મધુરજની
ગિરીશ ભટ્ટ
પ્રકરણ – ૫
નરેન્દ્રભાઈ અને લતાબેને એ સાંજે જ વિદાય લીધી હતી. ‘સુમંતભાઈ, ખરેખર તો અમે તમારા ઓશિંગણ છીએ. તમે મેધના જીવનમાં દેવદૂત બનીને આવ્યા. કેટકેટલા પ્રશ્નો મોં ફાડીને બેઠા હતા? તમે એ બધાં જ...’ નરેન્દ્રભાઈ નિખાલસતા પૂર્વક પોતાના ભાવ વ્યક્ત કરતા હતા. તેમના ચહેરા પર કૃતજ્ઞતા વંચાતી હતી. ‘તમે આ વાતને આ રીતે ન લેશો, નરેન્દ્રભાઈ. આ વાત ફરી ઉચ્ચારશો પણ નહીં. મને પણ પ્રસન્નતા મળી છે. અને પ્રશ્નો તો કોને નથી હોતા? અને આવી વ્યથા કાંઈ સહુ કોઈને કહી શકાતી નથી. તમે તો હવે સ્વજન બન્યા છો, પછી આપણી વચ્ચે જુદારો ના હોય.’
સુમંતભાઈએ સ્પષ્ટતા કરી છેલ્લે ઉમેર્યું- માનસી તમને સોંપી છે. હું તો હવે એક પ્રવાસીની ભૂમિકામાં છું. મુકામ બદલ્યા કરીશ. અંતિમ મુકામ સુધી.’
આ વાતનો સંદર્ભ એ લોકોને સમજાય તેમ નહોતો. તે બંનેએ વિદાય લીધી પછી સુમંતભાઈએ તેમનો સામાન તૈયાર કર્યો. સુમનની એક તસવીર, માનસીના થોડા ફોટાઓ, થોડા વસ્ત્રો, એક બે અંગત પુસ્તકો, ફાઈલો. બસ, આ હતી તેમની સામગ્રી. એક બેગ ને એક બગલથેલો.
છેલ્લો ફોન કર્યો પટેલસાહેબને.
‘સાહેબ...જાઉં છું...’ પટેલ સાહેબ આ શિક્ષણ સંકુલના ટ્રસ્ટી હતા, સર્વેસર્વા હતા. ‘સુમંતભાઈ...તમને રોકતો નથી. ઈચ્છું છુ કે તમે પુનઃસ્વસ્થ બનો, તમારું સ્થાન અહીં સુરક્ષિત છે. મેધની ચિંતા ન રાખશો. નવી ટર્મથી ગોઠવી જ દઈશ. એ તો હવે મારો પણ જમાઈ!’ છેલ્લી રાત્રિ હતી આ મકાનમાં. વિદાયનો સમય ઉદાસીથી ભરપુર હોય. તેમની આંખો સમક્ષ અતીતના દૃશ્યો ઝોલાં ખાતા હતાં. સુમન...નો સંગાથ, તેની સાથે ગાળેલો સમય, એ હર્યાભર્યા દિવસો... બધાં જ ગઠરીમાંથી નીકળતાં હતાં. માનસીનું આગમન તે બંનેને ગમ્યું હતું. ‘તમે તો મને ન્યાલ કરી મૂકી.’ તે અહોભાવથી કહેતી હતી. તો ક્યારેક પ્રસન્નચિત્ત હોય ત્યારે મજાક પણ કરી લેતી. ‘ચાલો, પ્રેમ ઢોળવા માટેનું બીજું પાત્ર મળ્યું.’
સાવ સરળ સ્ત્રી. ના કશી ફરિયાદ, ના કશો અભાવ. માનસી પર પૂરો પ્રભાવ સુમનનો. મનમાં ક્યારેક અશાંતિ જાગી હોય તો મૌન થઈ જાય. તેના ચહેરા પર અશાંતિના નિશાન હોય પણ હોઠો ના ખૂલે.
અને રૂપેય કેવું? અજવાળું અજવાળું થઈ જાય એવું! તે હોય ત્યાં અન્ય સ્ત્રીઓ ઝાંખી પડી જાય. પુરુષેય પ્રશંસા કર્યા વિના ના રહી શકે એટલી તેની આણ વર્તાય.
