અડધી રાતે ટ્રેનમાં
સ્થળ - પુના જંકશન, સમય - રાત્રે 2:30
પુના રેલવે સ્ટેશનના આગળના ગેટ પર એક ઓલા ની કેબ આવી ઉભી રહે છે અને એમાં ફટાફટ પૈસા આપી અને બાકીના પૈસા લઈ 4 સ્ત્રીઓ જેકેટ પહેરેલી અને દુપટ્ટો ઢાંકેલી અંદર જંકશનમાં દાખલ થાય છે. ટ્રેઈનના સમયનું જે બોર્ડ લગાવેલું હોય છે એની પર પોતાનો ટ્રેઈનનો સમય અને પ્લેટફોર્મ જુએ છે.
એમાંથી એક 25 વર્ષની સ્ત્રી બોલી " અરે આમાં તો પ્લેટફોર્મ નંબર 5 બોલે છે અને ટ્રેઈન આવીને ઉપડવાની તૈયારી કરે છે"
એમાંથી એક આધેડ સ્ત્રી બોલી "અરે નેહા, તો આમ ઉભી શુ રહી છે ચાલ દોડીએ પ્લેટફોર્મ પર નહિતર આપણી ટ્રેઈન મિસ થઈ જશે"
નેહા બોલી " માસી હું, કીર્તિ અને શિવાની તો ભાગી શકશું પણ તમે કેવી રીતે ભાગશો?"
"આ રીતે!" એ આધેડ સ્ત્રી બોલીને સૌથી પહેલા પ્લેટફોર્મની સીડીઓ પર ભાગવા લાગી. અને ત્યાં ઉભેલી નેહા, કીર્તિ અને શિવાનીને કુતુહલ થયું કે આટલી ઉંમરમાં પણ એમનામાં એટલો જોશ...
જે સ્ત્રી ઉપર ભાગી એ શિવાનીની સાસુ હતી, કીર્તિની કાકી અને નેહાની માસી થતી હતી. ત્રણે જણ અહીં શિવાનીના ઘરે પુના ફરવા આવ્યા હતા અને ત્યારબાદ પુનાથી શિરડી જવાનો પ્લાન હતો. શિવાનીએ ટ્રેઈનની ટિકિટ બુક તો કરી પણ તત્કાળમાં એને અડધી રાતની પુને-શિરડી એક્સપ્રેસ મળી. રાત્રે સ્ટેશન જવું અને એ પણ કોઈ પુરુષ વગર આવી યાત્રા કરવી એ આમ તો નવાઈ જેવું હતું. પણ આ ચારે પુરુષોથી ઓછી ન હતી અને એ જ એમને અહીં પણ બતાવ્યું.
માસીને ઉપર સીડીઓ ચઢતા જોઈ નેહા પણ પાછળ ભાગી અને શિવાની અને કીર્તિ પણ, સ્ટેશન પર 2:25 એ હલ્લો બોલાવી દીઘી ચારે જણાએ. એટલો અવાજ અને ખટાખટ કરતા એમના બુટનો અવાજ. યાત્રિકો ઓછા હતા પણ જેટલા હતા એ બધા એમની તરફ જ જોઈ રહ્યા હતા. અને એ ચાર પોતાની ધૂનમાં સીડીઓ ચઢ્યા ને ભાગીને સીડી ઉતરી પોતાનો ડબ્બો શોધવા લાગ્યા. ડબ્બો મળ્યો ને ચારે પાછા અવાજ કરતા અને બુટનો અવાજ કરતા ટ્રેનમાં બેઠા. લગભગ ડબ્બાના બધા જ પેસેન્જરોને જગાડી એમને પોતાની જગ્યા હાથ લાગી.
એકે તો કહી પણ દીધું, "આ ગુજરાતી બૈરાં વગર અવાજે કોઈ કામ નથી કરી શકતા રાતનો પણ ખ્યાલ નથી રાખી શકતા."
પણ આ ચારને એ વાતનો કોઈ ફરક જ ન પડ્યો અને પોતાની વાતમાં જ મશગુલ રહ્યા. ખબર નહીં એવી તો કેવી દેશ ચલાવવા જેવી મોટી વાતો કરવાની હતી કે ચૂપ જ નતા રહી શકતા.
2:30 ની ટ્રેન 2:45 એ ઉપડી ભારતીય સમયપત્રક અનુસાર. અને આ બધાએ જે ટ્રેન પકડવા આટલી ઉર્જા વાપરી એનો સદુપયોગ ટ્રેન પકડવાની બદલે પેસેન્જરોને જગાડવા માટે થયો.
ટ્રેન તો ઉપડી પણ ત્રણ જણાની વાતો જ બંધ ન થાય. ક્યારેક દેશ-વિદેશની વાતો તો ક્યારેક પાડોશીની વાત, ક્યારેક ટ્રેનની તો ક્યારેક પ્લેનની વાત. એમને ઊંઘ ન આવતી એમાં આજુબાજુ બધાને જગાડી રાખ્યા હતા.
