માંહ્યલો
એપિસોડ-૪
સમય અને પાણીને વહેતાં ક્યાં સમય લાગે છે. ૬ મહિનાનાં વ્હાણા વીતી ગયા. ડૉ.મધુમાલા થોડાં દિવસ દાર્જીલિંગ શાલીગ્રામ પાસે રહેવા આવ્યા. મીઠડી શૈલીથી મધુમાલા પ્રભાવિત થયા. શરૂઆતમાં થોડાં દિવસ તો એમને એવું કંઈ સ્પાર્ક થયું નહિં પણ પછી એમની અનુભવી આંખથી કંઈ છૂપું રહ્યું નહિં. એમણે શાલીગ્રામનો રીતસરની ઉઘડો લઈ નાખ્યો ત્યારે શાલીગ્રામે શૈલી ક્રિશ્ચિયન સાથેની પોતાની રીલેશનશીપ સ્વીકારી. મધુમાલાનાં પગ તળેથી ધરતી ધસી ગઈ. વિનંતી કરતાં શાલીગ્રામને કહ્યું ‘બેટા! શાલુ ! જરા વિચાર. હું નિ:સ્પૃહીને શું જવાબ આપીશ?! હું ઉપર જઈ આમ્રપાલી, આલોક અને દિવ્યાંગને કયું મોં બતાવીશ? આ ત્રણેયની જવાબદારી પણ મારે જ નિભાવવાની છે દીકરા! મારા પર દયા કર. આ ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. તારી જાતને ઢંઢોળ તને બધા જ સવાલનાં જવાબ આપોઆપ મળી જશે. તારા આવા સંસ્કાર નહિં હોય બેટા! તુ અને નિ:સ્પૃહી એક પારણામાં અને આંગણામાં મોટાં થયા છો તમે બંને એકબીજા માટે જ સર્જાયા છો. તમારો નાતો ભવોભવનો છે એવું હું નહિં સિમલામાં બધાં જ કહેતા હતા. આ બધું ફક્ત આકર્ષણ માત્ર છે. તારા જેવા હાઈ ઈંટી લિયાક્યુઝલ આવું નહિં કરે બેટા! હજી મોડું થયું નથી તારી જાતને સાચવી લે.” શાલીગ્રામે ખૂબ જ ટાઢકથી પ્રતિઉત્તર આપ્યો “મધુમા ! હું બધું જ જાણું છું. હું બધું જ સમજું છું. મારો આત્મા પણ મને ડંખે છે. છતાં હું શૈલીને છોડી શકું નહિં. પણ હા મા ! હું તમને વચન આપું છું કે હું ક્યારેય નિ:સ્પૃહીને પણ છોડીશ નહિં. નિ:સ્પૃહી એ મારો સ્નેહ છે જ્યારે શૈલી એ મારો દેહ છે. નિ:સ્પૃહી મારો શ્વાસ છે તો શૈલી મારો ઉચ્છવાસ છે. મા! તમે એક ડોકટર છો. માણસને જીવવા માટે શ્વાસ અને ઉચ્છવાસ બેલેન્સ નહીં થાય તો માણસ ગૂંગળાય મરે.” મધુમાલા તત્ક્ષણ તો ચીડાઈ ગયાં અને ‘નોનસેન્સ’ મોટા અવાજે બોલી પડ્યા. પછી પોતાની જાતને શાંત કરી પૂછ્યું “બેટા! આ તારો અંતિમ નિર્ણય છે?” શાલીગ્રામે કહ્યું “હા મધુમા ! ખૂબ જ સમજી વિચારીને મનન અને મંથન પછી લીધેલું આ મારું ફાઈનલ ડીસીઝન છે.”
મધુમાલા પરિસ્થિતિને પામી ગયા. સ્થિરતા રાખવી એ જ એક માત્ર ઉપાય છે એવું એમણે મનોમન વિચાર્યું. મધુમાલાને નોર્મલ જોઈ શાલીગ્રામે ધારી લીધું માં મારા ફેવરમાં છે. મધુમાલા શૈલીને કટાક્ષમાં ચુલબુલી કહેતા. શૈલીએ પણ માની લીધું માધુમાએ મને સ્વીકારી લીધી છે. હવે શાલીગ્રામ અને શૈલીને કોઈ સંકોચ રહ્યો ન હતો. મધુમાલા સતત વિચારતા રહેતા અને અચાનક એમનાં મગજમાં એક પ્લાન આવ્યો. એમણે શાલીગ્રામને કહ્યું “બેટા! અહીં તું ખુશ છે તારા શિડ્યુલથી લઈ બધુ સેટ છે. આમ પણ મને આવ્યાને ઘણાં દિવસ થઈ ગયા છે. હવે હું નિ:સ્પૃહી પાસે કન્યાકુમારી જવા માગું છું . મારી ટીકીટ બુક કરાવી લેજે. શાલીગ્રામે મધુમાની ટીકીટ બુક કરાવી. નીકળવાના દિવસે સવારે મધુમાલાએ શાલીગ્રામનો ચાર્જીન્ગમાં મૂકેલ સેલફોન સરકાવી દીધો. ફોન હેંગ થઈ ગયો. મધુમાલા બેટા! સોરી, બેટા! સોરી કરત રહ્યા. શાલીગ્રામ ઈટસ ઓકે કરી એની ઈમરજન્સી ડ્યુટી માટે નીકળી ગયા.
