માંહ્યલો
એપિસોડ-૭
મધુમાએ ઉંડો રાહતનો શ્વાસ લીધો. મનમાં બબડ્યા “ટાઢા પાણીએ ખાસ ગઈ.” શાલીગ્રામે મધુમાનાં ખોળામાં પોતાનું માથું મૂકી મન મૂકીને રડી લીધું. મધુમાએ નિ:સ્પૃહીને પોતાની પાસે ખેંચી. બંને હાથો વડે મધુમાએ પોતાની છાતીએ નિ:સ્પૃહી અને શાલીગ્રામને સંકોરી લીધા. નિ:સ્પૃહીનાં કોઈ રીએકશન હતા નહિં. શાલીગ્રામ અને મધુમા નિ:સ્પૃહીની કોર્ટમાં નિ:સ્પૃહીનાં ચુકાદા માટે તત્પર હતા. મધુમાએ નિ:સ્પૃહીનાં કપાળે ચૂમી કહ્યું “બેટા! હવે બધું થાળે પડી ગયું છે આ નવીન પરિસ્થિતિને ઉત્સવ માની આવકારી લે. મને તારા ઉપર સંપૂર્ણ ભરોસો છે કે તું આ પરિસ્થિતિને તારી આવડતથી ખૂબ સહજતા અને સુંદર રીતે નવો ઓપ આપી શકીશ.” શાલીગ્રામ નિ:સ્પૃહીને એકીટશે જોતો રહ્યો.
લાંબા અંતરાય પછી ઉંડો શ્વાસ લઈ નિ:સ્પૃહીએ મૌન તોડ્યું અને કહ્યું “મધુમા! શાલીગ્રામ! ભાગવતગીતા અનુસાર ક્યારેય, ક્યાંય, કશું અટકતું નથી. આપણે પણ જીવન આગળ ધપાવીશું. પણ હું કંઈક અલગ વિચારી રહી છું હું શ્રદ્ધા રાખું છું કે તમારા ત્રણેયનો સંગાથ આ પ્રવાસમાં મળી રહેશે. ત્રણેય??? મધુમાએ શાલીગ્રામનો હાથ કડક-જકડીને પકડી લીધો. અચાનક ગભરાટમાં બોલી પડ્યા હવે નવું શું હશે??? શાલીગ્રામે મધુમાને આંખના ઇશારે શાંત રહેવા જણાવ્યું. મધુમા અને શાલીગ્રામ ઉત્સુકતાવશ સાથે બોલી પડ્યા “હા, હા નીહુ તું બોલ. તારો પડ્યો બોલ અમે ઝીલી લઈશું. તું કહે એ કરવા તૈયાર છીએ અમને તારા ઉપર અમારી પોતાની જાત કરતાં પણ વધુ વિશ્વાસ છે.” નિ:સ્પૃહીએ કહ્યું “હું વિચારું છું કેઆપણો ભારતદેશ એ યુવાનોનો દેશ છે. આપણા ભારતવર્ષમાં યુવાનોનો રેસીયો બીજા દેશોની સરખામણીએ ખૂબ ઊંચો છે. આથી યુવાધન અને યુવાશક્તિનાં લાભ અને નુકસાન બંને દેશે ભોગાવવા તૈયાર રહેવું પડશે.” મધુમાને કશું સમજાયું નહિં એમણે શાલીગ્રામ તરફ નજર કરી. અને અણસાર આપ્યો નિ:સ્પૃહી શું વાત કરી રહી છે મને કંઈ સમજાતું નથી.” પણ શાલીગ્રામ મહદઅંશે નિ:સ્પૃહીની વાત સમજી રહ્યો હતો. શાલીગ્રામે આંખ ઢાળી મધુમાને ઈશારામાં કહ્યું “મા! નિ”સ્પૃહી કોઈ મહત્વના મુદ્દા પર જઈ રહી છે વેઈટ ફોર સમ ટાઈમ.”
