Maanhalo - 1 books and stories free download online pdf in Gujarati

માંહ્યલો - 1

પશ્ચિમની હવામાં રંગાય ગયેલ આજની યુવા પેઢીમાં એનાં ભારતીય અને હિંદુ સંસ્કૃતિનાં ડી.એન.એ. તો હોય જ છે. અને જ્યારે યુવા પેઢીનો અંતરાત્મા જાગી જાય છે ત્યારે સમાજમાં એક સુખદ પરિવર્તન આવે છે. તો, વાંચો લઘુનવલકથા માંહ્યલો.

માંહ્યલો

એપિસોડ- ૧

બે ઘર વચ્ચે ઈંટની આઠ ઈંચની દિવાલ નામ માત્ર હતી. બાકી, તો એ બંને ઘરનાં પરિવારનાં હ્રદય એક થઈ ચૂક્યાને પણ આજે ત્રીસ-ત્રીસ વર્ષનાં વ્હાણાં વીતી ગયા. મૂળ ગુજરાતી એવાં રાજકોટનાં વ્યાસ ડૉ. દંપતિ અને વલસાડનાં ડૉ. દેસાઈ દંપતિ ત્રીસ વર્ષ પહેલાં સીમલા મુકામે મેડીકલ રેસિડન્સ તરીકે નિમણૂંક પામી વસ્યા હતા. વ્યાસ દંપતિ અને દેસાઈ દંપતિ બંને એક જ પ્રોફેશન અને એક જ માટીનાં હોય એમની મિત્રતા ગાઢ સંબંધમાં પરિણમી. વ્યાસ અને દેસાઈ બંનેના પરિવાર વતનમાં કર્મભૂમિથી જોજને દુર હોય તેઓ એકમેકનાં પરિવાર બની ગયા. એકમેકના સુખે સુખી અને દુઃખે દુઃખી એવા એ બે પરિવારનો સંગાથ. સમયની સાથે દેસાઈ દંપતિને ત્યાં પુત્રરત્ન શાલીગ્રામ અને વ્યાસ દંપતીને ત્યાં પુત્રીરત્ન નિ:સ્પૃહીનો જન્મ થયો. બંનેના જન્મ વચ્ચે માંડ-માંડ ત્રણ મહિનાનું અંતર. આથી, બંને બાળકોની ઝોળીથી લઈ ધૂળેટી સુધીની પ્રવૃત્તિઓ સાથે જ થતી. બંને બાળકો રમવાથી લઈ ભણવા-ગણવા- જમવાનું બધું જ સાથે જ કરે. જાણે બંને બાળકો શાલીગ્રામ અને નિ:સ્પૃહી એક જ માળનાં બે પંખીઓ.

UPSC ની પરીક્ષા શાલીગ્રામ અને નિ:સ્પૃહીએ સાથે જ પાસ કરી. આ આનંદના અવસરે ડૉ. વ્યાસ અને ડૉ. દેસાઈએ સેલીબ્રેશન માટે એક કોમન પાર્ટીનું આયોજન કર્યું. ડૉ. વ્યાસ અને ડૉ. દેસાઈ બંને દંપતિઓનાં પ્રિપ્લાન મુજબ પાર્ટીમાં આ સહવાસી પંખીઓનાં લગ્નની જાહેરાત કરી. નિ:સ્પૃહીનાં ખંજનવાળા રૂપાળા ચહેરા પર શરમ મિશ્રિત આનંદની ગુલાબી ટશરો ફૂટી નીકળી. શાલીગ્રામે પોતાના બંને હાથની હથેળીનાં ખોબામાં એ ગુલાબી લાગણીઓ ઝીલી લઈ હૃદયના ખિસ્સામાં ઠાંસી-ઠાંસીને ભરી લીધી. શાલીગ્રામે પોતાની દિલ ઉપવનની લાગણીઓનો મહેમાનો સમક્ષ નિ:સ્પૃહી સામે એકરાર કર્યો. શાલીગ્રામે એક ઘૂંટણીયે બેસી નિ:સ્પૃહીને પ્રપોઝ કરતાં કહ્યું ...

નીહુ!

મારા મન આકાશે તું વરસી લે,

તારા પ્રેમની છત્રી હું ઓઢી લઉં.

શબ્દ મ્હેંદી તું મારા હૈયે રચી દે,

તારા રંગચિત્રમાં હું ભળી જાઉં.

મારા વિશ્વમાં પ્રિતનો દરિયો ભરી દે,

શ્રધ્ધાની નદીમાં હું તરબોળ થૈ જાઉં.

મારા મન આકાશે તું વરસી લે,

તારા પ્રેમની છત્રી હું ઓઢી લઉં.

બધાં સગાસ્નેહીઓએ તાળીઓનાં ગડગડાટ સાથે શાલીગ્રામનાં પ્રેમ પર સહમતીનાં સ્વીકારની મહોર લગાવી દીધી. આનંદભર્યા વાતાવરણમાં હરખનાં મંગલિયા વર્તાયા. દરેક સગાં-સ્નેહીઓમાં આનંદ અને હરખનો રાજીપો વર્તાયો. ખૂબ જ ટૂંકા સમયમાં લગ્નની તૈયારીઓ કરી શાલીગ્રામ અને નિ:સ્પૃહીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. બધું જ ઘરનું ઘરમાં જ અને એનાથી વિશેષ બે પરિવારનાં હૃદયો એક ગોખમાં સમાયાનો આનંદ હતો. ડૉ.વ્યાસ અને ડૉ. દેસાઈ દંપતિને જીવનનો એક અધ્યાય સુખદરૂપ પૂર્ણ થયાની આનંદિત અનુભૂતિ થઈ.

નિ:સ્પૃહીનાં મમ્મી ડૉ. આમ્રપાલીએ U.S.A. સ્થિત એમનાં ઘરડાં મા પાસે થોડો સમય જવાની ઈચ્છા વ્યક્ત કરી. ડૉ. આમ્રપાલી અને ડૉ. આલોક વ્યાસ ૬ મહિના માટે U.S.A. ગયા. વિધિની વક્રતાએ પહેલાંથી જ પોતાનો નકશો કંડારી રાખ્યો હોય છે. ડૉ. આમ્રપાલીને U.S.A. ગયા પછી પેન્ક્રીયાસનું કેન્સર ડીટેકટ થયું. ટૂકાં ગળામાં જ ડૉ. આમ્રપાલી આ ફાની દુનિયા છોડી ચાલી નીકળ્યા. અચાનક આવી પડેલ દુઃખથી બધા જ પિડિત હતા પરંતુ દુઃખનું ઓસડ દહાડા. સમયની સાથે બધું થાળે પડતું ગયું. દીકરી નિ:સ્પૃહી પણ એનાં સંસારમાં સુખી હતી. ડૉ. આલોકને ફરી પાછા ઇન્ડિયા આવવાની ઈચ્છા થઈ નહિં. મિત્રોનાં સમજાવટથી ડૉ. આલોકે U.S.A.માં રી-મેરેજ કર્યા. સમયની સાથે બધાનાં જીવનની ગાડી પટરી પર પૂરઝડપે દોડવા લાગી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED