સાહસની સફરે - 1 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

સાહસની સફરે - 1

સાહસની સફરે

યશવન્ત મહેતા

(કિશોર સાહસકથા, ૧૯૬૮)

બહેનીની ખાતર જીવલેણ જંગ ખેલતા વીરાની વાર્તા

આ એક અદ્દભુતરસની સાહસકથા છે. જહાજવટ, ચાંચિયા, બહારવટિયા, વણઝારા, ઠાકોરો, ગુપ્ત ભોંયરાં અને ઇલમી નજૂમીઓના જમાનાની આ કથા છે. એનાં મૂળિયાં અરેબિયન નાઇટ્સની અદ્દભુત કથાઓમાં પડેલાં છે અને એની રજૂઆત પ્રસન્ન પ્રસન્ન કરી મૂકે તેવી હળવી શૈલીએ કરવામાં આવી છે. અને એના દૃષ્ટિવંત લેખકે સાચી લોકશાહી તથા માનવીમાત્રની સમતાના ઉચ્ચ આદર્શો સુધ્ધાં એમાં વણી લીધાં છે.

વાર્તા એક ગુજરાતી શાહસોદાગરની પુત્રીના ચાંચિયાઓ દ્વારા અપહરણની અને એને છોડાવવા નીકળનાર એના ભાઈની છે. બહેનીને છોડાવવા માટે વહાલેરો વીરલો કેવાં કેવાં જીવસટોસટનાં સાહસો ખેડે છે, એની આ વાર્તા દરેક વાચક એકીબેઠકે પૂરી કરશે જ એની અમને ખાતરી છે.

‘સાહસની સફરે’ લેખક યશવન્ત મહેતાની પહેલી લાંબી કિશોર સાહસકથા છે. આજે તો આવી કોડીબંધ સાહસકથાઓ વડે ગુજરાતી બાળકિશોર સાહિત્યનાં ગિજુભાઈની હરોળનું સ્થાન પામેલા આ લેખક છે. વાચકો અહીં પ્રથમ પુષ્પના પમરાટનો પ્રસન્નકર અનુભવ પામશે.

*****

પ્રકરણ – ૧ : આફત

જન્મદિવસ.

શેઠ જયસેનની દીકરીનો જન્મદિવસ.

જન્મદિવસ કાંઈ રોજરોજ આવતા નથી. એમાંય પાછો રૂપાનો જન્મદિવસ; એટલે ખુશાલીનો તો પાર નહિ.

જયસેન મોટા શેઠ છે. ઘેર ધીકતો ધંધો ચાલે છે. જમીનરસ્તે વણથંભી વણઝારો વહે છે. દરિયારસ્તે વાયુવેગી વહાણો ચાલે છે. દેશ-પરદેશ સાથે વેપાર ચાલે છે. અઢળક ધનસંપત્તિ ઘેર આવે છે. દુનિયાભરનાં મોટાં બંદરોમાં જયસેન શેઠની ગોદીઓ છે. જગતભરનાં મોટાં શહેરોમાં જયસેન શેઠની પેઢીઓ છે.

એવા શેઠ જયસેન. એમની દીકરી રૂપા.

રૂપા એટલે રૂપા જ. રૂપરૂપનો અંબાર. ગુણનો ભંડાર. આંખમાંથી અમી ઝરે. પગલાં તો કંકુનાં પડે. એવી રૂપકડી રૂપા.

એનો જન્મદિવસ છે. રૂપા આજે સોળ વરસની થઈ છે. શેઠ જયસેનનો તો હરખ માતો નથી. હરકુંવર શેઠાણી તો દીકરીનાં ઓવારણાં લેતાં જ થાકતાં નથી અને વારેવારે શેઠને કહે છે કે, શેઠ ! હવે રૂપા ઉંમરલાયક થઈ હોં ! ભાઈ વીરસેનની છાતી ગજગજ ફૂલે છે. વારેવારે એ બહેની સામે જુએ છે અને મરકમરક હસી દે છે.

