Divyesh with Dhaivat Trivedi (ધૈવત ત્રિવેદી સર નું ઇન્ટરવ્યૂ) Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

Divyesh with Dhaivat Trivedi (ધૈવત ત્રિવેદી સર નું ઇન્ટરવ્યૂ)


આપ આ વાંચી રહ્યા છો મતલબ તમારા માટે વાંચન જ જિંદગી છે,અને એક સારા વાચક તરીકે એક ઈચ્છા હંમેશા રહેતી હોય છે કે હું જે નવલકથા કે કોઈપણ કૃતિ વાંચી રહ્યો છું તે લેખક વિશે જાણવાનું અને જો તમે એક લેખક છો તો તમને મનમાં હજારો સવાલ હશે કે મોટા લેખકો જેમની એક નવલ પર જબરદસ્ત પકડ છે તે પોતાની નવલ લખવામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખે છે.

આ બધા પ્રશ્નના જવાબ મેં એક એવા વ્યક્તિ પાસેથી લીધા છે કે જો તમે એક વાચક છો તો તે ઓળખના મહોતાજ નથી તેમનું નામ છે ધૈવત ત્રિવેદી સર તેમની બુક્સ હાર્ડકોપી માં તો છે જ પણ માતૃભારતી પર તેમની 64 સમરહિલ ધૂમ મચાવી રહી છે જે 65 અઠવાડિયા સુધી ચાલી હતી તો હું તેમનું એક ઇન્ટરવ્યુ રજુ કરું છું જે મેં પોતેજ લીધું છે અને બધા પ્રશ્નના જવાબ ધૈવત સરે પોતે આપ્યા છે.

પ્રશ્ન 1) આપનો ટૂંકમાં પરિચય આપો

હું ધૈવત ત્રિવેદી. અમરેલી જિલ્લાનું રાજુલા મારું વતન. ભાવનગર, જામનગર અને અમદાવાદમાં અભ્યાસ. હવે અમદાવાદમાં સ્થાયી છું. શૈક્ષણિક યોગ્યતા મુજબ તો મિકેનિકલ એન્જિનિયર છું. એન્જિનિયરિંગ ફિલ્ડની 10 વર્ષની નોકરી પછી એ છોડીને બાળપણના સ્વપ્નને સાકાર કરવા લેખન-પત્રકારત્વની કારકિર્દી અપનાવી છે. હાલ દિવ્ય ભાસ્કરની ડિજિટલ એડિશનમાં કાર્યરત છું. હવે સક્રિય પત્રકારત્વમાં પણ 15 વર્ષ થઈ ચૂક્યા છે એટલે એ છોડીને વળી કંઈક નવું કરવાના ધખારા છે. જોઈએ, એ ક્યારે કરી શકું છું...!

પ્રશ્ન 2) ) તમે લખવાનું ક્યારથી શરૂ કરેલું?

આમ તો બાળપણથી જ કલ્પનાશક્તિ સારી હતી એટલે લેખન પણ ત્યારથી શરૂ થયું. બીજા વિદ્યાર્થીઓ નિબંધમાળામાંથી ગોખેલા નિબંધ લખતાં ત્યારે હું મૌલિક નિબંધ લખતો અને એવા બે નિબંધ લખીને પરીક્ષકને એવું પણ કહેતો કે, 'નીચેના પૈકી કોઈ એક નિબંધ ચકાસો!!'
પણ તમે જે વગર પૂછ્યે પૂછવા માંગો છો એ સમજીને જવાબ આપું તો, સૌ પ્રથમ વખત આઠમા ધોરણમાં હતો ત્યારે ભાવનગરના લોકપ્રિય દૈનિક સૌરાષ્ટ્ર સમાચારમાં મારા લેખ નામ સાથે છપાયા હતા. એ પછી એ ક્રમ સતત જારી રહ્યો છે. આરંભે કવિતા, કવિલોક, નવનીત-સમર્પણ વ. સાહિત્યિક સામયિકોમાં મારી કવિતા છપાતી હતી. એ પછી કુમાર જેવા પ્રબુદ્ધ સામયિકમાં મારા કેટલાંક લેખો પણ છપાયા છે. આ સઘળું વિદ્યાર્થી અવસ્થામાં છપાયેલું છે.

પ્રશ્ન 3)તમે લખેલી બુક્સ વિશે માહિતી આપો

મારા કુલ 6 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, જે દરેક સાર્થક પ્રકાશને પ્રકાશિત કર્યા છે. સાર્થક પ્રકાશન એ વરિષ્ઠ લેખકો દિપક સોલિયા અને ઉર્વીશ કોઠારીએ શરૂ કરેલી પ્રકાશન સંસ્થા છે. હું પણ તેમાં સામેલ છું અને કાર્તિક શાહ એ સંસ્થાના આધારભૂત સાથીદાર છે.
મેં કુલ ત્રણ નવલકથા લખી છે.
લાઈટહાઉસ, 64 સમરહિલ અને મેક્લિન એસ્ટેટ.
લાઈટહાઉસ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામે કેટલાંક અધૂરા છોડેલા સવાલોનો તાગ મેળવવાનો પ્રયાસ કરતી નવલકથા છે.
64 સમરહિલ પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચેનો સંપર્ક શોધવાના પ્રયાસની કથા છે.
મેક્લિન એસ્ટેટ એ અનોખી થ્રિલર નવલકથા છે, જેનો આરંભ સ્કોટલેન્ડ (ઈંગ્લેન્ડ)થી થાય છે અને સહ્યાદ્રી, પંચગની અને મહાબળેશ્વરની મનોરમ્ય ઘાટીઓમાં 200 વર્ષ પહેલાં બનેલી એક રોચક સત્યઘટના સાથે તેનો તાર જોડાયેલો છે.
એ ઉપરાંત વિસ્મય શ્રેણીના બે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. વિસ્મય એ લેખક તરીકેની મારી ઓળખ ઊભી કરનારી પ્રથમ શ્રેણી હતી, જે મેં દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં અને પછી સંદેશની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં સળંગ 200 અઠવાડિયા સુધી લખી હતી. ઈતિહાસે છોડેલી 'જો અને તો'ની ખાલી જગ્યા ફંફોસવાના રોમાંચની એ કથાઓ વાચકોને એટલી બધી ગમી છે કે પંદર વર્ષ પછી પણ વાચકો એ ભૂલ્યા નથી. એ શ્રેણીના 3 ભાગ હજુ હવે પ્રસિદ્ધ થશે.
આ દરેક ઉપરાંત કવિ રમેશ પારેખની કવિતાઓનો આસ્વાદ કરાવતી પુસ્તિકા નામે રમેશાયણ પણ મેં લખી છે.

પ્રશ્ન 4) તમારી કઈ બૂક હાર્ડકોપી માં અવેલેબલ છે?

ઉપર જણાવેલ દરેક પુસ્તક હાર્ડકોપીમાં સાર્થક પ્રકાશન (www.saarthakprakashan.com) પર પ્રાપ્ય છે. હોમ ડિલિવરી માટે કાર્તિક શાહ 9825290796નો સંપર્ક પણ કરી શકો છો.

64 સમરહિલ વિશે

64 સમરહિલ એ મારી પ્રસિદ્ધ થયેલી બીજી નવલકથા છે, જે ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં ધારાવાહિક તરીકે પબ્લિશ થઈ હતી. દેશ-વિદેશના લાખો વાંચકોને એ બહુ જ ગમી છે. તેનું સીધું પ્રમાણ એ છે કે હાર્ડકોપીના ભારે આવકાર પછી માતૃભારતી પર પણ તેને 6.5 લાખથી વધુ વાચકો મળ્યા છે અને સતત તેમાં વધારો થઈ રહ્યો છે.

