સાહસની સફરે - 6 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

સાહસની સફરે - 6

સાહસની સફરે

યશવન્ત મહેતા

પ્રકરણ – ૬ : સાગર સામે કાંકરનું જુદ્ધ !

વીરસેન નવાઈના દરિયામાં ડૂબકાં ખાતો હતો અને ધરતી પર પડેલી ગુલામ છોકરી સામે જોતો હતો. પોતે તો ‘રૂપા’ને છોડાવી હતી. બહેનીને છોડાવી હતી. એને બદલે આ અજાણી બાળા કેવી રીતે છૂટી ગઈ ? વળી, હવે શું કરવું ?

એને આ અજાણી બિચારી છોકરી પર દયા આવી ગઈ. બેભાન બનેલા માણસને ફરી ભાનમાં આણે એવી દવા પોતાની પાસે હતી જ. પરંતુ એ તો બહેની રૂપા માટે હતી. આમ છતાં આવી એક નિર્દોષ છોકરીને આમ મરવા દેવાનુંય એને ન ગમ્યું નહિ.

એને પોતાના ગજવામાંથી પેલી ઊંઘતાને જગાડવાની દવાની શીશી કાઢી. આસ્તેથી પેલી છોકરીનું મોં ખોલ્યું. એમાં પેલી દવા રેડી.

છોકરીના મોંમાં દવા રેડાતાં જ જાણે એ સજીવન થવા લાગી. ગરમ લોહી શરીરમાં ફરવા લાગ્યું. છોકરીએ ધીરેધીરે આંખો ખોલી. પહેલાં તો એને કશું ચોખ્ખું દેખાયું નહિ. એણે આંખો ચોળી. પછી પાછી આંખો ખોલી. સામે ઉભડક પગે બેઠેલો વીરસેન દેખાયો.

એ ઝડપથી બેઠી થઈ ગઈ. અને બોલી ઊઠી, ‘અરે, તમે કોણ છો ?’

વીરસેન કહે, ‘અમારું નામ વીરસેન છે. અમે તમને કાળમુખા શ્યામસિંહની કેદ માંથી છોડાવ્યાં છે.’

છોકરી કહે, ‘મારું નામ મીરા છે. તમે મને શા માટે છોડાવી ? હું તો તમને ઓળખતી પણ નથી.’

વીરસેન કહે, ‘એમાં ક્યાંક ભૂલ થઈ ગઈ છે. અમે તો અમારી બહેની રૂપા અને એની સખી સોનાને છોડાવવા આવ્યા છીએ. અમારી પાસે ચમત્કારિક દવાઓ હતી. એ દવાઓ માણસને મરણતોલ ઊંઘમાં પાડી દેવાની અને એવી ઊંઘમાંથી વળી એને સજીવન કરવાની હતી. અમે એ દવાઓ લઈને ઈરાનના હકીમનો વેશ લઈને શ્યામસિંહને મહેલે આવ્યા. અમે કહ્યું કે અમે ગમે તેવા રોગનો ઈલાજ કરી શકીએ તેમ છીએ. તમારી ગુલામ છોકરીઓને તપાસીને અમે દવા આપીશું. એ રીતે જે બહેનનો હાથ અમારી સામે ‘રૂપા’ નામે આવેલો એ હાથમાં અમે બેભાન બનવાની પેલી દવા મૂકી. સાથે ચિઠ્ઠી મૂકી. દવા અમારી બહેની રૂપાને આપી હતી. પણ કોણ જાણે કઈ રીતે તમે એ પી લીધી. તમને અમે છોડાવ્યાં. એમ કેમ બન્યું, એ અમને સમજાતું નથી.’

મીરા કહે, ‘એ હું સમજાવું. અહીં દક્ષિણ દિશામાં એક અજબ રિવાજ છે. કોઈ છોકરી પરણીને સાસરે જાય પછી એનું નામ બદલી નાખવામાં આવે છે. એ જ નિયમ ઠાકોર શ્યામસિંહનો પણ છે. એ જ્યારે નવા ગુલામ ખરીદે છે, ત્યારે એમને નવાં નામ આપે છે. પોતાની મરજી મુજબ, પોતાને ગમતાં એમનાં નામ પાડે છે. એણે મારું નામ ‘રૂપા’ પાડ્યું હતું. તમે જ્યારે હાથ તપાસીને રોગની પરીક્ષા કરી અને બીજે દિવસે એ હાથમાં દવા આપી ત્યારે તમે માન્યું કે હું બહેન રૂપાને દવા દઉં છું. પણ ખરેખર તો એ હાથ મારો હતો. મારા હાથમાં તમે દવા મૂકી હતી. મારા પાટલામાં તમે કાગળ ભરાવ્યો હતો.’

