ.તે એકદમ હતાશ,નિરાશ અને સાવ લાચાર થઇ કારની બારી પર માથુ ટેકવીને રોવા લાગી.તેને હવે બચવાનો કોઇ રસ્તો દેખાઇ રહ્યો ન હતો.ભવિષ્યની અનેક જાતની શંકા-કુશંકાઓ તેને સતાવી રહી હતી.તેનું મગજ હવે કામ કરી રહ્યુ ન હતુ.આ સમસ્યાથી છુટકારો મેળવવા શું કરવું તે વિચારી શકતી ન હતી.પરંતુ તેનું મન અને મગજ તેને હજી પણ હાર નહીં માનવા કહી રહ્યા હતા.
00000
રાજૂલનો ફોન સર્વેશનાં ફોન પર જતા અને તેની વાતો સાંભળ્યા બાદ સમગ્ર ઓફિસનું વાતાવરણ એકદમ ગરમાઇ ગયુ.સર્વેશને એ પણ જાણવા મળ્યું કે રાજૂલ ને સવારે કાર પીક-અપ કરવા ગઇ ત્યારે રાજૂલ ત્યાં હાજર ન હતી.રાજૂલ કોઇકના હાથમાં ફસાઇ ગઇ હોય તેમ સર્વેશ અને તેના સ્ટાફને લાગી રહ્યુ હતું.સૌ તેની ચિંતા કરવા સાથે તેને બચાવવા શું કરવું?કયાં અને કઇ તરફ જવું? તે વિચારવા લાગ્યા.વળી આ બાબત પોલિસને જણાવવી કે નહી અને જણાવીએ તો પણ શું જણાવીએ? કોઇપણ એક લિમિટથી વધારે વિચારી શકતું ન હતું.સમય ઝડપથી વહી રહ્યો હતો. પરંતુ ઓફિસનું વાતાવરણ થોડીજ વારમાં સદંતર બદલાઇ ગયું. સર્વેશના મોબાઇલ પર એક મેસેજ ચમક્યો.તેમાં પોતાના નામ સાથે કારનો નંબર,કારનો હિંમતનગર તરફનો રૂટ,સેવ મી,માય સેલ્ફ રાજૂલ જોષી.વગેરે વિગતો જણાઇ.અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવો મેસેજ જોઇને સર્વેશને નવાઇ લાગી.તેણે ચકાસણી કરવા તે નંબર પર બે-ત્રણ વખત રીંગ મારી પરંતુ સામેથી કોઇ જવાબ આવ્યો નહીં.તેણે ઉપસ્થિત સ્ટાફમાં લોકોને તે નંબર વિષે પૂછપરછ કરી તો કોઇને તે વિષે કશી ખબર ન હતી.પરંતુ રાજૂલ જોખમમાં હતી તે આ મેસેજથી સૌને સ્પસ્ટ થઇ ગયુ હતુ. સર્વેશે વધારે વિચારવાનો સમય નથી પરંતુ જોખમ ખેડવાનો સમય છે તેમ વિચારી લીધુ.તેણે વધુ વિચાર્યા વગર ઝડપથી નિર્ણય લઇને જલ્દીથી કંપનીની બે મોટરકાર તૈયાર કરવાની સુચના આપી.પોતાની સાથે એક ગનમેન સહિત ચાર-પાંચ હટ્ટા-કટ્ટા સિકયુરિટીના માણસોને દંડા,સળીયા લઇને તૈયાર કર્યા પછી કારને હિંમતનગર રૂટ પર મારી મુકી. પ્રકરણ-3