શેઠે રૂપાના જન્મદિવસની ભારે મોટી ઉજવણી કરી છે. એની બધી સખીઓને બોલાવી છે. ભાતભાતનાં ભોજન રંધાવ્યાં છે. જાતજાતની રમતો યોજી છે. સખીઓ તો આનંદમાં મગ્ન થઈને હરે છે, ફરે છે. ગીતો ગાય છે અને વાજાં વગાડે છે. ભૂખ લાગે ત્યારે ભાવતી વાનગી જમે છે અને તરસ લાગે ત્યારે ઈરાન અને અફઘાનિસ્તાનનાં ઠંડાં મીઠાં શરબત પીએ છે. રૂપાની સખીઓમાં વડી સખી સોના છે. રૂપાની જ ઉંમરની. રૂપા સરખી જ રૂપવંતી. એવી જ ગુણી, શાંત અને સ્નેહાળ.

સોના અને રૂપાનો અનોખો સ્નેહ છે. બેય સખીઓને એકબીજા વિના કદી ચાલતું નથી. હરવું, ફરવું, ખાવું, પીવું – બધી વાતમાં બેય સાથે જ હોય. સૌ એમનાં હેતનો દાખલો આપે. સૌ એમની તરફ આંગળી ચીંધીને કહે : ‘હેત હો તો આવાં હજો.’

એ રૂપા, સોના અને બીજી બહેનપણીઓ શેઠ જયસેનના બાગમાં રમે છે. વચ્ચેવચ્ચે ફળફળાદિ ખાઈ પણ લે છે.

એમ રમતાં-ગાતાં વખત ક્યારે વહી ગયો તે ખબરે ન પડી. દુઃખના દહાડા લાંબા હોય છે, પણ સુખમાં તો વખત ક્યાં ને ક્યારે વહી જાય છે, એય સમજાતું નથી.

વખત વહી ગયો. સાંજ થઈ. સૂરજનારાયણ પશ્ચિમ દિશામાં આથમવા લાગ્યા. આથમણી દિશા લાલ થઈ ગઈ. નગર આખું લાલ કેસરી રંગે રંગાઈ ગયું. છાપરાં-ઝાડ-પાન-રસ્તા, દીવાલો બધું કેસરિયા લાલ રંગમાં નહાવા લાગ્યું. જાણે આકાશમાંથી પીગળેલું સોનું વરસતું હોય અને એણે બધાં મકાનોને, છાપરાંને, વૃક્ષોને, રસ્તાને સોનાનો ઢોળ ચડાવી દીધો હોય ! ખૂબ રૂપાળી સંધ્યા ખીલી રહી.

ત્યારે સોનાએ કહ્યું, ‘સખી રૂપા ! જો તો ખરી ! સૂરજ આથમતાં ધરતી કેવી સુંદર બની ગઈ છે ! પણ મૂઆં ઝાડ આડાં આવીને કુદરતની પૂરી શોભા નીરખવા દેતાં નથી. ચાલ દરિયાની સહેલગાહે જઈએ. પાણી ઉપર તરીએ. ત્યાં તો આપણી અને આકાશની વચ્ચે કોઈનો અંતરાય જ ન આવે.’

બધી સખીઓ એ સાંભળીને તાળી પાડી ઊઠી. સૌને એ વિચાર ગમ્યો. આખા દિવસની દોડધામ પછી દરિયાની ઠંડી હવાની સહેલ કરવાનો વિચાર બધાને પસંદ પડ્યો.

રૂપાએ ભાઈ વીરસેનને બોલાવ્યો. વીરસેન લગભગ એની જ ઉંમરનો; એકાદ વરસ મોટો. એને રૂપા કહે, ‘વીરા ! અમને દરિયાઈ સહેલગાહે લઈ જાવ.’

વીરસેન કહે, ‘લઈ તો જઈએ. પણ એમાં એક જોખમ છે.’

રૂપા કહે, ‘જોખમ કેવું ?’

વીરસેન કહે, ‘જોખમ મોટું છે. જો આવી પડે તો ભારે થઈ જાય.’

રૂપા કહે, ‘અમે કોઈ જોખમથી ડરતાં નથી, હા. શેઠ જયસેનની દીકરીને વળી જોખમ શાં ? વળી, આપણે આપણી જ નૌકામાં જવું છે. આપણા જ માણસો નૌકા હંકારવાના છે. તમે અમારા વીર અમારી સાથે હશો. પછી જોખમ કેવું ?’

