પવનચક્કીનો ભેદ
(કિશોર સાહસકથા, ૧૯૮૨)
પ્રકરણ – ૪ : એટલે ઘેરી વળ્યો ભેદ
ભરત ખૂબ ડરી ગયો હતો, અને મીરાંને પણ એ બીકનો ચેપ લાગી ચૂક્યો હોય એમ જણાતું હતું. મોટો આવક રામ હતો અને ખરી રીતે એણે રસોડામાં જઈને તપાસ કરવી જોઈતી હતી. બારી બહાર શું છે અગર કોણ છે તે જોવું જોઈતું હતું. પણ અત્યારે તો એ પણ જરા અચકાયો. એનાં પગલાં જાણે રસોડા તરફ ઊપડવાની જ ના પાડતાં હતાં.
એ માંડ માંડ દીવાનખાનામાં રસોડામાં પડતા બારણા સુધી પહોંચ્યો. આગળ વધવું કે નહિ એની ચિંતા કરતો હતો. ત્યાં જ રસોડાનું બહારનું બારણું ધડાકાભેર ખૂલી ગયું અને એક મોટો આનંદી અવાજ આવ્યો, “અરે, ઘરમાં કોણ છે ?”
દીવાનખાનામાં બેઠેલી મીરાં કૂદીને ઊભી થઈ ગઈ. એણે બૂમ પાડી, “કેપ્ટન બહાદુર !” અને એ રામને પણ વટાવીને રસોડામાં પહોંચી ગઈ.
રામે પાછા આવીને ભરત સામે જોયું. હસીને કહ્યું, “અરે, ઢીલાશંકર પોચીદાસ ! તમે બહાદુરને જોઈને ડરી ગયા ! તેં બારીમાં કેપ્ટન બહાદુરનું મોં જોયું હશે.”
મીરાં તો ક્યારનીય પાણી નીતરતા કેપ્ટન બહાદુરને વળગી પડી હતી રામે દોડીને બહાદુરનો હાથ પકડી લીધો. ભરત જોઈ રહ્યો. કેપ્ટન બહાદુરનો ડાબો પગ લશ્કરમાં કપાઈ ગયો હતો. એથી એ ઘોડીને આધારે ચાલતો હતો. આનંદી હતો. અને એની વાતચીતથી થોડા જ વખતમાં વાતાવરણમાં આનંદ છવાઈ ગયો.
એણે હસતાં હસતાં કહ્યું, “તમે અહીં છો અને કમળા હાજર નથી એટલે જરાય નહિ ગમે. પણ શું થાય ? એ પોતાની મોટી બેનને ગામ દેવગઢબારિયા ગઈ છે. પણ મને એ નથી સમજાતું કે તમારાં મમ્મીએ મને ખબર કેમ ન આપ્યા ? હું સ્ટેશને તમને લેવા સામો આવત.”
ત્રણે છોકરાંઓએ એકબીજાંની સામે નવાઈથી જોયું.
મીરાં બોલી ઊઠી : “પણ અમે તાર કર્યો જ હતો ! ભરતને હમણાં જ એ તાર રસોડાના કોઠારિયા નીચેથી જડ્યો.”
અને પછી ત્રણે જણાંએ જલદી જલદી બધી વાત કરી. પોતે કેવી રીતે આવ્યાં, શા માટે ચાલવું પડ્યું, આવીને રસોડામાં શું જોયું, વગેરે બધું કહ્યું. કેપ્ટન બહાદુરનું મોં ઓશિયાળું બની ગયું. એનું મોં ફાટ્યું જ રહી ગયું. એણે ફાટે ડોળે પેલો તાર જોયા કર્યો. ભરતે જ્યારે પોતે જોયેલાં કૂતરાનાં પગલાંનાં નિશાનોની વાત કરી ત્યારે તો એ જરાક બહાવરો પણ બની ગયો. એનું આખું શરીર અક્કડ બની જતું લાગ્યું. અને જીભ સીવાઈ ગઈ.
“તો પછી એ તમારો કૂતરો નહોતો, કેપ્ટન સાહેબ ?” ભરતે પૂછ્યું.
“કૂતરો ?” કેપ્ટન બહાદુરનો અવાજ ખાલી ગાગરની જેમ પડઘા પાડી રહ્યો.
ભરતે કહ્યું, “હા, કેપ્ટન સાહેબ ! અહીં કૂતરાનાં ભીનાં પગલાંનાં નિશાન પડ્યાં હતાં. મેં તે હમણાં જ ભૂંસ્યાં.”
આમ કહીને ભરતે આંગળી ચીંધી. કેપ્ટન બહાદુરે એ તરફ ગંભીર નજરે જોયું. એની આંખો એટલી સ્થિર રીતે એ જગાએ મંડાઈ હતી, જાણે એને આશા હોય કે હમણાં જ પાછાં પગલાનાં નિશાન ત્યાં ઊપસી આવશે.
