મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 18 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 18

રિધિમાંના મનમાં નીતિનના જ વિચાર ચાલી રહ્યા હતા, ત્યાં કોઈએ એને ટોકી હોય એવું એને લાગ્યું. આસપાસ બધા જ લગ્નની તૈયારીમાં એટલા વ્યસ્ત હતા કે રિધિમાંની સામે જોવાનો કોઈને સમય જ નહતો. તો પછી અચાનક કોણ આવી રીતે એના ખભે હાથ મૂકીને એને બોલાવી રહ્યું હતું. રિધિમાંએ પાછળ વળીને જોયુ, એ સપના હતી. સપના રિધિમાંને મળવા એના ઘરે આવી હતી. સપનાને જોઈ રિધિમાં એના ગળે વળગી પડી. બધા સપનાને રિધિમાંની દોસ્ત તરીકે ઓળખતા હતા. એટલે એ મળે એમા કોઈ સમસ્યા નહતી. રિધિમાંથી છુટા પડયા બાદ સપનાએ બધાને નમસ્તે કહ્યું. સાંજનો સમય હતો, એટલે બધા પોતાના કામમાં જ હતા. એ વખતે સપનાએ રિધિમાંને કઈક ઈશારો કર્યો, એ સમજી રિધિમાંએ કહ્યું, "મમ્મી, હું અને સપના ઉપર જઈએ, લગ્ન પહેલા સાથે થોડો સમય પસાર કરવા...." એની મમ્મી આમ તો ન જ જવા દેત, પણ સામે સપના હતી એટલે ફક્ત હકારમાં માથું હલાવ્યું. રિધિમાં અને સપના ધાબે ગયા.
ઉપર ગયા બાદ સપનાંએ જ વાત શરૂ કરી, કારણકે રિધિમાં એટલી ઉદાસ હતી કે એ કોઈ વાત કરી શકવાની હાલતમાં ન હતી, "રિધું, મને લાગતું હતું કે તું અને સર એકબીજાને પ્રેમ કરો છો! તો આ બધું શુ છે? તારા લગ્ન.... એ પણ આટલી જલ્દી...." રિધિમાં આંખો પહોળી કરી સપના સામે જોતી રહી, જાણે સપનાને એના મનમાં ઉદ્દભવેલા પ્રશ્નોનો ખ્યાલ આવી ગયો હોય એમ, "શુ? તને એમ કે મને ખબર નથી એમ! જો બકા હું ત્યારથી જ જાણું છું જ્યારથી નવરાત્રી પછી તારું અને સરનું એકબીજા પ્રત્યેનુ વર્તન બદલાઈ ગયું હતું. મને ખ્યાલ આવી ગયો હતો કે તમારા બંને વચ્ચેનો પ્રેમ માત્ર તારા તરફી નહતો. અને નવરાત્રી પછી એ પ્રેમનું એક અલગ સ્વરૂપ તમારી વચ્ચે આવી ગયું હતું. તને એમ કે મને નહિ જણાવે તો હું ક્યારેય જાણી નહિ શકું, નહિ!" થોડી વાર અટક્યા બાદ, રિધિમાંની આંખોમાં આંસુઓ જોઈને, "જો એ તારી પર્સનલ લાઈફ હતી એટલે મારે વચ્ચે પડવું યોગ્ય નહતું. પણ હવે વાત અલગ છે. હવે મારે બોલવું જ પડશે, વચ્ચે પડવું જ પડશે. નહિતર મારી સૌથી સારી દોસ્ત પોતાનું જીવન બરબાદ કરી દેશે. એટલે મને જણાવ, આ બધું શુ છે?"
રિધિમાંએ એની તરફ જોયું અને અન્ય કોઈ રસ્તો નથી આ પરિસ્થિતિમાં એમ સમજી એ બોલવા લાગી, બધું જ કહ્યું અને સાથે એ પણ જે એની અને નીતિનની વાત થઈ હતી. ઘણા બધા નાટ્યાત્મક પરિવર્તન ધરાવતી એની કહાની એને સપના સામે 5 મિનિટમાં મૂકી દીધી, પણ ત્યારબાદ એ બંને થોડીવાર ચૂપ રહ્યા. કઈક વિચાર કરતા સપના બોલી, "તો તું ભાગી કેમ નથી જતી?" આ સાંભળી રિધિમાંને મન થયું કે એને બે થપ્પડ મારે. આખી વાત અને નીતિનની ચોખ્ખી ના પછી સપના આવી મુર્ખામીભરી વાત કહી પણ કઈ રીતે શકે? પણ એ હાલ પોતાનો કાબુ ગુમાવવા ઇચ્છતી નહતી એટલે માત્ર પોતાની લાલ આંખોથી એક ગુસ્સાભરી નજર એની તરફ ફેંકી.
"અરે મને ખબર છે કે સરે તને ના પાડી ભાગવાની, પણ...." થોડું અટકતા, " તું તો ભાગી શકે ને!"
રિધિમાં એની સામે ગુસ્સાભરી નજરોથી જોઈ રહી હતી, પણ આ વાતે એની મૂંઝવી દીધી, "તું કહેવા શુ માંગે છે?"
સપના એની એકદમ નજીક આવી અને ધીમેથી બોલી, "જો, તમે બંને ભાગી ન શકો! પણ તું જ ક્યાંક જતી રહે તો? મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તું ભાગીશ તો બધા સર પર શક કરશે અને એને શોધશે. બરાબર! પણ એ એમના ઘરે હશે એટલે આ તારા ઘરના, કઈ જ નહીં કરી શકે. પછી છેવટે એમને જ લાગશે કે આ લગ્નની ઉતાવળ કરી એમણે ભૂલ કરી છે. એ લોકો તને ઘરે પાછી લાવવા પ્રયત્ન કરશે પણ તું બહાર જ રહેજે થોડા દિવસ. પછી તારા ઘરના અને નીતિન બધા ભેગા મળી તને શોધશે. અને ત્યાં સુધી લગ્ન પણ અટકી ગયા હશે. છેવટે કઈ જ રસ્તો ન મળતા એમને તારી સર સાથે લગ્નની વાત માનવી જ પડશે."
રિધિમાં એની સામે જોઈ, " તને નથી લાગતું કે આ ખૂબ અજબ પ્લાન છે. તને લાગે છે કે એ જ પરિણામ મળશે જે મને જોઈએ"
"અરે મારી પર અને પોતાની પર વિશ્વાસ કર. જો સર સાથે લગ્ન કરવા હોય તો આ જ તક છે નહિતર કોઈ પણ ચંબુ સાથે લગ્ન કરી લે, જા...."
રિધિમાં વિચાર કરવા લાગી કઈ સમજ પડી રહી નહતી. એને તો બસ નીતિનને મેળવવો હતો અને ઘરના લોકો સાથે પણ સબંધ રાખવો હતો. જો એ આ કરવાથી શક્ય બને તો ખોટું નથી. "પણ જવું ક્યાં ભાગીને?" એ એને સપનાને જ પૂછ્યું.
થોડો વિચાર કરી, "મારા એક માસી છે. એ ને પુના રહે છે. એ એકલા રહે છે. હું જો એમને વાત કરીશ તો એ તને રાખશે. અને તું ત્યાં છે એ કોઈને ખ્યાલ પણ નહિ આવે."
રિધિમાં, "તારા માસી????"
"અરે ચિંતા ન કર, અહીં જેવું બધું પ્લાન મુજબ થશે કે હું તને બોલાવી લઈશ." છેવટે બધું નક્કી કરી એ બન્ને નીચે ગયા. બે દિવસ પછી નીકળવાનું રિધિમાંએ નક્કી કર્યું અને બાકી બધું જ, ટ્રેન ટિકિટ અને અન્ય જરૂરી સમાન સપના ગોઠવી દેશે એમ નક્કી થયું.