પ્રશ્ન 5)ઘણા લોકો ને તમારી નોવેલ વાંચવાનું સ્ટાર્ટ કરવું છે પણ ટાઇટલ નથી સમજાતું તો તમે જ જણાવો કે 64 સમરહિલ નો મતલબ શુ છે?

ફક્ત ટાઈટલ વાંચીને, નવલકથા વાંચ્યા વગર જ સમજાઈ જાય એવી દુનિયામાં એકેય નવલકથા હોય તો મને બતાવો.
દર્શક લિખિત ઝેર તો પીધાં છે જાણી જાણી નવલકથામાં ક્યાંય ઝેરનો પ્યાલો નથી.
બક્ષીની નવલકથા લીલી નસોમાં પાનખર ટાઈટલ પરથી જંગલખાતાનો કોઈ અહેવાલ હોય એવું લાગે.
હકિકતમાં નવલકથા એ બૃહદ્ ફલક પર પથરાયેલો સાહિત્ય પ્રકાર છે. શીર્ષક યાને ટાઈટલ યાને નવલકથાનું નામ લેખક સમગ્ર કથાના સાર તરીકે રજૂ કરતાં હોય છે. તેમાં પણ દરેક લેખક પોતપોતાની પસંદગી મુજબની સ્ટાઈલ અપનાવતાં હોય.
હરકિસન મહેતા પરસ્પર વિરોધાભાસી શબ્દોની જોડી નવલકથાના ટાઈટલ તરીકે પસંદ કરતાં હતા. જેમ કે મુક્તિ-બંધન, જડ-ચેતન વ.
અશ્વિની ભટ્ટ તેમની નવલકથાઓની નાયિકાના નામ પરથી ટાઈટલ રાખતાં હતા. જેમ કે આશકા માંડલ, લજ્જા સન્યાલ વ.
એ જ ક્રમમાં હું મારી નવલકથા સાથે સંકળાયેલ સ્થાન યાને એડ્રેસને શીર્ષક બનાવું છું. બીજા શબ્દોમાં કહું તો લાઈટહાઉસમાં સઘળું રહસ્ય લાઈટહાઉસ આસપાસ ફરે છે. એવું જ સમરહિલ અને મેક્લિન એસ્ટેટમાં પણ છે.
પણ એ સઘળું પામવા માટે નવલકથા વાંચવી પડે. લાખ-દોઢ લાખ શબ્દોમાં પથરાયેલી નવલકથા બે ચાર શબ્દોના ટાઈટલમાં જ વાંચી લેવી હોય તો બહેતર છે કે એ લોકો નવલકથા ન વાંચે.

પ્રશ્ન 6)64 સમરહિલ લખવામાં તમારે કેટલો સમય લાગેલો?

અગાઉ કહ્યું તેમ, આ ધારાવાહિક એટલે દર અઠવાડિયે પ્રકાશિત થયેલી નવલકથા છે અને હું પણ દર અઠવાડિયે એક હપ્તો પ્રસિદ્ધ થાય પછી બીજો હપ્તો લખતો હતો. એ નવલકથા લગભગ 65 અઠવાડિયા સુધી ચાલી હતી એટલે લખવામાં પણ એટલો જ સમય લાગ્યો છે. હું એડવાન્સમાં કશું જ લખતો નથી. છપાતું જાય એમ લખાતું જાય એ જ મને માફક આવતી પદ્ધતિ છે.

પ્રશ્ન 7) તમે તિબેટ ગયા છો? કારણકે 64 સમરહિલ માં તેનું ખૂબ સરસ વર્ણન છે?

હાર્દિક ઈચ્છા હોવા છતાં મંજૂરી ન મળવાના કારણે હું તિબેટ જઈ શક્યો નથી. અરુણાચલ પ્રદેશના તવાંગથી ય આગળ બોમ્ડી-લા સુધી હું ગયો છું. બ્રહ્મપુત્રના કાંઠે ય ઘણું ફર્યો છું. તિબેટના વર્ણન માટે મેં અનેક પુસ્તકો, ફોટોગ્રાફ્સ અને વીડિયોનો સહારો લીધો છે.

