મારી જીવંત માં Vaseem Qureshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી જીવંત માં

મારી જીવંત માં
“જેની માતા હયાત નથી એ વ્યક્તિ જ અનુભવી શકે કે માં વિનાનું જીવન કેવું સૂનુસુનું હોય છે. ગોળ વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર.” તાળીઓ ના ગડગડાટ સાથે સ્પર્ધક ના અંત ને વધાવી લેવામાં આવ્યો. વાતાવરણ ભાવવિભોર હતું. “હું અને મારી માં” વિષય પરની વકતૃત્વ સ્પર્ધા માં એક થી ચડિયાતા એક એવા સ્પર્ધકોએ જીવન માં માતા ના અમુલ્ય ફાળા ની વાતો કરી. એક સ્પર્ધાકે કહ્યું કે માં એક સાથે છ છોકરાઓને સાચવી જાણે છે પણ મોટા થયા પછી એ જ છ છોકરાઓ એક માં ને સાચવી શકતા નહીં. એકે કીધું કે માં મરી જાય છે ત્યારે...... તો કોઇકે કહ્યું કે માં ના હોય ત્યારે આપણું ઘર, આંગણું અને સમગ્ર જીવન...... એકે તો કીધું કે માં વિનાનું જીવન અકલ્પનીય, અસહનીય અને અતિ વેદનીય હોય છે.
નિર્ણાયક તરીકે હું પણ એમના વિચારો ને વાગોળતો રહ્યો. મે પણ વિચાર કર્યો કે શું માં મરી શકે ખરી? હાડ માંસ ચામ નું બનેલ નાશવંત શરીર જે સમય સાથે ક્ષીણ થતું જાય અને એક દિવસ અલોપ થઈ જાય એ જ માં છે કે આજે જ્યારે મારા શરીર ના કણેકણ માં જે આત્મા નો આવિર્ભાવ અનુભવાય છે એની જીવંતતા એ પણ માં જ હશે ને?
મારી શાળા ના હોમ વર્ક ના કકળાટ થી માંડી ને, મારી નોકરી ની વ્યથાઓ, બહેનોની સમસ્યાઓ કે ભાઈઑ ની રંગબેરંગી વાતો - જે કોઈ સાંભળતું હતું એ માં જ છે અને જ્યારે આજે હું મન મંદિર માં જઈ ને મારા ‘સફળ’ અને ‘ખુશ મિજાજ જીવન’ ના વલખાં સંભળાવું છુ ને મને સંતૃપ્તિ નો આસ્વાદ અપાવે એ પણ માં જ હશે ને?
વહાલ ઘેલી આંખ થી બાળક ને ખોટું કરતાં રોકે ને એ જ બાળક નું દુખ અનુભવી ને આંખો અશ્રુભીની કરે એ માં જ છે અને આજે જ્યારે મારી સમસ્યાઓ વખતે માં ની સલાહ યાદ આવી જતાં મારી આંખો માં થી આસું સરી પડતાં અટકી પડે એ યાદો નો સરવાળો માં જ હશે ને?
આજે પણ પત્થર વાગતા જ હૃદય મા થી અવાજ આવે – ‘બેટા, તને વાગ્યું તો નથી ને?’ - એ એહસાસ માં જ હશે ને? વાહન ની ગતિ ને એકાએક કંટ્રોલ કરવાની ટકોર અચાનક મન માં કોક કરે છે – એ માં જ હશે ને?
ઈનામ અને સત્કાર ના ગુંજારવ વખતે હું મારા બે હાથ જોડી ને આભાર વશ ઊભો હોઉ છુ ત્યારે, ‘બેટા, મને તારા પર ગર્વ છે’ જેવો પીઠ પરના થપથપાટ નો એહસાસ કોક કરાવે છે – એ માં જ હશે ને?
ખોટું કામ કરતી વખતે ઘણી વાર કોક તમને સાક્ષાત્કાર કરાવે છે, ‘આવું ના કરાય, બકા......’ એ માં જ હશે ને? રાત ના અંધકાર માં વ્યથાઓ થી વ્યાકુળ હું બારી પાસે ઊભો રહી વિચારતો હોઊ છુ ત્યારે ચંદ્રની શીતળતા થકી જે મમતા નું વહાલ મોકલે છે – એ માં જ હશે ને?
માં બંધન થી પર છે, માં અસિમ છે. માં અંત નહીં, અનંત છે. માં ઘટના નથી, પ્રક્રિયા છે. બાળકના પ્રથમ ધબકાર થી અંતિમ ધબકાર સુધી માં એવી રીતે વણાયેલી છે જેવી રીતે પાણી માં રહેલા હાઈડ્રોજન અને ઓક્સીજન. ભેગા થયેલા ભાઈ-બહેનો ની વાતો માં પણ માં તો પ્રતીત થાય છે. મારા બાળકો ના હાસ્ય માં પણ માં ની હસ્તી દેખાય છે. મારા કુટુંબ ના ગાન માં પણ માંનું જ ગીત ગુંજાય છે.
માં કદી મરતી નથી. માં એક એહસાસ છે, અનુભૂતિ છે. મારી માં મારા રોમ રોમ માં, મારી હર ક્ષણ માં, જીવંત છે. હું એક સદાકાળ જીવંત માં નું સંતાન છુ.
- પ્રો. વસીમ કુરેશી (2011, 2020)