વીરસેન કહે, ‘આ નૌકાનું જોખમ નથી. બહારનું જોખમ છે.’

રૂપા કહે, ‘તે જોખમ ગમે તેવું હોય, પણ અમે એ જોખમ ખેડીશું.’

વીરસેન કહે, ‘પૂરો વિચાર કરી લો, બહેની ! આજે તમારો જન્મદિવસ છે એટલે તમારી બધી હઠ પૂરી કરવાની અમારી ફરજ છે. પરંતુ હઠ કરીનેય એવી કરવી જોઈએ, જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે.’

રૂપા કહે, ‘એ તો પડશે એવા દેવાશે.’

બહેનીના આગ્રહ સામે વીરસેનને ઝૂકવું પડ્યું. એણે બધી સખીઓને સાથે લીધી. સૌ ગયાં દરિયાકિનારે. ત્યાં શેઠ જયસેનનો પોતાનો વહાણવાડો. પોતાનાં વહાણ બંધાય. દિવસ-રાત કામ ચાલે. પોતાનો ધક્કો. ત્યાં પોતાનાં હોડકાં, નૌકાઓ બાંધેલાં. થોડે દૂર પોતાનાં મોટાં જહાજ નાંગરેલાં. નાની નૌકાઓમાં બેસીને મોટાં જહાજ સુધી પહોંચાય.

વીરસેને એક નૌકામાં સખીઓને બેસાડી. પોતે પણ સુકાન પાસે બેઠો. પછી નાવિકોને નૌકા હંકારવાનો હુકમ આપી દીધો. નૌકા ચાલી નીકળી.

રૂપાળો દેખાવ સર્જાયો હતો.આથમતા સૂરજનાં લાલચોળ કિરણોથી દરિયાનાં પાણી રંગાઈ ગયાં હતાં. ઊંચે આભમાં થોડાં થોડાં વાદળાં હતાં અને લાલ રંગે રંગાયેલાં ચિત્રો જેવાં દેખાતાં હતાં. કોઈક વાદળનો આકાર હાથી જેવો હતો. કોઈકનો રીંછ જેવો, તો કોઈકનો ઘોડા જેવો. સખીઓ જુદાં જુદાં વાદળના જુદા જુદા આકારોની કલ્પના કરીને ખુશ થવા લાગી.

વળી થોડી વારમાં રૂપા અને એની સખીઓ ખુશીમાં આવીને ગીતો ગાવા લાગી. સાગરનાં ગીતો, સૂરજનાં ગીતો, આભનાં ગીતો, ધરતીનાં ગીતો, બહેનીનાં ગીતો, વીરાનાં ગીતો.

પણ વીરસેન ચિંતામાં પડી ગયો છે. એ ગીતો ગાવામાં જોડાતો નથી. એની તો નજર દરિયાનાં પાણી પર ઘૂમે છે. દૂરદૂર ઘૂમે છે. જાણે એ કાંઈ શોધે છે.

અને થોડી વારમાં જ એ જે શોધતો હતો તે જડી ગયું !

...એ જ હતું જોખમ !

થોડા દિવસ પહેલાં એને સમાચાર મળેલા. સમાચાર ચિંતા ઉપજાવે તેવા હતા. દરિયાને આ કાંઠે ચાંચિયા ઊતરી આવ્યા હતા.

ચાંચિયા એટલે દરિયાના લૂંટારા. દરિયાઈ ડાકુ. એમના હાથમાંથી કોઈ જહાજ છટકે નહિ. એમનાં વહાણ ભારે ઝડપી. કોઈ પણ વહાણને એ પકડી પાડે. મુસાફરોના તેમજ વેપારી વહાણને પોતાના કબજામાં લઈ લે. લડવું પડે તો લડે. પછી ચડી આવે વહાણ પર. લૂંટવા જેવું લૂંટી લે. કેદ પકડવા જેવાને કેદ પકડી લે. બાકીનાને મારી નાખે. વહાણ પોતાને કબજે કરી લે. એ વહાણનો પછી એના માલિકને કદી પત્તો ન મળે. એ વહાણનાં મુસાફરોનાં સગાંવહાલાંને એમની કદી ભાળ ન મળે.

