હેન્ડસ-ફ્રી - 1 Mukesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેન્ડસ-ફ્રી - 1

હેન્ડસ-ફ્રી

મુકેશ પંડયા

પ્રકરણ-1

રાજુલ અમદાવાદમાં એક પ્રતિષ્ઠિત એરલાઇન્સ કંપનીમાં નોકરી કરતી હતી.તેની ડયુટી શહેરનાં સરદાર વલ્લભભાઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રહેતી હોવાથી તેનો નોકરીનો સમય વહેલી સવારનો રહેતો.તે દરરોજ વહેલી સવારે લગભગ 4.30 કલાકે સુભાષબ્રીજ સર્કલ પોલિસ સ્ટેશન પાસે પહોંચી જતી.તેની કંપનીનાં કેટલાક કર્મચારીઓને શહેરના વિવિધ વિસ્તારોમાંથી લઇને આવતી ટવેરા કાર લગભગ 4.40 ની આસપાસનાં સમયે તેને પીક-અપ કરતી હતી.રાજુલ હંમેશા સમયસર પીક-અપ સ્થાન પર આવી જતી અને પથ્થરના બાંકડા પર હંમેશા એકજ સ્થાન પર બેસીને કારની રાહ જોતી. રાજૂલે કોલેજમાં રાજય સ્તરે એનસીસીની શ્રેષ્ઠ કેડેટનું બહુમાન પ્રાપ્ત કરેલ હતુ.અને એનસીસીની તાલિમના કારણે બહાદુરી અને નીડરતાના ગુણો તેનામાં અન્ય છોકરીઓ કરતા વિશેષ હતા.આ કારણે તેને આટલી વહેલી સવારે નોકરી જવાનો કે અહીં બાંકડા પર બેસીને રાહ જોવામાં જરાય ભય લાગતો ન હતો.વહેલી સવારે પણ રાજૂલના કાનમાં હંમેશા હેન્ડસ-ફ્રી લાગેલુ રહેતુ.તેના વડે તે મોબાઇલ ગેમ રમવામાં,એસએમએસ કરવા કે કંઇક વાંચવામાં વ્યસ્ત રહેતી.તેને પીક-અપ કરવા આવનાર કાર આવીને હોર્ન મારતી ત્યારે તે સીટ પરથી ઉભી થઇને કાર પાસે જતી પછી તુરંત કારનો પાછળનો દરવાજો ખોલી કારમાં બેસી જતી અને કારમાં બેઠેલા તેના અન્ય સાથીઓની સાથે નજર મીલાવ્યા વગરજ “જયશ્રી કૃષ્ણ” કહેતી.જો કોઇ કશું તેને પુછતું કે વાત કરતું તો તે મોટાભાગે મોબાઇલમાંથી નજર હટાવ્યા વગર જ જવાબ આપતી.તેની આ આદતને કારણે તેના સહકર્મીઓ અને અન્ય લોકો તેને વારંવાર ટોકતા અને ક્યારેક મશ્કરી પણ કરતાં પણ રાજૂલ તેનો ના ખાસ કોઇ પ્રતિભાવ આપતી કે ના પોતાની આદતમાં બદલાવ લાવતી.

