સ્વર્ગ! સ્વર્ગનો તે માનીતો ગંધર્વ હતો.સ્વર્ગમાં સહુ કોઈનો તે પ્રિય હતો.
તેનાં સંગીતથી સ્વર્ગ ચારેકળાએ ખીલતું.અપ્સરાઓ ઝૂમવા લાગતી અને પંખીઓ કલરવ કરીને જાણે તેનાં સંગીતમાં સુર પુરાવી રહ્યા હોય.દિવસે સૂરજ અને રાત્રે ચાંદ પણ તેની કલાકારીથી જલન અનુભવ કરતાં!
ગંધર્વ એક દિવસ ધરતી પર આવી પહોંચ્યો.ગંધર્વ સાથે સ્વર્ગની ત્રણ અપ્સરાઓ પણ હતી.ગંધર્વ અને અપ્સરાઓ ધરતી પરના સ્વર્ગ કાશ્મીર(ભારતખંડનો એક પ્રદેશ)નાં કોઈ પહાડ પરના નાના ગામ આગળ આવી પહોંચ્યા.
ગંધર્વ એ દ્રશ્ય જોતાં ચકિત થઇ ગયો.તેને એક નાનકડું ગામ પોતાની આંખો આગળ નિહાળ્યું.ગામમાં પહાડી ઉપર એક વહી રહેલાં નાના ઝરણાંમાં અનેક ટાબરિયાં રમી રહ્યા હતાં.અપ્સરાઓ ગંધર્વનો સાથ છોડીને આગળ ચાલી,પૃથ્વી પરનું સ્વર્ગ જોવાં!
બીજા દિવસે રાત્રે સ્વર્ગ પરત ફરવાનું હતું.કયાં મળવાનું છે પરત ફરવા એ સ્થાન નિશ્ચિત હતું.જેમ-જેમ દિવસ પસાર થતો ગયો ગંધર્વ તે ટાબરિયાંઓ સાથે મળીને ખૂબ આનંદ માળી રહ્યો હતો.તેમાનું સૌથી નાનુ ટાબરિયું,માત્ર છ વર્ષનું,નામ ગટ્ટુ!
ગંધર્વનો ધરતી પરનો પહેલો મિત્ર હતો ગટ્ટુ!માત્ર છ વર્ષનું ટાબરિયું!દિવસનાં અંતે ગટ્ટુ પોતના મિત્રને પોતના ઘરે લઇ ગયો.તે પહેલાં દિવસ દરમિયાન ગટ્ટુએ તેના નવા મિત્રને પોતાનું ગામ અને આસપાસનું કાશ્મીર બતાવ્યું.સમય આગળ વધતો જાય.....ડગલાં મંડાતા જાય અને ગંધર્વનું સંગીત ચાલતું જાય.
ગટ્ટુને તેના નવા મિત્ર સાથે ઘણું ફાવી ગયું.ગટ્ટુ ગંધર્વને 'ગાયક-કાકા' કહીને સંબોધતો.ગટ્ટુએ બધે ગંધર્વને ફેરવ્યાં બાદ તે પોતાનાં મમ્મી-પપ્પાનાં ફળનાં ટોપલે લઈને ગયો......શહેરમાં.
ગટ્ટુ અને તેનાં માતા-પિતા,કાશ્મીરમાં વસતું એક અતિ ગરીબ ગુજરાતી કુટુંબ.
તેનાં માતા-પિતા પાસે માત્ર બે જ સંપતિ ગણાવી શકાય તેવી હતી.......પહેલી
ગટ્ટુ અને બીજી પોતાનાં ખાનદાની અમુક ઘરેણાં,જે કંઈ જ ન બચે ત્યારે કંઈક મેળવવાં રાખેલાં!ગટ્ટુનો પરિવાર પહાડી ઉપરનાં એક નાનકડાં ગામમાં રહેતો હતો.મકાન એવુ હતું કે વધુ તિવ્રતાથી જો પવન ફુંકાય તો ઘર આખું નષ્ટ થઈ જાય.ગટ્ટુનાં માં -બાપ જંગલમાંથી ફળો તોડીને તેનો શહેરમાં વેપાર કરવાં જાય.શહેર ગામથી બે કલાક્નાં અંતરે.ગટ્ટુ આખા દિવસ ગામમાં તેના મિત્રો જોડે રખડ્યાં કરે.
ગટ્ટુને ફળ ખૂબ જ ભાવતાં હતાં.રોજ તેનાં માતા-પિતા જંગલમાંથી તોડીને વેપાર મટેનાં ફળોમાંથી એક સૌથી સરસ મજાનું ફળ ગટ્ટુ માટે અલગ રાખી જ દે!રાત્રે પરત ઘરે ફરે,એટલે ગટ્ટુ રાહ જોઇને જ બેઠો હોય,'આજે કયું ફળ આવશે!?'