જે એમના હાથમાં કેદ પકડાય એમની તો ભૂંડી દશા થાય. ચાંચિયા એમને લઈ જાય દૂરદૂરના દેશમાં. ત્યાં ગુલામોનાં બજાર હોય. લોકો ખેતી કરવા બળદ વેચાતો લે તેમ મજૂરી કરવા માનવી વેચાતા લે. એવી રીતે વેચાયેલ માનવી ગુલામ કહેવાય. એને કેડીથીય હલકી દશામાં જીવવું પડે. સ્ત્રીઓ, પુરુષો, બાળકો બધાંય આમ ગુલામ તરીકે વેચાય. ચાંચિયાને તો એક જ રસ – ગુલામોના વધુમાં વધુ દામ ઉપજાવવા !

વીરસેન આ બધું જાણે છે, એટલે જ દરિયાઈ સહેલગાહે નીકળવાની એની મરજી નહોતી. એટલે જ એણે બહેનને કહેલું કે રહેવા દો, આજે દરિયે જવું નથી. જવામાં જોખમ છે. પણ બહેનીબા માન્યાં નહિ. એમના જન્મદિને જ એમને નારાજ કરતાં વીરાનો જીવ ચાલ્યો નહિ. એટલે એણે નૌકા હંકારાવી.

પણ આખો વખત ચિંતા. ક્યાંક ચાંચિયા આવી પહોંચે નહિ, એટલે આસપાસ નજર રાખે.

એટલામાં એક વહાણ દેખાયું. એની ઝડપ તીર-શી હતી. એના સઢ ફૂલેલા હતા અને એના મોરા પર ધજા લટકતી હતી. એમાં ચિત્ર હતું એક ખોપરી અને બે હાડકાંનું ! ચાંચિયાઓની એ ધજા. ચાંચિયાના વહાણને ઓળખવાની એ નિશાની. મોતથીયે ભૂંડા જોખમની એ નિશાની.

એ વહાણને જોતાં જ વીરસેનને ખાતરી થઈ ગઈ કે આપણે જે જોખમથી દૂર રહેવા માગતા હતા, એ જ આવી પડ્યું છે.

એણે જલદી જલદી સુકાનીને આજ્ઞા કરી, ‘નૌકા પાછી વાળો ! જલદી કિનારે પહોંચી જાવ !’

પછી બીજા નાવિકોને હુકમ કર્યો, ‘હલેસાં જોરથી મારો !’

રૂપાએ પૂછ્યું, ‘કેમ વીરા, પાછા ?’

વીરસેન કહે, ‘જુઓ.’

રૂપા કહે, ‘શું ? ક્યાં ?’

વીરસેન કહે, ‘તમારી જમણી બાજુ. જે જોખમની અમે વાત કરતા હતા એ આવી લાગ્યું.’

રૂપા કહે, ‘આ તો કોઈનું વહાણ છે.’

વીરસેન કહે, ‘એ ચાંચિયાઓનું વહાણ છે.’

રૂપા કહે, ‘હેં ? તો તો ચાલો જલદી પાછાં.’

બધાં ચૂપ થઈ ગયાં. ગીત બંધ પડી ગયાં. હાસ્ય વિલાઈ ગયાં. સૌ એકીટશે પેલા ધસી આવતા વહાણને જોઈ રહ્યાં. સૌને આશા છે કે આપણે આગળ છીએ. આપણે કિનારાથી નજીક છીએ. હમણાં કાંઠે પહોંચી જઈશું. ત્યાં આપણાં માણસો છે. લડાઈ કરવી પડશે તો લડાઈ પણ કરશે.

પણ એ બધાંની આશા ખોટી હતી. ચાંચિયાઓનું વહાણ શકરા બાજ જેવું હતું. એમની નૌકા કબૂતર જેવી હતી. કબૂતર શકરાને ગમે તેટલે દૂરથી જુએ, ગમે તેટલી ઝડપથી નાસે, પણ શકરો એને પકડી જ પાડે છે.

હજુ કિનારો તો ઘણો દૂર હતો ત્યાં જ ચાંચિયાઓનું વહાણ એમની નૌકાના માર્ગમાં આવીને થંભી ગયું. ચાંચિયા બધાં હથિયાર સજીને ઊભા થઈ ગયા.

