કોણ છે ઈશ્વર !? ક્યાં છે ઈશ્વર !?
નવખંડ ધરતીનો આધાર છે ઈશ્વર;
અમથો જ કંઈ થોડો પૂજાય ઈશ્વર,
અણધારી વેળાએ દેખાય છે ઈશ્વર;
ગુમાન જે'દી માણહ ની જાત ને વધે,
એ'દી ધરતી પર અવતરાય છે ઈશ્વર;
નશ્વર નથી કોઈ પ્રાણી આ ધરા મહીં,
અચેત જીવોની ચેતનાનો સાર છે ઈશ્વર;
માણસોનો સાથ તો મહાણ સુધી છે,
પછીનાં સાથ માટે જ પૂજાય છે ઈશ્વર.
"યારી"
દિલ આજે દુનિયાદારી થી અલગ છે,
જેમ વૃક્ષ એની ક્યારી થી અલગ છે;
આપી છે અમે બસ દુઆઓ જ સઘળે,
મારી છવિ તમે જે ધારી થી અલગ છે;
તમને સંતાપીને હું સુખી જ કેમ રહું??
મારી ખુશીઓ થોડી તારીથી અલગ છે;
વાત કોઈ'દી નીકળે જમાનામાંય તારી,
જીવનની આ રીત યારી થી અલગ છે;
એ અલગ વાત, તમે ગમો છો મુજને,
"બેનામ" આ જીદ પ્યારી થી અલગ છે.
"મેહુલો"
આકાશે ચડીને એક વાદળી આવી છે,
એની સાથે તારી મીઠી સુગંધ લાવી છે;
હસ્તીનું નક્ષત્રને ગગન વીજ ચમકી છે,
ચમકની સાથે તસ્વીર યાદ આવી છે;
ધીમાં ફોરા જાણે કે અમીનાં છાંટણા,
વસુધાના આંચલની ફોરમ લાવી છે;
જગતનો તાત જેના સામૈયા લઈ બેઠો,
જાણે કે એના હરખની હેલી લાવી છે;
વરસજે હવે તું મન મૂકીને હે! મેહુલા,
બેનામ,ઝાપટાની રીત અમને ક્યાં ફાવી છે.
"તારા વગર"
શું હોય એ વિહંગ એના માળા વગર,
એવો જ કૈક હું પણ છું તારા વગર;
ઈકબાલ બધાને હરઘડી ક્યાંથી મળે!?
જાણે સૂકું ફૂલ દીસુ છું હું તારા વગર;
પૂનમ કેવી રીતે પૂર્ણ થાય ચાંદ વગર,
નદીઓ ભટકે છે જાણે કીનારા વગર;
ક્ષુબ્ધ જીવન સાવ કેમનું જીવી લેવું??
સર્વ રસો નીરસ છે જાણે તારા વગર;
તું આવ્યે સજાય આલીશાન મેહફીલ,
"બેનામ"પછી ક્ષણ ન ગુજરે તારા વગર.
" હૃદય"
રાખ જેવું જીવન છે અને સળગતું રહે છે હૃદય,
ક્યારેક ભગ્ન, ક્યારેક મગ્ન, ને રમતું રહે છે હૃદય;
દ્રવિત છે આંખો ને ઘેરાયેલ છે અહીં મન પણ,
લાગણીઓ થી લૂંટાયું છતાં ભમતું રહે છે હૃદય;
અણનમ અને અડીખમ છે, પથ્થર સમ હૃદય,
ને ઝુકાવે કોઈનો સ્નેહ ત્યારે નમતું રહે છે હૃદય,
અણગમા કેરી આગથી તપવા છતાંય જો ને,
મળે જ્યાં કોઈ નયનરમ્ય ત્યાં ગમતું રહે છે હૃદય;
વેળા ને કવેળા એ સબંધો તણા ઘાવ મળ્યા છે,
સઘળું જાણવા છતાંય પણ ખમતું રહે છે હૃદય;
આક્રંદ, રુદન અને ખોટી મુસ્કુરાહટથી ઘેરાઈને,
"બેનામ" અમથું અમથું સહમતુ રહે છે હૃદય.
"લખી દઉં"
ચાલ આજે એક આભાસ લખી દઉં,
તું કહે તો આજે એક રાસ લખી દઉં;
વૃંદાવન કે ગોકુળિયું ભલેને દૂર હોય,
તું કહે તો તારી આસપાસ લખી દઉં;
દિવાસાનો દિવસ, અંધારી ઘોર રાત છે,
છતાંય તું કહે તો પૂનમ ચાંદ લખી દઉં;
દિવસેય મદમસ્ત મસ્તીનો કેફ ચડે તને,
તું કહે તો એવા મિલનની રાત લખી દઉં;
ચકોરને વાહલી છે મીઠી એની ચાંદની,
તું જો કહે તો એનેય તારે નામ લખી દઉં;
હે પ્રિયે, આગમન તણા ડગલા તો માંડો,
"બેનામ" ફૂલોથી તરબતર આભ લખી દઉં.
💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐
...✍️ લેખક
ભાર્ગવ જોષી "બેનામ"
💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐
[ક્રમશઃ]