Creative journey of painter Kanu Patel books and stories free download online pdf in Gujarati

ચિત્રકાર કનુ પટેલની સર્જનયાત્રા

ચિત્રકાર કનુ પટેલની સર્જનયાત્રા

- અભિજિત વ્યાસ

કોઈ એક વ્યક્તિ જ્યારે સર્જન કરવા ઈચ્છે છે ત્યારે તે તેના માધ્યમની પસંદગી કરે છે. આ માધ્યમ કોઈ પણ હોઈ શકે. સર્જકને માટે મહત્વની છે તેની અભિવ્યક્તિ. પણ આ અભિવ્યક્તિ જયારે ચિત્રકલાના માધ્યમમાં પ્રગટ થાય છે ત્યારે તેમાં ફક્ત કેનવાસ નહિ, તેના ઉપર ચિત્રિત થયેલો ખ્યાલ રંગ અને આકૃતિ દ્વારા વર્ણવાય છે. એટલે વિચાર માત્ર મહત્વનો નથી, પણ એ વિચાર કઈ રીતે વ્યક્ત થયો છે તે પણ અત્યંત મહત્વનો છે.

ચિત્રકાર કનૈંયાલાલ પટેલ, વધુ તો કનુ પટેલથી જાણીતા છે. પણ કનુ પટેલ એટલે એક વ્યક્તિથી વિશેષ એક ચિત્રકાર, કહો કે કલાકાર. એઓ વિવિધગામી છે. એટલે એમની ઓળખાણ પણ વિવિધ કલા માધ્યમોમાં અલગ અલગ રીતે અપાય છે. એક સર્વાંગ કલાકાર. એક અભિનેતા પણ છે એટલે તેઓ નાટક, ટેલિવિઝન સીરિયલ અને સિનેમામાં પણ કાર્યરત છે. એટલે તેઓ અભિનેતા તરીકે પણ જાણીતા છે. એઓ બહુ સારા સંવાહક પણ છે, અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને એક ફાઈન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી પ્રિય પ્રિન્સિપાલ પણ છે. અને એક ડિઝાઈનર, ચિત્રકાર તરીકે પણ જાણીતા છે. પણ આ બહુ આયામી વ્યક્તિત્વને આજે તો હું ફક્ત એક ચિત્રકાર તરીકે ઓળખાવવા માંગુ છું.

કનુ પટેલના ચિત્રો એટલે એમની વૈચારિક અભિવ્યક્તિ, કહો કે કવિતા, જે રંગો દ્વારા કેનવાસ પર વ્યક્ત થયા છે. આ ચિત્રોમાં રંગ અને રેખા દ્વારા અનેક શબ્દો વ્યક્ત થયા છે. એમણે અગાઉ 'અતીતરાગ'(Nostalgia), 'રેઈનસ્કેપ'(Rainscape) અને 'માસ્ક'(Mask) વિષય પરના ચિત્રો કર્યા છે જેના પ્રદર્શનો પણ યોજાયેલા છે.

માનવીય ચિત્તતંત્ર પર પડેલા સદીઓના સંસ્કારોને એક કલાકાર તરીકે પ્રતિનિધિરૂપ કનુ પટેલ વ્યક્ત કરે છે. આપણા દેશનો ધર્મ, ઇતિહાસ, સાહિત્ય અને કલાના આ બધા વારસાને તેઓ અનુભવે છે. અને આ બધું કંઈ એક પ્રાંત કે ભાષા પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર દેશકાળને આવરી લે છે. એટલે જ એમની ઇશિકા આ પરવર્તી સંદર્ભોના રંગોમાં ઝબોળાયેલી છે. અને એટલે જ એમના ચિત્રો સમકાલીન શૈલીના હોવા છતાં આપણા સદીઓના વારસાને વ્યક્ત કરે છે.

