માં શેરાવાલી Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

માં શેરાવાલી

માં શેરાવાલી

તે રતુંબડા આકાશને જોઈ રહ્યો, લાલ ગોળો પોતાની દિશામાં આગળ વધી રહ્યો હતો.ક્યાંક આરતીના નાદ સંભળાઈ રહ્યા હતા. પક્ષીઓનો કલબલ પણ ધીમો થતો જતો હતો. અંધકાર એ નાના ગામને કાળું કરવા મથી રહ્યો હતો.તો ક્યાંક એજ કાળામાથાંનો માનવી એ અંધારાને દૂર કરવા ફાનસ પ્રગટાવી રહ્યો હતો. સંધ્યા બરાબર જામી હતી. ક્યાંક ક્યાંક આકાશ કોઈ નવી વહુ ની જેમ લાલ થઈ ગયું હતું. તો ક્યાંય કોઈ ભોટની જેમ નિર્જન ભાસતું હતું. એ આકાશમાં ઉડતું કોઈ પક્ષી અતિરમણીય લાગતું હતું.અને પછી કોઈ અગમ્ય કારણ થી પોતાના માળામાં જતું રહેતું. જેરાજઆ બધું જોઈ રહ્યો હતો.

જેરાજના લગ્ન થયાના દસ વર્ષ થઈ ગયા. જેરાજનો દેહ એકદમ સુકલકડી,માથે એના કરતાં મોટી પાઘડી,સાદો ઝભ્ભો અને નીચે ધોતી,આંખો કંઈક ઊંડી અને વિચિત્ર ભાસતી,કપાળ પર કંકુનો ચાંદલો અને નાક થોડું લાબું અને અણીયારું,પગ થોડા લાંબા અને હાથમાં ભરેલી તાકાતથી સમગ્ર દેહ કોઈ કુંભારે નવરાશે ઘડેલા માટલા જેટલો વ્યવસ્થિત જાણતો હતો. તેનો પહેરવેશ એકજ રહેતો અને તેથી પીઠભાસી હતો. વર્ષમાં ફક્ત એક વખત તેનો પહેરવેશ બદલતો અને તે માં શેરાવાલીનું આગમન થાય ત્યારે! ત્યારે તે એકદમ કોઈ નૃત્યકાર જેવો લાગતો અને સોળેકળાએ ખીલી ઉઠતો. તેનો વ્યવસ્થિત દેહ કેડીયામાં અતિસુંદર ભાસતો!!!!

આજે એ દિવસ હતો, પ્રથમ નોરતું. એટલે પોતાના બધા કામને ન્યાય આપી સમી-સાંજમાં જ તૈયાર થઈને બેસી ગયો. પત્ની પર તો શરૂઆતમાં જ હાક હતી અને બા-બાપુ તો થોડી વાર પહેલા તે જોતો હતો ત્યાં હતા!તેની આંખના ખૂણા ભીના થયાનો તેને ભાસ થયો.પછી છોકરડા તો શું બોલે એટલે તેને કોઈ રોક નહોતી. મન મુકીને તે નાચતો,ગાતો અને એક ધન્યતા અનુભવો!

નાનું ગામ,સરપંચ કહો કે મુખી કે વડો બધું એજ.નવરાત્રીના નવ દિવસો આ ગામને વધુ જીવંત કરતા. ગામમાં આમ તો બાયું માણહ ને જાજી છૂટ ના રહેતી પણ જ્યારે માં શેરાવાલી આવતી ત્યારે તો તાકાત છે કોઈ બંધનની કે બાંધી શકે!!! ગામમાં કોઈ વધુ સુવિધા નહીં ફક્ત તબલા અને ઢોલના તાલે થતા. એકાદ ગાયક હોય તો એ પોતાનું ગળું અજમાવે. બધી વાતમાં શહેર કરતા પછાત નવરાત્રી, પણ શ્રદ્ધામાં તો હંમેશા શિરોમણી!

સમીસાંજથી જ ગામમાં ચહલપહલ શરૂ રહેતી. ગામના મુખ્યાઓ બધાને કામ ચીંધતા નજરે પડતા. અને પેલા પણ સારપ લેવા હરખભેર કામ કરતા ! સારપ કોને ન ગમે, એ પણ નાના બાળકો ને પોતાના રુઆબ નીચે રાખતા અને સ્ત્રીઓ સોળે શણગારે તૈયાર થઈને માં શેરાવાલીનું રૂપ લેતી! ક્યાંક જુવાનિયાઓ ગામડાના ધૂળિયા ઓટે બેસીને અલક-મલકની વાતો કરતા તો કોઈકને ફકત ગરબા શરૂ થવામાં રસ હતો તો કોઇ ને ફક્ત આયોજનમાં, ગરબા તો તેને તડીપાર! ગામની નાની બાળાઓ પણ ચાતક નજરે રાહ જોતી! નાના ટેણિયાઓ ધૂળિયા રસ્તા પર ધૂળ ઉડાડતા નજરે પડતા અને કોઈક તેમને સમજાવતું નજરે પડતું તો કોઈક ધૂળ ન ઉડે એ માટે પાણી છાંટતું નજરે પડતું,તો ક્યાંક કોઈ માતા પોતાના નાના રડતા બાળકને શાંત કરાવતી નજરે પડતાં,અને લાગતું કે નવરાત્રી બરાબર જામવાની છે!!