વીરસેનની નૌકાને ઊભી રહેવા સિવાય બીજો કોઈ માર્ગ જ ન રહ્યો. એ આગળ વધવા જાય તો ચાંચિયાઓના જહાજ સાથે અથડાઈ પડે. ઊભા રહીને લડે તો કદાચ થોડી વાર લડાઈ કરતાં કિનારાની મદદ મળે. કિનારે ઊભેલા જયસેન શેઠના માણસો ધસી આવે. નૌકાના પ્રવાસીઓને ચાંચિયાના પંજામાંથી છોડાવે.

પણ વીરસેનની એ આશા વ્યર્થ ગઈ. કેમકે નૌકા જેમ લૂંટારુ જહાજ તરફ આગળ વધતી ગઈ તેમ રૂપાની સખીઓની બીક વધતી ગઈ. એ બધી પાછી પડતી ચાલી અને જ્યારે નૌકા જહાજની સાવ નજીક પહોંચી ત્યારે એ બધી ગભરુ બાળાઓ નૌકાના પાછલા ભાગમાં એવી તો ધસી ગઈ કે નૌકા ઉથલી પડી અને ડૂબી ગઈ. નૌકાનાં બધાં પ્રવાસીઓ પાણીમાં ગબડી પડ્યાં.

સાગરકિનારે રહેતાં હોય તેને તરતાં તો આવડે જ એટલે વીરસેનને એની તો ચિંતા નહોતી. ચાંચિયા નીચા નમીને કોઈ તરતી બાળાને ઉપર ખેંચી ન લે એ જ જોવાનું હતું. એટલે એણે તરતાં-તરતાં બૂમો પાડવા માંડી. ‘કોઈ ચાંચિયા-જહાજ ભણી ન જશો. દૂર તરતાં રહો; ટેકો લેવા સુધ્ધાં એ જહાજ ભણી જશો નહિ. એની નજીક જવામાં જોખમ છે. ચાંચિયાઓના જહાજથી દૂર તરીને કિનારા તરફ આગળ વધો !’

એટલામાં જ દૂર કિનારા તરફ ગોકીરો થયો. કાંઠે ઊભેલા લોકોએ ચાંચિયાઓના જહાજને આવતું જોયું હતું. વીરસેનની નૌકાને પણ ડૂબતી જોઈ હતી. એટલે ડાહ્યા માણસો સાચી હકીકત પામી ગયા હતા એમણે ઘણી નૌકાઓમાં બેસીને મદદ કરવા દોટ દીધી હતી. એમનો એ ગોકીરો હતો.

વીરસેનનું ધ્યાન એ તરફ ગયું. ચાંચિયાઓએ પણ ઘણા માનવી આવતા દીઠા. એટલે નાહકની લડાઈ વહોરવાને બદલે પોબારા ગણવામાં જ મઝા છે, માની એમણે પોતાનું જહાજ વાળ્યું. એનાં હલેસાં ઝડપથી ફરવા લાગ્યાં. એના સુકાનની દિશા ફરી અને થોડી વારમાં તો એણે ફરી પાછી જબ્બર ઝડપ પકડી લીધી. આંખના પલકારામાં તો એ જહાજ અદૃશ્ય પણ થઈ ગયું. થોડીક નૌકાઓએ એની પાછળ જવા પ્રયાસ કર્યો પણ પછી તરત એ નૌકાઓના નાવિકો સમજી ગયા. ગરુડની ઝડપે નાસતા એ લૂંટારુ જહાજ પાછળ આ નાનકડી નૌકાઓ લઈને જવાનો કશો અર્થ નહોતો. એટલે બધી નૌકાઓ વીરસેનની નૌકામાંથી ગબડેલાંઓને બચાવવામાં પડી ગઈ.

થોડી વારે બધાંને લઈને નૌકાઓ કાંઠે પહોંચી. સૌ એકબીજાને મળ્યાં.

પણ ત્યારે જ ખબર પડી કે નૌકાના પ્રવાસીઓમાં બે જણ ખૂટે છે.

