વાર્તા- હિંમત લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મોં.નં.9601755643
હિંમતલાલે સોસાયટીમાં પ્રવેશ કર્યો ત્યારે રાત્રીના બાર ને દસ મિનિટ થઇ હતી. શિયાળાની કૃષ્ણપક્ષની અંધારી રાત હતી.હાડ થીજી જાય એવી ઠંડી હતી.એક બે કૂતરાં અવાજ સાંભળીને ભસવા લાગ્યાં પણ હિંમતલાલને ઓળખી લીધા પછી પોતાની જગ્યાએ લપાઇ ગયાં.કૂતરાં પાસે આ ગજબની શક્તિ હોયછે.માણસ જ એવું પ્રાણી છે જે વર્ષોના સહવાસ પછી પણ એકબીજાને ઓળખી શકતું નથી.હિંમતલાલે ફક્ત ગંજી અને લેંઘો જ પહેર્યો હતો એટલે ધ્રુજી રહ્યા હતા.સોસાયટીના બધા જ ઘર અંદરથી બંધ હતા એટલે આટલી મોડી રાત્રે ક્યાંથી આવ્યા એમ કોઇ પૂછનાર નહોતું.
તેમણે ઘર આગળ આવીને અંદર ડોકિયું કર્યું.અંદર નાઇટ લેમ્પ ચાલુ હતું.બેડરૂમમાં ડબલબેડમાં વસુધા ઘસઘસાટ ઊંઘી રહી હતી.બીજા બેડરૂમમાં દીકરો કમલ અને બે દીકરીઓ શિખા અને રૂપા ઊંઘતી હતી.બારણું ખટખટાવવાનો વિચાર માંડી વાળ્યો.પણ શું કરવું કંઇ સુઝતું નહોતું.ભૂખ કકડીને લાગી હતી.ઠંડીથી શરીર ધ્રુજતું હતું.ચા પીવાની પણ તલબ લાગી હતી.છેવટે અત્યારે આ બધું શક્ય નથી એમ વિચારીને પરસાળમાં જ ખાટલો પાથરીને વગર ગાદલાંએ લંબાવી દીધું.થાકીને શરીર લોથપોથ થઇ ગયેલું હતું એટલે વગર પથારીએ પણ નસકોરાં બોલવા લાગ્યાં.
' અલ્યા હિંમત તારા બધા મિત્રોમાં ભણવામાં તું સહુથી વધારે હોશિયાર હોવા છતાં તને એકલાને જ સરકારી નોકરી ના મળી.આવું કેમ?'
' મળશે કાકા મને પણ મળશે.પ્રયત્ન ચાલુ જ છે.પરીક્ષાની તૈયારીઓ જ કરી રહ્યોછું.સખત મહેનત કરી રહ્યોછું એટલે વહેલી મોડી સફળતા મળશે જ.'
' ભાઇ, તારૂં ઘસાઇ ગયેલું ઘર છે એટલે અમને ચિંતા થાયછે.બધો આધાર તારા ઉપરછે.છેવટે હાલ કોઇ પ્રાઇવેટ નોકરી ચાલુ કરીદે એટલે ઘરમાં આવક ચાલુ થઇ જાય.બેટા, તારી ત્રણ બહેનોને પરણાવવામાં તારા બાપાએ ખેતર અને ઘર બધુ ગિરવે મુકેલું છે જે હવે તારે જ છોડાવવાનું છે.અને તું કમાતો થઇશ તો જ તને કન્યા પણ મળશે.'
' કાકા, પ્રાઇવેટ નોકરી જોઇન કરૂં તો પછી પરીક્ષાની તૈયારી ના થઇ શકે એટલે બેસી રહ્યો છું.'
' સારૂં ભાઇ તું ડાહ્યો અને સમજદાર છે એટલે તું જે કરે એ યોગ્ય જ કરીશ'
પડોશમાં રહેતા રૂઘનાથકાકાને હિંમત ઉપર બહુ લાગણી હતી.અને તેના પિતા બચુભાઇ અચાનક ગુજરી ગયા પછીતો લાગણીમાં ચિંતા પણ ભળી હતી.હિંમતની બા શાંતિબહેન પણ બિમારીમાં પટકાયેલાં હતાં.
સરકારી નોકરીની રાહ જોઇને બેસી રહેવામાં શાણપણ નથી એવું વિચારીને છેવટે હિંમતે શહેરની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી ચાલુ કરી દીધી.આવક ચાલુ થઇ એટલે સહુને હૈયે ધરપત થઇ.પણ હિંમત માટે આ મજબૂરીમાં લેવાયેલો નિર્ણય હતો એટલે તેના મનમાં શાંતિ નહોતી.
પ્રાઇવેટ નોકરીમાં ભયંકર શોષણ હતું એ અનુભવ હિંમતને છ મહિનાની નોકરી દરમ્યાન થઇ ગયો.શરીર અને મન બંને થકવી દે એવું સતત કામ અને પગાર તો માંડ અઠવાડિયું ઘર ચાલે એટલો.પાછી કચકચ તો ખરી જ.કોઇ રજા નહીં, ભવિષ્યની પણ કોઇ સલામતી નહીં બસ ગધેડાની જેમ કામ જ કરો.હિંમત સમસમીને બેસી રહ્યો હતો પણ મજબૂરી હતી.સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો હતો પણ ભરતીની જાહેરાત પણ આવતી નહોતી.