બે દિવસ ઝડપથી પસાર થઈ ગયા. રિધિમા પરીક્ષાના ફોર્મનું બહાનુ બનાવી નીકળવા જતી હતી, ત્યાં બધાએ એને રોકી અને ન જવા અંગે કહ્યું. થોડી આનાકાની બાદ ભાઈને લઈ જવાની શરતે બધા રિધિમાંને જવા દેવા સહેમત થયા. રિધિમાં ચિંતામાં આવી ગઈ. પણ જોઈ લેવાશે એમ વિચારી એણે પોતાના ભાઈને સાથે રાખ્યો. કોઈને કઈ વહેમ ન થાય એ માટે રિધિમાંએ કોઈ કપડાં લીધા નહતા. એ બંને ત્યાંથી નીકળ્યા. રિધિમાં પાસે ફોન નહતો. પણ જગ્યા અને સમય ખ્યાલ હતો જ્યાં સપના એને બાકી બધું સમજાવવાની હતી. એ ઉદાસ થઈ ગઈ. એનો ભાઈ આમ તો નાનો હતો, પણ એનો પીછો કઈ રીતે છોડાવવો એ અવઢવમાં રિધિમાં હતી. રીક્ષા કાલુપર રેલવેસ્ટેશન નજીક પહોંચી અને ઉભી રહી, રિધિમાં વિચારવા લાગી કે અંદર કઈ રીતે જવું પણ એના આશ્ચર્ય વચ્ચે એનો નાનો ભાઈ સ્ટેશનની અંદર ગયો, પાછળ રિધિમાં દોરવાઈ. અંદર જઈ પ્લેટફોર્મ ટિકિટ લઈ એ અને રિધિમાં અંદર ગયા. રિધિમાં કઈ સમજી શકી નહીં. સપના અંદર જ સામાન સાથે ઉભી હતી. રિધિમાંના ભાઈને જોઈ એ પણ ગભરાઈ ગઈ. સપના પાસે જઈ એનો ભાઇ રિધિમાં તરફ ફર્યો, અને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, થોડાક પૈસા કાઢ્યા અને રિધિમાંના હાથમાં મૂકી દીધા, "વધારે નહિ આપી શકું, આટલા અત્યાર સુધી ભેગા કર્યા હતા, એમ વિચારી કે તારા લગ્નમાં કોઈ સારી એવી ગિફ્ટ લઈશ. પણ છોડ.. તું જા અને ત્યાં જ રહે. થોડા દિવસ પછી હું તને બોલાવી લઈશ" રિધિમાં ખૂબ અસમંજસમાં હતી, એના હાથ ઠંડા પડી ગયા હતા, એના હાથમાં પૈસા મુકેલ હતા પણ એ આંગળીઓ વાળી એ પૈસા પકડી શકે એમ પણ નહતી. "ભાઈ તું.......?"

એની આંખોના સવાલ વાંચી એનો ભાઈ બોલવા લાગ્યો, "મેં તમારા બંનેની વાત સાંભળી હતી અને મને એમા કઈ ખોટું નથી લાગતું. નીતિન શ્રેષ્ઠ છે તારા માટે, એ તને ખૂબ ખુશ રાખશે. તું જા હું બધું સાચવી લઈશ. આ કુટુંબની ઈજ્જત, સમાજમાં માન એ બધામાં તું ન પડ. આ લોકો તને શાંતિથી જીવવા પણ નહીં દે." પુનાની ટ્રેનનું એનાઉન્સમેન્ટ થતા, "જા હવે ફટાફટ. મને ફોન કરી તારા ખબર અંતર આપતી રહેજે" એના ભાઈની વાત સાંભળી રિધિમાં ખૂબ ખુશ થઈ ગઈ એને ઝડપથી ગળે લાગી અને થેન્ક યુ કહ્યું, સપનાની પાસેથી સમાન અને ટિકિટ મેળવી એને પણ થેન્ક યુ કહ્યું. અને પોતાનો ડબ્બો શોધવા આગળ વધી.

એને પાછળથી એક જાણીતો અવાજ આવ્યો, "એકલી જાય છે?" રિધિમાં પાછી વળી, સપના અને એના ભાઈ સિવાય ત્રીજો માણસ એણે જોયો, એ નીતિન હતો. રિધિમાં એને જોઈ પહેલા ગભરાઈ ગઈ પણ ઝડપથી એણે એવું તારણ કાઢયુ કે કદાચ નીતિન એની સાથે ભાગવા માની ગયો છે એ ખૂબ ખુશ થઈ ગઈ. નીતિન એની નજીક આવ્યો અને રિધિમાંને લાગ્યું કે આખરે એના પ્રેમને મંઝિલ મળી જશે હવે. પણ એટલામાં એના ગાલ પર જોરથી થપ્પડ પડી, આસપાસના બધા એ જોઈ ઉભા રહી ગયા, રિધિમાંને થપ્પડ ખાઈ કેવા પ્રકારે વર્તન કરવું એ ન સમજાયું એણે નીતિન સામે જોયું, નીતિન ખૂબ ગુસ્સે હતો. એ કદાચ બીજી બે થપ્પડ પણ મારી દેત રિધિમાંને. પણ એવું ન કરી શક્યો. તરત પોતાના બંને હાથ રિધિમાંના ખભા પર મૂકી એને હચમચાવી દીધી, "શુ ગાંડપણ છે આ? આવી મુર્ખામીની આશા તમારી પાસે નહતી." રિધિમાં હજુ પોતાની ભૂલ સમજી શકી નહતી જેના કારણે એને થપ્પડ ખાવી પડી હતી, નીતિન હજુ બોલ્યે જ જતો હતો, "બસ, મનગમતું રમકડું ન મળે એટલે જીદ કરવાની અને જીદ ના માનવામાં આવે તો આવી મુર્ખામી કરવાની નહિ! મૂર્ખ છોકરી મને મળાયે તને હજુ પાંચ વર્ષ થયાં છે, પાંચ વર્ષ માટે પોતાના માં-બાપ જેમને 25 વર્ષ તમને પ્રેમ આપ્યો એ ભૂલી જવાનું નહીં! આ કેવો પ્રેમ છે તમારો, જે તમને તમારા પરિવારથી દૂર કરી રહ્યો છે. ખબર હતી તમારી મુર્ખામી એટલે જ હું તમારી પર નજર રાખી રહ્યો હતો."

રિધિમાં ખૂબ રડવા જેવી થઈ ગઈ, "તો હું શું કરું સર? તમે પણ નથી સમજતા અને મમ્મી-પપ્પા પણ. હું નથી જીવી શક્તી તમારા વગર. પ્લીઝ સમજો "

એના ગાલ પર પોતાના હાથ મૂકી નીતિન પણ ઉદાસ થઈ બોલવા લાગ્યો, "હું પણ નહિ જીવી શકું, પણ તમે જો આવું કરશો તો મારી પર તો કોઈ વાત નહિ આવે. પણ તમારા માતા-પિતા આખું જીવન કોઈની સામે માથું ઊંચું નહિ કરી શકે, ચાલશે તમને..... જો તમારી સાથે ભવિષ્યમાં તમારી દીકરી આવું કરે તો સહન કરી શકશો તમે? મારી વગર તમારું જીવન મુશ્કેલ હશે. પણ તમારા માતા-પિતા જીવી જ નહીં શકે. તમે જીવી શકશો એ બોઝ સાથે?????"

"ના સર એમને કઈ થાય એ સહન નહિ કરી શકું. પણ તમારી વગર પણ. ........" પોતાન આંસુ લૂછતા, "કઈ વાંધો નહિ, તમે ન આવો. હું તો પણ જઈશ." થપ્પડને કારણે સામાન જે નીચે પડી ગયો હતો એ રિધિમાંએ ઉઠાવ્યો અને નીતિનની વિરુદ્ધ બાજુ ચાલવા લાગી.

નીતિન સમજી ગયો હતો કે અત્યારે રિધિમાં કોઈપણ પ્રકારની વસ્તુ સમજી શકે એ હાલતમાં જ નથી. દર વખતેની જેમ આ વખતે પણ એણે રિધિમાંને રોકી, એનો સામાન હાથમાં લીધો અને હાથ પકડી રિધિમાંને ટ્રેનના એક કમપાર્ટમેન્ટ પાસે લઈ ગયો. પાછળ સપના અને રિધિમાંનો ભાઈ દોરવાયા. રિધિમાંએ વિચારવા લાગી કે "આખરે સર માન્યા ખરા!" નીતિને દરવાજા પાસે સામાન મુક્યો અને બોલ્યો, "તમે જઈ શકો છો, હું તમને નહિ રોકુ. બસ એક આખરી વાત સાંભળી લો. આજે જો જતા રહેશો તો આજ પછી તમે મને ક્યારેય જોઈ નહિ શકો, ફક્ત મારી મૃત્યુના સમાચાર જ તમને મળશે, હું નહિ..." અને એ જતો રહ્યો. એ જાણતો હતો કે જે ઘરેથી છોકરી ભાગી જાય તો આખું ઘર કદાચ કુટુંબના બધા લોકો ક્યારેય કોઈની સામે પોતાનું માથું ઊંચું ન કરી શકે. એના ગયા પછી રિધિમાં પડી ભાંગી. એ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી. એ કદાચ નીચે પડી જ ગઈ હોત પણ ત્યાં હાજર સપના અને એના ભાઈએ સંભાળી લીધી.

