પ્રણયભંગ ભાગ – 3
લેખક - મેર મેહુલ
બીજા દિવસની સવાર અખિલની જિંદગીમાં નવો વળાંક લઈને આવી હતી. અખિલ સવારે અગાસી પર કસરત કરવા ગયો તો સામેની અગાસી પર પણ સિયા કસરત કરવા આવી હતી.અખિલ નાહીને બાલ્કનીમાં ટુવાલ સુકવવા આવ્યો ત્યારે સિયા પણ એ જ કામ કરી રહી હતી. અખિલે જ્યારે જોબ પર જવા માટે બાઇક બહાર કાઢી ત્યારે જ સિયાએ પણ ક્લિનિક પર જવા માટે એક્ટિવા બહાર કાઢી હતી.
આ બધી ઘટના સંજોગ માત્ર બની હતી પણ અખિલ પૂરો દિવસ સિયા વિશે વિચારતો રહ્યો. તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે એ તે સમજવાની કોશિશ કરતો હતો. પૂરો દિવસ તેનાં મગજમાં સિયા જ ઘુમતી રહી.
સાંજે જ્યારે એ ચાની લારી પર ચા પીવા માટે ઉભો રહ્યો ત્યારે પણ તેણે સિયાને સોસાયટીમાં જતી જોઈ હતી. તેણે તરત ચા ખતમ કરી અને ઘર તરફ વળ્યો.
ઘરમાં આવી પણ તેને ક્યાંય ચેન નહોતું પડતું. હજી એ સિયાનું નામ પણ નહોતો જાણતો છતાં એ સિયા વિશે આટલું વિચારી રહ્યો હતો. આ પાગલપનના લક્ષણો હતાં, સિયા વિશે વિચારીને અખિલ પોતે જ ગુંચવાય રહ્યો હતો. અંતે સિયા વિશે વિચારી વિચારીને થાક્યાં પછી અખિલે એક નિર્ણય કર્યો, એ હજી સિયા વિશે કશું જાણતો નહોતો, તેનાં વિશે વિચાર કરીને પોતે જ પોતાનાં કરિયરની દિશા બદલી રહ્યો હતો માટે સામે કોઈ રહેતું જ નથી એવું વિચારીને અખિલે વાંચવામાં ધ્યાન આપ્યું.
એક તરફ અખિલે પોતાનાં મનને વાળી લીધું હતું તો બીજી તરફ કોઈ અખિલ તરફ આકર્ષાયું હતું. એ નિયતી હતી. નિયતી, અખિલ સાથે જોબ કરતી હતી અને ઉંમરમાં સમકક્ષ હતી. અખિલનો શાંત સ્વભાવ તેને અખિલ તરફ ખેંચી ગયો હતો.
અખિલ ઑફિસમાં પણ પોતાનાં કામથી જ મતલબ રાખતો. એવું નહોતું કે એ છોકરીઓ સાથે વાતો જ ના કરતો. જરૂર પૂરતી એ નિયતી સાથે વાતો કરી લેતો અને બે વાર આકસ્મિક રીતે બંનેની મુલાકાત ચાની લારી પર થઈ ગયેલી.
નિયતી અખિલનાં વિચારોમાં ડૂબેલી હતી એટલામાં તેનાં ફોનમાં એક મૅસેજ પડ્યો. નિયતીએ મૅસેજ જોયો તો અખિલનો જ હતો. અખિલે તબિયત સારી ન હોવાના કારણે જૉબ પરથી એક દિવસની રજા લીધી હતી અને એક જરૂરી ફાઇલ આપવાની હતી એ લઈ જવાનું કામ હતું એ નિયતીને સોંપ્યું હતું.
નિયતિનાં ચહેરા પર એક સાથે બે હાવભાવ પ્રગટ થયા. અખિલનો આજે સામેથી મૅસેજ આવ્યો એ વિચારીને એ ખુશ થતી હતી તો અખિલની તબિયત સારી ન હતી એ જાણીને તેને અખિલની ચિંતા થતી હતી.
નિયતિએ સવારે એ ફાઇલ સ્ટેશન પાસેથી આપવા માટે મૅસેજ કર્યો.
થયું એમ હતું કે અખિલે સિયા વિશે ન વિચારવાનો નિર્ણય તો કર્યો હતો પણ જેમ જેમ એ પોતાનાં વિચારોને સિયાથી દૂર લઈ જતો હતો એમ એમ એ સિયા વિશે વધુ વિચારતો જતો હતો.
