પ્રણયભંગ ભાગ – 11 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણયભંગ ભાગ – 11

પ્રણયભંગ ભાગ – 11

લેખક - મેર મેહુલ

આજે સિયાનો જન્મદિવસ હતો. અખિલ ક્યારનો સિયાનાં ઘરનો દરવાજો ઠોકતો હતો. શરૂઆતમાં અખિલે ડૉરબેલ વગાડી પણ સિયાએ દરવાજો ના ખોલ્યો એટલે અખિલે દરવાજો ઠોકવાનું શરૂ કરી દીધું. પાછલી રાતે બંને રાતે બે વાગ્યાં સુધી જાગતા હતા એટલે સિયા હજી સૂતી હતી.

“આવી, બે મિનિટ જપ તો લે” સિયાએ દરવાજો ખોલીને કહ્યું.

“ક્યારનો ફોન કરું છું, ઉપાડતી કેમ નથી ?” અખિલ ખિજાયો.

“ફોન સાયલન્ટ મૉડ પર હતો” સિયાએ કહ્યું, “કાલે રાત્રે તે જ ફોન સાયલન્ટ કરી દીધો હતોને”

રાતે બાર વાગ્યે સિયા ફોનમાં ‘બર્થડે વિશ’ કરતા ઉપરા-ઉપરી મૅસેજ આવતાં હતાં એટલે અખિલે ફોન સાયલન્ટ કરીને બાજુમાં રાખી દીધો હતો.

“પછી સાયલન્ટ મોડમાંથી કાઢી ન નખાય ?” અખિલ હજી સિયાને ખિજાતો હતો.

“ભુલ થઈ ગઈ મારી” સિયાએ કહ્યું, “શું હતું બોલ”

અખિલે બારણાં પાસે રાખેલું ગુલાબના ફુલનું કુંડું ઉઠાવીને સિયા તરફ ધરીને કહ્યું, “હેપ્પી બર્થડે”

“થેંક્યું” સિયાએ કહ્યું અને કુંડું લઈ બાજુમાં રાખ્યું.

“ફૂલ નહીને સીધુ કુંડું જ ?” સિયાએ હસીને પુછ્યું.

“હું ફૂલ લઈને આવેત તો એક દિવસમાં એ મુર્જાય જાત, આ કુંડામાં તું નજર કરીશ એટલે તને હંમેશા ખીલેલું ફૂલ જ દેખાશે અને હું પણ આ કુંડામાં રહેલાં ફૂલની જેમ તારો ચહેરો ખીલેલો જોવા માંગુ છું”

“સો સ્વીટ ઑફ યું” કહેતા સિયાએ અખિલને હગ કર્યો.

“તું આટલી જલ્દી કેમ ઉઠ્યો ?” સિયાએ પુછ્યું. ઘડિયાળમાં હજી પાંચ વાગ્યાં હતા.

“મેં કહ્યું હતુંને વહેલી સવારે આપણે એક જગ્યાએ જવાનું છે”અખિલે કહ્યું, “જલ્દી ફ્રેશ થઈને આવ હું બહાર રાહ જોઉં છું”

“પાંચ જ મિનિટ” સિયાએ કહ્યું, “હું આવી હમણાં”

થોડીવારમાં સિયા ફ્રેશ થઈને આવી. અખિલે બાઇક કાઢી,સિયા તેની પાછળ બેસી ગઈ.

“હવે તો બોલ આપણે ક્યાં જઈએ છીએ ?” સિયાએ પૂછ્યું.

“સિંધરોટ ચૅક ડેમ વિશે સાંભળ્યું છે ?” અખિલે પુછ્યું.

“ના” સિયાએ કહ્યું, “શું છે ત્યાં અને કેટલો દૂર છે?

“મહી નદી પર મોટો ચેકડેમ છે, પંદર કિલોમીટર દૂર છે અહીંથી”

“તું પજામામાં મને લઈ જઈશ ત્યાં ?” સિયા હસી પડી.

“અત્યારે કોણ જોવાનું છે ?” અખિલે કહ્યું, “આમ પણ જુએ તો કોને ફર્ક પડે છે ?”

“ચાલ તો ચલાવ” સિયાએ કહ્યું.

અખિલે બાઇક ચલાવી.સવારનાં પવનમાં સિયાના વાળ લહેરાતાં હતાં, તેનાં મખમલી ગાલ પર શીતળ પવનનું ઝોકું ટકરાઈને ઠંડક પ્રસરાવતું હતું. સિયા મોટી સ્માઈલ સાથે બંને હાથ હવામાં ફેલાવી આ નજારો માણી રહી હતી.