માનસી અદલ સુમન પર જ ગઈ હતી. ક્યારેક એકાંતમાં કહેતી- ‘તમારે તો શું? ભગવાનના માણસ. કાળી સ્ત્રી મળી હોત તો પણ આમ જ રહેતા હોત. બધે જ સૌંદર્ય ભાળે એની દ્રષ્ટિમાં સુમન શી વિસાત? આ તો અરીસામાં જોઈને જરા જીવને પ્રસન્નતા મળે.’ સુમંતભાઈ હસી પડતા. ‘સુમન...તું સુંદર તો છે એ નિર્વિવાદ છે. મને એ ગમે પણ છે. ગૌરવ પ્રાપ્ત થાય છે તારી પ્રાપ્તિનું. પણ એથી વિશેષ ગૌરવ તો તારી ભીતરના સૌંદર્યનું છે.’
સુમન ક્યારેય યાદ નહોતી આવી એટલી યાદ આવવા લાગી. તેના મૃત્યુ પછી તો તે માત્ર માનસી ખાતર જ જીવતા હતા. માનસી દુખી ન થવી જોઈએ. તેને ઊની આંચ પણ ન અડવી જોઈએ. શીતળ છત્રછાયા બનીને બેઠાં હતાં સુમંતભાઈ.
એ પ્રસંગ જ એવો બન્યો હતો કે એનો આઘાત આખી જિંદગી પર પથરાઈ ગયો હતો.
સુમંતભાઈ આવ્યા ત્યારે સુમને કદાચ શ્વાસ મૂકી દીધો હતો. માનસી હેબતાઈ ગઈ હતી. અને એની અસર માનસી પર કેટલી પડી હતી? આ તો સુમંતભાઈ જાણતા હતા. એ એ પણ જાણતા હતા કે આ હત્યાનો કોઈ આરોપી પકડાયો નહોતો. તપાસ કરતા અમલદારે કોઈ કચાસ નહોતી રાખી. વારંવાર પ્રશ્નો પૂછ્યા હતા સુમંતભાઈને. ‘છે કોઈ તમારો દુશ્મન? કોઈ સાથે અણબનાવ? ક્યારેક ઉગ્ર બોલાચાલી? બેન સાથે કોઈને... થોડા બરછટ, થોડા સરળ પ્રશ્નો પુછાયા હતા. થોડા થોડા સમયાંતરે પુછાતા હતા. પ્રશ્નો તો માનસીને પણ પુછાયા હતા. પણ તે ખાસ કહી શકી નહોતી, કહી શકતી નહોતી.
‘સાહેબ, એતો નાની બાળકી છે. એ બિચારી શું કહે? અરે એ તો ડરની મારી...’ મનસુખભાઈ વહારે ધાયા હતા. પછી તો અમલદારને પણ લાગ્યું હતું કે અહીંથી તપાસને બીજી દિશામાં લઈ જવી જોઈએ.. બાળકીએ કશું જોયું હોય તો ઉપયોગી બને ને? આ તો બાપડી મૃત માતાને લોહીમાં રગદોળાયેલી જોઈને જ... બી મરી હતી. અને એમ થાય એ સ્વાભાવિક હતું. તપાસ ચોરી, લૂંટના પ્રયાસની દિશામાં ધકેલાઈ હતી.
સુમનના મૃતદેહની મરણોતર તપાસમાંથી પણ વિશેષ કશું મળ્યું નહોતું. પગલાંના નિશાનો પર તો અનેક લોકોએ પગલાં પાડી દીધા હતા, તપાસનીશો આવે એ પહેલાં.
સુમંતભાઈ પ્રતિ કોને સહાનુભુતિ ના હોય? ‘ઘરમાંથી કશું ગયું છે- દર દાગીના, કિંમતી જણસ...?’ એવી પૃચ્છાનો શો જવાબ આપે સુમંતભાઈ? એવું કશું ઓછું થયું હોય તો પણ તેમને તો એની ગતાગમ નહોતી, કારણ કે એ માત્ર સુમન જ જાણતી હતી. સુમંતભાઈ તો માત્ર તેમની પ્રવૃત્તિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હતા.