મધુમાલાએ નિ:સ્પૃહીને ફોન કર્યો બેટા! મારી તબિયત સારી નથી. ખૂબ સફોકેશન, અકળામણ થાય છે મને કંઈ અજુગતું લાગી રહ્યું છે. શાલીગ્રામ એની ઇમરજન્સી ડ્યુટી પર કોઈક ઇન્ટીરિયર પ્લેસ પર ગયો છે. તું તાબડતોડ આવી જા. આઈ એમ નોટ ફીલ ગુડ.”
નિ:સ્પૃહી શાલીગ્રામનો કોન્ટેક્ટ કરવા મથી રહી પણ ‘નોટ રીચેબલ’ જ આવતું રહ્યું. હવે નિ:સ્પૃહીની ધીરજની કસોટી થઈ રહી હતી. એને મધુમાની ચિંતા કોરી ખાતી હતી. નિ:સ્પૃહી અરજન્ટ ટીકીટ બુક કરાવી દાર્જીલિંગ પહોંચી. એરપોર્ટ પર એણે પીકઅપ કરવા મધુમા ઉભા હતા. જાહેરમાં એ રીતસર મધુમા પર ચીડાઈ ગઈ. “મા! આવી મઝાક! આવી સરપ્રાઈઝ! તમને ખબર છે મારો જીવ અધ્ધર થઈ ગયો હતો.” ઘરે જતાં મધુમાએ નિ:સ્પૃહીને આછોકલો અંદાજ આપવા પ્રયત્ન કર્યો પણ નિ:સ્પૃહી કંઈક સમજી નહિં અને એથીય વધારે તો એ કશું પણ સમજવા માગતી હતી નહિં. કારણ એને પોતાની જાત કરતાં વધુ શાલીગ્રામ પર અતૂટ શ્રદ્ધા હતી. આમ છતાં મધુમાએ નિ:સ્પૃહીને એક પત્નિ તરીકે એક સ્ત્રી તરીકે છઠ્ઠી ઈન્દ્રીય જાગૃત કરવા ટકોર કરી. જરૂર પડ્યે ત્રીજી આંખ ખોલવા પણ અણસાર મિશ્રિત પરમિશન આપી દીધી. મધુમાની લાગણીભીની સમજણ ટેક્ષી ડ્રાઈવરની પણ છૂપી રહી નહિં એને લાગ્યું આ મા-દીકરી જ હોવા જોઈએ. ટેક્ષી ડ્રાઈવર બોલ્યો: “મેડમ ! છોટા મૂંહ બડી બાત. લેકિન અમ્માજી કી બાત સહી હૈ. મે મર્દ હું ફીર ભી બતાતા હૂં યે સારે મર્દ જાત ઐસે હી હૈ| હર સ્ત્રી કો અપને મર્દ પર નિગરાની રખની હી ચાહિએ. જહાં દેખો વહા આજકાલ ઐસા હી સુનને ઔર દેખને કો મિલતા હૈ| હમારે જમાને મેં...” નિ:સ્પૃહી ટેક્ષી ડ્રાઈવર પર અકળાઈ ગઈ અને કહ્યું “ભૈયા આપ અપના કામ કરો.” ટેક્ષી ડ્રાઈવર ચૂપ થઈ ગયો પણ ટેક્ષીના આગળના મીરરમાં ત્રણેયની નજર એક થઈ ગઈ અને નજરોએ નજરો સાથે ઘણી વાત કરી. કારમાં સન્નાટો છવાયો હતો. થોડીવારમાં તેઓ ઘરે પહોંચી ગયા.
મધુમાએ પોતાની પાસે રાખેલ ચાવીથી ઘર ખોલ્યું, નિ:સ્પૃહી સરપ્રાઈઝ આપવાના મૂડમાં હોય દબાતાં પગલે એ શાલીગ્રામનાં બેડરૂમ તરફ આગળ વધી. બેડરૂમમાંથી કોઈ અજાણી સ્ત્રીનો અવાજ આવી રહ્યો હતો. એ ડઘાઈ ગઈ. હિંમત ભેગી કરી આવતા વાર્તાલાપને સાંભળવાની કોશિશ કરી રહી હતી. જાણે પોતાની શ્રદ્ધા કરવતથી વ્હેરાય રહી હતી. શૈલી શાલીગ્રામને કહી રહી હતી “શાલીગ્રામ! મારા પેરેન્ટસ, ઓલ ફ્રેન્ડસ અને રીલેટીવ્સ મને મેરેજ માટે દબાણ કરી રહ્યા છે. બટ, યુ કનો શાલુ! હું તારા વિના જીવી નહિં શકું.”