શાલીગ્રામે નિ:સ્પૃહીને કહ્યું નીહુ! કેરી ઓન. તું જે કંઈક કહેવા માંગે છે એ સમજી-વિચારીને જ નક્કી કર્યું વી આર વીથ યુ. અમારો સાથ-સંગાથ તારી સાથે જ છે તારો પ્લાન જણાવ. નિ:સ્પૃહીએ કહ્યું “શાલીગ્રામ! હું આખા ભારતવર્ષમાં ભગવદગીતાનાં સેમિનાર-પ્રવચન ગોઠવવા માંગુ છું આ પ્રોજેક્ટ થકી એમાં આવતા ઉદાહરણો થકી યુવાનોને ટાઈમ મેનેજમેન્ટથી લઈ ‘રીલેશન બીટવીન પર્સન ટુ પર્સન’ નામનો પ્રોજેક્ટ દેશભરમાં શરૂ કરવા માંગુ છું જે થકી યુવાનોનો ‘માંહ્યલો’ જાગશે એમને માનવજીવનનું મૂલ્ય અને મહત્વ સમજાશે. ‘સંબંધોની સરવાણી’, સંબંધો એટલે સ્નેહ વડે બંધાયેલ વ્યક્તિગત સંબંધ’ જેવાં મહત્વનાં મુદ્દાઓ વિશે યુવાનોને સમજણ આપવા માંગુ છું એમને વિચાર કરતાં કરવા માંગુ છું. ભગવદગીતાનાં પાત્રો અને ઉદાહરણો વિશે સમાજ આપીશું. જેથી આજની આપણી પેઢી અને આવનાર પેઢી ‘રીલેશનશીપ’ નાં નામે ગુમરાહ નહી થાય. અને આપણી સંસ્કૃતિનાં મૂલ્યો સમજી એનું જતન થશે. એક સામાજિક બંધારણ જળવાય રહે એ માટે પ્રયત્ન કરીશું. ‘કંસથી લઈ ક્રિશ્ન સુધી’ ‘રામથી લઈ રાવણ સુધી’ ‘સીતાથી લઈ શૂણપંખા સુધી’ ‘રાધાથી લઈ રૂકમણી સુધી’ ‘ગોવાળથી લઈ ગોપીઓ સુધી’ ‘કૌરવોથી લઈ પાંડવો સુધી’ ‘દિવ્યાંગથી લઈ કર્ણ સુધી’ ‘કુંતીથી લઈ કૌતેય સુધી’ ‘ઇન્દ્રથી લઈ અહલ્યા સુધી’ શાન્ત્વનુને પોતાની જાત પર સંયમ ન હોવાને કારણે મહાભારત રચાયું. મહાભારતનાં મૂળમાં શાન્ત્વનું પ્રેમલાલસાના નામે વાસના જ કારણભૂત હતી. આવા ઉદાહરણો થકી સામાજિક સ્તરે ઉદ્દભવતાં પ્રશ્નો અને સમાજની ખોરવાતી સંતુલાની વાતો યુવાપેઢીને ગળે ઉતારવા પ્રયત્ન કરીશું. સંબંધો, આશા-અપેક્ષા-ઉપેક્ષા વિગેરેનાં પરિણામો અને પરિણામો માટે સમાજને ચૂકવવી પડતી અધરી કિંમતો અને અસહ્ય વેદનાની સમજણ આપીશું. સંબંધો દ્વારા થતી ગેરસમજો, સંબંધોમાં થતા લાગણીઓનાં દુરુપયોગો, કુણાં સ્નેહનાં બીજનું રૂપાંતરણ જ્યારે આકર્ષણ કે વાસનામાં થાય એ પરિસ્થિતિઓને કારણે ભવિષ્યએ ચૂકવવી પડતી આકરી કિંમતો વિગેરે વિશે યુવાધનને સમજણ આપીશું. સ્નેહ, સમર્પણ, સ્વીકાર, સમજણની ભાવના વિકસાવીશું. અને તેથીય પર સ્નેહ થકી બંધાયેલ બે માણસો, બે સમાજ કે બે રાષ્ટ્ર કેવાં સુવર્ણ ઇતિહાસ સર્જી શકે એની તાલીમ, માવજત અને સમજણ આપીશું. પીડાથી પરમ સુખ તરફની યાત્રા આવનાર પેઢીને કરાવીશું. સમાજને એકતાંતણે મજબૂતાઈથી બાંધવાનો પ્રયાસ કરીશું જેથી આપણો દેશ લાગણીઓની વેલીઓથી સુવાસિત થઈ મહેંકી ઉઠે. આ અભિયાન ફક્ત આપણા ઘર, સમાજ પૂરતું નહિં પણ સમગ્ર રાષ્ટ્ર કક્ષાએ એનો વ્યાપ થાય અને લાભ થાય એ માટે હું તને અને શૈલીને આહવાન આપું છું તમારા જેવા નવયુવાનો અને બુદ્ધિધન જો આ ભગીરથ કાર્યમાં જોડાશે તો મને શ્રદ્ધા છે ભારતવર્ષમાં ફરીથી રામરાજ્યની સ્થાપના થશે. માણસાઈનાં મૂલ્યો વૃક્ષ બની આખા રાષ્ટ્રને વિસામો આપશે.
રાત્રે ૩.૩૦ થઈ ગયા. મધુમા બોલ્યા “ચાલો! બહુ મોડું થઈ ગયું હવે સૂઈ જઈએ. આગળનું પછી વિચારીશું.’
દિવાળીનાં શુભદિને નિ:સ્પૃહી અને શાલીગ્રામે ઓનપેપર આખો પ્રોજેક્ટ તૈયાર કરી દીધો. નિ:સ્પૃહીએ આખા દેશનાં બધાં જ IAS અને ડેપ્યુટી IAS ઓફિસરોને આ એમના પ્રોજેક્ટ “રીલેશન બીટવીન પર્સન ટુ પર્સન” માં જોડાવવા આમંત્રણ આપ્યું. ખૂબ ટૂંકાગાળામાં આ પ્રોજેક્ટ આખા દેશમાં વ્યાપી ગયો. નવયુવાનોને જીંદગી જીવવાની, જીંદગી સમજવાની અને જીંદગીનાં મૂલ્યોનું જતન કરવાની એક નવી દિશા મળી. દરેક યુવાન પોતાની ભીતર ડોકિયું કરતાં શીખ્યો પોતાનાં મ્હાયલા સાથે પોતાની મુલાકાત કરતો થયો.
