નવરાત્રી. નવ દિવસની નવલી રાત્રી. હિન્દુ ધર્મમાં નવરાત્રી એક મહત્વપૂર્ણ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. નવરાત્રીના દીવસે દેવી દુર્ગા અને તેના વિવિધ સ્વરૂપની ઉપાસના કરાય છે. આ નવ દેવી શક્તિઓ અસંખ્ય વિકરાળ તેમજ નિર્દોષ અભિવ્યક્તિઓ નું અસ્તિત્વ છે અને તે આપણને દસ દિવસમાં (વિજયાદસમી સહિત) જીવનની દસ અનિષ્ટિઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
૧. કામ (વાસના) - કામ એ પાપી તરીકે ગણવામાં આવતી સંવેદનાત્મક ભૂખ છે.
૨. ક્રોધ (ગુસ્સો) - ક્રોધ એ નારાજગી, ચીડ અને દુશ્મનાવટની લાગણી છે.
૩. લોભ - લોભ એ સંપત્તિ, શક્તિ અને ખોરાકની સ્વાર્થી ઈચ્છા છે.
૪. મોહ (જોડાણ, માયા) - મોહ એ સ્નેહ, પ્રેમ અથવા કોઈ વસ્તુ પ્રત્યે નું આકર્ષણ છે.
૫. અહંકાર - અહંકાર એ આત્મગૌરવ અને પોતાની જાતને જ સર્વસ્વ માનવામાં આવતી ભાવના છે .
૬. ડર (ભય) - ડર એ પીડા અથવા હાનિથી થતી તકલીફોથી બચવા માટે ઉદભવતી લાગણી છે.
૭. ઈર્ષા - ઈર્ષા એ કોઈનું સારું ન જોઈ શકવાની લાગણી છે.
૮. છળ (કપટ) - છળ એ બીજાનું ખોટી રીતે પચાવી પાડવાની વૃત્તિ છે.
૯. નફરત - નફરત એ તીવ્ર નાપસંદ, ટીકા અને દુરુપયોગની અનુભૂતિ છે.
૧૦. દોષ - દોષ એ સ્પષ્ટ કરેલા ખોટા કાર્યો છે.
એવું માનવામાં આવે છે કે હૃદયથી દેવી દુર્ગાની પૂજા-અર્ચના કરવાથી આપણી અંદર વસેલા આ દસ દુષ્ટતાઓનો માતા નાશ કરે છે. નવરાત્રિનો દરેક દિવસ દેવીના જુદા જુદા સ્વરૂપમાં વિશિષ્ટ નામો અને વિવિધ રંગોના અર્થે છે.
પહેલી રાત્રી - દેવી શૈલપુત્રી
પસંદીત રંગ - નારંગી (Orange)
નવરાત્રીનો પ્રથમ દિવસ: આ દિવસ શૈલપુત્રી (જેનો અર્થ છે "પર્વતની પુત્રી") સાથે સંકળાયેલ છે. શૈલપુત્રી મા પાર્વતીના અવતાર ગણાય છે. દેવીના આ સ્વરૂપને શિવના સાથી તરીકે પૂજવામાં આવે છે. જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળ સાથે નંદી બળદ પર મા બિરાજમાન હોય છે. મા નો આ અવતાર સારું નસીબ પ્રદાન કરે છે. આ દિવસનો રંગ નારંગી છે જે ઊર્જા અને સુખનો સૂચક છે.
બીજી રાત્રી - દેવી બ્રહ્મચારિણી
પસંદીત રંગ - સફેદ (White)
નવરાત્રીનો બીજો દિવસ: આ દિવસ માતા પાર્વતીના અન્ય અવતાર દેવી બ્રહ્મચારિનીની ઉપાસના માટે સમર્પિત છે. મા એ શિવને પોતાના પતિ તરીકે પામવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તપશ્ચર્યા કરી હતી. દેવી બ્રહ્મચારિણીને તાપસારિણી, અપર્ણા અને ઉમા તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવી જમણા હાથમાં જાપમાલા અને ડાબા હાથમાં કમંડલ ધરાવે છે. દેવી મા નો આ અવતાર જીવનમાં આવતાં તમામ અવરોધોને દૂર કરે છે. આ દિવસનો રંગ સફેદ છે જે શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે.
ત્રીજી રાત્રી - દેવી ચંદ્રઘંટા
પસંદીત રંગ - લાલ (Red)
નવરાત્રીનો ત્રીજો દિવસ: આ દિવસ મા ચંદ્રઘંટાની ઉપાસનાનું સ્મરણ કરાવે છે. શિવ સાથે લગ્ન કર્યા પછી, પાર્વતીએ તેના કપાળને અર્ધચંદ્ર (પ્રકાશિત ચંદ્ર) શંખથી શણગારેલું છે જે મા પાર્વતીના વિવાહિત સ્વરૂપને યાદ કરે છે. ચંદ્રઘંટા દેવીને આધ્યાત્મિક અને આંતરિક શક્તિની દેવી કહેવામાં આવે છે. મા નો આ અવતાર જીવનમાં બિનજરૂરી દુશ્મનો અને ગંભીર અવરોધોથી દૂર રાખે છે અને જીવનમાં ખુશી પ્રદાન કરે છે. આ દિવસનો રંગ લાલ છે જે સુંદરતા અને નિર્ભયતાને દર્શાવે છે.
ચોથી રાત્રી - દેવી કુષ્માંડા
પસંદીત રંગ - વાદળી (Royal Blue)
નવરાત્રીનો ચોથો દિવસ: આ દિવસ કુષ્માંડા દેવીની ઉપાસના માટે છે. મા કુષ્માંડા પૃથ્વી પર વનસ્પતિ સંપત્તિ સાથે સંકળાયેલ છે. તેમને બ્રહ્માંડની સર્જનાત્મક શક્તિ માનવામાં આવે છે. તેણીને આઠ હાથ છે અને તે વાઘ પર બિરાજે છે. મા નો આ અવતાર સારું આરોગ્ય, સંપત્તિ અને શક્તિ આપે છે. આ દિવસનો રંગ વાદળી છે જે સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે સારું માનવામાં આવે છે.
પાચમી રાત્રી - દેવી સ્કંદમાતા
પસંદીત રંગ - પીળો (Yellow)
નવરાત્રીનો પાંચમો દિવસ: આ દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. દેવી સ્કંદમાતા સ્કંદ (અથવા કાર્તિકેય) ની માતા છે. જ્યારે તેમના બાળકને ભયનો સામનો કરવો પડે છે ત્યારે મા આ અવતાર ધારણ કરે છે. માતા પરિવર્તનશીલ શક્તિનું પ્રતીક છે. મા એક વિકરાળ સિંહ પર બાળકને પકડીને સવાર છે, તેના ચાર હાથ છે. દેવીનો આ અવતાર ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. આ દિવસનો રંગ પીળો છે જે સુખ અને તેજ માટે વપરાય છે.
છઠ્ઠી રાત્રી - દેવી કાત્યાયની
પસંદીત રંગ - લીલો (Green)
નવરાત્રીનો છઠ્ઠો દિવસ: આ દિવસ દેવી કાત્યાયનીને સમર્પિત છે. તે મા પાર્વતીનો અવતાર છે અને તે મહીષાસુરનો વધ કરે છે. તે યોદ્ધા દેવી તરીકે જાણીતી છે, તે દેવી આદ્ય શક્તિના સૌથી હિંસક સ્વરૂપોમાંની એક માનવામાં આવે છે. આ અવતારમાં દેવી કાત્યાયની સિંહ પર સવાર છે અને તેના ચાર હાથ છે. મા નો આ અવતાર વિવાહિત જીવનમાં સુમેળ અને શાંતિની ખાતરી આપે છે. આ દિવસનો રંગ લીલો છે, જે નવી શરૂઆત અને વૃદ્ધિનો સંકેત આપે છે.
સાતમી રાત્રી - દેવી કાલરાત્રી
પસંદીત રંગ - ભૂખરો (Grey)
નવરાત્રીનો સાતમો દિવસ: આ દિવસ માતા કાલરાત્રીની ઉપાસના માટે સમર્પિત છે. કાલરાત્રી
દેવી દુર્ગાનું સૌથી વિકરાળ સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે પાર્વતીએ રાક્ષસો શુંભ અને નિશુંભને મારી નાખવા માટે તેની સુંદર ત્વચા દૂર કરી વિકારાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. દેવીની સળગતી આંખોમાં ખૂબ ગુસ્સો અને ચામડી કાળી પડી છે. દેવીનો આ અવતાર બ્રહ્માંડમાંથી અંધકાર દૂર કરવા માટે જાણીતો છે. આ દિવસનો રંગ ભૂખરો છે જે પરિવર્તનની શક્તિ માટે વપરાય છે.
આઠમી રાત્રી - દેવી મહાગૌરી
પસંદીત રંગ - જાંબુડીયો (Purple)
નવરાત્રીનો આઠમો દિવસ: આ દિવસ મા મહાગૌરી ની આરાધના માટે સમર્પિત છે.મહાગૌરી બુદ્ધિ અને શાંતિનું પ્રતીક છે. મહાગૌરી શ્વેતામ્બરધારા તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે તે ખૂબ જ સુંદર છે અને એનાં લીધે જ એમનું નામ ગૌરી છે. મા નો આ અવતાર આત્માને શુદ્ધ કરે છે અને બધા પાપોને દૂર કરે છે તેમજ જીવન સુધારવામાં પણ મદદ કરે છે. આ દિવસનો રંગ જાંબુડિયો છે જે બુદ્ધિ અને શાંતિની પ્રતીક છે.
નવમી રાત્રી - દેવી સિદ્ઘીદાત્રી
પસંદીત રંગ - મોરપંખ જેવો લીલો રંગ (Peacock Green)
નવરાત્રીનો નવમો દિવસ: આ દિવસ સિદ્ધિદાત્રી દેવી ને સમર્પિત છે. કમળ પર બેસેલી દેવી તમામ પ્રકારની સિદ્ધિઓ ધરાવે છે. દેવીને ચાર હાથ છે. નીચે ડાબા હાથમાં કમળ, તેના ઉપર ડાબા હાથમાં શંખ, તેના જમણા હાથમાં ચક્ર અને નીચે જમણા હાથમાં એક ત્રિશુલ ધરાવે છે. તે કમળના ફૂલ પર બેસે છે. તે વિશ્વમાં ધર્મ, અર્થ, કાર્ય અને મુક્તિ પ્રદાન કરે છે. આ દિવસનો રંગ મોરપંખ જેવો લીલો છે જે ભક્તોની ઇચ્છાઓને પૂર્ણ કરે છે તેવું માનવામાં આવે છે.
આમ, નવરાત્રીના નવ દિવસોની ઉજવણી દરેક પવિત્ર દેવીઓને સમર્પીત છે. માતાના ગર્ભમાં જન્મ લેવાથી લઈ પંચમહાભૂતોમાં સમાઈ જવા સુધીની યાત્રા જ જીવનનો નવરંગ છે તો ચાલો દેવીઓની ઉપાસના, પુજા કરી ઉજવીએ આ નવરાત્રીને....