પ્રશ્ન 8) 64 સમરહિલમાં ચીનની મિલેટ્રી વિશે ખૂબ સરસ માહિતી છે તો એમની માનસિકતા વિષે કઈ રીતે લખ્યું?

હું નવલકથાકાર હોવાની સમાંતરે મેઈનસ્ટ્રિમ મીડિયામાં કામ કરતો પત્રકાર પણ છું. એટલે રોજબરોજની ઘટનાઓ સાથે મારે જીવંત પનારો હોય છે. ચીનની રાજનીતિ, કૂટનીતિ વિશે મેં અસંખ્ય વખત લખ્યું છે માટે તેના સૈન્ય વિશેનો અભ્યાસ પણ છે.

પ્રશ્ન 9) 64 સમરહિલ સત્ય ઘટના છે કે પછી તમારા મનની કલ્પના પર લખાયેલી છે?

માત્ર સમરહિલ જ નહિ, મારી દરેક નવલકથાનો પાયો સત્યઘટના કે ઐતિહાસિક ઘટનાઓનો આધાર ધરાવે છે. દરેક નવલકથામાં અને તેની પ્રસ્તાવનામાં એ વિશે મેં વિગતે ઉલ્લેખ પણ કર્યા છે.

પ્રશ્ન 10) 64 સમરહિલ તમે જે બૌદ્ધ લામાનું વર્ણન કર્યું તો શું ખરેખર તેઓ એવી કોઈ શક્તિ ધરાવે છે?

બૌદ્ધ લામાઓ વિશે અનેક પુસ્તકો લખાયા છે અને તેઓ ચમત્કારિક શક્તિઓ ધરાવતા હોવાના ઉલ્લેખો પણ ઘણે ઠેકાણે જોવા મળે છે. મેં પોતે એવો કોઈ અનુભવ કર્યો નથી.

પ્રશ્ન 11) તમારી આવનારી નોવેલ વિષે થોડી માહિતી આપો

અત્યારે અલગ અલગ ત્રણેક પ્લોટ મનમાં ઘૂમરાય છે, પણ યોગ્ય પ્લેટફોર્મના અભાવે હજુ એમાં ગંભીરતાપૂર્વક કશું વિચાર્યું નથી. પરંતુ એટલી ખાતરી જરૂર આપું કે એ મારી અગાઉની ત્રણેય નવલકથાની માફક દિલધડક રોલર કોસ્ટર રાઈડ જેવી જ અનુભૂતિ આપશે અને ત્રણેય નવલકથાઓનો પ્લોટ, માવજત જેમ એકમેકથી અલગ પડે છે એમ ચોથી નવલકથા પણ તદ્દન અલગ વિષયને સ્પર્શતી હશે. એક વાર નીવડી ગયેલી ફોર્મ્યુલા હું બીજી વાર કદી નથી વાપરતો.

નવોદિત લેખકો માટે

પ્રશ્ન 12) કોઈ પણ નોવેલ લખતી વખતે સ્થળ નું વર્ણન કરવામાં શુ ધ્યાન રાખવું જોઈએ?

વર્ણનો માટે અભ્યાસ બહુ જ આવશ્યક છે. હું એક સ્થળ વિશે લખવા ધારું તો પહેલાં એ સ્થળની ભૂગોળ, ઈતિહાસ તો ઠીક સ્થાનિક લોકોના પહેરવેશ, ખોરાક, માનસિકતા વ. વિશે પણ બહુ જ બારીક નોંધ મેળવતો હોઉં છું. વાચકને સીધી રીતે તેમાં કશો ફરક નથી પડતો, પરંતુ સમગ્રતયા તે સ્થળનો હિસ્સો બનતો જાય એ બહુ જ જરૂરી છે અને એ માટે ડિટેઈલિંગ અનિવાર્ય છે એવી મારી સમજ છે.