હવે એક બહાદુર માણસથી સહન ન થતા એને આ ચાર જણની આટલી જરૂરી વાતમાં ટોકયા, બસ પછી તો શું? ગુજરાતી ધમકી અનુસાર વગર સાબુ અને પાણીએ એની જે ધોલાઈ કરી પોતાના શબ્દોથી. "તારું મોઢુ છે? તારી ટ્રેન છે? કે તારી સીટ છે? અમે અમારી સીટ પર વાતો કરીએ છીએ સાંભળવી હોય તો સાંભળ નહીંતર ઊંધો ફરીને સુઈ જા. એક તો ઊંઘ નથી આવતી ને તારા જેવા અમારા જેવી સ્ત્રીઓને હેરાન કરે."
જે બોલ્યો હતો એ માણસ તો આજીજી કરતો ઊંધો ફરીને સુઈ ગયો પણ બીજા કોઈની હિંમત ન થઈ આ ચારેયને ટોકવાની. આ બધા પછી ઘણી બધી વાતો કરી અને થોડો આરામ કર્યો ને પાછું જાગી ગયા. હજી ડબ્બામાં બધા સુતા પણ આ ચારેયને ઊંઘ જ ન આવે. આવે પણ કઈ રીતે હજી સુધી બધાની ઊંઘ જે હરામ કરવાની હતી ને.
સવારના 4 કે 5 ની આસપાસ ઉઠ્યાને પાછા અવાજ કરવા લાગ્યા ચારે જણ. પહેલા તો સ્ટેશન પર ચાની બૂમ પડતી હતી અને આ ગ્રુપના મેઈન લીડર એવા 50 વટાવી ગયેલા સુનંદાબેન ઉભા થયા અને સ્ટેશન પર ચા લેવા ગયા. ત્યાં ચાવાળો પહેલાની બનેલી ચા આપતો હતો. તો એને પણ ધમકાવી દીધો. તારે પૈસા પુરા લેવા છે કે નહીં આટલી જૂની ચા આપવાની? બસ તું આવું જ કરી બધાને બીમાર કર. મારા માટે 4 કપ નવી ચા બનાવ નહિતર તારી કંમ્પ્લેઇન કરી દઈશ રેલવે ખાતામાં. ચા વાળો પણ આ બાઈની આટલી ધમકીથી ડરી નવી ચા બનાવવા લાગ્યો.
ચા લઇ વિજયઘોષ કરતા સુનંદાબેન ઉપર આવ્યા એમનો લુક કોઈ લેડી ડોનથી કમ ન હતો, અને આવીને છોકરીઓને જગાડી. ચા જોઈને ચારે ને થેપલા યાદ આવ્યાં. દરેક ગુજરાતીની યાત્રાનો સહારો, એક સુખ-દુઃખનો સાથી અને બહારના આડા-અવળા ખોરાક અને ખર્ચથી બચાવનાર થેપલા. ભરપેટ ચા અને થેપલાનો નાસ્તો કર્યો અને હજી બધાની ઊંઘ હરામ કરવાની અને પેસેન્જરોને પરેશાન કરવાના બાકી હોય એમ ચારે જણા અંતાક્ષરી રમવા લાગ્યા.
સૌથી પહેલા શરૂઆત 'શિરડીવાલે સાંઇબાબા'થી થઈ. અને બધાને વહેલી પરોઢે ભગવાનના દર્શન શિરડી પહોંચ્યા પહેલા જ ટ્રેનમાં કરાવી દીધી. પછી તો ફિલ્મી ગીતો, ભજન, પિક્ચરના ડાયલોગ, અમદાવાદના એફ.એમમાં ટ્રેન્ડ કરતા જીગા-બકાના ડાયલોગ બધું જ આજુબાજુના પસેન્જરોને અહીં આ સફર (હિન્દી અને ઈંગ્લીશ બંનેનો) માં સંભળાવી દીધા.
આજુબાજુવાળામાં કોઈ પુના તો કોઈ આસપાસના ગામના હતા પણ ગુજરાતી ભાષાના જાણે આ સફરમા જાણકાર બની ગયો. 4 કલાકની અંતક્ષરીમાં ઘરનો નાસ્તો, બહારનો નાસ્તો, 2 લીટર પાણી, અને 3 વારની ચાનો કાર્યક્રમ પૂરો કર્યો. અને આજુબાજુ બધાને લ્હાવો આપ્યો.
છેલ્લે આ સફર 9 વાગ્યે પૂરો થયો અને આ ચાર નીચે શિરડીની પવિત્ર ભૂમિમાં ઉતર્યા. આજુબાજુવાળા પણ ઉતર્યા. અને છેલ્લે આ ચારને પૂછ્યું, "તમારે ક્યારે પાછા પુના જવાના છો?"
"સાંજની 4 વાગ્યાની ટ્રેન છે" સુનંદાબેને કહ્યું.
"ઠીક છે તો અમે કાલે જ નિકળીશું" બધાએ એક પસેન્જરની આ વાત સાથે સહમતી દર્શાવી.
અને છેલ્લે એક જણ બોલતો ગયો, "મહેરબાની કરીને પોતાનો નિર્ણય ન બદલતા, આજે નીકળી જ જજો." એમ કહી એ ઝડપથી સ્ટેશન બહાર નીકળી ગયો.
આ ચાર એકબીજાના મો સામે જોવા લાગ્યા અને હસવા લાગ્યા છેવટે આ અડધી રાતની ટ્રેનની મુસાફરી આ ચાર માટે આનંદદાયક અને બીજા બધા માટે સફરિંગ પુરવાર થઈને પુરી થઈ.