માંહ્યલો
એપિસોડ-૩
અનેરા ઉત્સાહ અને જોમ સાથે ડૉ. મધુમાલા વહેલી સવારે જાગી ગયા. ડૉ. દિવ્યાંગ, શાલીગ્રામ અને નિ:સ્પૃહી ઊઠીને શું જોઈ રહ્યા... ટી ટેબલ તૈયાર હતું. ડૉ. મધુમાલાએ આમ્રપાલીએ ગીફ્ટ કરેલ રાજકોટની બાંધણી પહેરીને તૈયાર હતા. ડૉ. દિવ્યાંગ સહિત ત્રણેય એકબીજાની સામે કૂતૂહલતાથી જોઈ રહ્યા કારણ આમ્રપાલીએ મેરેજ વખતે આપેલ બાંધણી મધુમાલાએ જીવની જેમ સાચવીને રાખી હતી અને કહ્યું હતું “જ્યારે સ્પેશિયલ ઓકેશન હશે ત્યારે હું પહેરીશ” આ વાત ઘરમાં બધાને ખબર હતી. મધુમાલાની નજર સામે ઉભેલ આ ત્રણ પલટન પર પડી ત્યારે ત્રણેય આંખનાં ઇશારે મધુમાલાને પૂછ્યું વ્હોટ હેપન્ડ! સવાર-સવારમાં સજીધજી સવારી કઈ તરફ પ્રયાણ કરી રહી છે ?” ઈશારામાં પૂછાયેલ પ્રશ્નનો જવાબ મધુમાલાએ પાલવમાં છુપાવેલ રેઝીગનેશન લેટર બતાવીને કહ્યું આજે હું મેનેજમેન્ટને મારો રેઝીગનેશન લેટર આપીશ. હોસ્પિટલ જતા પહેલાં મંદિર જઈશ પ્રભુને થેન્કસ કહીશ જીંદગીનો મુખ્ય અધ્યાય સરળ રીતે પાર પાડવા બદલ. હોસ્પિટલ જઈ મારા સ્ટાફ અને કલિંગને મનભરીને મળીશ.” ડૉ. દિવ્યાંગ માથામાં ખંજવાળતા મનોમન બોલ્યા “યાર! મેડમ તો મારા કરતાં બે ડગલાં આગળ ચાલે છે મારે પણ આ પ્રોસીઝર કરવી પડશે ને! યાર, મને તો આ ખ્યાલ જ નહીં આવ્યો.”
સાત દિવસમાં નિ:સ્પૃહી અને શાલીગ્રામે ડ્યુટી જોઈન કરવાની હોય બે દિવસ તો આમ જ પસાર થઈ ગયા. હવે ચાર-પાંચ દિવસમાં બધું જ વાઈન્ડ અપ કરવાનું હોય. મધુમાલાએ એક નોટબુકમાં નોંધણી કરી લીધી. ટાઈમ મેનેજમેન્ટમાં પાવરધા એવા મધુમાલાએ કામ આટોપવાનું શરૂ કરી દીધું. ટાઈમ મેનેજમેન્ટમાં માહિર મધુમાલાએ કામનાં શ્રીગણેશ માંડ્યા. દરેક ચીજવસ્તુઓના બે પેકિંગ કરવાના હોય ખૂબ જ ચોકસાઈથી કામ કરી રહ્યા હતા. વચ્ચે-વચ્ચે શાલીગ્રામ અને નિ:સ્પૃહી એમને ટોકતા_ “આપણે જંગલમાં નથી જવાનું કે એ બધું જ અહીંથી લઈ જવું પડે. દરેક શહેરમાં દરેક વસ્તુ મળતી જ હોય. આટલું બધું પેકિંગ! લઈ જવાની લમણાંઝીંકની શી જરૂર છે??!! છોકરાઓ સાથે ડૉ.દિવ્યાંગ વચમાં ટાપસી પુરાવતા બોલ્યાં “હા માલુ! છોકરાઓની વાત સાચી છે. તું એક ડૉકટર છે. બુદ્ધિથી વિચારી શકે. ‘ટીપીકલ મા’ ની જેમ આ બધું શું લઈને બેઠી છો!” મધુમાલા એનો હોંશ ગળાની નીચે ઉતારતા સંપૂર્ણ ઠાવકાઈથી ત્રણેયને પ્રતિઉત્તર આપ્યો “તમને ઘરની બાબતમાં સમજ નહીં પડે. ઘર ચલાવવાનો અનુભવ મને છે.” હાથથી છણકાં કરતાં કહ્યું શું અજાણી જગ્યાએ સીધા શોપિંગ કરવા જઈશું. ન્હાવા-ધોવા, ચાલ-ચલાવ ખાવાપીવાની ચીજાવસ્તુઓ તો જોઈશે જ ને. ધીમે-ધીમે ત્યાંના માહોલથી પરિચિત થઈશું. જરા ઠરીઠામ થઈશું પણ બહાર જઈ શકીશું તમને આવી બધી કંઈ ઘરરખ્ખુ વાતની સમાજ નહીં પડે. ‘અનુભવે આવડત આવે’ એવું મારી મા કહેતી. આટલું બોલતાં એમની છાતી ગદ્દગદ્દ ફૂલી રહી હતી. નિ:સ્પૃહીની સ્ત્રીસહજ સમજણ આ વાત સારી પેઠે સમજી ગઈ એણે મધુમાનો પક્ષ લીધો. ડૉ. દિવ્યાંગ પણ યશ હોમમિનિસ્ટર કહી એમની વાત સાથે સહમત થયા. શાલીગ્રામ પણ ડીઝાસ્ટર મેનેજરની જેમ પોઝીશનમાં આવી ગયો. મધુમાલાએ બહારથી લાવવાનું અગાઉથી બનાવી રાખેલ લીસ્ટ બાપ-દીકરાને આપ્યું એ લોકો બહારનાં કામ આટોપવા નીકળી ગયા. નિ:સ્પૃહીને ઓનલાઈનથી પતાવી શકાય એવાં કામોનું લીસ્ટ આપી દીધું જેમકે લાઈટબીલ, વેરાબીલ, ટેલીફોનબીલ જેવાં કામો. અને, પોતે બે ડિવિઝનમાં પોતાનાં કામમાં તરબોળ થઈ ગયા.
