“બાની”- એક શૂટર - 37 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 37

બાની- એક શૂટર

ભાગ : ૩૭


એહાન ઝડપથી દોડતો આવી પહોંચ્યો અને નીચે બંને ઘૂંટણ પર બેસીને બંને હાથની આંગળીઓ એકમેકમાં ભેરવીને રિકવેસ્ટ કરતાં કહેવા લાગ્યો, " બાની પ્લીઝ...!! તારો ચહેરો બદલાઈ જવાથી તારું અસ્તિત્વ બદલાઈ નથી જવાનું. હું તારી દરેક હિલચાલને મહેસૂસ કરી શકું છું. તારી દરેકેદરેક શ્વાસને હું જાણું છું. તારી આંખોને હું ઓળખું છું." એહાન બોલતો ગયો. મિસ પાહી શાંત મને બધું જ સાંભળતી હતી.

" હું તને જ ચાહી નથી. તારી સાથે તારા સમગ્ર અસ્તિત્વને પણ ચાહયું હતું. ફક્ત પ્રેમ કરવા ખાતર તને પ્રેમ નથી કર્યો. તારું પડખું સેવ્યું હતું. મારી એષણા બાની હતી. તારું મૃત્યુ નો સદમો તો લાગ્યો જ હતો. એમાંથી બહાર નીકળતા વાર તો લાગી જ હતી પણ કશુંક ખટકતું કે પછી એવું અંદરખાને થી લાગતું કે તું છે આ દુનિયામાં...મને દેખાતી નથી. પણ હા તું છે જ મારી આસપાસ..!! મને લાગતું એ ભ્રમ હોઈ શકે...!! પણ સાચી વાત તો એ હતી કે હું તને લઈને જ તારી સાથે જ જીવતો હોય તેમ તારા ડેથ બાદ આટલા વર્ષો કાઢી નાંખ્યા..!! કેમ કે તું હતી...તું જીવંત હતી એટલે જ તો હું આવી રીતે જીવ્યો હશે ને...!!" એહાનના મૂખેથી આપમેળે જ તત્વજ્ઞાન સરતું જતું હોય તેમ એ બોલતો જતો હતો કેમ કે એહાન વધારે લાંબુ બોલવાવાળો માણસ ન હતો.

મિસ પાહી ધીમે રહીને બેડરૂમ સુધી જતી રહી. એહાન ઉઠ્યો. એને આજે મિસ પાહીના મૂખેથી સચ્ચાઈ જાણવી જ હતી. એ એની પાછળ દોરવાતો 'બાની' બૂમ મારતો આગળ વધ્યો. એને બોલવાનું ચાલુ જ રાખ્યું હતું, " બાની, તારો ચહેરો બદલાઈ જવાથી સત્ય બદલાવવાનું નથી. હું તને મારા અંતર આત્માથી ચાહું છું. તું જ બાની છે મારી... તું જ છે બાની...મારી બાની છે તું....!!" એહાન એના વાત પર અડગ હતો.

મિસ પાહીએ મૌન ધારણ કર્યું હોય તેમ ખૂબ જ ધીરજ રાખી બધું જ સાંભળી રહી હતી.

"બાની...!! તારા દાદા દાદીને હું હાલમાં પણ મળું છું. કેમ કે હું જે મહેસૂસ કરતો એ જ તારા દાદા દાદી પણ મહેસૂસ કરતાં. આટલા પાંચ વર્ષ બાદ પણ એક દિવસ એવો નથી ગયો જેમાં તને યાદ કરી ન હોય. બાની...!! મારા વિશ્વાસને ખોટો નહીં પાડતી...!! તું.....તું મારી બાની જ છે." એહાનને જે જે યાદ આવતું તે તે એ ઝડપથી કહી રહ્યો હતો.

"મિસ્ટર તમે લાંબુલચક બોલીને સમય બરબાદ કરી રહ્યાં છો." બરફની જેમ થંડો જવાબ આપી મિસ પાહી અરીસાની સામે ચેર પર ગોઠવાઈ. એહાનને હવે મિસ પાહીની પીઠ દેખાતી હતી. મિસ પાહીએ પોતાનો ચહેરો અરીસામાં ધ્યાનથી જોયો.

"બાની પીઠ ફેરવીને અરીસા સામે બેસી જવાથી તું બદલાઈ નથી જવાની." એહાને ચેરના પાછળથી હથેડા પકડતાં અરીસામાં મિસ પાહીનો ચહેરો જોતાં કહ્યું.

"ઓહ પ્લીઝ મિસ્ટર...!! મને એમ કે તમે ફક્ત મારી દસથી પંદર મિનીટ લેશો. પણ તમે તો....!! પ્લીઝ ગો. મને મિટિંગ માટે લેટ થાય છે." કહીને મિસ પાહીએ મેકઅપનો ટચ આપવા માટે હાથમાં બ્લશર લીધો. એ પોતાના ગાલ થતા હડપચી પર હળવેથી બ્લશર ફેરતી રહી.

"હું ધીરજ ખોઈ બેસવાવાળો માણસ નથી. તું બાની જ છે એટલે એટલું તો મને ઓળખતી જ હશે. સંતોષ થાય એવો જવાબ લેવા વગર હું અહીંથી જવાનો નથી." એહાન અરીસામાં જ મિસ પાહીનો ચહેરો જોઈને વાત કરતો રહ્યો. પણ મિસ પાહી એક પણ શબ્દોનું ઉચ્ચારણ કરતી ન હતી.