પરંપરાગત રીતે એક ધાર્મિક વ્યક્તિઓના તેઓ પ્રતિનિધી છે. એટલે જાતે ધાર્મિક હોવું મહત્વનું નથી પણ આપણી પ્રણાલીઓને તેઓ અનુસરે છે. ભગવાન ક્રિષ્ણ એ આપણા આરાધ્ય દેવ છે. કૃષ્ણ એ માત્ર અધિદૈવીક તત્વ જ નથી. એટલે જ અહીં શ્યામ કૃષ્ણ ઘેર બ્લુ રંગના પાર્શ્વમાં ઉપાસ્ય છે. બ્લુ તે પ્રેમનો રંગ છે. અને આપણા સોંનું એક વ્યક્તિ, ભક્ત તરીકે પ્રતિનિધિત્વ કરે છે. મારે એમને કોઈ નામ નથી આપવું। એને વ્યક્તિગત રીતે પણ નથી ઓળખાવવું. એટલે જ એ કલાકાર ચિત્રકાર પોતે પણ હોઈ શકે, તેમ ભાવક પણ હોઈ શકે. અને એટલે જ એ આપણા સહુનું સામુહિક પ્રતિનિધિત્વ કરે છે. આપણને જ પ્રતીકાત્મક રજુ કરે છે. આ જ પરંપરામાં એમને એમનું ગામ યાદ આવે છે. ત્યાંની હનુમાનજીની મૂર્તિ યાદ આવે છે. અને તે બધા સંદર્ભો એમને આપણી રામાયણની કથાનકલા સાથે જોડી દે છે. આપણા પુરાણો ભોજપત્ર પર લખતા હતા. એજ ભોજપત્ર પર આ સમગ્ર કથાનાત્મક્તા રજૂ થઇ છે. રામ તો છે, પણ સંપૂર્ણ અવતારોને આપણા દૈવિક પુરોગામીઓ તરીકે જોડી દે છે. આ ચિત્રની મજા એ છે કે અહીં રામની સાથે જ એ બધાને બ્લુ રંગમાં વ્યક્ત કાર્ય છે. એક અન્ય ચિત્રમાં પણ હનુમાનજી જોવા મળે છે. પણ અહીં હનુમાનજીની સામે નંદિની રજૂઆત થઇ છે. એટલે રુદ્રના અવતારની કથનો સંદર્ભ આવે છે. આમ સામગ્રી ફરે એટલે ચિત્રમાંનું કઠણ બદલાઈ જાય છે.

પણ ધર્મની સાથે સાથે જ આપણો ઇતિહાસ અને પરંપરાઓ સંકળાયેલી છે. આપણા દેશમાં થયેલું વિદેશીઓનું આક્રમણ, એમણે તોડેલી આપણી કલાકૃતિઓ વગેરે પણ એમના ચિત્તમાં છે. એટલે એઓ નટરાજને જયારે ખંડિત અવસ્થામાં ચીતરે છે ત્યારે તેની સાથે જ સંકળાયેલા ઇતિહાસને પણ સાંકળી લે છે. અને તે પણ લીલા રંગમાં તે સંદર્ભો રજૂ થયા છે. એક કલાકારને માટે તો એવો નિર્દેશ કરવો જ પૂરતો છે. અહીં પણ પાર્શ્વમાં ભોજપત્ર છે. અને ભોજપત્ર એ આપણા પુરાણોને રજૂ કરતુ એક માધ્યમ છે. તો બીજા એક ચિત્રમાં પણ ભોજપત્ર પાર રજૂઆત થઇ છે પણ અહીં લીલા રંગમાં ડાર્વેશને મુખ્ય છે. એક તરફ ભારતીય ઋષિ પરંપરા છે તો સાથે જ દરવેશનો પણ નિર્દેશ છે એટલે અહીં સમભાવની વાત છે.

