પવનચક્કીનો ભેદ
(કિશોર સાહસકથા, ૧૯૮૨)
પ્રકરણ – ૩ : તાર ન પહોંચે એટલે !
મોટાં માસીના ઘરમાં કેપ્ટન બહાદુર અને કમળા હંમેશા રસોડામાં જ હોય, એટલે ત્રણે છોકરાંઓએ રસોડાના બારણા ભણી દોટ મૂકી.
રસોડાનાં ખુલ્લાં બારણામાં થઈને ત્રણે જણાં અંદર કૂદી ગયાં. અંદર અંધારું હતું. રામે સ્વીચ શોધી કાઢી. દાબી. વીજળીના દીવાનું અજવાળું આખા રસોડામાં ફેલાઈ ગયું. છોકરાંઓએ બૂમો પાડવા માંડી. માસીના નામની, કેપ્ટન બહાદુરના નામની, કમળાના નામની બૂમો પાડી. પણ કશો જવાબ ના મળ્યો. રસોડામાં કોઈ નહોતું. નીચેના માળે કોઈ નહોતું. થોડીક વધુ બૂમો પછી સમજાઈ ગયું કે ઉપલા માળે પણ કોઈ નહોતું.
વરસાદ સખત વરસવા લાગ્યો હતો. નેવાનાં પાણી ભારે ખળખળાટ મચાવતાં હતાં, એટલે બૂમો પાડવા માટે ઘાંટો પણ મોટો કાઢવો પડતો હતો.
“ઘરમાં કોઈ લાગતું નથી.” મીરાંએ આખરે થાકીને કહ્યું.
“મને લાગે છે કેપ્ટન બહાદુર આપણને લેવા જ નીકળ્યો હશે અને ગાડીને પંક્ચર પડ્યું હશે.” રામે અનુમાન કર્યું.
મીરાં રસોડાના બારણા પાસે જઈ કહે, “ના, રામ, એવું નથી. જો, ગેરેજનું બારણું ઉઘાડું છે અને એની ટ્રેક્ટરગાડી અંદર જ પડી છે.”
રામે ફરી વાર અનુમાન કર્યું, ‘તો પછી કદાચ એ અને કમળા ઘાસ ભરવાની કોઢમાં હશે અને વરસાદથી ઘાસ પલળે નહિ એની કાળજી રાખતાં હશે.”
જોકે રામનું આ અનુમાન પણ ખોટું ઠરવાનું હતું. પણ એ વાત પછી. અહીં એ અને મીરાં આવાં અનુમાનો કરતાં હતાં ત્યારે ભરત રસોડાની અંદર ફરીને ઝીણવટભરી નજર ફેરવી રહ્યો હતો. એ અચાનક બોલ્યો : “મોટાં માસીને કૂતરો પાળવાનો શોખ લાગે છે.”
“કૂતરો ?”
રામ અને મીરાં બંને એક સાથે ચોંકી પડ્યાં. રામ કહે, “માસીને કૂતરાં જરાય ગમતાં નથી. બહાદુરને પણ કૂતરાં ઉપર ગુસ્સો છે.”
ભરત તો રસોડાની ફર્શ ઉપર ઘૂંટણિયે પડ્યો હતો અને ઝીણી આંખે તાકી રહ્યો હતો. એણે મક્કમ અવાજે કહ્યું, “આ પગલાં કૂતરાનાં જ છે.”
મીરાં અને રામે જોયું. ફર્શની લાદી પર કોઈ નહોરવાળા પ્રાણીના પંજાનાં નિશાન દેખાતાં હતાં. અને એ કૂતરાનાં પગલાં જેવાં જ નિશાન હતાં.
એટલામાં મીરાંએ રસોડા વચ્ચે પડેલા અંગ્રેજી ઢબના ભોજન માટેના ટેબલ તરફ આંગળી ચીંધી. એ બોલી, “જુઓ, જુઓ, અહીં હમણાં જ કોઈ જમ્યું લાગે છે.”
ટેબલ ઉપર એક થાળી પડી હતી. એમાં અર્ધુંપર્ધું ખવાયેલું ભોજન હતું. બાજુમાં જ કૉફીનો એક પ્યાલો હતો. મીરાંએ પ્યાલો ઉપાડી જોયો. પ્યાલો હજુ ગરમ હતો !
