સોંદર્ય-મેવ-જયતે Vaseem Qureshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોંદર્ય-મેવ-જયતે


દૂર સુદૂર નિરખાતો ચંદ્ર ! કેટલો રળિયામળો ! એમાંય શરદ ની પુર્ણિમા અને પુર્ણિમા ની ચાંદની અને ચાંદની ની શીતળતા. અતિ આહલાદક ! ! અગણિત કાવ્યો નું પ્રેરણા સ્ત્રોત ! અસંખ્ય વિચારો ની જનમોત્રિ ! હ્રદયના સ્પંદનો ને વેગીલું કરનાર ટોનિક ! એ દૂર છે ને એટ્લે જ કદાચ.

આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર જઈને જોયું અને કહ્યું; ભઇલા મારા ! ચંદ્રમાં એટ્લે ધૂળ, ઢેફા અને પત્થર ના ઢગલા. બીજું કઈ જ નહીં. નહીં હવા, નહીં વાતાવરણ, નહીં પાણી, નહીં જીવન્તતા, નહીં જીવન. ચંદ્ર પર થી જોતાં એને પૃથ્વી વધુ સુંદર લાગી હશે.

અહો આશ્ચર્યમ ! ! વિચાર થાય કે પૃથ્વી એટલી સુંદર હશે. હશે નહિ, એ તો છે જ ! પૃથ્વી પર થી ચંદ્ર અને હવે ચંદ્ર પર થી પૃથ્વી વધુ સુંદર લાગવા લાગી. દ્રષ્ટિ એ જ છે પણ દ્રષ્ટિ કોણ બદલાયો તેથી જ પૃથ્વી ની સુંદરતા ધ્યાનકર્ષિત બની. બીજાની થાળી નો લાડવો હમેશા મોટો જ લાગે ને.

સાગર કિનારે ઊભા રહીને જુઓ – દૂર ક્ષિતિજ સુધી જળરાશિ. સુંદરતમ દ્રશ્ય ! છેક છેવાડે કોઈ વહાણ ના સઢ દેખાય કે જહાજ મા થી રચાતા ધુમાડા ના ગોટે ગોટા દેખાય – સુંદર દ્રશ્યાવલી રચાય. તરત જ દરિયા માં મહાલવાની ઈચ્છા જાગી ઊઠે. તમે મુસાફરી શરૂ કરો. ધીરે ધીરે પહોચો દરિયા મહી. હુજુયે જળક્ષિતિજ દેખાય છે. વધુ દૂર. હજુ દૂર સુધી જાઓ, હજી અંદર સુધી જાઓ. એ સુંદરતા હજી દૂર જતી જણાય, હજી અંદર જતી જણાય. પાછળ વળી ને જુઓ . . .

અહા ! અતિ સુંદરતમ ! ધુમ્મસમાં ઓજલ થતો દરિયા કિનારો. ઉંચા મકાનો પત્તાના મહેલ જેવા સુશોભિત, કિનારા ની રેત ચમકી આંખે વળગે. રંગબેરંગી પર્શ્ચાદભૂમિકા મનોરમ્ય લાગે. તમને થાય કે જે છોડી ને આવ્યા એ આટલું સુંદર હતું ?!!!? હા, તે છે.

કોઈ તળેટી માં ઊભા ઊભા ઊંચા ઊંચા પર્વત તરફ મીટ માંડો. સળંગ પહાડો ની હાર માળા તમને આલિંગન આપતી દેખાય. આકાશના વાદળો જાણે શિખરોને ચુંબન આપી ફ્લર્ટ કરી આગળ ધપતા દેખાય. પથ્થરો ના અફાટ સાગર માં ઊગી નીકળેલ કોઈ વૃક્ષ વૃંદ ટાપુ ની ગરજ સારે. મનભાવક ! મનમોહક ! તમે થાકી ને પણ કપરું ચઢાણ કરો. છેક ટોચ પર પહોચો. ત્યાં પણ માત્ર ધૂળ અને ઢેફા. નીચે તળેટી તરફ ધ્યાન થાય અને . . . .

અહો આશ્ચર્યમ ! આંખો સામે પથરાયેલી લીલી જાજમ દેખાય. એ જાજમ ઉપરથી ઉડતા વાદળો. માણસો અને મકાનો તો ખૂબ નાના ભાસે. હરતા ચરતા ઢોર તો દેખાય જ નહી. હરિયાળીની સુંદરતા આંખે જડાઈ જાય. ભૂલી જવાય કે તમે અતિ સુંદર શિખર પર જ છો. પ્રેમ થાય એ ક્ષણે - હરિયાળી તળેટી ના સોંદર્ય સાથે – જે હવે તમારાથી ખૂબ દૂર છે.

માનવી સુંદરતા ને ઝંખે છે બાહ્ય સ્વરૂપ માં – બહાર ની દુનિયા માં. દૂર ની દુનિયા માં. જે ઝંખે છે તે મળે ને તેથી આગળ ક્ષિતિજ ની હદ સુધી ઝંખના વધતી રહે – વધુ સુંદર તરફ કદાચ વધુ દૂર તરફ. પરંતુ અંતર મન ની સુંદરતા જે પ્રાપ્ત છે છતાંય ભોગવતી નહીં, કારણ કે એ અનુભવાતી નથી. અપ્રાપ્ય છે તે સુંદર છે, દૂર છે તે સુંદર છે, બહાર છે તે સુંદર છે પરંતુ જે પ્રાપ્ત છે, નજીક છે, જે અંદર છે એ પણ સુંદર જ છે, કદાચ વધુ સુંદર. બ્યુટી લાઈઝ ઇન બિહોલ્ડર્સ આઈઝ. સુંદરતા જોનાર ની આખો માં જ છે. સોંદર્ય-મેવ-જયતે !!!

(પ્રો. વસીમ કુરેશી)