વીરસેન કહે, ‘ત્યારે તો ગજબ થયો. અમારી બધી મહેનત એળે ગઈ. હવે અમારે કોઈ બીજી યુક્તિ શોધવી પડશે. પણ અમને એક વાત કહો. અમારી બહેન રૂપા અને સોનાનાં શાં નામ શ્યામસિંહે પાડ્યાં છે ?’

મીરા કહે, ‘એમનાં નામ ગંગા અને જમના રાખ્યાં છે. રૂપાનું નામ ગંગા છે. સોનાનું નામ જમના છે.’

વીરસેન કહે, ‘તમને અમને માહિતી આપી, એ માટે તમારો મોટો આભાર. હવે કહો, તમારું ગામ ક્યાં છે ? કારણ કે રાતનો વખત છે. તમે એકલાં છો. મારે તમને તમારે ઘેર પહોંચાડવાં જોઈએ. એ પછી અમારી બહેનને છોડાવવાનો કોઈ ઉપાય શોધી કાઢીશું.’

મીરા કહે, ‘મારું ગામ તો ઘણું દૂર છે. ત્યાં જતાં વરસ જેટલો વખત થાય એમ છે. દરિયો પાર કરવો પડે એમ છે. માટે હાલ તો તમે મને કોઈક ઓળખીતાને ઘેર રાખો. તમે રૂપાબહેનને છોડાવવાની યોજના ઘડો. એમાં જો મારી કશી મદદની જરૂર પડે તો હું મદદ કરવા તૈયાર છું.’

વીરસેન કહે, ‘ભલે, પણ્યબંદરમાં એક હકીમ અમારા મિત્ર બની ગયા છે. એમને ઘેર તમે રહેજો. ચાલો, હવે ચાલતાં થઈએ. કદાચ શ્યામસિંહના સૈનિકો આપણને શોધવા નીકળે એ પહેલાં અહીંથી જતાં રહીએ.’

મીરા ઊભી થઈ. બંને ચાલવા લાગ્યાં. બનતી ઝડપે ચાલ્યાં. શ્યામસિંહના મહેલથી બને એટલે છેટે પહોંચી જવાનું હતું.

સવાર પડ્યે એક ગામ આવ્યું. ગામમાં એક માણસને ઘેર એમણે ઉતારો કર્યો. દૂધ પીધું. પછી આરામ કર્યો. બપોરે જમ્યાં. પછી બપોર ગાળીને પાછાં બંને ચાલી નીકળ્યાં.

રસ્તામાં મીરાએ પોતાની આપવીતી કહી. તે પણ ચાંચિયાને હાથે જ પકડાઈને અહીં આવી હતી.

મીરા દેવનગરી દ્વારકાની દીકરી હતી. ત્યાંના જાડેજા રાજાના નાના ભાઈની એ કુંવરી હતી. એ ભાઈ બડા વહાણવટી હતા. દેશદેશાવરમાં એમનાં વહાણ ચાલતાં. વેપાર ચાલતો.

એક વાર મીરાએ હઠ કરી : મને તમારી સાથે દરિયાઈ સફરે લઈ જાવ. મારે દેશવિદેશ જોવા છે. પિતાજીએ ઘણી ના પાડી. પણ મીરા માની નહિ. આખરે મીરા વિદેશયાત્રાએ નીકળી.

પરંતુ રસ્તામાં ચાંચિયાઓએ તેમના વહાણને આંતર્યું, લૂંટી લીધું. મીરાને કેદ પકડી લીધી. પણ્યબંદરે આવીને એને ગુલામ તરીકે વેચી. શ્યામસિંહે એને ખરીદી લીધી.

મીરાની વાત પૂરી થતાં વીરસેને પૂછ્યું, ‘મીરાબહેન ! અમારાં રૂપા અને સોના પણ તમારી સાથે જ ગુલામમહેલમાં હતાં ?’