એને બાંકડા પર બેસાડી અને પાણી પીવડાવવા કોશિશ કરી, પણ એનું રડવાનું ઓછું જ ન થઈ રહ્યું હતું, છેવટે ટ્રેનનો સમય થતા એને નીકળવાની સીટી મારી, સપના કે એનો ભાઈ કોઈ રિધિમાંને જવા ન કહી શક્યા. નીતિનની વાત એમણે પણ સાંભળી હતી. એ કઈ ન બોલી શક્યા. કલાક વીત્યા બાદ રિધિમાં જ્યારે એના રડવાનો આખા જીવનનો ક્વોટા પૂરો કરી ચુકી હતી. એક નજીકના નળ પાસે જઈ ચહેરો ધોઈ, બાદમાં એણે સપનાને સામાન પરત કર્યો. ભાઈનો હાથ પકડી એ પોતાના ઘરે પરત ફરી ગઈ. અને 7 દિવસમાં એના લગ્ન થઈ ગયા. નીતિન આવ્યો નહતો પણ સપના જોડે એણે રિધિમાંને ગિફ્ટ મોકલી આપી.

ત્રણ વર્ષ પછી 2013ના એક વરસાદી દિવસે........
નીતિન મજુમદારની કંપનીમાં નોકરી છોડી ચુક્યો હતો, પણ મજુમદારે એને એક ઓફિસ સેટઅપ કરવામાં મદદ કરી, અને એમાં પાર્ટનરશીપ કરી. એ આમ તો કોઈ કસ્ટમર કેર નહતું, એ એક એવી કંપની હતી જે અન્ય કંપનીઓને એમ્પ્લોઈ પુરા પાડતી હતી. એક રીતે કહીએ તો આ કંપની આમ તો લોકલ કંપનીઓને એના કર્મચારી પુરા પાડતી. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું cv આપી, રજિસ્ટ્રેશન કરાવી અમુક કંપનીઓમાં ઇન્ટરવ્યૂની જાણકારી મેળવી શકતો. અને જો એ સિલેક્ટ થાય તો એની પ્રથમ સેલરીમાંથી થોડીક રકમ નીતિનની કંપનીને મળતી. અને ન સિલેક્ટ થાય તો બીજી જગ્યા કે જ્યાં ઇન્ટરવ્યૂ થવાનું હોય એની જાણકારી મળતી. રિધિમાંના લગ્નના 6 મહિનામાં જ નીતિને આ કંપનીની શરૂઆત કરી હતી. એ કામમાં પૂર્ણત: ડૂબી રિધિમાંને ભૂલવા ઈચ્છતો હતો. એ જો ત્યાં જ નોકરી કરે તો એ ન થઈ શકે. એક રીતે એ બસ રિધિમાંની સાથે જોડાયેલી યાદોને સાચવી રાખવા ઈચ્છતો પણ એ જગ્યાઓ જ્યાં એની યાદો હતી, ત્યાં જવાની એની હિમ્મત નહતી. 2.5 વર્ષના ટૂંકા ગાળામાં એણે નામ કમાઈ લીધું હતું. સંપત્તિ એટલી બધી નહતી, પણ કામ વધુ હતું. જેથી એ કામમાં ડૂબેલો રહેતો. રવિવારે રજા ન લેવી એ નિયમિત થઈ ગયું હતું. એના પપ્પા માટે એણે એક વૃદ્ધ કલબમાં મેમ્બરશીપ લઈ લીધી હતી. જેથી એમનો સમય પણ વીતી શકે. કામ સિવાયના સમયમાં એ પપ્પા સાથે જ સમય વ્યતીત કરતો. એના પિતા આ બધું જોઈ ખૂબ દુઃખી થતા પણ કઈ કરી શકતા નહિ.

આજે સવારથી વરસાદ ખૂબ હતો. એણે લગભગ બધાને વહેલા જવા જ કહી દીધું. પણ એ ખુદ આખો દિવસ ઓફિસમાં કામ કરતો રહયો. છેવટે રાત્રે જ્યારે ઘરે જવા નીકળ્યો. એણે પોતાની કાર નીકાળી. એની ઓફિસ નવરંગપુરા વિસ્તારની એક ઓછી જાણીતી બિલ્ડીંગમાં હતી. એ બહાર નીકળ્યો. ગાડી કાઢી અને ચાવી ઇગનીશનમાં લગાવી. વરસાદ જોઈ આજે એને રિધિમાંની ખૂબ યાદ આવી જ રહી હતી. જૂની યાદો એને પરેશાન કરી રહી હતી. એ બસ ત્યાં જ બેસી રહેવા ઈચ્છતો હતો પણ આખી રાત ગાડીમાં ન બેસી શકાય. એણે ગાડી ચાલુ કરી. મણિનગર જવાનું હતું. એટલે એણે પાલડી થઈ ચંદ્રનગર બ્રિજ પરથી જવા વિચાર્યું. વરસાદને કારણે સિટીમાં ખૂબ ટ્રાફિકજામ રહેશે. આથી એણે ઓછા ટ્રાફિકવાળો રસ્તો પસંદ કર્યો. એ ધીરે-ધીરે પોતાની ગાડી ચલાવી રહ્યો હતો. ત્યાં એલિસ બ્રિજ આગળ એને પોતાની કાર રોકવી પડી. એક રિક્ષાવાળો ખૂબ ઓછા સમયમાં ટૂંકો કટ લઈ એની ગાડી આગળથી ડાબી બાજુ ફુટપાથ બાજુ જતો રહ્યો. આટલા ટૂંકા સમયગાળામાં થયેલી ઘટનાને લીધે નીતિને શોર્ટ બ્રેક મારી ગાડી રોકી અને પાછળ ગાડીઓની લાઇન થઈ ગઈ. એને થોડું અટકી ગાડી સાઈડમાં લીધી અને રીક્ષા ડ્રાઇવરને બોલવા ગાડીમાંથી નીચે ઉતર્યો. એ દુઃખી હતો જ અને આ ઘટનાથી ગુસ્સે થઈ બધો ગુસ્સો ત્યાં જ ઉતારવા ઇચ્છયુ. એ રિક્ષાની નજીક ગયો. રિક્ષામાંથી એક ડ્રેસ પહેરેલી સ્ત્રી નીચે ઉતરી. રિક્ષાવાળો એની સાથે આનાકાની કરી રહ્યો હતો. "બેન, હવે અહીંથી બીજી રીક્ષા શોધી લો, મારે ગેસ પુરાવવા જઉં છે." એ યુવતી દુપટ્ટાથી માથું ઢાંકતા બોલી, "આટલા વરસાદમાં ક્યાં શોધું? તમારે પહેલા કહેવું જોઈતું હતું. હું બીજી રિક્ષામાં જ બેસી જાત"
આ વાતો ચાલી રહી હતી કે નીતિન પાછળથી આવી રીક્ષા પર હાથ માર્યો, "ઓયે ગમે ત્યાં રીક્ષા વાળી દેવાની? એક્સિડન્ટ થઈ જાત તો?" રિક્ષાવાળો કઈ જવાબ આપે એ પહેલાં જ એણે એની સામે ઉભી રહેલી એ સ્ત્રીને જોઈ. વરસાદને અને ઘનઘોર અંધારાને કારણે સ્ટ્રીટ લાઈટનું અજવાળું ઓછું પડી રહ્યું હતું. અને એવામાં એક વીજળીનો ચમકારો થયો અને સામે ઉભી રહેલી સ્ત્રીનો ચહેરો સ્પષ્ટ દેખાયો. એક નામ બોલતા તો એનું મો પહોળું થઈ ગયુ, "રિધિમાં........" રિક્ષાવાળો આ જોઈ કે એની પર ગુસ્સો કરનાર માણસ એ યુવતીમાં વ્યસ્ત થઈ ગયો છે. એ ત્યાંથી સરકી ગયો. આ બધું ખૂબ ઓછા સમયમાં થયું હતું. એટલે રિધિમાં કઈ બોલી ન શકી. એને આટલા વરસાદ અને ઠંડકમાં પણ ગભરામણ થવા લાગી. અને આ પરિસ્થિતિથી બચવા એ બે ડગલાં પાછળ હટી અને ઊંધું ફરી ચાલવા લાગી. એમપણ એમની ત્રણ વર્ષ પહેલાંની એ અંતિમ મુલાકાત કઈ એટલી સારી રહી નહતી અને વાત કરવા માટે કઈ બચ્યું પણ નહતું.