જેરાજ તો ગરબાની રાહ જોઇને જ બેઠો હોય અને ગરબા શરૂ થાય એટલે આજુબાજુનું બધું ભૂલી પોતાના તનને માં શેરાવાલીના હવાલે કરી મનથી ગરબા કરતો નજરે પડતો.બધા કામોથી આ દિવસે તે રજા લેતો અને બસ ભક્તિમય બનતો. ગરબા પુરા થાય એટલે ગામમાં ઇતિહાસના અમરપાત્રોના આખ્યાન કે નાટક રમતા.ગામના લોકોને જેટલું આવડતું એટલું કરતા પણ એ કોઈ શહેરી જીવનના મોંઘા નાટકો કરતા વધુ આનંદદાયક રહેતું!

જેરાજની આંખો ખુલી, આંખોથી બરાબર દેખાતું ન હતું.તેના વિચારો શાંત થઇ રહ્યા હતા. તેની ઉંમર સિત્તેરને વટાવી ચુકી હતી.પોતાની યુવાનીમાં જોવાયેલી આ નવરાત્રિને તે નવરાત્રીના આગળના દિવસોમાં વાગોળ્યા કરતો.તેને તેની છેલ્લી નવરાત્રી આજ પણ યાદ છે,બરાબર ગરબા જામેલા અને જેરાજ તો તેમાં મન મુકીને કૂદી પડેલો.મીઠા મધુર તબલના અવાજમાં કર્કશ અવાજ ભળ્યો.ગરબા શાંત થયા જેરાજને હજી તેનું ભાન નહોતું. ગામના બે નામચીન વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો અને મારામારી પણ થયેલી આ વાત જેરાજને થોડી વાર પછી ખબર પડી.બીજા વર્ષથી કોઈએ નવરાત્રી કરવાનું નામ ન લીધું!

બસ તે દિવસ છે ને આજનો દિવસ છે. એ વાત પર પાંત્રીસ પાંત્રીસ ચોમાસા જતા રહ્યા પણ ગરબા ન થયા. કોઈ દિવસ ગામના છોકરાઓ જેરાજ પાસે આવતા ને કહેતા,

"દાદુ, આપણે ગરબા કેમ નહીં?"

"દીકરા,કોઈ વાર માં શેરાવાલી પરીક્ષા લે છે" જેરાજ એક ઊંડો નિશ્વાસ નાખતા કહેતો!"

"અમને તો ગરબા રમવા ન મળ્યા શું અમે કંઈ કરી શકીએ?" ચૌદ પંદર વર્ષના ભોળા બાળકો કહેતા

"હા દીકરા મોટા થઈને તમે જ ગામનો ઉદ્ધાર કરશો" જેરાજ તેમની પિંગળી આંખોમાં એકીટશે જોતો અને કહેતો.

આ વાત પણ દસેક વર્ષ પૂર્વની છે. હવે તો જેરાજને દુર્બળતાએ ઘેરી લીધી હતી અને એક આશા હતી કે માં શેરાવાલી જરૂર આવશે અને હું ગરબે રમીશ.આજે નવરાત્રી હતી અને હંમેશની જેમ જેરાજ શૂન્ય ભાસતા આકાશને જોઈ રહ્યો,કદાચ એની આંખ તેના જુવાની માં જોયેલા પક્ષીને શોધી રહી હતી.પણ એ પક્ષી જેવી દશા અત્યારે જેરાજની પણ હતી અને જેરાજ ની નજરો કહેતી,

સાંજ પડે દિન આથમે,ચકવી પડે રોઈ;

હાલો ચકવા ઉન દેશ, જ્યાં રાત ક'દી ન હોય.

આવું જ જેરાજ ને થતું કે હાલ એવા દેશ જ્યાં હમેશા માં શેરાવાલીની છત્રછાયા મળી રહે!

અચાનક તેના સુસ્ત પડી ગયેલા કાનમાં ઢોલકનો અવાજ સંભળાયો.... તે બહાર નીકળ્યો તેને શેરી સુધી જતા પણ દસેક મિનિટ લાગી અને તેની આંખો ચકળવકળ થઈ. ફરી એકવાર ગામ ગરબે રમી રહ્યું હતું.તેનામા એક દિવ્ય શક્તિએ પ્રવેશ કર્યો અને પછી તે ત્યાં વાયુવેગે પહોંચ્યો અને માં શેરાવાલીને નમન કર્યા અને જોયું તો પે'લા પ્રશ્નો પૂછવા વાળા બાળકો પ્રમુખ સ્થાને ઉભા હતા. તેનામાં રહેલી દિવ્ય શક્તિથી તેને ગરબામાં એક ચક્કર પૂરું કર્યું અને પછી માં શેરાવાલીના કદમોમાં પડ્યો.
મનમાં એક આનંદ છવાઈ ગયો અને એના લીધે આખનું દૃશ્ય ધૂંધળું થયું. એના મુખમાંથી અવાજ નીકળ્યો 'જય માં શેરાવાલી' અને આંખમાં હંમેશા માટે અંધકાર છવાયો!!

લેખક- દિવ્યેશ પટેલ