પ્રણયભંગ ભાગ – 6 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણયભંગ ભાગ – 6

પ્રણયભંગ ભાગ – 6

લેખક - મેર મેહુલ

“તું મને પસંદ કરવા લાગ્યો છે ?” સિયાએ પૂછ્યું.

અખિલ પાસે આ સાવલનો જવાબ નહોતો. ક્યાંથી હોય તેની પાસે જવાબ?, એ ખુદ જ આ પ્રશ્નનો જવાબ નહોતો જાણતો.

“શું પૂછે છે તું ?” અખિલે સિયા તરફ ફરીને કહ્યું.

“એ જ જે તું સાંભળે છે, તું મને પસંદ કરવા લાગ્યો છે ?” સિયાએ ફરી એ સવાલ દોહરાવ્યો.

“બે દિવસમાં કેમ ખબર પડે ?” અખિલે કહ્યું, “તારે આ સવાલ એક મહિના પછી પુછવાનો હતો, અત્યારે આપણે નવા નવા દોસ્ત બન્યાં છીએ તો તારાં વિશે જાણવાની મને ઈચ્છા રહેવાની જ”

“હું તારી વાતો કે તારી હરકત જોઈને નથી પૂછતી અખિલ” સિયાએ કહ્યું, “મેં ઘણાં છોકરાં જોયાં છે જે એકલી યુવતીને જોઈને પહેલાં તેની નજીક આવે છે, તેને વિશ્વાસમાં લે છે અને પછી લાભ ઉઠાવી છોડી દે”

“હું તારી નજીક ક્યારે આવ્યો ?” અખિલનો મિજાજ પણ બદલાયો, “આપણી આટલી વાતોમાં મેં એવી કંઈ વાત પૂછી જેના પરથી તને આવો વિચાર આવ્યો ?”

“હું તારાં વિશે વાત જ નથી કરતી અખિલ” સિયા હવે શાંત પડી હતી. તેને પોતાની ભૂલ સમજાય ગઈ.

“તું કોના વિશે વાત કરે એ મારે નથી જાણવું, તું મારાં વિશે આવું વિચારે છે એ વાત જાણી મને દુઃખ થયું” અખિલે આઈસ્ક્રીમનું પેકેટ સિયાનાં હાથમાં પકડાવ્યું અને ચાલવા લાગ્યો.

“આઈ એમ સૉરી” સિયાની આંખો ભીંની થઈ ગઈ, “મેં તને હર્ટ કરવાનાં ઈરાદાથી આ પ્રશ્ન નહોતો પૂછ્યો”

“આપણે કાલે વાત કરીએ ?” અખિલે ગુસ્સામાં કહ્યું.

“તને શું થયું છે અખિલ ?” સિયા પણ ગુસ્સે થઈ, “તને સૉરી તો કહું છું”

“શું કરું તારાં સૉરીનું ?” અખિલે શાંત પડતાં કહ્યું, “તે મને સામાન્ય સંજોગોમાં પુછ્યું હોત તો હું સમજી શકેત પણ મારી કોઈ હરકત વિના તું મારાં વિશે આવું વિચારે એ મારાથી કેમ સહન થાય ?”

“તું હરકત કરે એની મારે રાહ જોવાની હતી ?” સિયાએ ફરી શાંત અવાજે કહ્યું, “હું તો તને પહેલેથી સમજાવવા માંગતી હતી, આગળ જતાં આવી પરિસ્થિતિ આવે અને ત્યારે હું તને કહું એનાં કરતાં સારુ છે ને મેં તારી કોઈ હરકત વિના કહી દીધું”

અખિલ શાંત પડ્યો. ગુસ્સામાં કંઈ વિચાર્યા વિના એ ઘણુંબધું બોલી ગયો હતો.