પણ એ જઇ શકે એ પહેલાં જ નીતિને એને રોકી, "રિધિમાં આટલા વરસાદમાં તમને ઘરે જવા રીક્ષા નહિ મળે, ચલો હું મૂકી જઉં." નીતિન ભલે 3 વર્ષ પછી એને જોઈ રહ્યો પણ એને લાગ્યું જાણે આ બધું કાલની તો વાત છે. એને રિધિમાંની ચિંતા પહેલેથી જ હતી એ અહીં રિધિમાંને એકલી ન મૂકી શક્યો. વીજળીનો ચમકારો થયો ત્યારે એણે રિધિમાંને તો ઓળખી પણ એ સાથે એ પણ જાણી લીધું કે 3 વર્ષમાં રિધિમાંના ચહેરામાં ખૂબ અંતર આવી ગયું છે. આંખોની આસપાસના કાળા ઘેરા, સ્કિન કલર એ સાથે જ એની આંખોમાં એક ઉદાસીનતા જણાઈ. કઈ પૂછી ન શક્યો, પણ ઘરે મુકવાની ઓફર કરી શક્યો. રિધિમાંની ના હોવા છતાં એને કેટલીક આનાકાની પછી ગાડીમાં બેસવા એ મનાવી શક્યો. રિધિમાં એની ગાડીમાં બેઠી. નીતિને ગાડી ચાલુ કરી અને રસ્તો પૂછ્યો.
"પાલડી" નીતિને એ તરફ ગાડી હંકારી. એ બંને કઈ ન બોલી શક્યા. નીતિન ઘણું બધું પૂછવા માંગતો હતો. પણ ન પૂછી શક્યો. રિધિમાંએ પુરી રીતે નીતિનને ઇગ્નોર કર્યો. એ બારીની બહાર જોવા લાગી. લગભગ 10 મિનિટમાં પાલડી આવી ગયું અને રિધિમાં કઈ બોલી નહિ. એક તરફ ગાડી વાળવા એણે નીતિનને ઈશારો કર્યો. "બસ અહીં" એણે ગાડી ઉભી રખાવી અને થેન્કયું કહી બહાર નીકળી. નીતિને જોયું આસપાસ કોઈ ઘર નહતા. હોસ્ટેલ અને કમર્શિયલ બિલ્ડીંગ હતી. એને કઈ ન સમજાયું. રિધિમાં હજુ દરવાજો બંધ કરી જઈ રહી હતી. નીતિને બૂમ પાડી એને રોકી, "રિધિમાં તમારા પતિ કેમ છે? અહીં કેમ ઉતરો છો?"
રિધિમાં ટૂંકમાં જવાબ આપી નીકળી ગઈ, એનો જવાબ કઈક આવો હતો, "અમે સાથે નથી." એ હોસ્ટેલ તરફ ગઈ અને વોચમેન સાથે વાત કરી અંદર જતી રહી, નીતિનને વિચારતા મૂકીને........ એ કઈ સમજી ન શક્યો અને ગાડી ચાલુ કરી પણ આગળ જતી ગાડી અને રસ્તા પર એનું ઓછું ધ્યાન હતું. અને રિધિમાં તરફ વધુ હતું. એ આખા રસ્તે વિચારતો રહ્યો. ઘરે ગયા પછી, ઓફિસમાં બધે જ. એણે સમજવાની કોશિશ કરી. પણ કઈ ન સમજી શક્યો. 2 દિવસ આ ઘટનાને થયા હતા પણ એ સમજી શક્યો નહતો. છેવટે એક સાંજે પોતાનું કામ વહેલું પતાવી એ રિધિમાંની હોસ્ટેલની બહાર જઈને ઉભો રહી ગયો. જોકે એને રિધિમાંની જીદનો ખ્યાલ હતો કે એટલી આસાનાથી કોઈ જવાબ આપે એમ નહતી, પણ નીતિને પ્રયત્ન કરવાનું વિચાર્યું. એ એને કોન્ટેકટ કરી શકે એવા કોઈ અન્ય રસ્તા નહતા. રિધિમાં જ્યાં રહેતી હતી એ વર્કિંગ વુમન હોસ્ટેલ હતી, એટલે એ જોબ કરતી હોવી જોઈએ. એમ માની જ્યારે રિધિમાં નોકરી પરથી પાછી આવે ત્યારે વાત થાય. નીતિન 5 વાગ્યાથી જ હોસ્ટેલની નજીક કાર પાર્ક કરી એમાં બેસી રહ્યો હતો. એ ખૂબ બેસી રહ્યો પણ રિધિમાં આવી નહતી. રાતના 9 વાગ્યા હતા તેમ છતાં રિધિમાં આવી નહતી. નીતિન ખૂબ વિચાર કરી રહ્યો હતો. 10 વાગવા છતાં રિધિમાં આવી નહતી. છેવટે હોસ્ટેલનો ગેટ ખુલ્યો અને એક યુવતી અંદરથી બહાર નીકળી. નીતિન ગેટ તરફ જોઈ રહ્યો હતો પણ એણે એ યુવતી તરફ ધ્યાન ન આપ્યું. આટલી રાત્રે રિધિમાં થોડી નીકળે અને એ એક હોસ્ટેલ હતી એટલે એમને રાત્રે બહાર જવાની છૂટ ન હોય એમ માની નીતિન હવે હતાશ થઈ નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. એણે ગાડી વાળી અને ફર્સ્ટ ગેરમાં લીધી ત્યાં જ રીઅર વ્યુ મિરરમાં એક જાણીતો ચહેરો દેખાયો. એ યુવતી રિધિમાં હતી. આટલી રાત્રે કેમ? એ વિચાર કરવાનો નીતિન પાસે સમય નહતો. એ ફટાફટ ગાડીની બહાર નીકળ્યો અને રિધિમાં પાસે પહોંચ્યો.
"રિધિમાં, હાય...." રિધિમાં જે અત્યાર સુધી માથું નીચું કરી ચાલી રહી હતી. એણે નીતિનનો અવાજ ઓળખી લીધો અને એની તરફ જોયું.
"હાય" બસ એ બીજું કઈ ન બોલી શકી.
નીતિન સ્થિતિની ગંભીરતા સમજતો હતો એણે અહીંથી પસાર થવાનું બહાનુ બતાવ્યું. રિધિમાં જોકે સમજી ગઈ હતી કે નીતિન ત્યાં કેમ આવ્યો હતો, પણ એણે કઈ જ ન કહ્યું. થોડીવારમાં કઈ જ વાતચીત ન થતા એ બોલી, "મારે નોકરી પર જવામાં મોડું થાય છે. હું નીકળું."
નીતિન આશ્ચર્યમા હતો, "આટલી રાત્રે?"
"હા" એ નીકળવા લાગી. નીતિને એને રોકી, "ચલો હું મૂકી જઉં " નીતિન જાણતો હતો કે રિધિમાં આમ કઈ જ કહેશે નહિ એટલે એ વધુ કઈ ન બોલ્યો. રિધિમાંએ ના પાડી અને એક રિક્ષામાં બેસી જતી રહી. નીતિન કઈ ન કરી શક્યો. એ કોઈ વાત ન કરી શક્યો. એ ત્યાં જ ઉભો રહી ગયો. પણ નીતિન આ વાત જલ્દી મૂકી શકે એમ નહતો. એ રિધિમાંના દુઃખનું કારણ એના હોસ્ટેલમાં રહેવાનું કારણ જાણવા ઈચ્છતો હતો. પણ એના ગયા પછી એ ઉભો રહી ગયો. 3 વર્ષથી નિરંતર ચાલતા એના જીવનમાં ખળભળાટ મચી ગયો. હવે શું કરવું? એ વિચારી ગાડીમાં બેઠો અને એની આંખોમાં એક રહસ્યમય ચમક આવી ગઈ. એ ત્યાંથી નીકળી ગયો.