ગટ્ટુ અને ગંધર્વ!બે દિવસમાં ગટ્ટુએ પોતાનાં ગામનું અને ગંધર્વએ આખા સ્વર્ગનું વર્ણન કરિ દીધું એકબીજાંને!ગટ્ટુને સ્વર્ગ વિશે જાણવાની વધુ ને વધુ તાલાવેલી થાય અને ગંધર્વ એક પછી એક વાતો કહેતો જ રહે.ગંધર્વ પોતાને બીજા દિવસે સ્વર્ગ પરત ફરવાનું છે એ વાત કરતાં ગટ્ટુનાં ચહેરાની ખુશી ઉતરી ગઈ.ગંધર્વએ તેને સમજાઇને છેવટે વચન આપ્યું કે તે જલ્દી જ પરત આવશે અને તેનાં માટે તેનું સૌથી પ્રિય ફળ સફરજન........સ્વર્ગનું સફરજન!લઈને આવશે.
બીજાં દિવસની રાત્રિ છેવટે આવી જ ગઇ.ગંધર્વ અને સ્વર્ગની અપ્સરાઓ નિશ્ચિત કરેલાં સ્થાન પર સ્વર્ગ પરત ફરવા આવી પહોંચ્યા.સ્વર્ગનું વિમાન આવ્યુંને ગંધર્વ અને અપ્સરાઓને લઈને ઉડી ગયું.
ગંધર્વ સ્વર્ગ પાછો ફર્યો અને અહીંયા ગટ્ટુનું રોજબરોજનું જીવન શરૂ થયું.એક દિવસે ગંધર્વ સ્વર્ગમાં સુમસાન થઈને એકલો બેઠો હતો અને પોતાનાં મિત્ર ગટ્ટુને યાદ કરી રહ્યો હતો.સ્વર્ગ એટલે સ્વર્ગ,વળી તેમાં દુ:ખ શાનું!? તેને ગટ્ટુની ખૂબ યાદ આવી અને તેને તે પોતાનાં સંગીતમાં પિરોવી.સ્વર્ગમાં દુ:ખ ના હોય,તો વળી દુ:ખનું સંગીત ક્યાંથી!?ગંધર્વને સજા આપવામાં આવી અને એક વર્ષ માટે પૃથ્વીલોક મુકલવામાં આવ્યો.આ વખતે,તો તેણે એકલાંને જ આવાનું હતું પૃથ્વી પર.મનમાં તો તે ખૂબ આનંદિત હતો,સજા માટે નહિં પરંતુ ગટ્ટુ સાથે હવે તો તે એક વર્ષ રહી શકશે!
ગંધર્વને પૃથ્વીલોક પર સ્વર્ગનું વિમાન આવીને છોડી ગયું.વળી એજ જગ્યાએ ગંધર્વ પાછો આયો,ગટ્ટુનાં ગામ આગળ!પરંતુ પહાડીઓમાં અને જંગલોમાં તે અટવાયો.છેવટે,ત્રણ-ચાર દિવસનાં અંતે તેણે ગટ્ટુનું ગામ મળી જ ગયું.તે ખૂબ જ ખુશ હતો,પોતાનાં મિત્રને મળવા અને તેનાં માટે સ્વર્ગમાંથી લાવેલ તેનું પ્રિય સફરજન આપવાં.
ગંધર્વ ધીમેધીમે ગટ્ટુનાં ઘર તરફ આગળ વધતો હતો અને વાદળાં ગાજતાં હતા,પવન ફુંકાતો હતો.........કોણ જાણે કુદરત નારાજ હતી!?અંતે તે ગટ્ટુનાં ઘરે આવી જ પહોચ્યોં,રાતનો સમય હતો પરંતુ માત્ર ઘરમાં તેના માતા-પિતા જ હતાં...... ગટ્ટુ નહતો.ગંધર્વે તેનું સ્વર્ગમાંથી લાયેલું સફરજન બહાર કાઢયું અને કહ્યું કે,"ગટ્ટુ કયાં છે!?બોલવો તેને.હું પૃથ્વીલોક પર એક વર્ષ માટે રહેવા આવ્યો છું અને આ સફરજન ખાસ ગટ્ટુ માટે,તેને મેં વચન આપ્યું હતું કે હું જલ્દી જ પરત આવીશ અને તેની માટે સ્વર્ગમાંથી સફરજન લાવીશ."
પવન ફુંકાવાનો શરૂ થયો,વિજળીઓ ચમકવાં લાગી અને ઘનઘોર અંધારું થયું.ગટ્ટુનાં માતા-પિતાએ ગંધર્વને બેસાડયો,તેને ભોજન આપ્યું અને ગંધર્વે ભોજન કર્યું.તેની સાથે ગટ્ટુનાં માં-બાપે પણ ભોજન કર્યું.હવે સમય આવ્યો હતો કે 'ગટ્ટુ ક્યાં છે!?'તે ગંધર્વને કહેવાનો.વાદળાઓ,વાદળાઓમાં ચમકતી વિજળી અને સુમસાન વાતાવરણ આ પળનું સાક્ષી બનવાં જઇ રહયું હતું!
ગટ્ટુની માતાએ ગંધર્વને મક્કમ થઈને કહ્યું,
"રોગ એને ભરખી ગયો!"