પોઉરાણીક પાત્રોની આ શૃંખલામાં એક ચિત્રમાં બૌદ્ધ દર્શનની પણ રજૂઆત થઇ છે. આ ચિત્રમાં "અવલોકિતેશ્વર"(Avalokitesvara)ની રજૂઆત ઉર્જા તરીકે થઇ છે. આમ તો આ શિલ્પ વજરતારાનું છે. પણ તેને "અવલોકિતેશ્વર" તરીકે પણ ઓળખવામાં આવે છે. "વજ્રતારા"(Vajra Tara) કે "વજ્રયાન"(Vajrayana) છે. જે સ્વતંત્રતાની માતા(mother of Liberation) છે. તારા એ તાંત્રિક દેવી છે અને વજ્રયાન બુદ્ધિઝમમાં માનતા લોકો તેની અર્ચના કરે છે. આ દેવીનો અહીં ફક્ત નિર્દેશ જ કરું છું કારણ કે શિલ્પ જ કેટલુંય કહી જાય છે. ચિત્રમાં વજ્રતરાની સાથે જ એક બૌદ્ધ ભીખુ પણ રજૂ થયો છે. મૂળ શિલ્પની જેમ અહીં પણ તેને એક માર્બલ કૃતિ હોય તેમ રજૂ કરી છે. એક ચિત્રકૃતિ તરીકે આ અત્યંત પ્રભાવક અને નયનરમ્ય છે. ભાવવાહી અને કલાત્મકત પણ એટલું જ.

આ બધા પોઉરાણીક અને ઐતિહાસિક સંદર્ભોની સાથે સાહિત્ય કેમ ભુલાય. સાહિત્ય એ એક કથન કાલા છે તેમ જ ચિત્રકલા પણ એક કથાનાત્મક છે. અને એક કથક બીજા કથકને પ્રભાવિત ન કરે તેવું બને જ નહિ. એટલે એમના ચિત્રોમાં રહેલા શબ્દો અને તેના સ્વામી એવા રવીન્દ્રનાથ ટાગોર પણ એમના ચિત્રોનું એક મનગમતું પાત્ર છે. અહીં એક વાત યાદ કરવી ગમે તે રવીન્દ્રનાથ ટાગોર પણ નાટકોમાં અભિનય કરતા હતા. અને કનુ પટેલ એક ચિત્રકારની સાથે એક ખુબ સારા અભિનેતા પણ છે અને નાટકોની સાથે ફિલ્મ અને ટેલિવિઝન સીરિયલમાં અભિનયના ઓજસ પાથર્યા છે. તેમ રવીન્દ્રનાથ ટાગોર સર્જિત નાટકો પણ એમણે કાર્ય છે અને રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા પણ એમણે ભજવી છે. પણ આપણે તો અહીં એમના ચિત્રોની વાત કરીયે છીએ. અહીં આ રવીન્દ્રનાથ ટાગોરને કેન્દ્રમાં રાખીને થયેલા ચિત્રોમાં રવીન્દ્રનાથ એક સાહિત્યકાર તરીકે તો એમના ચિત્તમાં છે પણ કેનવાસ પાર જે ઉભરી આવ્યા છે તે અભિનેતા રવીન્દ્રનાથ ટાગોર છે.

રવીન્દ્રનાથ ટાગોરે વાલ્મિકીનું પાત્ર એમના નાટકોમાં ભજવેલું। એક ચિત્રકાર તરીકે કનુ પટેલે એજ પાત્રને પોતાના ચિત્રમાં પ્રવેશ આપ્યો છે. તેમ તેમની પ્રિય કવિતા તો છે તેમ સાથે જ વિજયા તરીકે ઓળખાયેલી વિક્ટોરિયા ઓકામ્પો પણ છે. અને તે પણ એક નાટકીય અદામાં. ભારતીય સાહિત્યમાં રવીન્દ્રનાથ ટાગોરનું જે સ્થાન અને માન છે તેવું અન્યને નથી મળ્યું. રવીન્દ્રનાથ ટાગોર ચિત્રાવલીમાં ત્યાં પહોંચવા માંગતા સર્જકોનો પણ નિર્દેશ થયો છે. 19મી સદીનો પ્રારંભનો આ કાળ ભારતીય કળા માટે પૂનરૂથાનનો હતો, તેમ નવજાગૃતિનો પણ હતો. રવીન્દ્રનાથ ટાગોરે જ કેટલા બધા કલા માધ્યમો પાર પ્રભાવ પડ્યો। પણ કનુ પટેલ એક ચિત્રકાર તરીકે જયારે આ સમયગાળાને જુએ છે ત્યારે તેમના ચિત્તમાં અમૃતા શેરગિલ પ્રગટે છે.