આખો ઘરસંસાર સુમન ચલાવતી હતી. અંતે લૂંટના ઈરાદે આવેલાં હતાં એ અને થઈ ગઈ હત્યા, એવું તારણ નીકળ્યું હતું. હત્યારો પણ કાંઈ રીઢો ગુનેગાર નહોતો એવી વાત અમલદાર કહેતા હતા. અંતે કશું ના થયું. દળી દળીને ઢાંકણીમાં. માત્ર ફફડતી રહી માનસી, અને કણસતા રહ્યા સુમંતભાઈ. જિંદગીનો આ સૌથી મોટો આઘાત. તેમણે પણ પછી આ વાત ઉખેળવાનું બંધ કર્યું હતું. આવી કશી વાત નીકળતી ને માનસી ભયભીત બની જતી. શરીર સંકોચીને ઢગલો થઈ જતી. અને પછી મળી, ન સમજી શકાય તેવી એકલતા. એ ડાળ પછી લીલીછમ ના થઈ શકી. સમય ગુજરતો ગયો. અને એ સમય પણ આવ્યો કે સહુ કોઈની વિદાય નિશ્ચિત થઈ ગઈ. ‘ના, મારે ઝાંઝવા પાછળ દોડવું નથી.’ સુમંતભાઈ મક્કમ હતા. અને આ આયખું ક્યારેક તો ઓલવવાનું જ હતુંને? વિવેકાનંદજી નાની વયે જ... કેટકેટલા દાખલાઓ છે...! નામ એનો નાશ. નર્મદાકાંઠે અને એકાંત સ્થાને...’ સુમંતભાઈનું મન કોઈ અગોચર સ્થાનને ઝંખવા લાગ્યું. તેમને ખ્યાલ હતો કે આવનાર સમય ભરપુર યાતનાનો હતો. આ રોગનું અંતિમચરણ તો યાતના જ હતું. અને એનો ઉપચારો વિશેષ યાતનાઓ જન્માવનારા હતા. માનસીથી દૂર રહીને સુમંતભાઈ...એ બધું જ સહી લેવા તૈયાર હતા. ‘ના, તે એ સહી ન શકે. કેન્સરનું નામ જ તેને હચમચાવવા માટે પર્યાપ્ત હતું.’ તેમણે આ વાત મેધને જણાવી હતી. ‘મેધ...તારા પર કેટલી જવાબદારીઓ નાખું છું? ટૂંકમાં સંભાળજે, એ અનાથ છોકરીને.’
સવાર પડે એ પહેલાં તો સુમંતભાઈએ વિદાય લીધી. ભારે હૈયે ઘરને તાળું વાસ્યું. છેલ્લી દૃષ્ટિ ફેંકી એ દ્વાર પર. ચાવી ચોકીદારને સોંપી. તેના ખભા પર પ્રેમાળ હાથ મૂક્યો. રામહીન પણ જરા ચોંક્યો હતો.
‘સા’ બ...જા રહે હો?’ તે બોલ્યો હતો. હજી...શહેરની શેરીઓ પ્રકાશથી ઝળહળતી હતી. બત્તીઓ જલી રહી હતી. કોઈ કોઈ બારીમાં પ્રકાશ હતો. થોડી ચહલપહલ હતી. આકાશમાં ઘેરા વાદળાઓ હતા. હજી વરસાદ આવ્યો નહોતો. વાતાવરણમાં બાફ હતો. તેમણે બંને તરફ દૃષ્ટિ પાથરીને નગર જોયા કર્યું. ચાલ ધીમી હતી. કદાચ શરીર ગરમ પણ હતું- એવું લાગ્યું. ચોકમાં ઓટોરિક્ષા મળી ગઈ. ‘આવી જાવ, સાહેબ...’ તેણે તરત જ રિક્ષા ઊભી રાખી હતી. પરિચિતતા લાગી. તેના રણકામાં. આ શહેરમાં અનેક પરિચિતો હતા, આત્મીયતા હતી. ના, હવે તો આ શહેરમાં ફરી આવવાનો નહોતો. તેનો મૃતદેહ પણ નહીં કદાચ.