- અને એ બે જણ રૂપા અને સોના ! વીરસેને પોતાની નૌકાના નાવિકોને એકઠા કર્યા. પૂછવા માંડ્યું, ‘તમે રૂપા કે સોનાને જોઈ હતી ?’

બધાએ માથાં ધુણાવ્યાં. સૌ પોતપોતાની જિંદગી બચાવવાની ધૂનમાં હતા. ચાંચિયા પોતાને ખેંચી ન જાય, એનું ધ્યાન રાખવામાં રોકાયેલા હતા. બીજાનું શું થાય છે, એ જોવાની એમની સ્થિતિ નહોતી. રૂપા-સોનાનું શું થયું, એની કોઈને ખબર નહોતી.

વીરસેન બધાને એક પછી એક સવાલો પૂછતો હતો. ત્યારે જ ટોળામાંથી એક માણસ છૂટો પડ્યો અને ઝડપથી દૂર જવા લાગ્યો. પણ વીરસેનની ચકોર આંખોએ એને જોઈ લીધો.

પેલા માણસના પહેરવેશ પરથી એ આ દેશનો લાગતો નહોતો. એટલે વીરસેનને એના પર ખાસ વહેમ ગયો. એણે પોતાના નાવિકોને એ માણસની પાછળ દોડાવ્યા.

નાવિકો પેલા પરદેશીને પકડી લાવ્યા. વીરસેનની પાસે આવતાં જ એ એના પગે પડી ગયો. પોતાને છોડી દેવા વિનંતી કરવા લાગ્યો.

વીરસેને પૂછ્યું, ‘તું કોણ છે ?’

પરદેશી કહે, ‘હું પેલા ચાંચિયાઓના વહાણમાં હતો. પરદેશી છું.’

વીરસેન કહે, ‘ચાંચિયાઓના જહાજમાં તું ક્યાંથી આવ્યો ?’

પરદેશી કહે, ‘એ લોકોએ મને ગુલામ તરીકે પકડ્યો હતો. મને વેચી નાખવાના હતા. પણ થોડા વધુ ગુલામ પકડવા એ લોકો આ કાંઠે આવ્યા. તમારી નૌકામાં નાની, રૂપાળી બાળાઓને જોઈ અને ‘આમના દામ ઘણા ઉપજશે’ એમ માની તેમને પકડવા આવ્યા. તમારી નૌકા ડૂબી અને તમે બધાં ચાંચિયા-જહાજથી દૂર તરવા લાગ્યાં, એટલે એમનો દાવ ખાલી ગયો. એ વખતે ચાંચિયા-જહાજ પર પણ ભારે ગરબડ મચી ગઈ હતી. એ ગરબડનો લાભ ઉઠાવી હું દરિયામાં કૂદી પડ્યો. આમ તો દરિયે પડવાની મારી હિંમત ન ચાલત. પણ તમને બચાવવા આવતી હોડીઓને મેં જોઈ અને એ હોડીઓ મને પણ ઉગારી લેશે, એમ માની હું કૂદ્યો અને બચી ગયો.’

આટલું કહીને પરદેશી ચૂપ થઈ ગયો.

વીરસેન કહે, ‘તમે પૂરી વાત કરી નથી. અમને આખી વાત કહો. તમે જે જાણતા હો તે બધું કહો.’

પરદેશી કહે, ‘અમે બધી કરવા જેવી વાત કરી છે. ડાહ્યા માણસ ન કરવા જેવી વાત કરતા નથી.’

વીરસેન કહે, ‘અમારાં બહેન અને એમનાં એક સખી અહીં સુધી પહોંચ્યાં નથી. એમના વિશે તમે જે જોયું-જાણ્યું હોય તે કહો.’

પરદેશી કહે, ‘એ વાત કહેવા જેવી નથી, માટે જ અમે નથી કહી.’

વીરસેન કહે, ‘અમારે સાંભળવી છે, અને તમારે એ કહેવી જ પડશે.’

‘અને ન કહીએ તો ?’

‘તો અમે તમને ખોખરા કરીશું. તમે અમારા હાથમાં છો.’

પરદેશી કહે, ‘ધારો કે એ બંને બાળાઓ ડૂબી ગઈ છે.’