શાલીગ્રામ બોલ્યા “શૈલી! હું તને પ્રેમ સિવાય બીજું કશું નહિં આપી શકું. હું લગ્ન તો ક્યારેય કરી નહિં શકું. નિ:સ્પૃહીને છોડી નહિં શકું અને તારા વિના જીવી પણ નહિં શકું.” શૈલી બોલ્યા “શાલુ! હું જાણું છું. મને આ જીવન મંજૂર છે. હું તને ક્યારેય પણ નિ:સ્પૃહીને છોડવા નહિં કહું. પણ મારે તારા બાળકની મા બનવું છે.
શાલીગ્રામ એકદમ સફાળા થઈ બોલ્યા “શૈલી! તને ખબર છે તું શું કહી રહી છે. આપણા રેપ્યુટેશનનું શું? સમાજમાં તારી ભારે બદનામી થશે. હું ક્યારેય પણ તને કે બાળકને મારું નામ નહિં આપી શકું. શૈલી બોલ્યા “હું જાણું છું શાલુ! મારે ‘કુવારી મા’ તરીકે ઓળખવામાં વાંધો નથી આમપણ આજકાલ સમાજમાં IVF ની ફેશન ચાલી રહી છે. ઉપરથી લોકો મને પોંખશે. સો ડોન્ટ વરી શાલુ!
શૈલી અને શાલીગ્રામનાં બે હોઠ એક થવાની તૈયારીમાં હતાં ફકત એક આંગળી જેટલું અંતર બાકી હતું અને અચાનક નિ:સ્પૃહીનાં હાથમાંથી એનો સેલફોન સરકી ગયો. અચાનક આવેલ અવાજથી શૈલી અને શાલીગ્રામ સફાળાં થઈ ગયા. રૂમની બહાર આવીને જોયું તો નિ:સ્પૃહી.
IAS ઓફિસર નિ:સ્પૃહીએ તરત પોતાની જાતને સાચવી લીધી. એ કંઈક જાણતી જ નહિં હોય એમ નોર્મલ થઈ બોલી હાય! શૈલી, હાય શાલીગ્રામ. હાઉ આર યુ બોથ? ઓફીસના ઓવરલોડ કામ ઘરે લઈ આવી બંને કામ કરી રહ્યા છો. મારે પણ બહુ કામ રહે છે. અડધી-અડધી રાત સુધી ઓફિસનું કામ ઘરે લાવીને કરવું પડે છે.હસતાં હસતાં ઈટસ અવર જોબ. ક્યા કિયા જાય! હા ને મધુમા! મધુમાનાં શરીરમાંથી આખુંયે લખલખું પસાર થઈ ગયું એ ઝબકીને સ્વસ્થ થતાં બોલ્યા હા... હા... આજકાલ દરેક જગ્યાએ બહુ કામ રહે છે. વાત આગળ કંઈ વધે તે પહેલાં શૈલીએ કહ્યું એન્જોય યોર ફેમિલી ટાઈમ. હું જાઉં છું ગુડનાઈટ. ગુડનાઈટ ટુ ઓલ.