આખરે એણે કહ્યું, “અહીં તો કોઈ કૂતરો નથી. અમે કૂતરા નથી પાળતા. હું તો આજે બપોરથી દૂરના એક ખેતરે ખેતી માટેનું ટ્રેક્ટર માગવા ગયો હતો. જતાં જતાં નથી મેં ટેબલ ઉપર થાળી મૂકી કે નથી કૂતરો જોયો !”
હવે ચાર જણાં મૂંઝાઈ ગયાં અને ઘણી મિનિટો સુધી ચૂપચાપ બસી રહ્યાં.
આખરે કેપ્ટન બહાદુર જરા સ્વસ્થ બન્યો. એણે કહેવા માડ્યું, “જો કે શું થયું હશે એ મને સમજાય છે. અહીં ગામડાંઓમાં લોકો એકબીજાને ઘરે છૂટથી જાય-આવે છે. ઘરમાં કોઈ ન હોય તો પણ ખાવાપીવાનું જાતે જ લઈ લે છે. ગામડામાં લોકો ભલાં હોય છે. આજે બપોર પછી પણ કોઈ આવ્યું હશે, એણે ખાવાનું કાઢ્યું હશે. તારવાળો એની હાજરીમાં જ આવ્યો હશે અને એ વાંચવા જાય ત્યાં જ એકદમ વરસાદી તોફાનનો ગડગડાટ થયો હશે. એ ઊભો થઈને તાર ફેંકીને પોતાને ઘેર જવા નાઠો હશે.”
એણે પોતાનાં ત્રણે નાનાં મહેમાનો તરફ નજર ફેરવી. છોકરાંઓ એની વાત માની ગયાં હોય એમ લાગતું હતું. એ હસ્યો અને ડોકું ધુણાવતાં બોલ્યો, “હં... મને લાગે છે કે એવું જ થયું હશે.”
રામે નિરાંતનો શ્વાસ મૂક્યો. કેપ્ટન બહાદુરે કેટલી સરસ સમજૂતી આપી ! આપણે તો કેવાં ડરી ગયાં હતાં.
મીરાં પણ હવે જરા નિરાંત જીવે બેઠી હતી.
એકલા ભરતના મોં પર ગંભીરતા હતી. પણ ભરતની તો ટેવ જ એવી હતી. એનાં જાડા કાચનાં ચશ્માંમાં એ હંમેશા ગંભીર જ દેખાતો.
એટલામાં કેપ્ટન બહાદુરે કહ્યું, “તમારાં જયા માસી પણ બેન્કના કામકાજે વડોદરા ગયાં છે. એટલે હમણાં તો આપણે ચારે જણ આ ઘરમાં રાજા છીએ... મને લાગે છે કે કમળા જતાં જતાં સુખડી બનાવતી ગઈ છે. કોઠારિયામાં ક્યાંક પડી હશે. ચાલો જલસા ઉડાવીએ.”
ખાઈ-પીને થોડી વાર બધાં ગપ્પાં મારતાં બેઠાં અને પછી ઊંઘવાની તૈયારી કરી. રામ અને ભરત બે પલંગવાળા એક ખંડમાં સૂવાના હતા. કપડાં બદલતાં બદલતાં રામે મજાક કરી, “ભરત ! હવે આજની રાત બીજાં કોઈ ભૂતડાં જોતો નહિ હોં. તું તો સાવ બીકણ જ રહ્યો. બહાદુરને તેં ભૂત માની લીધો !”
“પણ એ બહાદુરનો ચહેરો નહોતો !” ભરત પોકારી ઊઠ્યો.
“શું ? એ બહાદુર નહોતો ?”
ભરતે મક્કમ અવાજે કહ્યું, “મને ખાતરી છે કે બારી બહાર મેં જોયેલો તે કેપ્ટન બહાદુરનો ચહેરો નહોતો. એ તો પૂરા અને લાંબા વાળવાળો, મૂછો વગરનો માણસ હતો. અને એના એક ગાલ ઉપર જખમની મોટી નિશાની હતી. ના, એ કેપ્ટન સાહેબ નહોતા.”
રામ વિચારમાં પડી ગયો. શું ભરતની ભૂલ થઈ હશે ? એ નાનકડો છોકરો છે. એની કલ્પના આવી નવી જગ્યાએ જરા ચગડોળે ચડે એ સ્વાભાવિક છે.
પણ ભરત બોલે છે પૂરી ગંભીરતાથી અને ચોકસાઈથી. કદાચ એ સાચું હોય તો ? કદાચ અહીં કૂતરો આવ્યો પણ હોય, કદાચ બારી બહાર કોઈ અજાણ્યો માણસ પણ ઊભો હોય. તો ?
***