કલાના ક્ષેત્રમાં એ સમયે જે બદલાવ આવેલો તેનો આ ચિત્રમાં સંદર્ભ છે. ભારતીય ચિત્રકલામાં જયારે અમૃતા શેરગિલ(Amruta Shergil)નો પ્રવેશ થયો ત્યારે તે સમયે પોલ ગોગા(Paul Gauguin)થી પ્રભાવિત હતી. અમૃતા શેરગિલ એ પ્રથમ ભારતીય ઇમ્પ્રેશનિસ્ટ(Impresionist) ચિત્રકાર, પણ જયારે અમૃતા શેરગિલે સર્જન કર્યું ત્યારે તેના પાત્રો ભારતીય થઇ ગયા. આમ તેમની અભિવ્યક્તિમાં પાત્ર પરિવેશ સંપૂર્ણતઃ ભારતીય છે. ભલે તેનો એક છેડો પશ્ચિમને સ્પર્શતો હોય. અહીં પણ ચિત્રની રજૂઆત પણ એજ ઇમ્પ્રેશનિસ્ટ શૈલીમાં થઇ છે. અને ત્યારના સમયના અને અમૃતાની સાથે સંકળાયેલા સંદર્ભો પણ અહીં સમાવિષ્ટ પામ્યા છે.

માણસ એ સતત અને સહજ કોઈને કોઈ પાઠ ભજવતો હોય છે. એવું જરૂરી નથી કે કોઈ પાથ ભજવવા સ્ટેજની જરૂર પડે. જીવનથી મોટું કોઈ સ્ટેજ નથી. એટલે જ એ મુખવટાની અંદર છુપાયેલો હોય છે. એ અલગ અલગ માસ્ક પહેરીને અલગ અલગ રોલ કાર્ય કરે છે. એ મુખવટાની પાછળ રહેલા માણસને કેમ ઓળખવો? એટલે એજ રીતે માણસને માસ્ક સાથે કેટલાક ચિત્રોમાં રજૂ કરવામાં આવ્યા છે. માસ્ક એ માણસે પહેરેલો માસ્ક માત્ર નથી, કલાને રજૂ કરવા માટે પણ એક 'માસ્ક'ની જરૂર હોય છે. અને ચિત્રકલા એ સંપૂર્ણ દ્રશ્યના હોઈ એક ભાગનું કે ખ્યાલનું 'માસ્કીંગ' જ છે. જે મૌન રહીને ઘણું કહી જાય છે.

આમ આપણામાં વ્યાપેલી આપણી પરંપરાઓ, ધર્મ, દૈવિક તત્વો, ઇતિહાસ, કલા અને ચિત્રકલા તથા સાહિત્યના કેટલાક ચૈતસિક સ્વરૂપો કનુ પટેલની ચિત્રકલામાં વ્યક્ત થયા છે. આ નરી અભિવ્યક્તિ નથી, પણ ક્રમિક પાને વિકસેલા વિચારોનું રંગો દ્વારા વ્યક્ત થયેલું સ્વરૂપ છે. કોઈ કલાકાર ક્યારેય કોઈ એકદાંડીયા મહેલમાં રહીને સર્જન ન કરી શકે. એની સાથે એના દેશકાળનો સમગ્ર પરિવેશ સંકળાયેલો હોય છે. અને કનુ પટેલના ચિત્રોમાં એ વ્યક્ત થયો છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED