લખતાં હાથ કાંપે, બોલતાં જીભ કપાય અને સાંભળતા કાનમાંથી લોહી નીકળે એવો શબ્દ..."બળાત્કાર"... જેનાં અર્થ થી સૌ વાકેફ તો છે છતાં તદ્દન અજાણની જેમ જીવે છે. દુઃખ એ વાતનું છે કે, બળાત્કાર નાં કિસ્સાઓ સાંભળી માણસ હચમચી તો જાય છે પણ એકાદ પહોરમાં તે દુઃખનાં હચમચાટથી ઉગરી પણ જાય છે.
આપણા સમાજમાં દિવસે ને દિવસે બળાત્કારનાં કિસ્સાઓ વધતા જાય છે. ક્યાંક નાની બાળકી તો ક્યાંક યુવતી, ક્યાંક પરિણીતા તો ક્યાંક કુંવારી આમ મોટા ભાગે સ્ત્રીસમાજ ની માતાઓ, બહેનો, દીકરીઓ બળાત્કારીઓનો ભોગ બને છે ત્યારે પીડિતા ફક્ત શારીરિક નહીં માનસિકતાઓથી પણ પીડાતી રહે છે. શારીરિક પીડાથી તો થોડાક મહિનાઓમાં મુક્તિ મળી જાય છે પણ માનસિકતાથી બચી નથી શકાતું. બળાત્કાર ભલે એક જ વાર થયો હોય પણ જ્યારે જ્યારે બળાત્કાર નામનો શબ્દ સંભળાય છે ત્યારે ત્યારે ઘટનાનાં વર્ણન સ્વરૂપે તેણીની સમક્ષ બળાત્કારનું ચલચિત્ર પ્રસરે છે. ક્યારેક માનસિકતાથી લડીને પીડિતા તેમાંથી ઉગરવાનો પ્રયાસ પણ કરે છે પરંતુ તેણીને સમાજ, કુટુંબ પાસેથી ઈનામ સ્વરૂપે તિરસ્કાર નો ભાવ અને સહકાર ના નામે અસભ્ય વર્તન, ટીકા મળે છે ત્યારે તે પીડિતા ના દુઃખ નું વર્ણન કરતા મારી કલમ પણ રડી પડે છે અને બીચારી પીડિતા પોતાની જાતને જવાબદાર સમજી હિંમતહારી ફરી માનસિકતાનો શિકાર બને છે. અરે...!!! રાત્રે બિચારી ઊંઘથી પણ હાથ ધોઈ બેસે છે અને કાલ્પનિક વિચાર માત્રથી જ ધ્રુજી ઉઠે છે ત્યારે જાગૃત સમાજ કે જાગૃત કુટુંબની અમુક પીડિતાઓ માટે સમાજનાં અમુક ભલા માણસોનું હૃદય દ્રવી ઉઠે છે અને તેણીનાં દુઃખ થી જોડાય તેઓ મીણબત્તીઓ લઈ આક્રોશ સાથે રસ્તા પર ઉતરી ન્યાય માટે હાથમાં પોસ્ટરો પકડીને ધરણા પર બેસી જાય છે. વધુમાં પોતપોતાની બૌદ્ધિક હોશિયારી અને ડહાપણ ઝાડી બેફામ વાતો કરી કાયદાઓને વગોવે છે તો ક્યાંક યુવતીઓનાં વસ્ત્રો માટે તો ક્યાંક મહિલા સશક્તિ માટેનો રાગ છેડે છે સાથે પુરૂષપ્રધાન દેશને, સામાજીક વ્યવસ્થાને અપશબ્દો આપી સોશિયલ મિડીયામાં ઠોકમઠાક પણ કરે છે પરંતુ પછી શું ??? અચાનક એક દિવસે બધું ગાયબ...બિચારીનાં નસીબ કેવાં પાંગળા...!!!એમ કહીને બધું ઠરીને ઠીકરું.હા...ક્યારેક અવાજ ઉઠાવેલ પીડિતાને થોડાં સમય કે વર્ષો પછી ન્યાય પણ મળી જાય છે પરંતુ કેટલીક દિકરીઓ, બહેનો, માતાઓ જે શિક્ષિત નથી કે પછી સમાજનાં કે બદનામીનાં છાંટાથી ડરીને પોલીસ કે ઘર પરિવારના સભ્યોને પોતાની વેદના જણાવી શકતી નથી તો શું એવી પીડિતાઓને ન્યાય નહીં મળે? કે, પછી 'બોલે એનાં બોર વેચાય' એ કહેવત અહીં બરાબર ચોંટાડવાની...??? ૧૦૦ બળાત્કારના કેસો માંથી બે કે ત્રણ કેસો જગજાહેર થાય છે, ન્યાય માટે પોકાર લગાવે છે તો બીજા કેસોની પીડિતાઓ નો શું વાંક???એનાં સમાધાન રૂપે બળાત્કારને જ જડમૂળમાંથી ઉખાડી ફેકવું પડશે. બળાત્કાર રોકવા માટે સમાજ પરના દરેક માણસે ભેગા મળીને ફક્ત આંખોથી જ નહીં પરંતુ શબ્દો હાવભાવ અને આત્માથી પણ જાગવું પડશે.
બળાત્કાર ખૂણાખાંચાની જગ્યાએ, એકાંત સ્થળે, પૂર્વઆયોજિત કે એકલતામાં જ થાય એ જરૂરી નથી. બળાત્કારીઓ માટે સ્થળ, સમય, દિશા, આયોજન, ઉંમરની કોઈ મહત્વતા જ નથી. એમનાં પરતો હવશ નામનો રાક્ષસ જ હાવી હોય છે. ફ્કત મરજી વગરનાં સમાગમને જ બળાત્કાર કહેવો એ મૂર્ખતા ગણાશે. બળાત્કારો તો રોજ જાહેરજીવનમાં હાલતાં-ચાલતાં થતાં હોય છે. છોકરી રસ્તા પરથી જતી હોય તો તેણીનાં વળાંકો પર અમુક નજરો મંડી હોય તો તે પણ બળાત્કાર છે. ભીડનો લાભ લઈને સ્પર્શ કરવો, બાળકનાં સુકુમાર અંગોથી રમી લેવું, પત્ની પર જાનવરની જેમ તુટી પડવું, મુવીમાં એક્ટ્રેસનાં ભૂલથી પણ અંગો દેખાય જાય તો કામનાથી ભરાઈ જવું, ઓફીસ માં બેઠેલી યુવતીને કોઈ ને કોઈ બહાને પાસે બોલાવવી કે, કોઈ પણ છોકરીને ડાયરેક્ટ આઈ લવ યુ કહી લાગણીઓમાં ફસાવવી, વન નાઈટની ઓફર મુકવી, મેસેજ માં ડબલ મિનીંગની વાતો કરવી એ પણ એક જાતનો બળાત્કાર છે. બળાત્કારીઓ તો બળાત્કાર શબ્દો, આંખો અને લાગણીઓથી પણ કરતાં હોય છે. ગમે કે ના ગમે આ આપણાં સમાજનો દંભી ચહેરો છે. સ્રીઓ જોડે અભદ્ર વ્યવહાર થતો હોય તો આપણે શું? કોઈકની બબાલમાં શા માટે અને કેમ પડવું? એમ વિચારીને ચાલતાં પકડવાની જગ્યાએ એને રોકવા માટે અવાજ ઉઠાવી જાગવું પડશે નહીંતો આજે કોઈક બીજાની જગ્યાએ કાલે તમારું પોતાનું પણ હોય શકે છે. એટલા માટે પોતાનાંને બચાવવાં પ્રથમ બીજાં સાથે આજુબાજુ થનારી આ ઘટનાઓ જોઈ મોઢું આડુ કરીને ત્યાંથી ભાગી જવાને બદલે તેની સામે તાત્કાલિક વિરોધ કરવા જાગવું પડશે. નજર થી થતો બળાત્કાર જોઈ આંખ મીંચવાને બદલે આંખ બતાવવાં જાગવું પડશે. સ્પર્શ થી થતો બળાત્કાર જોઈ એને હાથ પગ ઉઠાવી યોગ્ય પાઠ ભણાવવા જાગવું પડશે. શબ્દોથી થતો બળાત્કાર જોઈ સીવેલા હોંઠોને ખોલી શબ્દોના બાણ મારવા જાગવું પડશે. આ કૃત્ય અટકવવા "માણસ તારે જાગવું પડશે". સામાજિક સંવેદના કેળવવા આપણા સાથી નાગરિકોને જોવા માટે પણ જાગવાની જરૂર છે.