“તું મને પસંદ કરે તો હું તને રોકી નથી શકવાની પણ જો તું માત્ર મારી સાથે સુવા માટે વાતો કરતો હોય તો વાત ના કરતો પ્લીઝ, હું તને સારો ફ્રેન્ડ સમજુ છું અને તું એવું કરીશ તો હું સહન નહિ કરી શકું”

“તારી પરિસ્થિતિ હું સમજી શકું છું પણ તું ડરીશ નહિ, હું તારાં વિશે એવું નથી વિચારતો” અખિલે કહ્યું.

“આપણાં આ નાના ઝઘડામાં આ અડધું પેકેટ ઓગળી ગયું” સિયા આઈસ્ક્રીમનું પેકેટ ઊંચું કરીને હળવું હસી.

“ચાલ તો સમાધાનના રૂપે મોં મીઠું કરી લઈએ” અખિલ પણ હળવું હસ્યો. બંને એ બચેલો આઈસ્ક્રીમ બહાર કાઢ્યો.

“તારો જન્મદિવસ ક્યારે આવે છે ?” સિયાએ આઈસ્ક્રીમની એક ચમચી મોંમાં રાખીને પુછ્યું.

“ઓગસ્ટમાં” અખિલે કહ્યું, “તારો?”

“દસ દિવસ પછી હું ત્રીસ વર્ષ પૂરાં કરીશ”

“વાહ!!!, તો એ દિવસે હું રજા લઈ લઈશ, તે કોઈ દિવસ નહિ ઉજવ્યો હોય એવો યાદગાર જન્મદિવસ ઉજવીશું” અખિલે કહ્યું.

“આમ તો હું જન્મદિવસ નથી ઉજવતી પણ જોઈએ નવો દોસ્ત મારો જન્મદિવસ કેવી રીતે યાદગાર બનાવે છે” સિયાએ હસીને કહ્યું.

“એ દિવસે તારે હું કહું એમ જ કરવાનું છે”

આઈસ્ક્રીમ પૂરો થયો એટલે અખિલે પાણીનાં બે ઘૂંટ ભરીને બોટલ સિયાને આપી અને પોકેટમાંથી સિગરેટનું પેકેટ કાઢી બે સિગરેટ સળગાવીને એક સિગરેટ સિયાને આપી.

“ઘર તરફ જઈએ હવે” સિયાએ સિગરેટનો કશ ખેંચીને કહ્યું.

“સિગરેટ તો પુરી થવા દે” અખિલે કહ્યું.

સિગરેટ પુરી કરીને બંને બ્રિજ નીચે ઉતર્યા. રાતના સાડા દસ થવા આવ્યાં હતાં પણ વાહનોની અવરજવર હજી એટલી જ હતી. રસ્તાની બંને બાજુની લાઈટ જુકીને રસ્તો દ્રશ્યમાન કરતી હતી. સિયા અને અખિલ એ રસ્તાની ડાબી બાજુએ ઘર તરફ આગળ વધી રહ્યાં હતાં.

“તારી કોઈ એક્સ્પેક્ટેશન?” સિયાએ ન સમજાય એવાં શબ્દોમાં પૂછ્યું. સિયાની નજર આગળ ચાલતાં એક કપલ પર હતી. બંને એકબીજાનાં હાથમાં હાથ રાખીને ચાલતાં હતાં.

“ક્યાં વિષયમાં ?” અખિલે પૂછ્યું. અખિલનું ધ્યાન પણ એ તરફ જ હતું.

“પત્ની બાબતે” સિયાએ કહ્યું, “તારે કેવી પત્ની જોઈએ છે?, હાઉસ વાઈફ?, જોબ કરે એવી?, કે પછી તારી બધી વાતો કોઈ પ્રશ્ન કર્યા વિના સ્વીકારે એવી ?”