અડધી કલાકમાં બંને સિંધરોટ ચેક ડેમે પહોંચી ગયાં. ડેમની સપાટી પરથી પાણી વહી રહ્યું હતું. સૂરજ હજી ઉગ્યો નહોતો પણ એ પહેલાંનું આછું અજવાળું પાણીની સપાટીને દ્રશ્યમાન કરતું હતું.

અખિલ સિયાને ડેમનાં ઉપરવાસમાં, જ્યાં પાણી સ્થિર હતું ત્યાં લઈ આવ્યો.મહી નદીનાં સામે કાંઠે લીલાછમ વૃક્ષો નજરે ચડતાં હતાં. વહેલી સવારનો આ નજારો માણવા લાયક હતો.

“ઘણા દિવસો થઈ ગયાં આવો નજારો જોઈને” સિયાએ કહ્યું, “શહેરની દોડતી જિંદગીમાં પ્રકૃતિને હું લગભગ ભૂલી જ ગઈ હતી”

બંને નદીને કિનારે બેઠાં.

“એટલે જ હું તને અહીં લઈને આવ્યો “અખિલે સિગારેટનું પેકેટ કાઢીને કહ્યું, “અહીં સિગરેટ પીવાની પણ મજા આવે”

“આજે સિગરેટ ના પીએ તો નહીં ચાલે ?” સિયાએ કહ્યું.

“જેવી તારી ઈચ્છા” કહેતાં અખિલે પેકેટ પાછું પોકેટમાં રાખી દીધું.

“મજાક કરતી હતી” સિયાએ અખિલનાં પોકેટમાં હાથ નાંખીને સિગરેટનું પેકેટ કાઢ્યું, “આનાં વગર એક દિવસ કેમ રહી શકીએ ?”

અખિલ હસવા લાગ્યો. સિયાએ સિગરેટ સળગાવી એક કશ ખેંચીને અખિલને આપી.

“સાંભળ” અખિલે સિગરેટનો ઊંડો કશ ખેંચીને કહ્યું.

“સંભળાવ” સિયાએ જવાબ આપ્યો.

“આજે આપણે ઝઘડો નહિ કરીએ, એવી કોઈ વાતો નહિ કરીએ જેથી તું ઉદાસ થાય” અખિલે સિયા તરફ જોઈને કહ્યું.

સિયાએ અખિલનાં હાથ પર હાથ રાખ્યો અને સ્માઈલ આપી આપી.

“શું ?” અખિલે પુછ્યું.

“દસ દિવસમાં આપણે બે ઝઘડા કર્યાં અને બંને ઝઘડા પછી આપણે ફરી હતાને એવા થઈ ગયાં” સિયાએ કહ્યું, “મેં એક નવલકથામાં વાંચેલું, એક મુદ્દા પર વારંવાર ઝઘડી નથી શકાતું માટે નવા મુદ્દા પર ઝગડા તો થવાના જ અને નાના ઝઘડાઓને કારણે જ સબંધ નિખરે છે.જે સંબંધમાં ઝઘડા નથી થતા ત્યાં બંને માંથી કોઈ એક વ્યક્તિના મનમાં ખોટ હોય છે”

“તારી આ ફિલોસોફી મને પલળે નહિ પડે” અખિલે કહ્યું, “આપણે આજે ઝઘડો નહીં કરીએ બસ”

“જેમ તું કહે એમ બસ” સિયાએ કહ્યું.

બંને થોડીવાર મૌન બેસી રહ્યા. નદીના અવિરતપણે ખળખળ વહેતાં પાણીને બંને જોઈ રહ્યા હતાં. થોડીવાર પછી સૂરજનાં પહેલાં કિરણો નદીની સપાટી પર પડ્યા એટલે પાણી ઝળહળી ઉઠ્યું.

“નીકળીએ હવે ?” અખિલે કહ્યું.

“થેંક્સ” સિયાએ કહ્યું, “મારાં જન્મદિવસની સવારે આવું દ્રશ્ય બતાવવા માટે”

“આ તારું થેન્ક્સ બચાવીને રાખ” અખિલે કહ્યું, “આજે તારે વારંવાર આ શબ્દનો ઉપયોગ કરવાનો છે”

“ઓહહ…એટલું બધું વિચાર્યું છે તે ?” સિયાએ આંખો મિચકારી.

“એ બધું ના પૂછ તું” અખિલે કહ્યું, “ચૂપચાપ મારી સાથે ચાલ”

અખિલ પાછળ સિયા ઉભી થઇ. બંને ઘર આવ્યાં ત્યારે આઠ વાગી ગયાં હતાં.