સુમનનો મૃતદેહ તેણે જોયો હતો, માનસીએ પણ જોયો હતો. તેને થતું હતું કે માનસી તેનો મૃતદેહ ના જુએ એ જ યોગ્ય હશે. કેવો વિકૃત બની જતો હોય છે? અત્યંત વિકૃત- ચીતરી ચડે એવો. માનસી તો ભાંગી જ પડે ને? તે એ માટે તો...જઈ રહ્યો હતોને, દૂર દૂર...ખૂબ દૂર કોઈ અજ્ઞાત સ્થાને. એ આઘાતજનક ઘટના પછી માનસીમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. તેર વર્ષની કોમળ વયે તેણે સાક્ષાત મૃત્યુ જોયું હતું. કેવળ મૃત્યુ નહીં પરંતુ હત્યા! લોહીથી લથબથ... સુમન. કેટલું વીત્યું હશે તેના પર? તેના શૈશવ, મુગ્ધવય એક સામટા કરમાઈ ગયાં હતાં.
તે એક જડ માનસી બની ગઈ હતી. સુમનની વાતો પણ ક્યાં કાઢતી હતી? ક્યારેક સુમનની વાત નીકળે ને તરત જ તે બીજા ખંડમાં ચાલી જતી.
પછી આવાં પ્રસંગે તે વાતની દિશા વાળી નાખતી હતી. ‘સુમન પુરણપોળી સરસ બનાવતી, ખરુંને?’ તે ક્યારેક સુમનની યાદમાં ભાવમય બની જતા. ‘પપ્પા...એ દિવસે ફોઈએ લાપસી પણ સરસ બનાવી હતી, ફરસી ફરસી...અને પપ્પા, થાય કે ખાધાં જ કરીએ. પછી પપ્પા, મેં ફોઈને જ કહ્યું હતું કે મને એની રેસીપી શીખડાવે.’
સમજ પડી જતી સુમંતભાઈને કે પુત્રી પછી તો સુમનની પુણ્યતિથી વખતે પણ સુમંતભાઈ મૌન રહેતા. માનસી પણ મૌન રહેતી સુમન વિશે. એ દિવસની જાન હોવા છતાં પણ, અને એ દિવસ મૌનભરી ઉદાસી વચ્ચે પસાર થતો. ભીંત પર ટીંગાતા સુમનના ફોટોગ્રાફ પર બંનેની નજરો ફરતી રહેતી, આંખો તગતગતી રહેતી ને કોઈ કશું ઉચ્ચારતું નહોતું.
એ મૌન કેટલું બોજીલ બની જતું, કેટલું અસહ્ય બની જતું કે સુમંતભાઈ એકાંત ખૂણામાં રડીને ખાલી થવા મથામણ કરતા, પણ માનસી તો...સ્વસ્થ જ રહી શકતી – એ દિવસે.
‘બેટા, તને કોણ ગમે?’ એવો સરળ પ્રશ્ન હોય તો પણ તે આંખો પટપટાવતી હતી, તમે જ પપ્પા! આખી દુનિયામાં એક બસ તમે જ.’ પૂર્ણ શ્રદ્ધા હતી માનસીને. ‘તે સુમનને ભૂલી ગઈ હશે? ખરેખર તો...સુમન તેની જન્મ દાતા, સુમન જ તેવું સર્વસ્વ. તેણે સુમનનું નામ કહ્યું હોત તો મનને કેટલું ગમત?’ સુમંતભાઈ અજબ મથામણમાં પડી જતા. માંડ માંડ કશા નિષ્કર્ષ પર અવાતું. ‘તે જાણીજોઈને જ આવું કહે છે. ખરેખર તો...તેને સુમન ખુબજ વહાલી હતી. તે અતીતમાં જવા જ નથી માગતી.’
આ એક એવો આઘાત હતો કે જે તેમને વારંવાર હચમચાવતો હતો, રડાવતો હતો. આ પળે રિક્ષામાં બેઠા બેઠા તેમને વૈરાગ્યભાવ આવી જતો હતો.
‘જે થાય એ સારું જ હશે. સુમન હોત તો તે પણ આ ભાર ક્યાંથી સહી શકત? ખૂબ જ કોમળ સ્વભાવની હાતી. અત્યંત લાગણી હતી મારા પર. અરે! મારા ખાતર...જીવ પણ... ‘સાહેબ... આવી ગયું સ્ટેશન.’ રિક્ષાવાળાએ ધ્યાનભંગ કર્યા હતા સુમંતભાઈને. થોડો કોલાહલ હતો સ્ટેશનના પ્રવેશદ્વાર પર. તેમણે છેલ્લી નજર ફેંકી પાછળ રહી ગયેલા શહેર પર. માર્ગ પરના દીવાઓ સાવ ઝાંખા જણાતા હતા. રિક્ષાઓની ધરધરારી વાતાવરણને કંપાવતી હતી.