વીરસેન ગુસ્સામાં આવીને કહે, ‘એવી અશુભ વાણી બોલશો નહિ, પરદેશી. અમારાં બહેન રૂપા અને સોના તરવામાં હોંશિયાર છે. ભલભલા જુવાનને પણ હરાવે એવાં છે. એ ડૂબે તો નહિ જ.’

પરદેશી હસ્યો. કહે, ‘મારે તમને સાચી વાત કહેવી જ પડશે ? તો સાંભળો. તમારી નૌકા ડૂબી અને તમે સૌ તરવા લાગ્યાં ત્યારે ચાંચિયાઓએ જેટલા માણસ પકડાય એટલાને પકડવા એક જાળ ફેંકી હતી. એ જાળમાં પેલી બંને સખીઓ આવી ગઈ. એ વખતે તમારું ધ્યાન કિનારેથી આવતી હોડીઓ પર હતું, એટલે તમે એ જોયું નહિ. પણ દરિયામાં કૂદી પડતાં અમે એ જોયું હતું.’

વીરસેન કહે, ‘ભલે, પરદેશી ! તમારી વાત અમે સાચી માનીએ છીએ. તમે હવે જઈ શકો છો. પણ જતાં પહેલાં એક પ્રશ્નનો ઉત્તર દો. અમને કહો કે ચાંચિયા ક્યાં જવાના છે ?’

પરદેશી કહે, ‘જોયું ? અમને ખાતરી હતી કે તમે આ સવાલ પૂછવાના જ. કારણ કે તમે તમારી બહેનને છોડાવવા જવા ધારો છો. પણ એટલે જ અમે પહેલાં કહ્યું હતું કે એ વાત કહેવા જેવી નથી. તમે એ છોકરીઓને મરેલી માનો, ડૂબી ગયેલી માનો એ જ તમારે માટે સારું છે.’

વીરસેને પૂછ્યું, ‘કેમ ?’

પરદેશી કહે, ‘એટલા માટે કે આ ચાંચિયા બહુ ઘાતકી માણસો છે. તેઓ યુવાન સ્ત્રીઓને તો એવા દુષ્ટ લોકોને ત્યાં ગુલામ તરીકે વેચે છે કે એ જીવન કરતાં મોત સારું. માટે તમે બહેનને ડૂબી મરેલાં માની લો. એને છોડાવવા જવાનો સપનેય વિચાર ન કરશો. તમે તમારાં બહેન તો ગુમાવ્યાં છે. પણ એમને છોડાવવા જતાં તમારો જાન પણ ગુમાવી બેસો, એવો અમને ડર લાગ્યો. તેથી અમે તમને કહેતા નહોતા.’

વીરસેન કહે, ‘અમને અમારા પ્રાણ એટલા વહાલા નથી કે બહેનને છોડાવવા ન જઈએ ને પ્રાણ સાચવીને બેસી રહીએ. અમે તો સાતમે પાતાળથીય અમારા પ્રાણના બદલે અમારી બહેનને પાછી લાવીશું.’

પરદેશી કહે, ‘ધન્ય છે તમારી હિંમતને ! જુઓ, ચાંચિયા અહીંથી સીધા દખ્ખણ દેશમાં પણ્યબંદર નામના બંદરે જવાના છે. આજથી બરાબર પાંચમે દિવસે ત્યાં ગુલામોનું બજાર ભરાશે. એમાં તેઓ તમારાં બહેનને વેચશે. પણ તમે એમને વહાણથી નહિ આંબી શકો. એમના વહાણ કરતાં તમારા સારામાં સારા વહાણની ઝડપ પણ અડધી હશે. પણ જમીનરસ્તે આ પણ્યબંદર ચાર જ દિવસનો રસ્તો છે. તમે વેગીલો ઘોડો લઈને એ રસ્તે જાવ. અને મારી હૃદયપૂર્વકની ઇચ્છા છે કે એ રાક્ષસોના હાથમાંથી તમે તમારાં બહેનને છોડાવી લાવો.’

એટલું કહીને પરદેશી એને મારગે ગયો અને વીરસેન પિતાજી પાસે ગયો. જઈને બહેનને છોડાવવા માટે પોતાને જવાની રજા આપવા વિનંતી કરી.