એ બધું જોઈને રામે કહ્યું, “સાચી વાત છે. અહીં થોડી વાર પહેલાં જ કોઈ જમવા બેઠું હતું અને એ કોઈ કારણે જલદી જલદી ગચ્છન્તિ કરી ગયું છે. જુઓ, જલદી દોડવા જતાં એણે આ ખુરશી પણ ઉથલાવી પાડી છે. નેપકિન પણ ફર્શ ઉપર ફેંક્યો છે. કેપ્ટન બહાદુર આવું કદી ન કરે. એ ઉતાવળમાં હોય ત્યારે પણ બધું કામ વ્યવસ્થિત જ કરે અને કમળા તો ચોખ્ખાઈ અને ચીવટની એટલી આગ્રહી છે કે આવું ચલાવી લેવા કરતાં જીભ કરડીને મરી જવાનું વધુ પસંદ કરે...”
રામ જાણે સાધારણ વાત કરતો હોય એમ બોલી રહ્યો હતો. પણ એના અવાજમાં ભય છાનો રહી શકતો નહોતો. ભરતના તો ડોળા જ પહોળા થઈ ગયા હતા. એને માસીના ઘરમાં રજાની મજા માણવાની વાત હવામાં ઊડી જતી દેખાઈ રહી હતી. એ થોડોક થથરી અને કંપી રહ્યો હતો. એકાએક એણે છીંક ખાધી ! એટલા નાના છોકરાની એ છીંક એટલી મોટી હતી કે રામ અને મીરાં જાણે પિસ્તોલનો ભડાકો સાંભળ્યો હોય એમ ચોંકી પડ્યાં.
મીરાં આ છીંકનું કારણ તરત જ સમજી ગઈ. એણે કહ્યું, “રામ, ઉપલા માળે તમારા છોકરાઓના ખંડમાં ભરતને લઈ જા અને એનાં કપડાં બદલી નાખ, નહિતર આ ઢીલાશંકર પોચીદાસ શરદીમાં સપડાઈ જશે. અને ભરત ! તું સ્વેટર લાવ્યો હો તો એ જરૂર પહેરી લેજે.”
છોકરાઓ ઉપલા માળે કપડાં બદલીને આવ્યા ત્યાં સુધીમાં મીરાંએ રસોડામાં ટેબલ ઉપર ત્રણ થાળીઓ ગોઠવી દીધી હતી અને એ ભોજનના કોઠારિયામાં ખાવાલાયક ચીજવસ્તુઓ શોધી રહી હતી. કમળા હાજર હોત તો એણે મીરાંને કોઠારિયાને હાથ પણ લગાડવા દીધો ના હોત. એ કહેત કે છોકરાંઓના હાથ ગંદા હોય, એમણે કોઠારિયાને ના અડાય !
ત્રણે જણાં ભાખરી અને અથાણું શોધી કાઢીને ચૂપચાપ ખાવા લાગ્યાં. ભરતને એની મમ્મીએ તીખી પૂરીઓ અને છુંદો નાસ્તામાં આપ્યાં હતાં. એ પણ ત્રણેએ વહેંચી લીધાં.
બહાર વરસાદ ધીમો પડી રહ્યો હતો. પણ હજુ બંધ થયો નહોતો.
જમી રહ્યા પછી મીરાંએ વાસણ ઉટકવા માંડ્યાં અને ભરતે એની ઝીણી ઝીણી આંખે એક અજબ શોધ કરી. એણે રસોડાના કોઠારિયાના એક પાયા પાછળથી કાગળનો એક ડૂચો શોધી કાઢ્યો. એણે ડૂચો આસ્તે આસ્તે ઉખાળ્યો. ગુલાબી રંગનો કાગળ હતો અને એની અંદર સફેદ પટ્ટીઓ ચોંટાડી હતી. ભરતના હાથમાં એ કાગળ જોતાં જ એક બાજુથી રામ કૂદ્યો. બીજી બાજુથી મીરાં કૂદી. ત્રણે જણાંએ કાગળ એક સાથે વાંચ્યો. એ તાર હતો. એ લોકોએ જ અમદાવાદથી એ સવારે મોકલેલો તાર, જેમાં પોતે આવી રહ્યાં છે એવા સમાચાર હતા !