ગંધર્વ નિ:શબ્દ બની ગયો.તેણે ખૂબ જ ગંભીરતાથી પુછ્યું,"શું!?કઇ રીતે!?મને જરા વિસ્તારથી વર્ણવો."ગટ્ટુની માતાએ કહ્યું,"ગંધર્વ,તારો દોસ્ત હવે આ દુનિયામાં નથી.એ સ્વર્ગે સિધાર્યો છે.તમારા ગયા પછી એ તમને ખૂબ જ યાદ કરતો અને મિત્રતા તો જોવો તમારાં બન્નેની કેવી ગાઢ!તમે પૃથ્વિલોક પર અને એ તમારી શોધમાં સ્વર્ગ્લોક્માં સિધર્યો".ગટ્ટુની માતાનાં મુખ ઉપર મક્કમતા હતી જાણે એ અને ગટ્ટુનાં પિતા વિતેલા સમયને ભુલીને નવાં જીવનની શરુઆત કરી લીધી હોય,પણ મન બન્નેનું ગટ્ટુનાં વિરહમાં સંપડાયેલું હતું.
"તમારા ગયાં પછી બધું જ બરાબર પહેલાની જેમ ચાલી રહ્યું હતું.ગટ્ટુ ક્યારેક તમને યાદ કરી તમારું સંગીત અમને સંભળાવતો,ખૂબ જ બેસુરું!(ગટ્ટુનિ માતાનાં મુખ પર સ્મિત આવી જાય છે.)થોડાક જ મહિનામાં એક કપરો સમય આવ્યો.દુર દેશમાંથી એક ચેપીરોગે ભારત દેશને પણ બાકાત ન રાખ્યો.અમે બંને સવારે ફળ વેચવાં દુર દેશમાં જઈએ અને છેક રાત્રે આવીએ,ગટ્ટુ દિવસભર પોતાનાં મિત્રો સાથે ગામમાં કોઇકનાં ને કોઇક્નાં ઘરે રમતો હોય.ચેપીરોગે અમારા ગામનું પણ સરનામું શોધી જ કાઢયું!"(ગટ્ટુની માતાનાં મુખ પર કપરું હાસ્ય!)(હાસ્ય......વિરહનું......દુ:ખનું!)
"અમારે ઘરની બહાર નિકળ્યા વગર છૂટકો જ ન્હોતો.રોજનું રોજ કમાઇને રોજનું રોજ પેટ ભરવાનું!અનાજ તો સરકાર દ્વારાં દર મહિને મળી જતું,થોડું ઘણું!એક દિવસની વાત છે,અમારે કામે શહેર નિકળવાનું હતું ને સરકાર દ્વારાં અનાજની જાહેરાત થઈ અને ખૂબ જ ઓછી મુદતમાં તે લાવી આવવાનું હતું.અમે મને ને કમને ગટ્ટુને અમારા પાડોશીકાકા સાથે અનાજ લેવાં મોકલ્યો.વળી અમારાં જેવાં અભણને શી ખબર એ રોગ આટલો ચેપીરોગ હશે,નાનાં બાળકને ય નહીં બક્ષે!(બે મીનીટની ઉદાસી)ગટ્ટુને તે ચેપીરોગ લાગ્યો.અમે તેને ગામનાં નાનકડાં દવાખાંને સારવાર માટે લઈ ગયાં.કંઈ બન્યું નહિં!(હાસ્ય......ગુસ્સાનું)અમારાં માનીતા લોકોની સલાહ મુજબ અમે ગટ્ટુને લઈને શહેરનાં મોટાં દવાખાંને પહોચીં ગયાં.ચેપીરોગની કોઇ દવા હતી જ નહીં!તો પણ સારવાર હેઠળ ગટ્ટુને લઈ ગયાં અને અમારી બીજી સંપતિ ખાનદાની ઘરેણાં અમુક જે હતાં,તે વેચીને દવાખાનાનું બીલ ભર્યું.બહુ દુ:ખ થયું પણ એક સંપતિ જ ગઇ છે ને!બીજો આપણો ગટ્ટુ તો સાજો થઇ જશે!..........પણ ચેપીરોગ એને ભરખી ગયો"
ગંધર્વનાં હાથમાંથી સફરજન પડી જાય છે અને જમીન પર આંસુનાં ટપક-ટપક..........ટીપાં પડી રહ્યાં છે.આંસુ ગટ્ટુનાં માં-બાપનાં તો ન્હોતા........તેઓ તો મક્કમ થઈ ગયાં હતાં બસ ખાલી ગટ્ટુની યાદોની પળો એમનાં આંખોમાં હતી.આ દુ:ખભર્યાં આંસુ તો ગંધર્વનાં હતાં.......ગજબ છે ને પૃથ્વીલોક........જેને દુ:ખ શું છે!?એ ખબર ન હતી અને આ પૃથ્વીલોક એનાં આ દુ:ખભર્યા અશ્રુની સાક્ષી બન્યું!ગંધર્વ જમીન પર પડેલું સફરજન ઉપાડે છે અને ગટ્ટુનાં વિરહમાં સફરજન પર ચુંબનનો અભિષેક કરે છે!