“વૅલ, એ બાબતે હજી મેં વિચાર્યું નથી પણ મારી એક્સ્પેક્ટેશન મુજબ એ મને સમજતી હશે. હું નાની વાતોમાં ગુસ્સે થાઉં છું. મારી એવી આશા રહેશે કે મારાં ગુસ્સાને એ મારો સ્વભાવ સમજે. અમે બંને સાથે પણ પોતાનાં જીવનમાં જરૂરી સ્પેસ મેન્ટેઇન કરીએ અને એ પુરી રીતે મારાં પર નિર્ભર ના રહે એવી મારી ઈચ્છા છે”

સિયા હસી પડી.

“તું શું બોલ્યો એમાં કંઈ ગતાગમ ન પડી પણ તારી વાત સાંભળીને એવું લાગી રહ્યું છે કે તું પુરુષપ્રધાન ભારત શબ્દને એક દિવસ જરૂર ભૂંસીશ” સિયાએ હસતાં હસતાં કહ્યું.

“હાહા, કોઈ દિવસ આ વિષય પર વિચાર્યું જ ના હોય તો શું બોલવું મારે ?, એટલે મગજમાં જે હતું એ બકી ગયો”

સોસાયટીનો ગેટ આવી ગયો. બંને સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે લોકો બંનેને આંખો પહોળી કરીને જોઈ રહ્યા હતા.

“તને શું લાગે છે અખિલ, આ લોકો આવી રીતે કેમ જુએ છે ?”

“એ લોકોને એવું લાગે છે કે આપણે બંને પ્રેમમાં છીએ પણ હકીકત ખબર ના હોય ત્યાં કંઈ પણ અનુમાન લગાવી શકાય છે”

“એકદમ સાચું કહ્યું તે આપણો સમાજ જે જુએ છે એને જ સત્ય સમજી લે છે, બરોડા જેવા મોટાં સિટીમાં પણ નેરો-માઇન્ડેડ લોકો હશે એવું મેં નહોતું વિચાર્યું”

“તને શું પ્રૉબ્લેમ છે?, એ લોકો જે વિચારે એ વિચારવા દે ને. હકીકત શું છે આપણે બંને જાણીએ છીએ”

બંનેનું ઘર આવી ગયું હતું.

“ગુડ નાઈટ, કાલે વાત કરીએ” અખિલે કહ્યું.

“તારે હજી થેંક્યું કહેવાનું બાકી છે” સિયાએ કહ્યું, “યાદ છે ને એ વાત”

“કાલે બપોરે થેંક્યું કહેવા આવું તો ચાલશેને ?” અખિલે કહ્યું.

“એક થી ચાર સુધી હું ઘરે હોઉં છું”

“હું બે વાગ્યે આવીશ”

“સારું” સિયાએ કહ્યું, “મજા આવી આજે”

“મને પણ, ઘણાં દિવસ પછી આમ ટહેલવા નીકળ્યો હું”

“શુભરાત્રી” સિયાએ કહ્યું.

“હા, શુભરાત્રી ”કહેતાં બંને છુટા પડ્યા.

ઘરમાં આવી, બારી-બારણાં બંધ કરીને એ.સી. શરૂ કરીને સિયા બેડ પર આડી પડી.તેને નવલકથાનું એક પ્રકરણ વાંચવાનું હતું પણ અહીં જે નવું પ્રકરણ શરૂ થયું હતું એનાં વિચારોમાં સિયા મગ્ન થઈ ગઈ હતી.

પહેલાં કહ્યું હતું એ મુજબ, દિવસ અને રાતનાં સમયે માણસોના મૂડમાં જમીન આસમાનનું અંતર હોય છે. સિયાના મગજમાં અત્યારે રાજધાનીની સ્પીડે વિચારો દોડી રહ્યા હતા. તેનાં ચહેરા પર એક મુસ્કાન હતી, એનાં વિચારોમાં અત્યારે માત્રને માત્ર અખિલ ઘૂમી રહ્યો હતો.