નિ:સ્પૃહી, શાલીગ્રામ અને શૈલી પોતાનાં નેજાહેઠળ આખા દેશમાં સાંપ્રત સમાજ અને વર્તમાન પરિસ્થિતિને પોતાની કુનેહ, કુશળતા અને કાબેલીયતથી સંભાળી રહ્યા છે. માવજતના મોતી પરોવી માણસાઈનાં દીવા પ્રગટાવી રહ્યા છે. મધુમાનાં આશીર્વાદ તેમને ફળી રહ્યા છે. ૯૩ વર્ષની જૈફ વયે હોસ્પિટલના બિછાને વેન્ટીલેટર પર સૂતેલ મધુમાનાં ચહેરા પર અપાર નિરવ શાંતિ વર્તાઈ રહી હતી. નિ:સ્પૃહી, શૈલી અને શાલીગ્રામ ડૉકટર કેબિનમાં મધુમાને શું ટ્રીટમેન્ટ આપી શકાય એ બાબતે ચર્ચા કરી રહ્યા હતા. ભારતભરનાં દરેક સેન્ટર ‘રીલેશન બીટવીન પર્સન ટુ પર્સન’ માં મધુમાનાં સાજાં થવા માટે પ્રાર્થના ચાલી રહી છે. મધુમાનું તેજ અને એમનાં મલકતાં મુખારવિંદ વિશે હોસ્પિટલ સ્ટાફ આશ્ચર્ય અનુભવી રહ્યો છે. અંદરોઅંદર સ્ટાફ ચર્ચા કરી રહ્યા હતા મધુમા ‘મૃત્યુ એક ઉત્સવ’ હોય એમ આવકારી રહ્યા છે. મોનીટર પર સતત ડોકટર્સનું ધ્યાન હતું ત્યાં અચાનક મધુમાના કર્ણપટલ પર અવાજ સંભળાયો કે આજની અને આવનાર યુવા પેઢીને જીવનદિશા ચિંધનાર નિ:સ્પૃહી, શાલીગ્રામ અને શૈલીને આજે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થનાર છે. સમાચાર સાંભળતા જ મધુમાનું અવચેતન મન અને શરીર ચેતન થયું એમણે નિ:સ્પૃહીને બોલાવ્યા અણસાર આવ્યો નિ:સ્પૃહી, શાલીગ્રામ અને શૈલી દોડતાં ICUમાં મધુમા પાસે ગયા. મધુમાએ એક હાથ નિ:સ્પૃહીએ પોતાનાં હાથમાં લીધો બીજો હાથ શાલીગ્રામે પોતાનાં હાથમાં લીધો શૈલી એમનાં પગ પાસે બેસી તળિયાને મસાજ કરી રહી હતી. અચાનક મધમાનો આવાજ ખુલ્યો અને બોલ્યાં-
જાગી ગયો રે જાગી ગયો રે
માંહ્યલો મારો જાગી ગયો રે
વ્હાલમ! જો ન મળે તારો મેળ રે
આ જીવતર થઈ જાય ધૂળ રે
જાગી ગયો રે... જાગી ગયો રે
માંહ્યલો મારો જાગી ગયો રે
આ જીવતર જાણે સંબંધોને ઢગલીઓ રે
જીંદગીની ભવાઈમાં ખોવાઈ પગલીઓ રે
આ જીંદગી છે અનેક વારતાઓનો મેળો રે
ક્યાંક તૂટે, ક્યાંક સંધાય જિંદગીનો છેડો રે
જાગી ગયો રે... જાગી ગયો રે...
માંહ્યલો મારો જાગી ગયો રે
વ્હાલમ! હોય જો ન તારો સંગાથ રે
નહિં ઉકેલાય આ જીંદગીની ગાંઠ રે
જાગી ગયો રે... જાગી ગયો રે
માંહ્યલો મારો જાગી ગયો રે
નિ:સ્પૃહી, સાલીગ્રામ, શૈલી અને સ્ટાફ સહિત મધુમાએ આખાએ ભારતવર્ષનાં યુવાપેઢીને પોતાનાં ‘મ્હાયલા સાથે મુલાકાત’ કરતાં રહેવાનો સંદેશો આપ્યો. ડોક્ટર્સ કંઈક સમજે એ પહેલાં મધુમાએ હસતાં મોઢે, જીંદગી જીવ્યાનાં પૂરાં સંતોષ સાથે આંખો ઢાળી દીધી. નિ:સ્પૃહી, શાલીગ્રામ અને શૈલીનાં શરીરમાંથી એક અલૌકિક લખલખું પસાર થયું મધુમાનાં આત્માને સરકતાં અનુભવ્યો.