પ્રશ્ન 13) કોઈ પણ નોવેલ લખવામાં પાત્રના નામ કઈ રીતે રાખવા જોઈએ

પાત્રોના નામ અને અટકના લાઘવ (Phonetics) નો હું બહુ ખ્યાલ રાખું છું. જેથી વારંવાર વાંચીને એ નામ પાત્રના મનોવિશ્વનો હિસ્સો બની જાય. આમ છતાં ત્રણ નવલકથાના અનુભવે હવે મને સમજાયું છે કે મુખ્ય બાબત પાત્રાંકન છે. જો પાત્રાંકન લેખક આબાદ કરી શકે તો પાત્રનું નામ ગૌણ બની જાય છે.

પ્રશ્ન 14) કોઈ નોવેલ લખવામાં સંદર્ભ માટે શેનો ઉપયોગ કરવો?

વિષયની જરૂરિયાત મુજબ સંદર્ભો મેળવવા અનિવાર્ય છે. લાઈટહાઉસ વખતે મેં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે અઢળક સંદર્ભો તારવ્યા હતા. સમરહિલ અને મેક્લિન એસ્ટેટમાં તો પુસ્તકના અંતે મેં બિબ્લિયોગ્રાફી આપી છે, જેમાં મેં આધાર તરીકે લીધેલ પુસ્તકોનો ઉલ્લેખ છે.

પ્રશ્ન 15) કોઇ નવોદિત લેખક લખવાનું શરૂ કરવાનું વિચારે છે તો તે કેવી રીતે કરી શકે?

બસ, વિચારવાનું બંધ કરીને લખવાનું શરૂ કરે એ જ ખરી શરૂઆત. નવી પેઢીનો લેખક કોઈ છાપા કે મેગેઝિનનો મોહતાજ નથી. સોશિયલ મીડિયાથી માંડીને બ્લોગ સહિતના પ્લેટફોર્મ હવે ઉપલબ્ધ છે. એટલે કોઈની લાચારી કે મોહતાજી રાખવાની જરૂર વગર લખવા માંડો. હા, એટલું જરુર કહીશ કે એક લીટી લખો એ પહેલાં એક હજાર લીટી વાંચો. એક પાનું લખો એ પહેલાં એક હજાર પાના વાંચો. એક પુસ્તક લખો એ પહેલાં એક હજાર પુસ્તક વાંચો. વાંચ્યા વગર લખશો તો તેમાં કશો દમ નહિ હોય એની ખાતરી રાખજો.

પ્રશ્ન 17) કોઈ વાચક ને તમારી બુક 64 સમરહિલ ખરીદવી છે તો તે ક્યાં ઉપલબ્ધ છે?

સાર્થક પ્રકાશન (www.saarthakprakashan.com) પર પ્રાપ્ય છે. હોમ ડિલિવરી માટે કાર્તિક શાહ 9825290796નો સંપર્ક પણ કરી શકો છો.

વાચક મિત્રો મેં અહીં લગભગ તમામ પ્રશ્નો પૂછી લીધા છે અને તેનો ધૈવત સરે પોતાનો અતિકિંમતી સમય કાઢીને ખૂબ ચીવટથી જવાબ આપ્યા છે.તેમ છતાં જો કોઈ પ્રશ્ન તમારા મસ્તીસ્કમાં હોય તો મને 7434039539 પર જણાવો જો યોગ્ય માત્રા માં અને યોગ્ય પ્રશ્નો આવશે તો આનો પાર્ટ 2 પણ બનાવશું. અને ધૈવત સર ની 64 સમરહિલ હજી ન વાંચી હોય તો રાહ શેની જોવો છો આટલું કિંમતી સાહિત્ય તમારે મિસ ન કરવું જોઈએ

આભાર.