બીજો દિવસ, ત્રીજો દિવસ આમ કરતા એણે 15 દિવસ સુધી રિધિમાંની હોસ્ટેલની બહાર રાહ જોઈ. દરરોજ એ ઘટના થતી. નીતિન રિધિમાંને મુકવાની ઓફર કરતો, રિધિમાં ના પાડતી અને રિક્ષામાં જતી રહેતી. રિધિમાંને આ 15 દિવસમાં સહેજ પણ પરિવર્તન આવ્યું નહતું. એ નીતિનની સામે કઈ જ અન્ય કહેતી નહિ. એનું રહસ્ય નીતિનના મનમાં ગાઢ થઈ રહ્યું હતું. ઘણા બધા સવાલો જે એના મગજમાં ફરી રહ્યા હતા એ શાંત થવાનું નામ લઈ રહ્યા નહતા. સામે પક્ષે રિધિમાં સાવ બરફ જેવી થઈ ગઈ હતી. એની પર નીતિનની કોઈ અસર થઈ રહી નહતી. નીતિનને શરૂમાં લાગ્યું કે રિધિમાં બહુ જલ્દી પીગળી જશે, એને મનાવવી આસાન છે. પણ આટલી પથ્થર દિલની ઉમ્મીદ એને રિધિમાં તરફથી નહતી. છેવટે એ કંટાળ્યો. અને આજે તો આરપારની લડાઈ વિશે વિચાર્યું.

આજે રિધિમાં આવી. નીતિને રોજની જેમ પૂછ્યું, ઍને ના પાડી. રીક્ષા રોકાવી અને બેસી ગઈ પણ આજે કઈક અલગ થયું. નીતિન આજે અલગ મૂડમાં હતો. રિધિમાંની બેસવાની સાથે નીતિન પણ રિક્ષામાં બેસી ગયો. એ આનાકાની કરે એ પહેલાં નીતિને જ રીક્ષાચાલકને રીક્ષા ચલાવવા કહ્યું. રિધિમાં આજે પણ ચુપચાપ બેસી રહી. નીતિન બાજુમાં હતો એના ધબકારા વધી ગયા હતા પણ એણે દેખાડો એવો જ કર્યો કે એને કોઈ ફરક નથી પડતો. સાચે જ 3 વર્ષમાં રિધિમાં ખૂબ બદલાઈ ગઈ હતી. એની આંખો જે નીતિન વાંચી શકતો, એ હાલ આ રિધિમાંને ઓળખી શકતો જ નહતો. છેવટે નીતિને રિક્ષાવાળાને એક જગ્યાએ ઉભું રહેવા કહ્યું. બહાર નીકળ્યો, અને એણે કહ્યું, "બહાર નીકળો"
"મારે મોડું થાય છે" એ રીક્ષાચાલકને જવા માટે કહી રહી હતી કે નીતિને રિધિમાંનો હાથ ખેંચી બહાર કાઢી. આમ તો કદાચ જ કોઈ બીજાના મામલામાં માથું મારે પણ આ અમદાવાદ હતું. એટલે કદાચ એવું ન થાત. નીતિનને આમ કરતો જોઈ રિક્ષાચાલક બહાર નીકળ્યો, "શુ ભાઈ છેડતી કરો છો બેનની" એમ કરી એ બુમો પાડી બધાને ભેગો કરવાનો હતો પણ રિધિમાંએ એને રોક્યો, "ભાઈ તમે જાઓ, હું આમને ઓળખું છું." રિક્ષાચાલક આ સાંભળી બડબડાટ કરી નીકળી ગયો
"સર શુ છે? હમણાં માર ખાવો પડત તમને. શુ તકલીફ છે તમને?" રિધિમાં આંખોમાં લાલ કરી બોલી.
"રિધિમાં હું 15 દિવસથી તમારી સાથે વાત....."
વચ્ચેથી વાત કાપતા, "મેં કહ્યું છે?????" રિધિમાંનો આવો જવાબ સાંભળી નીતિન ચોંક્યો. એ 2 ડગલાં પાછળ હટી ગયો. રિધિમાં આવી રીતે વાત કરી શકે છે એ એને ન સમજાયું. માથું ખંજવાળતા એ બોલ્યો, "ઑકે હું આજ પછી તમારી પાછળ નહીં આવું, પ્લીઝ આજે મારી સાથે વાત કરી લો." રિધિમાંએ થોડો વિચાર કર્યો અને હા પાડી.

"શુ કહેવું છે સર તમારે? બોલો." એણે રિધિમાંને જે જગ્યાએ નીચે ઉતારી એ ઓસવાલ રેસ્ટોરન્ટની સામેની જ જગ્યા હતી, રિધિમાંએ હવે એ બાબત નોટિસ કરી. એ લોકો સામે રેસ્ટોરન્ટ તરફ ગયા. પણ રિધિમાંએ અંદર જવાની ના પાડી. નીતિનને પણ એ જ ઠીક લાગ્યું. આથી એ બંને પાછળના રિવરફ્રન્ટ પર જતાં રહ્યાં. રિવરફ્રન્ટ બાજુનો રસ્તો નવો હોઈ ત્યાં કોઈ ભીડ કે ટ્રાફિક નહતો. નદીના શાંત પાણીનો અવાજ અને વાદળછાયી ચાંદની રાત. જોરદાર કોમ્બિનેશન. બંને જણ પાળી પર હાથ ટેકવી ઉભા રહી ગયા. નીતિનને શુ બોલવું એ સમજાતું નહતું. પણ આજે નહિ તો ક્યારેય નહીં એમ વિચાર કરી એ થોડીવાર પછી બોલ્યો.
"રિધિમાં શુ થયું હતું?" નીતિને કરેલ સવાલથી રિધિમાંના વર્તાવમાં કે ચહેરા પર કોઈ ફરક ન પડ્યો. એણે શાંત ચિત્તે જવાબ આપ્યો, "કઈ નહિ."
નીતિન એટલો મૂંઝાયો, આ સામે ઉભી રહેલી વ્યક્તિને એ ઓળખે છે કે નહીં એ વિચારવા લાગ્યો. આ તો કોઈ બીજી છે. એની મસ્તીખોર અને ચિંતાગ્રસ્ત રહેતી રિધિમાં ક્યાં ગઈ. આ તો કોઈ વૈરાગી વ્યક્તિ હોય એવું લાગ્યું, એની પર ભાર મુકવા નીતિને કહ્યું, "રિધિમાં પ્લીઝ મને જણાવો. મારી વધુ પરીક્ષા ન લો. હું આ બોઝ સહન નહિ કરી શકું. પ્લીઝ મને જણાવો."
"મારી પાસે કઈ નથી તમને કહેવા." દરેક વખતે નીતિન રિધિમાં પર ભારે પડતો, આજે રિધિમાં નીતિન પર ભારે પડી રહી હતી. ઘણી-બધી રિકવેસ્ટ પછી રિધિમાંએ કહ્યું, "મારી સાથે જે થયું હોય એમા તમારો દોષ નથી. ચિંતા ન કરો. તમારે મારી માટે પરેશાન થવાની જરૂર નથી." હજી પણ એ શાંત જણાતી હતી.

નીતિન હવે ખૂબ પરેશાન થઈ ગયો હતો એને આમ જોઈ રિધિમાં જ બોલવા લાગી, "મારા લગ્ન થઈ ગયા હતા પણ મન તમારી પાસે હતું. મન વગરનું શરીર હું કોઈને આપવા ઇચ્છતી નહતી. અને 2 દિવસમાં જ મને એ પણ ખ્યાલ આવી ગયો કે જેની સાથે મારા લગ્ન થયા છે એને પણ મારી સાથે કોઈ ઉમ્મીદ નહતી. અમારા ટૂંક સમયમાં લેવાયેલ લગ્ન એની માટે પણ એક જબરદસ્તી હતી. મેં ન તો એની સાથે વાત કરી, ન એણે મારી સાથે. અમે અલગ થઈ ગયા. અમારા પરિવારના લોકોએ ખૂબ દબાણ મૂક્યું છેવટે ઘર છોડવાનું કહી દીધું ને હું અહી આવી ગઈ. મારા પિતા મને સાથે રાખવા ઇચ્છતા હતા. પણ દાદાએ એમ કરવાની ના પાડી દીધી. હું 3 દિવસ કરતા ત્યાં વધુ રહી નહતી. પણ જેમ દરવખતે થાય છે એમ '100 મોઢા 1000 વાતો' બદનામીથી બચવા દાદાએ એવું કર્યું. દાદાનો વિચાર હતો કે રહેવાના કોઈ વિકલ્પ ન હોવાથી હું સાસરે પાછી જતી રહીશ." રિધિમાં થોડું અટકી, એની સામે ઊભા રહેલા વ્યક્તિ સામે જોયું એની આંખોમાં અશ્રુધારા હતી.