નિ:સ્પૃહીએ પણ અદ્દલ મીઠડા ગુજરાતી લહેકામાં ગુડનાઈટ કહ્યું. મધુમાલા અને શાલીગ્રામને થયું હવે નિ:સ્પૃહી ઝંઝાવાત લાવી દેશે. પણ, નિ:સ્પૃહીએ એવું કંઈ જ કર્યું નહિં. પોતાનું લેપટોપ ખોલતા બોલી મારે અરજન્ટ એક રીપોર્ટ આપવાનો હોય હું મારું કામ કરું. તમે સૂઈ જાઓ. શાલીગ્રામ કંઈક બોલવા ઉંડો શ્વાસ લઈ હોઠ પહોળા કરે એ પહેલાં જ નિ:સ્પૃહી લેપટોપમાં નજર ફેરવતાં ફેરવતાં બોલી ઓહો! ઈમેલ્સનો ઢગલો... અરે આ બધાને પણ રિપ્લાય કરવું પડશે. આજકાલ અમારે ત્યાં સરકારી શાળાઓ અપગ્રેડ કરવા માટે અવનવાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આવતી કાલે સવારે ૧૦:૦૦ વાગ્યે મીટીંગ છે આથી હું ૫ વાગ્યાની ફ્લાઈટમાં નીકળી જઈશ. મધુમાલા અને શાલીગ્રામ પોતપોતાના રૂમમાં ગયા. નિ:સ્પૃહી આખી રાત કામ કરતી રહી. સવારે ચાર વાગ્યે મધુમા પણ નિ:સ્પૃહી સાથે જવા તૈયાર થઈ ગયા. શાલીગ્રામે પોતાનાં હાથે કોફી બનાવી. બ્રેડ ટોસ્ટ કર્યા. મધુમા વારાફરતી નિ:સ્પૃહી અને શાલીગ્રામનું ફેઈસરીડીંગ કરતા રહ્યા પણ, નિ:સ્પૃહી તરફથી કોઈ અણસાર મળતો ન હતો. શાલીગ્રામ કોઈપણ વાત કરવાની કોશિશ કરે તો નિ:સ્પૃહી તરત જ કંઈક નવી વાત ચાલુ કરી દેતી. પોતાનાં ચાલતાં પ્રોજેક્ટસ માટે શાલીગ્રામ પાસે આઈડીયા માગતી. આમ ને આમ એ વાત બદલી નાંખતી.મધુમા અને શાલીગ્રામ ઝંઝાવાત પહેલાંની નીરવ શાંતિથી ભીતરથી થરથરી ગયા હતા. એરપોર્ટ મૂકવા જવા માટે શાલીગ્રામ તૈયાર થઈ રહ્યા હતા. નિ:સ્પૃહીએ કહ્યું ઉંઘ બગાડી ૨૦ કિ.મી.દૂર આવવાની જરૂર નથી. મે ઓલાકેબ બુક કરાવી દીધી છે જે આવતી જ હશે. આમ પણ તારે ઓવરલોર્ડ છે જરા આરામ કરી લે રાત્રે પણ સૂતા નથી તારી આંખ લાલ-લાલ અને સૂઝેલી છે જાણે શાલીગ્રામનાં ગાલ પર સણસણતો તમાચો વાગ્યો. એ કંઈ બોલે એ પહેલાં કેબનાં ડ્રાઈવરનો ફોન આવ્યો એ વેઈટ કરે છે એવું જણાવ્યું. નિ:સ્પૃહીએ મધુમાને કહ્યું ચાલો-ચાલો નીકળી જઈએ. આજકાલ બોર્ડીંગમાં પણ ઘણો ટાઈમ નીકળી જાય છે.
મધુમા અને નિ:સ્પૃહી કેબમાં બેસી ગયા. નિ:સ્પૃહીએ શાલીગ્રામને ગુડબાય ટેઈક કેર કહ્યું. શાલીગ્રામ જાણે પથ્થરવશ બનીને ઉભો રહી ગયો. મધુમા અને નિ:સ્પૃહીની કેબ અરપોર્ટ માટે રવાના થઈ. મધુમા વિચારતાં હતા નિ:સ્પૃહી હવે રડી પડશે આખી રાત દબાવીને રાખેલ ઉભરા કાઢશે. પણ મધુમાનું અનુમાન ખોટું ઠર્યું. નિ:સ્પૃહીએ એવું કશું જ કર્યું નહિં. મધુમાની અકળામણ વધતી જતી હતી. એ ઇચ્છતા હતા નિ:સ્પૃહી એકવાર રડી લે, જરા દિલ હળવું કરી નાંખે. ફ્લાઈટ લેઈટ હતી. વેઈટીંગ લોન્ચમાં બેઠાં-બેઠાં મધુમાએ ડૉ.આલોકને ફોન જડ્યો. અને નિ:સ્પૃહિને પકડાવી દીધો. પરંતુ નિ:સ્પૃહીએ પોતાનાં ડેડી સાથે પણ ફોર્મલ જ વાત કરી. એક દીકરી પોતાના બાપને એની ‘મા’ બની સલાહ આપે એમ નિ:સ્પૃહીએ ડૉ. આલોકને એમનું રૂટિંગ, વોકીગ, ડાયેટીંગ વિશે પૃચ્છા કરી. નવી મા અમૃતામમ્મા ને કહ્યું મમ્મા! ડેડી રેગ્યુલર એક્સરસાઈઝ કે ડાયેટ ફોલો નહિં કરે તો તરત મને ફોન કરજો. ડેડીને સુખડી બહુ ભાવે છે. ક્યારેક એકાદ ટુકડો ખાવા દેજો. મમ્મા! તમે પણ તમારું ધ્યાન રાખજો. આ ઉમર જ એવી છે બંને એ એકબીજાનું ધ્યાન આપવાનું હોય. ઓકે. ટેઈક કેર. બાય સી યુ કહી નિ:સ્પૃહીએ ફોન મૂક્યો.