જો કોઈ અન્ય વ્યક્તિ હોત તો એણે સિયા સાથે વાત કરી લિધી હોત પણ અખિલ સ્વભાવે શરમાળ હતો. જે વ્યક્તિ સાથે તેનું મન ના મળતું એની સાથે એ વાત કરવામાં સંકોચ અનુભવતો. આ જ સંકોચને કારણે એ સિયા સાથે વાત કરવાની કોશિશ નહોતો કરતો.
એક સમય એવો આવી ગયો, પરિસ્થિતિ અખિલનાં કાબુમાં ના રહી અને તેને માથામાં દુખાવો શરૂ થઈ ગયો. તેણે નિયતીને મૅસેજ કર્યો અને ફાઇલનું કામ સોંપ્યું.
સવાર થઈ ત્યાં સુધીમાં અખિલનું શરીર જ્વાળામુખીનાં લાવાની જેમ ધગધગતું હતું, તેનો ફોન વારંવાર રણકી રહ્યો હતો પણ એ ઉભો થઇ ફોન રિસીવ કરે એ હાલતમાં નહોતો. મહામહેનતે અખિલ ઉભો થયો અને ટેબલ પર રહેલાં ફોન સુધી પહોંચ્યો. અખિલે જોયું, નિયતીના પાંચ મિસ્ડકોલ આવી ગયાં હતાં.
અખિલ ફ્રેશ થયો ન થયો ફાઇલ બેગમાં રાખી બહાર આવ્યો. બાઇક કાઢી તેણે કિક મારી અને એ જ સમયે ચક્કર ખાઈને નીચે પડી ગયો.
અખિલની આંખો ખુલ્લી તો એ પોતાનાં જ ઘરમાં સોફા પર સૂતો હતો. તેણે આજુબાજુ નજર કરી તો સિયા રસોડામાં કંઈક શોધતી હતી. અખિલની ધડકન ફરી વધી ગઇ.
બન્યું કંઈક આવું હતું, સિયા પોતાનાં ક્લિનિક પર જવા બહાર નીકળી અને એ જ સમયે તેની નજર સામે અખિલ ચક્કર ખાઈને નીચે પડ્યો હતો. સિયાએ એક્ટિવા સ્ટેન્ડ કરી અને અખિલ પાસે દોડી આવી. અખિલને ઊંચકી એ ઘરમાં લઈ આવી અને અત્યારે સારવાર કરી રહી હતી.
થોડીવાર પછી સિયા હાથમાં એક ભીનું કપડું લઈને બહાર આવી.
“104° નો ફીવર છે” સિયાએ કહ્યું, “તારે આરામની સખત જરૂર છે”
“મારી ફાઇલ….” અખિલ રૂમમાં તેનું બેગ શોધવા આમતેમ નજર કરી રહ્યો હતો.
“રિલેક્સ, તારી ફ્રેન્ડનો કૉલ આવ્યો હતો, મેં તેને અહીં બોલાવી હતી. એ ફાઇલ લઈને જતી રહી છે” સિયાએ અખિલને સોફા પર સુવરાવી કપાળે ભીનું કપડું રાખતાં કહ્યું, “એને કૉલ કરી લેજે, તારી ચિંતા કરતી હતી એ”.
“સામાન્ય ફીવર જ છે ને ?” અખિલે પૂછ્યું. બે મહિના પછી તેને GPSC ની એક્ઝામ હતી, તેને એક અઠવાડિયા સુધી પથારીમાં પડ્યું રહેવું પોસાય એમ નહોતું.
“લક્ષણો તો સામાન્ય જ છે, આજે રાહ જોઈએ.તબિયત ના સુધરી તો કાલે રિપોર્ટ કરી લઈશું” સિયાએ કહ્યું, “તું આરામ કર, હું ક્લિનિક પર જાઉં છું. વધુ તકલીફ પડે તો તારાં મોબાઈલમાં ‘સિયા શાહ’ના નામે મારો નંબર સેવ કર્યો છે, કૉલ કરી લેજે. હું બપોરે ચૅક કરવા આવીશ”
આટલું કહી સિયા ક્લિનિક પર જવા નીકળી ગઈ. અખિલ તેને જોતો રહ્યો. સફેદ ડ્રેસમાં સિયા ડોકટર કમ નાયિકા વધુ લાગી રહી હતી.