રિધિમાંએ પોતાની બેગમાંથી રૂમાલ નીકળ્યો અને નીતિનને આપ્યો. એ આગળ બીજું કઈક બોલવા જઈ રહી હતી, પણ ન બોલી શકી. નીતિને રૂમાલ હાથમાં લીધો આંસુ સાફ કર્યા અને બોલ્યો, "આ બધું મારી એક ભૂલના કારણે થયું. જો પરિવારની ઈજ્જત બચાવવા મેં તમને દબાણ ન કર્યું હોત તો આવુ કઈ ન થાત. તમે મને ઈચ્છો એ સજા આપો મને મંજુર રહેશે. પણ તમારી આ શાંતિ મને ખુબ હચમચાવી રહી છે."

રિધિમાંએ નીતિનની સામે જોયું અને બોલી, "સર તમે જે કર્યું એ કદાચ જ કોઈ કરી શકે. સ્વાર્થની આ દુનિયામાં તમે મારા પરિવાર વિશે વિચાર્યું. એનાથી શ્રેષ્ઠ શુ હોય? મમ્મી-પપ્પા પર પણ મને કોઈ ગુસ્સો નથી. માન્યું કે મારી સાથે ખોટું થયું પણ એમણે તો મારી ખુશનુમા જીવનની જ આશા કરી હતી. એમનો આશય ખોટો નહતો. બસ મારી જ કિસ્મત મને દગો આપી ગઈ."
રિધિમાંનો આટલો તર્કવાળો જવાબ સાંભળી નીતિન ખૂબ દુઃખી થયો. એની ચુલબુલી રિધિમાંમાં કોઈ વિરાટ શાંતિએ પ્રવેશ કર્યો હોય એવું એને લાગ્યું. એ ઘણું-બધું કહેવા ઈચ્છતો હતો પણ ચૂપ રહ્યો.
થોડીવાર પછી એ બોલ્યો, "તમે મારી પાસે કેમ ન આવ્યા??"
રિધિમાંએ એની સામે જોયા વગર જ જવાબ આપ્યો, "મારી પાસે આવવાનું કોઈ કારણ નહતું. તમે જે સખત વિરોધની આશા મારી પાસે રાખતા હતા એ હું પુરી ન કરી શકી. વિરોધ ખૂબ પાછળથી કર્યો એટલે તમારી સાથે પણ નજરો મેળવવાની હિંમત નહતી એને તમારી ધમકીએ મને તમારી પાસે આવતા રોકી લીધી." નીતિનને એની ત્રણ વર્ષ પહેલાંની સ્ટેશન પરની વાત યાદ આવી અને પોતાને જ દોશી માનવા લાગ્યો. રિધિમાંએ એને સમજાવ્યું કે એમાં એનો કોઈ વાંક નથી પણ એ ન સમજી શક્યો. હવે ખૂબ વધુ સમય વીતી ચુક્યો હતો વાત કરવા માટે કોઈ જ ટોપિક બચ્યો નહતો.

રિધિમાંએ કહ્યું, "સર મને આશા છે કે હવે તમે મારી હોસ્ટેલની બહાર નહિ ઉભા રહો. તમારા બધા સવાલોના જવાબ આપ્યા બાદ હવે આપણી વચ્ચે કઈ નથી બચ્યું. તમે પોતાને દોશી ન માનો અને હમેશા ખુશ રહો એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરીશ." એ બે ડગલાં આગળ ચાલી અને પાછી નીતિન તરફ ફરી. એને કહ્યું, "સર જો પ્રેમની સફળતા લગ્ન જ હોય તો આજે રાધા-કૃષ્ણના મંદિર નહોત. એટલે બસ હું એ જ સમજીને ખુશ છું કે મેં કોઈને આટલો પ્રેમ કર્યો. તમે દુઃખી ન થશો. હું તમને કોઈપણ પ્રકારે દોશી માનતી નથી." એ હવે આગળ ચાલવા લાગી.

એણે નીતિનની રાહ ન જોઈ પણ નીતિન ત્યાં ઉભો કઈક વિચારી રહ્યો હતો, એણે પાછળથી જ રિધિમાંને રોકી, "રિધિમાં રાધા-કૃષ્ણનો ખ્યાલ નથી, પણ એટલો ખ્યાલ જરૂર છે કે તમારા નીતિનને હજુ પણ તમારી જરૂર છે. હું આજે પણ ત્યાં જ રોકાયો છું, જ્યાં 3 વર્ષ પહેલાં હતો. મારી પાસે જીવનમાં કઈ જ નથી. હું તમને મારુ જીવન બનાવવા ઇચ્છું છું. પ્લીઝ મને એક તક આપો. ."

રિધિમાંએ પાછળ ફર્યા વગર જ જવાબ આપ્યો, " સર મારા જીવનમાં હવે તમે નથી. આપણી વાત જ્યાં 3 વર્ષ પહેલાં અટકી હતી આજે પણ એ જ સમસ્યા છે. આજે પણ મારો પરિવાર નહિ માને. અને જે 3 વર્ષ પહેલાં થયું એ ફરીથી બને એવી મારી કોઈ ઈચ્છા નથી. તમે જો આ વખતે પણ એવી રીતે જ મને છોડી દીધી તો કદાચ હું જીવી નહિ શકું. એટલે હું એ વિશે વિચારવા નથી ઇચ્છતી." આટલું બોલી એ આગળ ગઈ પણ એનો હાથ નીતિને ઝડપથી પકડી લીધો. અને એને પોતાની તરફ કરી, રિધિમાં ડઘાઈ ગઈ.

નીતિને એને જોઈ અને એની નજીક જઇ બોલ્યો, "રિધું તારી દુરી મેં આ 3 વર્ષ દરમિયાન સહન કરી છે. જીવન જીવ્યું નથી માત્ર કાપ્યું છે. હું તારી સાથે જીવવા ઇચ્છું છું. શુ તું મને એક તક નહિ આપે? હવે તારો પરિવાર કે અન્ય કોઈપણ તને મારાથી દૂર કરશે તો હું એ નહિ થવા દઉં." એનો હાથ ગાલ પર ફેરવી, "ઈજ્જત અને સમાજના ચક્કરમાં મેં તને તકલીફ પહોંચાડી હતી. તને થપ્પડ...... ખેર જવા દે એ બાબત. પણ હવે નહિ, હવે કોઈ જ નહીં. બસ તું મારી દુનિયા છે અને હવે મારે બીજા કોઈને દુઃખ થાય કે તકલીફ થાય એ વિચારી તને તકલીફ નથી આપવી. બસ મને મારી પહેલાની રિધું આપી દે!"
"સર મને જવા દો. તમે આવું ન કરી શકો. મને હવે તમારા જીવનમાં કે અન્ય કોઈના જીવનમાં જવાની કોઈ ઈચ્છા રહી નથી." રિધિમાં પરેશાન થઈ રહી હતી અને એણે અનુભવ્યું કે હલકો વરસાદ ચાલુ થઈ ગયો છે. એણે વરસાદની બુંદો અનુભવી. જે વરસાદ એને નીતિનની નજીક લાવ્યો હતો. આજે પણ એ અહેસાસ એના હૃદયમાં ઊંડે દબાયેલો હતો. ત્રણ વર્ષ દરમિયાન આંખોમાં આંસુ ન લાવનાર રિધિમાં આજે આ લાગણીને દબાવી શકતી નહતી. વરસાદ જેમ-જેમ વધી રહ્યો હતો એ સાથે એના હૃદય પરનો ભાર વધી ગયો હજુ પણ નીતિનનો એક હાથ એની કમર પર અને બીજો માથા પર હતો. અચાનક પોતાને છોડાવવા માટે આઘી-પાછી થતી રિધિમાં શાંત થઈ ગઈ હતી. એ જોઈ નીતિન એની તરફ આકર્ષાઈ રહ્યો હતો. એ રિધિમાં પર પડતી વરસાદની બુંદો અને એની આંખોને ધ્યાનથી જોઈ રહ્યો હતો. અને એણે તરત રિધિમાંના હોઠ પર એક ગાઢ ચુંબન કર્યું.