‘વરસાદ આવે તો સારું.’ કોઈ સાવ નજીકમાં જ બોલી રહ્યું હતું. ‘આવવો જ જોઈએ...મોસમનો પહેલો વરસાદ. આ ઉકળાટ કેવો છે?’ એક કોમળ સ્ત્રીસ્વર સંભળાયો. સુમંતભાઈને એ સ્વરની ભીનાશ સ્પર્શી ગઈ. બીજી ક્ષણે, યંત્રવત ટિકિટબારી પર પહોંચ્યા હતા. અને દશેક મિનિટ પછી બીજા નંબરના રેલવે પ્લેટફોર્મ પર. શરીર તપી રહ્યું હતું એની અનુભૂતિ થઈ.
એક ક્ષણ થઈ આવ્યું- લાવને, પાછો ચાલ્યો જાઉં એ ઘરે. ઊંડો શ્વાસ લીધો. થોડી મુશ્કેલી પડી એટલું કરવામાં પેટના એક ભાગમાં કશું દર્દ સરખો આભાસ થયો. એક અસામન્ય સણકા જેવું. થયું- ચાલો, નિશાનીઓ તો મળવા માંડી! યાત્રા શરૂ કરી દઈએ. અંતિમ યાત્રા. ડોક્ટર ખારોડનું નિદાન કાંઈ ખોટું તો ના હોય. અને નાણાવટીએ પણ....એ જ...
અચાનક ધસમસતી ટ્રેન આવી પહોંચી. ખાસ મુસાફરો નહોતા. પાસે આવેલા ડબ્બામાં સરળતાથી ચડી જાય છે. યોગ્ય જગ્યા શોધી- બારી પાસેની. સામાન ગોઠવ્યો અને તે જરા નિરાંત કરીને બેઠા. ત્યાં એટલામાં જ ટ્રેને પુનઃગતિ આદરી. અજવાસમાં સ્નાન કરતાં શહેરને તેમણે જોયા કર્યું- શિશુની જેમ જ. પછી સુમન, માનસી, મેધ. સોનલદે, પટેલસાહેબ, નરેન્દ્રભાઈ, લત્તાબેન...તગતગતા લાગ્યાં- આંખોની કીકીઓ પર. ચડઉતર થતી હતી દરેક સ્ટેશન પર. તેમનું અર્ધું મન અતીત નીરખતું હતું, અર્ધ વર્તમાન. ‘કાકા, તબિયત ઠીક નથી કે શું?’ કોઈ યુવાને પૃચ્છાય કરી હતી. તેમણે હસીને કશો ઉત્તર પણ વાળ્યો હતો, સાવ અસાવધ બનીને. પેલો જે સમજ્યો હોય, તેની ગતાગમ નહોતી સુમંતભાઈને. થોડા સમય પછી શરીર વધુ તપવા લાગ્યું. થયું કે પથારી મળે તો લંબાવી દે પણ કેટલી ભીડ હતી એ કંપાર્ટમેન્ટમાં.
ભરૂચ આવ્યું. એનું ભાન થયું, કોલાહલથી. ‘આવી ગયું ભરૂચ.’ કોઈ મોટેથી બોલ્યું હતું. ‘ભરૂચની પ્રખ્યાત સીંગ જમો, સાહેબ ભરૂચની સીંગ...’ એમ બોલતા એક બે ફેરિયાઓ પસાર પણ થઈ ગયા. અશક્તિ વચ્ચે સુમંતભાઈ ઊભા થયા, સાચવીને સામાન લીધો. બેગ હાથમાં લીધી. બગલથેલો હાથમાં નાખ્યો. ટોળા પાછળ ઢસડાતા ઢસડાતા છેક બહાર આવ્યા, પણ હાલત કંઈ સારી નહોતી. પગો ડગમગતા હતા. હાથ પણ કંપતા હતા. એક વ્યક્તિ પાસે આવી- ‘સા’ બ કહાં જાના હૈ.’ અને તેમનાથી બોલાઈ જવાયું- શાંતિ આશ્રમ. તેમને ક્યાં ખ્યાલ હતો કે આવી કોઈ જગ્યા ખરેખર હતી?