દંદ્વ પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દંદ્વ

(દંદ્વ - મનનુ, હૃદયનું અને હાલ બે એવા જીવોનું જે કદાચ એકબીજાની ભાષા બોલી શકતા નથી. વર્ષો પહેલા કોઈક જગ્યાએ વાંચેલ 3 લાઇન હતી જેની પરથી હું મારા મનની અતરંગી કલ્પના રજૂ કરું છું. બે વ્યક્તિ વચ્ચે વાતચીત કરવી કદાચ શક્ય છે જ્યારે એમની વચ્ચે અબોલા હોય તોપણ. પણ એક માણસ અને જાનવર વચ્ચે..........)

ગાઢ જંગલમાં એક ચીસ સંભળાઈ. ત્યાં તરફ નજર કરતા એક 25-27 વર્ષની સ્ત્રી અને એની પાછળ પાંચ વરૂઓ માણસના રૂપમાં પડ્યા હતા. એની ઈજ્જત લૂંટવાના ઇરાદાથી તેઓ એની પાછળ હતા. જાનવર પોતાની ભૂખ સંતોષવા માણસને મારે પણ આ વરુઓની હવસ ક્યાં સંતોશાવાની??? ગાઢ જંગલમાં ભાગતા-ભાગતાં આખરે એ સ્ત્રી એમની હાથે ચઢી ગઈ. એ લોકો કઈ પણ કરે એ પહેલાં એક પછી એક બધા ઢળી પડે છે.

સ્ત્રી આટલું ભાગી અને આટલું ઘવાયેલી હોઈ સમજી શકતી નથી પણ ખ્યાલ આવે છે કે એની ઈજ્જત બચી ગઈ છે. પણ કઈ રીતે? સામે જુએ તો ત્યાં વાઘ ઉભો છે. એ વાઘે આ પાંચેયને પોતાના પંજાથી મારી નાખે છે. એ સ્ત્રી પહેલા વરૂ અને હવે વાઘ જોઈ પોતાની સુધબુધ ખોઈ બેસે છે.

"હે મા, વરુઓથી બચાવી અને વાઘ સામે આવી ગયો. ઈજ્જત બચી ગઈ પણ હવે જીવ નહિ બચે" ડરેલી એ સ્ત્રીની પાંચ ફૂટ દૂર વાઘ છે અને વચ્ચે વરુઓના નિષ્પ્રાણ શરીર. એની આંખો અને વાઘની આંખો એકમેક સાથે મળે છે

"હે માં તું તો જગતજનની છે, જીવનદાયી છે. મે શુ પાપ કર્યા હતા કે હું આ પરિસ્થિતિમાં આવી પહોંચી" મનમાં ચાલતું દંદ્વ એને ઉભા થતા રોકી રહ્યું હતું. થોડીવાર પહેલા જંગલમાં ગુંજતી એની ચીસો અને હાલ એ ચીસોના સ્થાને વ્યાપેલો ભય. ચહેરા પર પરસેવાની બુંદો, અસ્તવ્યસ્ત થયેલા કપડાં, ઢીલા થઈ ગયેલા પગ બધું જ એને રોકી રહ્યું હતું. ભાગી જવું હતું પણ મોતથી કેટલે દૂર ભાગી શકાય? જ્યારે ચીસો પાડતી હતી ત્યારે કોઈએ મદદ ન કરી તો હાલ આવા ગાઢ જંગલમાં એનું મૌન સાંભળી કોણ એની મદદ કરવા આવશે??

વાઘની આંખો, એની ત્રાડ, એનું એ ધીમે પગલે નજીક આવવું આ બધું જોઈ જોરજોરથી બુમ પાડવી હતી, પણ મોમાંથી અવાજ નીકળે તો ને!

એ વરુઓના નિષ્પ્રાણ શરીર જોતા, " જગદંબે આ વરૂઓને એમની સજા મળી ગઈ, પણ મને કેમ સજા આપે છે? મારા માતા, ભાઈ અને બહેનનું હવે કોણ? મને સજા મળશે તો એમની પણ જિંદગી ખરાબ થઈ જશે. જો આ વરૂઓ પાછળ ન પડ્યા હોત તો કદાચ હું આટલે આવત જ નહીં. અને આ વાઘ....."

ડગલે ને પગલે આગળ આવી રહેલા વાઘની સામે એ સ્ત્રી પોતાને વધુ કમજોર સમજી રહી હતી. એને પોતાનો અંત નજીક દેખાયો. એક જ પળમાં વરૂઓ માટેની ઘૃણા અને પરિવાર માટેની ચિંતા એની આંખોમાં ઉતરી આવી, "એક છેલ્લી વાર બસ મારા પરિવારને યાદ કરી લઉં, જગદંબે મારો જીવ લઈ શકે છે તું, માતા છે તું, બસ મારા પરિવારને સક્ષમ બનાવજે" અને વાઘની વધુ નજીક આવતા એણે પોતાની આંખો બંધ કરી લીધી. મોત સામે હોય ત્યારે માણસ ભયને લીધે શ્વાસ લેવાનું પણ ભૂલી જાય છે અને અહીં સામે એનું ક્રુરતાભર્યું મોત ઉભું હતું.

વાઘ નજીક આવી એને સુંઘે છે, એના શ્વાસની ગતિ સુદ્ધા મંદ પડી જય છે. બસ અંત એ વિચારતા એણે પોતાનો શ્વાસ રોકી સ્થિતિ અનુસાર વાઘના પંજાથી ચિરાવાની રાહ જોઈ રહી. માથા પરથી એક પરસેવાનું ટીપું સરકી ગયું.
"એક ઝાટકો અને મારો અંત"
પણ ઘણા સમય સુધી રાહ જોયા છતાં જ્યારે એને શ્વાસ છોડ્યો અને સાથે આંખો ખોલી તો એને સૂંઘી રહેલો વાઘ એનાથી 10 ફૂટ દૂર જઈ બેઠલો જોયો. એ અબોલ જાનવર એક સ્ત્રીની આંખોમાં રહેલો ભય સમજી ચૂક્યું હતું. જગદંબાનું એ વાહન એક સ્ત્રીને વરૂઓ પીંખે એ ન જોઈ શકતા એની મદદે આવી પહોંચ્યું હતું. ભલે અબોલ હોય પણ આંખો વાંચી એણે પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હતો. એ સ્ત્રીની સાથે ત્યાં સુધી એ બેસી રહ્યો જ્યાં સુધી ફોરેસ્ટ ટિમ ન આવી. એમના આવતા જ એ ત્યાંથી સરકી ગયો.

એક દીકરીની લાજ બચાવવા આજ માએ જાતે પોતાનું વાહન મોકલ્યું. એને સામાજિક વરૂથી બચાવવા એણે પોતાનો વાઘ મોકલ્યો.

ન કોઈ સંવાદ, ન કોઈ રહેમની અરજ, ન કોઈ આભરવિધિ એ કોઈ પણ વગર આ ઘટના ઉદભવી અને નોંધ લેવડાવ્યા વગર શમી ગઈ.