રિધિમાંએ આ વખતે ન વિરોધ કર્યો અને ન નીતિનનો છોડાવવા પ્રયત્ન કર્યો. એ બસ હજુ એની બાહુપાશમાં જ સમાયેલી હતી. અને એના હોઠ એકબાજુ કાતર્યાં પછી નીતિને પોતાના હોઠ દૂર કર્યા. અને એ બસ થોડીવાર એની નજીક ઉભો રહ્યો. રિધિમાંએ આ વખતે શરમ ન અનુભવી. નીતિન જેવો દૂર થયો કે રિધિમાં રડવા લાગી. એનું રડવાનું સતત વધી રહ્યું હતું. પણ નીતિન એને રોકી રહ્યો નહતો. વરસાદની સાથે એના આંસુ ભેગા થઈ ગયા હતા. નીતિન જાણતો હતો કે આ 3 વર્ષ દરમિયાન રિધિમાંએ ઘણું બધું સહન કર્યું હશે. એટલે એને રડવા દીધી. થોડા સમય પહેલા એના હૃદય પરનો ભાર હવે હળવો થઈ ગયો. અને એ શાંત થઈ. હવે વરસાદ ખૂબ ધીમો પડી ગયો હતો. આ વરસાદ જાણે એને મુક્તિ અપાવવા જ આવ્યો હતો. રિધિમાં શાંત થઈ અને એણે જોયું કે નીતિન હજી પણ એ રીતે જ એની નજીક ઉભો છે એ 20 મિનિટથી આમ જ ઉભો રહ્યો હતો. અને એની તકલીફમાં સાથ આપી રહ્યો હતો.

એણે પોતાને નીતિનથી અળગી કરી અને બોલી, "સોરી સર હું પોતાને...." એની અવઢવ સમજી નીતિન જ બોલ્યો, "ચિંતા ન કરો આખા જીવન દરમિયાન જો આમ ઉભું રહેવું પડે તો પણ હું ઉભો રહીશ. બસ બધું જ પાછળનું ભૂલી તમે મારી સાથે આવી જાઓ."

રિધિમાંને શુ બોલવું એ સમજાઈ રહ્યું નહતું. એ અત્યારે આ બધું સમજી શકતી નહતી. નીતિને ફરીથી કહ્યું, "મને ખબર છે કે તમે કઈ સમજી શકતા નથી હાલ, પણ એક વસ્તુનો વાયદો કરું છું, હું તમારી રાહ જોઇશ અને આ વખતે જ્યારે તમે તમારો હાથ મને આપશો ત્યારે હું કોઈની પણ માટે થઈ એ હાથને નહિ છોડું." રિધિમાં બહુ સમય પછી હળવાશ અનુભવી શકી. નીતિનની ગાડી તો હોસ્ટેલ બહાર જ હતી એટલે રિધિમાંને રિક્ષામાં જ એના નોકરીના સ્થળ પર છોડી. બીજા દિવસથી એ બંને વચ્ચે એક નવા સંબંધે જન્મ લીધો. ઓળખાણ પછી તરત થયેલા પ્રેમને કારણે જે દોસ્તીનું પગથિયું રહી ગયું હતું એ હવે ભરાયું. બંને વચ્ચે ત્રણ વર્ષ પહેલાંના એમની વચ્ચેના પ્રેમ સુધી પહોંચવા આ દોસ્તીની ખામી ભરવી જરૂરી હતી. અને બસ પહેલાની જેમ બંને હરવા-ફરવા લાગ્યા. મજાક-મસ્તી કરવા લાગ્યા. રિધિમાંની હસી પાછી આવેલી જોઈ એ ખૂબ ખુશ હતો. થોડા દિવસમાં જ 3 વર્ષની દુરીની ખીણ પુરાઈ ગઈ. રિધિમાંને નીતિનની કંસલટનસી વિશે જાણ થઈ અને નામ સાંભળી એ ખુશ થઈ ગઈ. "રિધમ કન્સલટન્ટ"

એક દિવસે નીતિને રિધિમાંને એક રેસ્ટોરન્ટમાં બોલાવી, રિધિમાંને લાગ્યું કે નીતિન કદાચ લગ્ન માટે પૂછશે. પણ એના આશ્ચર્ય વચ્ચે ત્યાં એના મમ્મી-પપ્પા અને ભાઈ હાજર હતા. એના મમ્મી-પપ્પાએ પોતાની દીકરીને ખૂબ વ્હાલ કર્યો અને કહ્યું, "બસ હવે તારા દાદાની વાત સાંભળી મારે તને તારા જ ઘરથી દૂર નથી રાખવી. તું આજે જ અમારી સાથે ચલ." રિધિમાં થોડી મૂંઝાઈ રહી હતી તો એના પપ્પાએ કહ્યું, "તું ઈચ્છે તો હું તારી પાસે માફી......."
રિધિમાં તરત બોલી, "ના પપ્પા એવું ન બોલશો. બસ હું એમ વિચાર કરું છું કે ક્યાંક તમારા અને કુટુંબના અન્ય લોકોના સબંધ ખરાબ ન થાય."
એના પપ્પા થોડા ગુસ્સે થતા બોલ્યા, "થવા દે, પણ હવે તું એક દિવસ પણ એ હોસ્ટેલમાં નહિ રહે." રિધિમાં આ સાંભળી ખૂબ ખુશ થઈ અને એ બધાએ સાથે લંચ કર્યું. આ બધું જ નીતિને જ કર્યું હોવું જોઈએ. નીતિન જોકે ત્યાં હાજર નહતો. પણ રિધિમાં એનો આભાર વ્યક્ત કરવા માંગતી હતી. પપ્પાના હુકમ બાદ તરત એણે હોસ્ટેલ છોડી દીધી.

2 દિવસ સુધી પરિવાર સાથે પ્રેમમાં સમય ગાળ્યા બાદ એ ખૂબ ખુશ હતી અને એણે મેસેજ કરી નીતિનને બગીચામાં મળવા બોલાવ્યો. એ દિવસે રિધિમાં ખૂબ ખુશ હતી અને જલ્દીથી બગીચામાં પહોંચી. નીતિન ત્યાં એની રાહ જોઈ રહ્યો હતો. એ નજીક જઈ બોલી, "સર સોરી મેં તમને ખલેલ પહોંચાડી"
"અરે ના ના હું નવરો જ હતો." નીતિન ખુશ થઈ બોલ્યો.
રિધિમાંએ યાદ કરાવ્યું, "સર છોકરી પટાવવા આવ્યા છો? કેટલું બેકાર કારણ આપો છો."
નીતિન એની તરફ જોઈ બોલ્યો, "આપણી વચ્ચેની દોસ્તીનો તમે ખૂબ ફાયદો ઉઠાવો છો. તમે મને આવું કેમના કહી શકો?"
રિધિમાં જોરથી હસવા લાગી અને કહ્યું, "સોરી સર, પણ તમે તો જુઓ કેવું બોલો છો? એટલે મારે આવું કહેવું પડ્યું." રિધિમાં એટલી જોરથી હસી રહી હતી કે એની આંખોમાંથી પાણી નીકળવા લાગ્યું નીતિન ચિંતામાં આવી ગયો, એની ચિંતા જોઈ રિધિમાં બોલી, "સર આ તો ખુશીના આંસુ છે. ચિંતા ન કરો. એ બધું છોડો હું તમને કઈક કહેવા આવી હતી." એની તરફ જોઈ, "સર થેન્કયું મને મારા પરિવારના નજીક લાવવા માટે."
નીતિન બોલ્યો, "રિધિમાં તમે તમારા પરિવારના નજીક જ હતા. બસ વચ્ચે સમાજનું એક દબાણ આવી ગયું હતું."
રિધિમાંએ નીતિન તરફ જોઈ બોલવા લાગી, "વાંધો નહિ સર જો તમારે ક્રેડિટ ન લેવી હોય તો. પણ તમે મારા માટે ખૂબ સારું કર્યું છે"
"રિધિમાં એ તો દોસ્તીમાં કરવું પડે."
"દોસ્તી" રિધિમાં સાંભળી દુઃખી થઈ ગઈ.
નીતિને પૂછ્યું, "કેમ ઉદાસ થઈ ગયા?"
રિધિમાં પોતાને સ્વસ્થ કરી, "સર, આ હસીનું દુઃખ છે."
"મજાક ન કરો. ચોખ્ખું કહો."
રિધિમાંએ નારાજગી વ્યક્ત કરી, "ખાલી દોસ્તી? હું તો લગ્ન માટે પૂછવાનું વિચારતી હતી." એણે નીતિનને એક આશ્ચર્યમાં ગરકાવ થતો જોઈ આગળ બોલી, "કઈ વાંધો નહિ, જો તમને મારી સાથે લગ્નમાં રસ ન હોય તો? હુ બીજા સાથે લગ્ન કરી લઉં"
નીતિન ગુસ્સામાં આંખો મોટી કરીને, "કરી તો જો, સામેવાળાના હાથ-પગ તોડી નાંખીશ"
"સર તમને નથી લાગતું તમે બદલાઈ ગયા છો. પહેલા તો..."
"હા કેમ કે હવે હું તમને મારાથી દૂર રાખવા નથી ઈચ્છતો. બસ તમને હાલ એટલે ના પૂછ્યું કે હજુ હાલ તો તમારા પરિવાર સાથેના તમારા સબંધ સારા થયા છે. જો ફરીથી.."
રિધિમાં નીતિનના હાથ પર હાથ મૂકી, "સર એમને હવે કોઈ તકલીફ નથી, એમણે મને સામેથી તમારી સાથે લગ્ન કરવા વિશે પૂછ્યું."
રિધિમાંનો હાથ જોરથી દબાવી, "સાચે???"
"હમ્મ"
બસ બગીચામાં હતા એટલે ગળે ન મળી શક્યા પણ જ્યાં એ બંનેની આત્મા મળેલી હોય ત્યાં ગળે મળવાની શુ જરૂર?
અને થોડા દિવસ પછી આખા કુટુંબના સખત વિરોધ વચ્ચે રિધિમાંના મમ્મી-પપ્પાએ એના લગ્ન નીતિન સાથે એક મંદિરમાં કરાવ્યા. આ વખતે એ બન્નેએ એમની છોકરીને એક સારા છોકરાને સોંપી હતી એટલે એમને કોઈ ચિંતા કે ડર નહતો. એમણે ખુશી-ખુશી રિધિમાંની વિદાય કરી. અને મગનકાકાએ ધામધૂમથી વહુનો ગ્રહપ્રવેશ કરાવ્યો. બસ સમય સાથે બધું ઠીક થઈ ગયું.