સિયા બપોરે આવી ત્યારે અખિલ સ્ટડી રૂમમાં વાંચતો હતો.
“તારે આરામની જરૂર છે….” સિયા અખિલનું નામ નહોતી જાણતી એટલે વાક્ય અધૂરું છોડી દીધું.
“અખિલ, અખિલ સંઘવી”
“હા તો અખિલ, આરામ કરવાનો હતો તારે” સિયાએ કહ્યું.
“ હવે સારું છે અને આમ પણ બે મહિના પછી મારે GPSC ની એક્ઝામ છે તો આરામ કરવાનો સવાલ જ નથી” અખિલનું ધ્યાન હજી બૂકમાં જ હતું.
“જેમ તને ઠીક લાગે, પણ પહેલા મને ચેક કરવા દે અને આ ફ્રુટ ખાઈને દવા લઈ લે” સિયાએ ફ્રુટની બેગ અખિલનાં ટેબલ પર રાખીને કહ્યું. અખિલ નીચે નજર રાખી સિયા તરફ ઘૂમ્યો. સિયાએ અખિલનાં કપાળ પર હાથ રાખ્યો.
“સાચે તને ફીવર નથી” સિયાએ ખુશ થઈને કહ્યું.
“હું એ જ તો કહેતો હતો” અખિલે કહ્યું.
“સારું આ ફ્રુટ ખાઈ લેજે અને દવા ના ભૂલતો, હું નીકળું છું” કહી સિયા બારણાં તરફ ઘૂમી.
“એક મિનિટ મેડમ” અખિલે સંકોચ સાથે કહ્યું, “આ ફ્રુટ અને તમારી વિઝિટનાં કેટલાં રૂપિયા આપવાના ?”
સિયાએ અખિલ સામે જોઈ સ્મિત વેર્યું.
“મારી વિઝિટની કિંમત તું રૂપિયામાં આંકે છો ?” સિયાએ હસીને કહ્યું.
“તો ?”
“એક કપ ચા અને એ પણ મારાં ઘરે” સિયાએ કહ્યું, “અને એ પણ તું સાજો થઈ જા પછી”
“સારું તમે કહો એમ” અખિલે પણ હળવું સ્મિત કર્યું.
“એક મિનિટ, હું તને આંટી દેખાઉં છું” સિયાએ બનાવટી ગુસ્સો કર્યો, “અઢાર વર્ષની છોકરી પણ મારી સામે ઝાંખી લાગે અને તું મને તમે કહે છે ?”
“તો શું કહું હું ?”
“સિયા, માત્ર સિયા અને મને પણ તું કહીને બોલાવવાની” સિયાએ આંગળી બતાવી ધમકી આપી અને પછી પોતે જ હસવા લાગી.
“સારું તું કહે એમ બસ” અખિલે કહ્યું.
“હમમ..ગુડ બોય” કહી તેણે અખિલનાં વાળમાં આંગળીઓ ફેરવી અને ચાલવા લાગી. આ વખતે પણ અખિલ સિયાને જોતો રહ્યો. પહેલાં નજરોથી વાતો થતી એ ઓછું હતું ને હવે ફેસ ટુ ફેસ વાતો થવા લાગી હતી.અખિલ પોતાનાં નિર્ણય પર અડગ રહેવા માંગતો હતો. તેણે પહેલીવાર સિયાને જોઈ ત્યારે પોતાની લાગણીઓ પરથી કાબુ ગુમાવી દીધો હતો પણ આ વખતે એ એકદમ શાંત હતો.
એણે સિયાને પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે ટ્રીટ કરવાનું નક્કી કર્યું હતું જેનાં કારણે એ હવે સિયાના સંપર્કમાં આવતો ત્યારે પણ એ વિચલિત નહોતો થતો અને સામાન્ય વર્તન કરી શકતો હતો. અખિલ આવું શા માટે કરી રહ્યો હતો, શું એ સિયા તરફ આકર્ષાયો હતો કે માત્ર શરીરનું જ આકર્ષક હતું.
સિયા માટે અખિલ શું મહેસુસ કરે છે એ વાત પોતે જાણી નહોતો શકતો પણ એક નવા સબંધના બીજ રોપાયા હતાં. અખિલ અને સિયા બંને આ સંબંધને કેવી રીતે ઉછેરવાના હતા એ આવનારો સમય જ નક્કી કરવાનો હતો.
( ક્રમશઃ)