બે ત્રણ દિવસથી સવારે કારની રાહ જોવાના સમયે કોઇક તેની આસપાસ ફરતું હોય તેમ રાજૂલને લાગી રહ્યુ હતુ.શરૂઆતમાં તો તેણે ધ્યાન ન આપ્યું પછી તેને વિશ્વાસ થઇ ગયો કે એક આધેડ તેની નજીક ફરતો હતો.તેથી તે થોડી વધુ સચેત રહેવા લાગી.પરંતુ બે દિવસ બાદજ તેનો વિશ્વાસ ત્યારે વધુ દ્રઢ થઇ ગયો જયારે તે આધેડ બિલકુલ તેની નજીક આવીને ઉભો રહી ગયો અને કશુંક બોલવા લાગ્યો.રાજૂલના કાનમાં હેન્ડસ-ફ્રી લાગેલ હોવાના કારણે તેને ખાસ કશું સંભળાયુ નહીં પરંતુ આધેડને પોતાની એકદમ નજીક જોઇને તે ભડકી ઉઠી અને બાંકડા પરથી ઉભી થઇને તેમના પર ચીલ્લાવા લાગી.“શું છે કાકા,તમારો ઇરાદો શું છે.બે ત્રણ દિવસથી આમ મારી આસપાસ આંટા....” અને તે આગળ કશું બોલે તે પહેલા કારનો હોર્ન તેના કાને પડયો,એટલે બોલવાનું છોડી હેન્ડસ-ફ્રી કાનમાંથી ખેંચી દોડતા કારની પાછલી સીટ પર બેસી ગઇ.તે કારમાં પણ બબડી રહી હતી. “એ ડોસલાને તો હું કાલે ખબર પાડી દઇશ કે તારા જેવાતો દસને પહોંચીવળુ તેમ છું.કોઇપણ જાતની ભ્રમણામાં રહેતો નહીં.નહિતર એકજ પંચ મારીને થોબડાની ડિઝાઇન...” બડબડાટ કરી રહેલ રાજૂલને થોડી ક્ષણો બાદ કારનું વાતાવરણ કંઇક અજુગતુ લાગ્યું.કાર તેને સાવ ખાલી દેખાઇ. કારમાં તેના કોઇ સાથી તેને દેખાયા નહીં અને કારમાં આગળની સીટમાં બે પુરૂષો બેઠા હતા.કાર રોજની ગતિ કરતાં વધુ ગતિથી ભાગી રહી હતી.વળી તેની બડબડાટનો કોઇએ રીસ્પોન્સ પણ આપ્યો ન હતો.છતાં તેણે પોતાના સંશયને દૂર કરવા ચિંતિત સ્વરે બોલી “મોહનભાઇ કેમ કારમાં કોઇ નથી આજે? બધા લોકો લેટ પડી ગયા છેકે શું? પછી પોતાની ઘડીયાળ જોતા તે બોલી આમતો આપણે સમયસર છીએ.અને કારમાં આ ભાઇ કોણ છે?” પણ પોતાની વાત પૂરી થતા સુધીમાં રાજૂલને અણસાર આવી ગયો કે આ કાર રોજ હોય છેતે નથી અને મોહનભાઇ તરફથી પણ કોઇ જવાબ નથી આવી રહ્યો.વળી કારમાં સદંતર ખામોશી અને તેની સ્પીડને કારણે પણ કંઇક અજુગતુ થઇ રહ્યાનો રાજૂલને વિશ્વાસ થઇ ગયો.તેણે મોટા અવાજે કારચાલકને આદેશ કર્યો. “ગાડી રોકો...કોણ છો તમે..?”રાજૂલને કોઇ જવાબ ન મળ્યો પરંતુ કારની સ્પીડ વધુ તેજ થઇ ગઇ હતી.રાજૂલે કારનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે લોક હતો.કારની બારીનો કાચ નીચે ઉતારવા મીરર કલચ દબાવ્યું પરંતુ દરવાજા સાથે તે પણ લોક હતુ.હવે તેણે કારમાં બૂમાબૂમ શરૂ કરી દીધી પણ વહેલી સવારે ટ્રાફિક પણ ખુબ જૂજ હતો અને કારની સ્પીડ પણ વધુ હોવાથી રાજૂલની બૂમો કોઇને પણ સંભળાય તે લગભગ શકય ન હતુ.રાજૂલ કારની બારીના ગ્લાસ પર જોરજોરથી હાથ પછાડતા બચાવો બચાવોની બૂમો પાડવા લાગી અને સાથેસાથે કારના ડ્રાયવરને અને તેની સાથે કારમાં બેસેલા અજાણ્યા માણસને ભાંડવા લાગી. પ્રકરણ-1