સીમલાનું ઘર વાઈન્ડ અપ કરી. મધુમાલા અને નિ:સ્પૃહી કન્યાકુમારી જવા માટે અને ડૉ. દિવ્યાંગ અને શાલીગ્રામ દાર્જલિંગ જવા માટે રવાના થયા. એક પરિવારનાં જાણે બે હિસ્સા થયા હોય એવા બધાનાં મન ગમગીન વાદળોથી ઢંકાય ગયાં હતા. પરંતુ જીવન જીવવાની જડીબુટ્ટી બધાયે પચાવી લીધા હોય પ્રેક્ટિકલ બની ચારેય પોતપોતાનાં કામમાં રસગુલ થઈ રહ્યા હતા. નવું માહોલ, નવું વાતાવરણ, નવા લોકોની વચ્ચે પોતાની જાત ખૂબ જ સરળતાથી ઢાળી દીધા. નિ:સ્પૃહી અને શાલીગ્રામે પણ ખૂબ ટૂંકા સમયમાં પોતાનો કાર્યભાર સુપેરે સંભાળી લીધો. કન્યાકુમારી અને દાર્જલિંગથી ડૉ. મધુમાલા અને ડૉ. દિવ્યાંગ પણ પરિચિત અને માહિતગાર થઈ ગયા. ચારેય રોજીંદા જીવનમાં ગોઠવાય ગયા. ડૉ.મધુમાલા બપોરના સમયે ફ્રી રહેતા હોય એમણે યોગાક્લાસ શરૂ કર્યા. બાકીના સમયે આખી જિંદગીનાં ભાગદોડમાં ક્યાંક નેવે મૂકાય ગયેલ વાચનનો શોખ ફરી જાગ્રત થયો. એમને મનગમતા ઓર્થરનાં પુસ્તકો વાંચતા. સોક્રેટીસને વાંચવાની લાલચ એમને ઊંડાણમાં લઈ જઈ રહી હતી. કલ્યાકુમારીમાં થતી સાહિત્યક પ્રવૃતિઓમાં ભાગ લેતા. જાણે નવો જન્મ થયો હોય એમ જીવનને માણતા.
આ તરફ ડૉ. દિવ્યાંગ પણ દાર્જીલિંગનાં સ્લમ વિસ્તારમાં બપોરના બે-ત્રણ કલાક ફરી સર્વે કરતા અને ફ્રીમાં દવા-સારવાર કરતા. પોતાનાં માનવજીવન સાર્થક થયાનો આનંદ લેતા. એમનું રોજીંદુજીવન મોર્નિંગવોકથી શરૂ થતું દરરોજ પાંચ કિમી વોકિંગ, જોકિંગ અને સાઈકલીનીંગ કરતા. એમનો આખો દિવસ સ્ફૂર્તિલો બની જતો. ‘જીવન એક ઉત્સવ’ નામક સીનીયર સીટીઝનનું એક ગૃપ પણ રચ્યું. દરરોજ સાંજે ડૉ. દિવ્યાંગ અને ડૉ.મધુમાલા પોતપોતાની બાલ્કિનીમાં બેસી આથમતા સૂરજની ઝળહળતાં માણતાં-માણતાં આખા દિવસની દિનચર્યા એકમેક સાથે શેર કરતા. વિડીયોકોલ્સથી જાણે બંને ટી-ટેબલની સામસામે બેઠા હોય એમ ચાની ચુસકી લેતા અને સાથે રહી જીવનને માણ્યાનો સંતોષ માણતા. અવારનવાર ન્યુઝપેપરમાં શાલીગ્રામ અને નિ:સ્પૃહીનાં કામગીરીની પ્રશંસા વાંચી બંને સંતોષનો ઓડકાર ખાતા. ક્યારેક પાછળથી શાલીગ્રામ અને નિ:સ્પૃહી એમની ખિલ્લી ઉડાડતા અને વાતાવરણમાં આનંદની છોળો ઉડતી.