મીરા કહે, ‘ના. એ બંનેને શ્યામસિંહ પોતાની ખાસ ગુલામ ગણે છે. અમે બધી છોકરીઓ સામાન્ય ગુલામ કહેવાતી. જ્યારે રૂપા અને સોનાની શ્યામસિંહ બહુ કાળજી રાખતો. પણ એમને એણે એક અજબ ઠેકાણે રાખ્યાં છે.’

વીરસેન કહે, ‘ક્યાં ?’

મીરા કહે, ‘અર્ધવર્તુળ આકારના મહેલમાં એમને રાખ્યાં છે. આ મહેલને બંને છેડે ઊંચા મીનારા છે. દરેક મીનારાને સાત-સાત માળ છે. એ સાતમાળિયા મીનારાઓને સાતમે માળે એ બંને સખીઓને રાખી છે. દરવાજામાંથી પેસતાં જમણી બાજુના મીનારા પર રૂપાબહેનને રાખ્યાં છે. ડાબી બાજુના મીનારા પર સોનાબહેનને રાખ્યાં છે.’

વીરસેન કહે, ‘અને આ મહેલમાં પેસવાનો કોઈ માર્ગ તમે જાણો છો ?’

‘હા. શ્યામસિંહે પોતાના મહેલ ઉપર એક ટાંકી બંધાવી છે. એમાં ગુલામો રોજ પાણી ભર્યા કરે છે. ટાંકીમાંથી નળ કાઢ્યા છે. નળમાં વહીને એ પાણી ફુવારામાં ઊડ્યા કરે છે. પણ એમ તો થોડી વારમાં ફુવારાનું થાળું ભરાઈ જાય. પાણી ઊભરાઈ જાય. એ ઊભરાઈ ન જાય તે માટે ફુવારાના થાળા નીચે છિદ્રો રાખેલાં છે. એ છિદ્રો વાટે એક મોરીમાં પાણી જાય અને મોરીમાં વહેતુંવહેતું પાણી મહેલની બહાર જાય એવી જોગવાઈ કરેલી છે. એ પાણી તળાવમાં નીકળતું હશે. ત્યાં ઉઘાડું છિદ્ર હશે. ફુવારામાં ઘણું પાણી ઊડે છે. અને ચોમાસાનાં પાણીને વહેવા માટે પણ એ તરફ જતા ધોરિયા મહેલમાં બાંધેલા છે. એ બધા ધોરિયાનાં પાણી વળી પેલી મોરીમાં જાય છે. આ પરથી અમે અનુમાન કરીએ છીએ કે આ છિદ્ર ઠીકઠીક પહોળું હશે. આ મોરી પથ્થરોની ચણેલી હશે.’

‘કદાચ માણસ આવી-જઈ શકે એટલી પહોળાઈ હશે.’

‘હા. પણ ઊભાઊભા નહિ. ઘૂંટણભેર એમાં ચાલી શકાય, અને રાતના વખતે જ્યારે ફુવારો બંધ હોય ત્યારે એમાં આગળ વધતાં કશી મુસીબત ન પડે. પછી ફુવારાના થાળાનો પથ્થર ઊંચો કરીને મહેલના ચોગાનમાં નીકળી શકાય.’

વીરસેન આ સાંભળીને ઉત્સાહમાં આવી ગયો. એ કહે, ‘બસ ત્યારે. આજે તમને અમારા મિત્ર હકીમને ત્યાં મૂકીને અમે પાછા એ બદમાશ શ્યામસિંહને મહેલે જઈશું.’

મીરા કહે, ‘એ બને એમ નથી.’

વીરસેન કહે, ‘કેમ ન બને ?’

‘પહેલી વાત તો એ કે એકલો માણસ નીકમાં રહ્યોરહ્યો ફુવારાના થાળાનો પથ્થર ઉપાડી ન શકે. છતાં ધારો કે તમે પથ્થર ઉપાડ્યો. પણ પછી ? રૂપાબહેન સાતમાળિયા મહેલને ઉપલે માળે રહે છે. રસ્તામાં એકએક માળે એકએક જમદૂત જેવો સૈનિક ઉઘાડી તલવારે પહેરો ભરે છે. એ જ રીતે સોનાબહેન જે મીનારામાં કેદ છે તે મીનારાના સાતે માળે પહેરો છે. દરેક સૈનિક કસાયેલો ને મજબૂત સૈનિક છે. એકલા માણસનું આટલા બધા લોકો સામે શું ચાલે ?’