બે વર્ષ થયાં એ ઘટનાને જયારે તેણે એકલાં રહેવાનો નિર્ણય કર્યો હતો. સિયા કોઈ દિવસ કોઈની નજીક આવવા નહોતી માંગતી. પોતે કોઈના પર મોહી ના જાય એ માટે લોકોથી એ જરૂરી અંતર જાળવીને રાખતી હતી.પણ આજે, આજે અખિલ સાથે વાતો કર્યા પછી તેનું દિલ ફરી ધડકયું હતું, અખિલ માટે.

બે દિવસમાં અખિલ સાથે જે વાતો થઈ હતી એ વિચારીને સિયા ફરી એકવાર વિચારવા પર મજબુર થઈ ગઈ હતી.

‘હું અખિલને પસંદ કરવા લાગી છું’ સિયાએ પોતાની જાતને સવાલ પુછ્યો.

‘હું પસંદ કરું એનાથી શું ફેર પડવાનો છે ?, એ એક વિધવાને પસંદ કરશે?, હું જ અભાગણ પોતાની જાતને એક બોક્સમાં કેદ કરીને બેસી ગઈ છું.’ સિયા પોતાને કોસી રહી હતી.

‘બે વર્ષથી હું પોતાની જાતને સંભાળતી આવી છું અને આગળ પણ સંભાળતી રહીશ’ સિયાએ મક્કમ નિર્ણય કર્યો. તેની આંખોના ખુણા ભીનાં થઈ ગયાં હતાં, તેણે આંગળી વડે આંસુને આંખોથી દૂર કર્યા અને પડખું ફરીને સુવાની કોશિશ કરી.

આ તરફ અખિલ પણ કંઈક આવી જ પરિસ્થિતિમાં હતો. એ વાંચવા બેસવાનો હતો પણ તેનું મગજ એક જગ્યાએ અટકેલું હતું.સિયા જ્યારે તેને અચાનક પ્રશ્ન પુછ્યો હતો ત્યારે શું જવાબ આપવો તેને સમજાતું નહોતું.

સિયાનાં એ પ્રશ્નએ અખિલની લાઈફમાં ઘણાબધાં પ્રશ્નો ઊભા કરી દીધાં હતાં. અખિલ નૅરો-માઇન્ડેડ નહોતો, અખિલ તેને એક વિધવા તરીકે જોતો જ નહોતો. એ સિયાને માત્ર એક યુવતી જ સમજતો હતો.

અખિલે વોટ્સએપ ઓપન કરી સિયાનો પ્રોફાઈલ પિક જોયો. અખિલનાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ.વાઈટ ફિટિંગ લેગીસ પર ગોઠણ સુધીની ગ્રીન ક્રેપ કુર્તી પહેરેલી સિયા પોઝ આપીને ઉભી હતી. ડાબા ખભા પર વાઈટ દુપટ્ટો હતો, કાનમાં લાંબા ઈયરિંગ અને ગળામાં પાતળું વાઈટ નેકલેસ હતું, જેની વચ્ચે હાલ્ફ હાર્ટ શેપનું એક પેન્ડલ હતું.

અખિલે ફોટો ઝૂમ કર્યો, સિયાના હાથમાં બટરફ્લાયનું ટેટુ હતું. અખિલે બીજી જગ્યાએ પણ ટેટુ જોયું હતું. એ સિયાની ગરદન પર હતું. જે એક સ્ટારનાં સ્વરૂપે હતું. અખિલ જ્યારે સિયા સાથે રહેતો ત્યારે વ્યવસ્થિત રીતે નિરીક્ષણ નહોતો કરી શકતો માટે અત્યારે એ બારીકાઈથી બધું જોઈ રહ્યો હતો.

અખિલે ફોટો ઝૂમ આઉટ કર્યો, સિયાની પાતળી કમરને તેનાં ઉરોજનો ઉભાર વ્યવસ્થિત રીતે જોઈ શકાતો હતો. એ જોઈ અખિલ ઉત્તેજિત થઈ ગયો. તેણે વોટ્સએપ બંધ કર્યું, ફોનને બાજુમાં રાખી વાંચવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

( ક્રમશઃ )