એહાને બીજી વાત છેડી, " બાની...!! તને યાદ જ હશે તારી સાથે મેરેજ માટેનું પ્રપોઝલ પહેલા મારા પાસ્ટ વિષેનો ખુલાસો તારી સમક્ષ કર્યો હતો. એ મારી મા આજે જીવંત છે. એની સાથે મુલાકાત પણ થઈ છે. તને રસ તો જાગશે જ કે મારી મા સાથે મૂલાકાત કેવી રીતે થઈ. એના પાછળની બધી જ કહાની હું તને કહી સંભળાવીશ ફક્ત તું મને કહી દે કે તું મારી બાની જ છે." એહાને તરહ તરહની વાત છેડીને મિસ પાહી પાસેથી સચ્ચાઈ કઢાવાની કોશિશ કરી પરંતુ એને બધું જ નકામું લાગવા લાગ્યું. એ હવે અકળાયો. પણ થોડો શાંત રહ્યો. બેડરૂમમાં નીરવ શાંતિ છવાઈ.

ઊંડો શ્વાસ લઈને એહાન હવે ખૂબ જ શાંત સ્વરે કહેવા તો લાગ્યો પણ ખુરશીના બંને હથેડાને એ એટલો જોરથી વજન આપતો કહી રહ્યો જાણે એ ચેર જ હચમચી જવાની હોય," ઓહ મિસ પાહી...!! તમે મિસ પાહી જ છો તો એક પરાયા મર્દને તમારા બેડરૂમમાં આટલા સમયથી ઝેલી કેમ રહ્યાં છો. તમે મને તગેડી કેમ નથી મૂકતા!! હાલાકી આ બીજી વાર મુલાકાત છે. પહેલી મુલાકાતે પણ તમે મારા લીધે કશા પણ પ્રકારનું એક્શન લીધું નહીં. આજે હું તમારા બેડરૂમ સુધી પહોંચી ગયો છું. તો પણ તમે આટલા સેફ ફીલ કેવી રીતે કરી શકો છો?? તમે મને જાણતા જ હશો તો જ તો મારી હાજરી તમને ખટકી નથી તેમ જ અકળાવી કે ડરાવી નથી રહી ને.?!"

મિસ પાહી પોતાના સ્થાન પરથી ઉઠી. એની ચાલમાં ગજબની શાંતતા હતી. એ તટસ્થ સ્વરે એહાનના નજદીક આવીને કહેવા લાગી, "ડર...!!" એ એહાનની લગોલગ આવીને ઉભી થઈ.

"મિસ્ટર એહાન, અકળાવું..!! ડરવું...!! એ શબ્દો...ફક્ત શબ્દો છે મારા માટે.. એક પળ માટે તો હું ફક્ત ડઘાઈ ગઈ હતી એ વિચારથી કે એહાન શાહ અમારી સાજીશનો સત્યાનાશ ના કરી દે..!! પાંચ વર્ષ પહેલાં પણ તે આ કોશિશ કરી જ હતી. તને યાદ જ હશે મિસ્ટર શાહ..!!" મિસ પાહીએ કહ્યું અને એહાન અવાચક થઈને બધું જ સાંભળતો રહ્યો. મિસ પાહીએ આગળ બોલવાનું ચાલું જ રાખ્યું.

" તમે મને સારી રીતે પિછાણી મિસ્ટર શાહ... હું જ બાની છું. 'બાની-એક શૂટર' ફિલ્મની અભિનેત્રી મિસ પાહી એ જ બાની છે. હું જ બાની છું. હું જ બાની.... છું....!!" લાસ્ટના શબ્દો પર બાનીએ ઉર્ફ મિસ પાહીએ ભાર આપીને કહ્યું.

એહાન જ્યારે પોતે બાની બાની કહી રહ્યો હતો ત્યારે એ સામાન્ય થઈને વાત કરી રહ્યો હતો. પરંતુ જ્યારે પાહીના જ મોઢેથી એ પોતે બાની જ છે એ સાંભળવા મળ્યું ત્યારે એના કાન પર વિશ્વાસ જ બેસતો ન હતો કે કદાચ એ સચ્ચાઈ તરત સ્વીકાર કરી શકતો ન હતો એટલે જ એના મોઢામાંથી એક શબ્દો પણ નીકળતાં ન હતા. એ મિશ્ર લાગણીઓ સાથે ટકટક મિસ પાહી એટલે કે બાનીની આંખોને જ જોતો રહ્યો. પરંતુ બાનીએ આંખ ઝુકાવી. જે ખુરશી અરીસા સામે હતી એને ખેંચીને એહાન તરફ કરી. ઈશારાથી બેસવા માટે કહ્યું. એહાન કશું પણ સમજવા વિચારવા વગર બેસી ગયો. બાનીએ એને પાણી ધર્યું. એહાન એ ગટગટાવી ગયો.

પાંચ મિનિટ પહેલા જ ક્યારનો નોનસ્ટોપ પોતાની વાત રાખતો એહાન સત્ય જાણીને સ્તબ્ધ થઈ ગયો. જાણવું તો એને એ જ હતું જે પોતે વિશ્વાસથી કહી રહ્યો હતો કે તું જ બાની છે. તું જ બાની...!! પરંતુ હવે સચ્ચાઈ જાણીને એ શાંત તો નહીં પણ હચમચી ગયો. એ સચ્ચાઈ જીરવી શકતો ન હતો. જેટલી સંયતથી પાહીએ પોતે સ્વીકાર કર્યું કે એ જ બાની છે. એ ચૂપ થઈ ગયો.

બાની પણ એટલું બોલીને ચૂપ રહી. એહાન શાંત પડ્યો. થોડી સેંકેન્ડ બાદ કહ્યું, "બાની....!! કેમ આટલું બધું?? શેના માટે..!! પાહી બનવાનો તારો મકસદ??"

"તું પિછાણી જ ગયો છે કે હું બાની જ છું. તો હું આગળ કશું જણાવું એના પહેલા તને મારી કેટલીક શરતો માનવી પડશે."

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)