વીરસેન ગંભીર બની ગયો. વિચારમાં પડી ગયો. મીરાની વાત સાચી હતી. આટલા બધા કસાયેલા સૈનિકો સામે પોતે એકલો કેટલી ટક્કર ઝીલે ?

એમ વિચારમાં ને વાતોમાં મારગ કપાઈ ગયો. બંને પણ્યબંદરમાં આવી પહોંચ્યાં.

ગયાં સીધાં પેલા હકીમજીને ઘેર. જઈને વીરસેને બધી વાત કરી. પોતે મીરાને કેવી રીતે છોડાવી તે કહ્યું. સાંભળીને હકીમજી રાજી થઈ ગયા. કહે, ‘પરદેશીભાઈ ! તમે વિદ્વાન છો એટલું જ નહિ, દયાવાન પણ છો, એ જાણીને અમને બહુ આનંદ થયો. હા, અમે અરબસ્તાનના બડા હકીમ છીએ ! આજ લગીમાં અમે હજારો માણસોને દવા આપી છે. પણ કોઈએ આવા દયાના કામ માટે દવા વાપરી નથી.’

વીરસેન કહે, ‘પણ હકીમજી ! અમારું ખરેખરાનું કામ તો હજુ બાકી જ છે. આ બાળાને તો અમે છોડાવ્યાં, પણ અમારાં બહેન રૂપા અને એમનાં સખી સોના હજુ કેદમાં છે. અમારે એમને છોડાવવા માટે ફરીથી જવાનું છે.’

હકીમ કહે, ‘ભલે. અમારાથી બનતી મદદ કરીશું.’

વીરસેન કહે, ‘મદદમાં મદદ પહેલી તો એ માગીએ છીએ કે અમે જઈને આવીએ એટલા દિવસ આ બાળાને આપને ઘેર રાખો. એનો દેશ બહુ દૂર છે. અમે પાછા ફરીશું ત્યારે એને સાથે લેતા જઈશું. અમારા પિતાજી મોટા વહાણવટી શેઠ છે. એમનાં એકાદ વહાણમાં બેસાડીને એમને દેશ પહોંચાડીશું.’

હકીમ કહે, ‘ભલે. આ ઘર આપનું જ છે એમ માનજો. અમારા બીબીજી આ મીરાને સગી દીકરી બરાબર સાચવશે.’

એમ મીરાને રહેવાનું તો નક્કી થઈ ગયું. પણ રૂપા-સોનાને કેમ છોડાવવાં એનો ભારે વિચાર થઈ પડ્યો. વિચારમાં ને વિચારમાં વીરસેન પણ્યબંદરના બજારમાં ફરવા લાગ્યો. ફરતાં ફરતાં દરિયાકિનારે આવ્યો.

વીરસેન દરિયાકાંઠે વિચારમગ્ન બનીને બેઠો હતો. ત્યાં પાછળ સંચાર થવા લાગ્યો. પાછળ રેતીમાં થતાં હલનચલનને એ પારખી ગયો. પોતાના બચાવ માટે તૈયાર થઈ ગયો. તલવાર તો હકીમજીને ઘેર પોતાને ઉતારે મૂકી છે. પણ ભેટમાં કાલુ સરદારનો છરો તૈયાર જ છે. હાથને ધીરેધીરે એ છરાની મૂઠ પર લઈ ગયો અને પાછળની હિલચાલ નજીક આવવાની રાહ જોઈ રહ્યો.

રાહ ઠીક ઠીક લાંબી ઘડીઓ સુધી જોવી પડી. એકાએક એને થયું કે બસ, વખત પાકી ગયો છે. ભય ઠીકઠીક પાસે આવી ગયો છે. હિલચાલ નજીક આવી ગઈ છે. છલાંગ મારીને એ ઊભો થઈ ગયો. પણ પહોળા રહી ગયા. છરો મ્યાનમાંથી નીકળીને હાથમાં ચમકવા લાગ્યો.

આંખના પલકારામાં આખી બીના બની ગઈ. એની સામે તાકીને જોઈ રહેનારને પણ ખબર ન પડી કે ક્યારે એણે છલાંગ મારી, ક્યારે ઊભો થઈ ગયો, ક્યારે ઊભો રહી ગયો, ક્યારે એણે છરો કાઢ્યો.