કાળા એવા એક દિવસે ડૉ. દિવ્યાંગ મોર્નિંગવોક કરી રહ્યા હતા ત્યાં માતેલા સાંઢ જેવા એક ટેમ્પાની અડફેટે એમને લઈ લીધા. અને ધટનાસ્થળે જ એમનું પ્રાણપંખેરું ઊડી ગયું. પ્રેમાળ પરિવાર પર એક અણધારી આફત આવી પડી. ‘દુઃખનું ઓસડ દહાડા’ ધીમે-ધીમે ફરીથી ત્રણેય જણાયે નિયતિને સ્વીકારી રોજીંદાજીવનને જીવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દાર્જીલિંગમાં શાલીગ્રામ એકલા થઈ ગયા. એક તરફ પોતાની ડ્યુટીનો બોજ અને બીજી તરફ ઘરમાં કાળજી રાખનાર કોઈ નહિં હોય શાલીગ્રામને અસ્થમાનાં બે વખત એટેક આવી ગયા. ડૉ. મધુમાલાનો હવે એક પગ દાર્જીલિંગ અને એક પગ કન્યાકુમારી રહેવા લાગ્યો. એમને માટે બંને આંખો સરખી હતી. એ જાણતાં હતાં કે હું દાર્જીલિંગ રહીશ તો નિ:સ્પૃહી એકલી પડી જશે. મધુમાલાને પોતાની ફરજ અને કર્તવ્યનું સંપૂર્ણ ભાન હોય એ જવાબદારી સંપૂર્ણ સભાનતાથી નિભાવી રહ્યા હતા. સીનીયર સિટિઝનની ઉંબરે ઉભેલ મધુમાલાની આવી દોડધામ શાલીગ્રામ અને નિ:સ્પૃહી બંનેને મંજૂર નહીં હતી. એક મીની વેકેશનમાં ત્રણેય ભેગા થયા હતા ત્યારે શાલીગ્રામ અને નિ:સ્પૃહીએ મધુમાલાને પ્રેમાગ્રહ કર્યો કે હવે એમણે કોઈ પણ એક નિર્ણય લેવો પડશે. આવું દાર્જીલિંગથી કન્યાકુમારી અને કન્યાકુમારી ટુ દાર્જીલિંગ અમને પસંદ નથી.
છોકરાઓની જીદ સામે મધુમાલાએ નમતું મૂકવું પડ્યું અને નિ:સ્પૃહી સાથે કન્યાકુમારી રહેવાનો નિર્ણય લીધો. શાલીગ્રામની પણ તબિયત સારી હોય હવે ચિંતાને કોઈ કારણ હતું નહિં. બધુ ઠીકઠાક ચાલતું હતું. સવાર-સાંજ વિડીયોકોલ્સથી જાણે રૂબરૂ મળ્યાનું સુખ અને આનંદ માણતા. અચાનક ઓગસ્ટની પોલોન એલર્જી આ તરીકે શાલીગ્રામને કંઇક વધારે જ અસર કરી ગઈ. આ વખતનો અસ્થમા એટેક ખૂબ સીવીયર હતો. ઓન ડ્યુટી એટેક આવ્યો હોય આસીસ્ટન્ટ ડેપ્યુટી કલેકટર શૈલી ક્રિશ્ચિયને તાત્કાલિક સારવાર આપી. શૈલીની સમયસૂચકતાને કારણે શાલીગ્રામને નવજીવન મળ્યું એ વાત આખા સેકટરમાં વહેતી થઈ હતી. શાલીગ્રામે મધુમા અને નિ:સ્પૃહીને નાહકની ચિંતા થશે એવું વિચારી આ વખતે આ બનાવ જણાવ્યો નહિં. શાલીગ્રામને થયું હું એકલો જ આ પરિસ્થિતિ હેન્ડલ કરી લઈશ. શૈલી પણ એનાં પરિવારથી દૂર હોય ઓફ ડ્યુટી સમયમાં પણ શાલીગ્રામની ખૂબ કાળજી રાખતા. શૈલી ક્રિશ્ચિયનની કેરિંગ ધીમે-ધીમે શેરિંગ તરફ આગળ વધી રહી હતી. બંનેના ક્વાર્ટસ પણ આજુબાજુમાં હોય એમની મિત્રતા ગાઢ મિત્રતામાં પરિણમી ગઈ.