ભરતે કહ્યું, “કોઈકે તારને ડૂચો વાળીને ફેંકી દીધો હતો ! અજબ વાત છે ને !”
રામ કહે, “છી... છી...! તેમાં અજબ વાત શી ?”
પણ એના ચહેરા પર જોતાં મીરાં અને ભરત સમજી ગયાં કે રામને પણ આ વાત અજબ લાગી જ હતી.
એ લોકો રસોડાના ટેબલ ફરતાં ઘણી વાર સુધી બેસી રહ્યાં. ત્રણે જણ આ અજબ ઘટનાનો વિચાર કરતાં હતાં. ઘરમાં કોઈ હાજર નહોતું. થોડી વાર પહેલાં જ કોઈ અહીં જમ્યું હતું. વળી, એકદમ ઉતાવળે વિદાય થઈ ગયું હતું. માસીને જરાય નહિ ગમતા એવા કૂતરાનાં પગલાં ફર્શ પર પડ્યાં હતાં. અને કોઈએ તારનો ડૂચો વાળીને ફેંક્યો હતો.
બહાર વળી વરસાદ વધવા લાગ્યો હતો. સાથે સખત પવન પણ ફૂંકાતો હતો. હવેલીની આજુબાજુ ઊગેલાં ઊંચાં ઊંચાં ઝાડ એ પવનમાં ડોલતાં હતાં. એમની ડાળીઓ એક-બીજી સાથે ઘસાઈને ચિત્રવિચિત્ર ચૂંચૂંકાર કરતી હતી – જાણે અનેક જંગલી પ્રાણીઓ ચૂંચવાટ કરી રહ્યાં હોય.
ભરતે સ્વેટર પહેરી લીધું હોવા છતાં એ ધ્રૂજી રહ્યો હતો. અર્ધો ઠંડીથી અને અર્ધો કદાચ બીકથી.
રામે કહ્યું, “મીરાં ! ચાલ હવે દીવાનખાનામાં બેસીએ. ત્યાં જરા સૂકું વાતાવરણ હશે અને આપણે સગડી સળગાવીશું.”
જોકે રસોડામાંથી કોલસા ભરેલી એક સગડી દીવાનખાનામાં લાવ્યા પછી જણાયું કે દીવાસળીઓ તો છે જ નહિ. ભરતે કહ્યું, “ઊભાં રહો. રસોડામાં એક છાજલી ઉપર મેં દીવાસળીની પેટી જોઈ છે. લઈ આવું.”
એ રસોડામાં ગયો એટલે રામે ગંભીરતાથી કહ્યું, “મીરાં ! અહીં શું થયું હશે ? તને શું લાગે છે ? કેપ્ટન બહાદુર અને કમળા ક્યાં ગયાં હશે ? તાર તો અહીં પહોંચ્યો છે પણ...”
મીરાંનાં ભવાં ઊંચાં થઈ ગયાં. “કમળા અને બહાદુર અહીં હાજર નહિ હોય તો તો આપણી રજાઓ ટુંકાઈ ગઈ સમજવી. મમ્મી તો આપણને એકલાં માસી સાથે રહેવા દેશે, પણ નાના ભરતની એટલી બધી ચિંતા કરશે કે...”
રસોડામાંથી દીવાનખાનામાં પડતું બારણું ફડાકાભેર ખૂલી ગયું. ભરત અંદર ધસી આવ્યો. એની આંખો મોટા મોટા લખોટા જેવી બની ગઈ હતી.
“બારી ! બારી !” એ માંડ માંડ બોલી શક્યો. “પેલો... પેલું... કોઈ બારીમાં... અંદર તાકે છે.”
આ સાંભળતાં જ રામ અને મીરાં ઊભાં થઈ ગયાં. રામે ગુસ્સાભર્યા અવાજે કહ્યું, “ભરત ! આમ ગાંડા કેમ કાઢે છે ? શું છે ? કોણ છે ? બારી કઈ ? કોણ તાકે છે ?”
ભરત ઢીલો પડી ગયો. એણે મરતલ અવાજે કહ્યું, “રસોડાની કાચની બારી બહાર કોઈ ડૂબી ગયેલા માણસના જેવો ભીનો ચમકતો ચહેરો દેખાય છે !”
“શું ?” મીરાંના મોંમાંથી ચીસ નીકળી ગઈ.
***