એ રાત્રે નીતિનના રૂમમાં રિધિમાં જ્યારે પોતાના પહેરેલા ઘરેણાં નીકાળી રહી હતી, ત્યારે એણે નીતિન સામે જોયું એ એક ખૂણામાં દિવાર પર માથું ટેકવી એને જ જોઈ રહ્યો હતો.
"સર શુ જુઓ છો?"
"તમને!"
એણે કઈક વિચાર્યું અને બંગડીઓ કાઢતા નીતિનને પૂછવા લાગી, "સર તમે ક્યારેક મને 'તું' કહો છો. તો ક્યારેક 'તમે'. આવું કેમ?"
નીતિને હસીને જવાબ આપ્યો, "જ્યારે 'તમે' કહું છું ત્યારે તમારી પ્રત્યે સન્માન અનુભવાય છે. અને જ્યારે 'તું' કહું છું ત્યારે પ્રેમ. બસ હું આજે કઈક માંગવા ઇચ્છું છું તમારી પાસે."
રિધિમાંએ એક મોટી મુસ્કાન આપી અને બોલી, "શુ?"
"તમે મને નીતિન કહીને બોલાવોને. મને ખુબ ગમશે."
ગભરાઈને, "સર હું એવું ન કરી શકું."
નીતિન ઉદાસ થઈ બેડ પર જઇ બેસી ગયો. એક ટેબલ પર બેઠેલી રિધિમાં બધા ઘરેણાં કાઢ્યા બાદ નીતિનની નજીક આવી એના હાથ પર હાથ મુક્યો, અને પ્રેમથી બોલી, "નીતિન"
નીતિન ખૂબ ખુશ થઈ ગયો એણે રિધિમાંને જોરથી ગળે લગાડીને એને લગભગ દબાવી દીધી. જ્યારે એનો શ્વાસ રૂંધાયો ત્યારે છોડી. રિધિમાં હાંફતા બોલી, "સર હજુ આજે જ આપણા લગ્ન થયા છે. તમને બીજા લગ્ન કરવાની આટલી ઉતાવળ આવી છે કે મને આવી રીતે મારી રહ્યા છો."
નીતિન ગુસ્સે થઈ ગયો અને રિધિમાંના હાથ દબાવ્યો, "મિસિસ પટેલ, સંભાળીને. તમે રિધમ કન્સલ્ટન્ટના માલિક સાથે વાત કરો છો." રિધિમાંએ મોઢું ચઢાવ્યું, "સારું તો જાઓ તમારી પહેલી પત્ની રિધમ કન્સલ્ટન્ટ સાથે. હું જઉં."
નીતિને એનો હાથ પકડી એને પોતાની તરફ ખેંચી અને એને બેડ પર પાડી દીધી, એની નજીક ગયો અને બોલ્યો, "મને ગમ્યું, 3 વર્ષ પહેલાંની માસૂમ રિધિમાં કરતા, અત્યારની જંગલી રિધિમાં. આઈ લવ યુ...." પ્રેમ હતો પણ પ્રેમનો સ્વીકાર હવે થયો. આ 'આઈ લવ યુ' શબ્દ વગર જ એમના સંબંધે પ્રેમના બધા જ રંગો માણ્યા. આજે એ શબ્દ સાથે એ બંનેએ પોતાના નવા જીવનમાં પ્રવેશ કર્યો. રિધિમાં આ સાંભળી પહેલેથી જ શરમાઈ ગઈ હતી અને રૂમના આછા પ્રકાશમાં એ બંનેના આત્માની સાથે શરીરનું પણ મિલન થઈ ગયું.

થોડીવાર પછી નીતિન સુઈ ગયો રિધિમાં હજુ એની બાહુપાશમાં હતી, એ એક મિનિટ માટે પણ એને છોડવા માંગતો નહતો. ઊંઘમાં પણ રિધિમાંની આસપાસ નીતિનની એક મજબૂત પકડ હતી. રિધિમાં બસ નીતિનની તરફ જોઈ રહી હતી અને વિચારી રહી હતી,

"માત્ર આ 7 વર્ષમાં મેં આખું જીવન જોઈ લીધું જાણે, મારા ઈશ્કે મને મીરા બની મારા કાનની રાહ જોયાનો રંગ બતાવ્યો, શ્રવણ બની માતા-પિતાની આજ્ઞા પાળવાનો રંગ બતાવ્યો. રાધા બની કૃષ્ણને ચાહવાનો રંગ બતાવ્યો. ધૃણા, ક્રોધ, શોક, ઉત્સાહ, ભય અને આશ્ચર્યના રંગ પણ બતાવ્યા. અને છેવટે આ જ ઈશ્કમાં મને એ રંગ પણ જોવા મળ્યો, જેમાં પોતાના વિરાટ પ્રેમને કારણે પાર્વતીએ પોતાના શિવજીને પામ્યા. અમુક સીમિત લાગણીઓથી ભરેલા મારા જીવનમાં જ્યારે આ ઇશ્ક કે પ્રેમે દસ્તક આપી ત્યારે લાગણીઓ અસિમિત થઈ ગઈ અને એમા ઘણા રંગો પુરાઈ ગયા. એક રંગારો જેમ અનેક રંગોથી ચિત્ર બનાવે છે, એ અનેક રંગો નીતિને એના ઇશ્કથી મારા જીવનમા પૂર્યા. બસ હવે વધુ નહિ હું ફક્ત એની બાહોમાં ખોવાઈ જવા ઇચ્છું છું. પાછળના જીવનના કોઈ પણ અફસોસ વગર બસ એની થઈ જવા માંગુ છું. આઇ લવ યુ નીતિન. મને પ્રેમનો, મારા ઈશ્કનો રંગ બતાવવા બદલ તમારો આભાર નીતિન...." અને એણે પોતાના ગુલાબી હોઠ નીતિનના હોઠ પર મૂકી દીધા અને એક કિસ કરી. પછી એની છાતીમાં પોતાનું માથું છુપાવી દીધું..........

હું પ્રિયાંશી સથવારા અનેક લાગણીઓ સાથે આપની રજા લઉં છું, બસ એક વખત પોતાના જીવનમાં ડોકિયું કરી પોતાના નીતિન અને રિધિમાંને શોધવા પ્રયત્ન કરજો આપ સૌ. શુ ખબર એને પણ મળી જાય એના ઈશ્કનો રંગ..............."

(આપની રજા લેતા મને ખુબ દુઃખ થાય છે. પણ ખૂબ જલ્દી હું એક નવી કથા સાથે આપની સાથે જોડાવાની છું વધુ નહિ ફક્ત થોડો ઇંતેજાર........)