“નાસ્તામાં શું ચાલશે ?” સિયાએ દરવાજો ખોલતાં પુછ્યું.

“આજે તું નાસ્તો નહિ બનાવે” અખિલે કહ્યું.

સિયા હસવા લાગી.

“તો આજે તું બનાવીશ ?”

“મેં એવું ક્યાં કહ્યું ?” અખિલે કહ્યું, “તું એ બધું ના વિચાર, નાહીને તૈયાર થઈ જા. હું પણ તૈયાર થઈને આવું છું”

“આજે તું બધું સસ્પેન્સમાં રાખે છે” સિયાએ ગાલ ફુલાવતાં કહ્યું.

“એમાં જ મજા આવે” અખિલે કહ્યું, “ચાલ જલ્દી જા હવે તું”

સિયા નાહવા ચાલી ગઈ. અખિલ ઝડપથી તેનાં ઘરે ગયો અને ઉતાવળા પગે પાછો આવ્યો.સિયાના બેડરૂમમાં એક બોક્સ રાખી અખિલ પોતાનાં ઘરે ચાલ્યો ગયો.

નાહીને વાળ સુકાવતી સિયા બેડરૂમમાં આવી ત્યારે તેની નજર અખિલે રાખેલા બોક્સ પર પડી. એ બોક્સની ઉપર ‘ફોર બર્થડે ગર્લ’ લખેલું હતું.

સિયા હસી, “હું ક્યાં એંગલથી ગર્લ લાગી એને ?”

સિયાએ બોક્સ હાથમાં લઈ રીબીન ખોલી. બોક્સ ખોલ્યું તો એમાં,લેમન યેલ્લો કલરનું, જ્યોર્જિટ વ્હાઇટ એમ્બ્રોઇડરીડ વર્કવાળું રેમપેડ ગાઉન હતું, સાથે લેમન યેલ્લો રંગનો દુપટ્ટા હતો.

“ઓહ માય ગોડ” સિયાની આંખો મોટી થઈ ગઈ. તેણે બોક્સમાંથી ગાઉન હાથમાં લઈ ડ્રેસિંગ કાચ પાસે જઈ પોતાનાં શરીર પર રાખ્યુ. કાચમાં પોતાને જોઈ એ કુદવા લાગી, ગાઉનને છાતીમાં ચાંપીને ગોળગોળ ફરવા લાગી.

‘ઘેલી થઈ અલી તું’ સિયાએ પોતાને કહ્યું, ‘જલ્દી તૈયાર થઈ જા નહીંતર પેલો આવી જશે’

સિયાએ ગાઉન સાથે મેચિંગ લાંબા ઝૂમખાં, નેકલેસ અને બ્રેસલેટ પહેર્યું, સિયા ઘણાં દિવસ પછી આવી રીતે તૈયાર થઈ રહી હતી. તેણે જમણા હાથની બે આંગળીમાં પાતળી રિંગ પહેરી, હોઠ પર આછી લિપસ્ટિક લગાવી.વાળને થોડાં કર્લી કરી, ખુલ્લાં વાળને એક સાઈડ કરી દીધાં.

તૈયાર થઈને સિયા અખિલની રાહ જોઇને બેઠી હતી. સિયાએ તૈયાર થવામાં કલાક લગાવી હતી અને અડધી કલાકથી એ અખિલની રાહ જોઇને બેઠી હતી હજી અખિલ નહોતો આવ્યો. સિયાએ અખિલને ફોન લગાવ્યો પણ અખિલે ફોન કટ કરી દીધો.

‘દસ મિનિટમાં આવ્યો’ અખિલનો મૅસેજ પડ્યો.

‘હજી દસ મિનિટ રાહ જોવાની’ સિયાએ પગ પછાડીને કહ્યું, ‘મારાં કરતાં તો એણે તૈયાર થવામાં વધુ સમય લઈ લીધો’

દસની વિસ મિનિટ થઈ તો પણ અખિલ ના આવ્યો.

‘હું તારા ઘરે આવું છું’ સિયાએ મૅસેજ કર્યો.

‘ના, બસ હું પહોંચ્યો. દરવાજો ખોલ’ અખિલનો મૅસેજ આવ્યો.ઊભી થઈને સિયાએ દરવાજો ખોલ્યો. બહાર અખિલ નહોતો. તેણે અખિલનાં ઘર તરફ નજર કરી .અખિલ ઘરને લોક કરીને સિયાનાં ઘર તરફ આવી રહ્યો હતો. અખિલને જોઈને સિયાના હોશ ઉડી ગયાં.

( ક્રમશઃ )