નોકરીને જોતજોતામાં બે વર્ષ વિતી ગયા હતા.હિંમતની બા પણ સ્વર્ગે સિધાવી ગયા હતા.બે વર્ષ પછી આજે હિંમત તેના ગામમાં આવ્યો હતો.ઘરની સાફસફાઇ કરાવી ત્યારે તો માંડમાંડ ઘરમાં પગ મુકાય એવું થયું.અઠવાડિયું ગામડે રહેવાનું નક્કી કરીને આવ્યો હતો પણ હવે એને વિચાર આવ્યો કે ખાવાપીવાની વ્યવસ્થા કેવીરીતે થશે? રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી.સ્વર્ગવાસી મા ની બહુ યાદ આવી.સુખ જોવા માટે મા જીવતી ના રહી તેનો તેને બહુ જ અફસોસ થતો હતો.
સવારે ઉઠ્યો ત્યારે રૂઘનાથકાકા ના દીકરાની વહુ ચા અને બાજરીનો રોટલો આપી ગઇ.થોડીવારમાં તો રૂઘનાથકાકા પણ આવીને કહી ગયા કે જેટલા દિવસ ગામડે રોકાઓ એટલા દિવસ અમારા ઘરે જ જમવાનું છે.
સાંજે જમ્યા પછી હિંમતે વાતચીત ની શરૂઆત કરતાં કહ્યું ' કાકા, અત્યારે મારે સારી આવક છે અને બે પૈસાની બચત પણ થઇછે એટલે હું મારા ખેતરો અને ઘર ગિરવે પડ્યા છે એ છોડાવવા માગું છું.'
' તારા બાપનો આત્મા રાજી થશે દીકરા.કાલે જ આ કામ આપણે પતાવી દઇએ.'
' પછી મારી ઇચ્છા છે કે આપણા આખા ગામને જમાડવું છે એની વ્યવસ્થા તમારે કરી આપવાની.અને ચૉક માં અંબાજી માતાનું મંદિરછે ત્યાં પુજારી માટે એક ઓરડી બનાવરાવવી છે.અને જે સ્કૂલમાં હું ભણતો હતો ત્યાં ઘણી અગવડ હતી એટલે સ્કૂલમાં સગવડ વધે અને નવીન બાંધકામ કરવા મારી બા ના નામે રૂપિયા પાંચ લાખ આપવાછે.'
રૂઘનાથભાઇ તો આભા બનીને હિંમત સામે જોઇ જ રહ્યા હતા.તેમની છાતી ગજગજ ફુલાઇ રહી હતી.
' કેમ ચૂપ થઇ ગયા કાકા? હું ઉપકાર નથી કરતો મારા ગામ ઉપર. પણ થોડું વતનનું ઋણ ઉતારી રહ્યો છું.'
રૂઘનાથકાકા ના આખા કુટુંબે ગામ જમાડવાનો આખો પ્રસંગ પાર પડાવ્યો.હિંમતે છૂટા હાથે પૈસા વાપર્યા. લોકોમાં વાહવાહ થઇ ગઇ.ખેતર અને ઘર જમીનદાર પાસેથી દેવું ચૂકતે કરીને છોડાવ્યા અને ખેતર રૂઘનાથકાકાના દીકરા ગોપાલને વાવવા માટે આપ્યું.પુજારી માટે નવી ઓરડી બની ગઇ.અને સ્કૂલમાં રૂપિયા પાંચ લાખ આપીને અઠવાડિયા પછી હિંમતે વિદાય લીધી ત્યારે આખું ગામ તેને આવજો કહેવા આવ્યું.
વિદાય થતી વખતે રૂઘનાથકાકાએ પૂછ્યું ' બેટા બે વર્ષમાં તું આટલા પૈસા કયા ધંધામાંથી કમાયો?'
' કાકા, પ્રાઇવેટ નોકરીથી બે ટંકનો રોટલો જ માંડ મળે એમ હતો.છતાંપણ નોકરી ચાલુ રાખીને સા઼ંજે છૂટ્યા પછી ભજીયાં ની લારી ચાલુ કરી.પૈસા કમાવવા હોયતો કોઇપણ કામમાં શરમ શાની? પ્રાઇવેટ નોકરીમાં રીબાવું એના કરતાં પોતાનો સ્વતંત્ર ધંધો તો કહેવાય.માથા ઉપર કોઇ શેઠની જોહુકમી તો નહીં.લારી ધમધોકાર ચાલી એટલે એક દુકાન ખરીદી અને ફાસ્ટ ફૂડનું રેસ્ટોરન્ટ ચાલુ કર્યું.ભગવાનની દયાથી શહેરમાં એક ઘર પણ ખરીદી લીધું છે.હવેતો નોકરી પણ છોડી દીધીછે.'
ચારપાંચ દિવસ પછી રૂઘનાથદાદા મારફત કન્યાનું માગું આવ્યું.વસુધા દેખાવે સુંદર અને ઉચ્ચ કુળની પત્ની તેને મળી.ઘડિયાં લગ્ન લીધાં.હિંમત વિચારતો હતો નોકરીમાં શું શક્કરવાર આવત.પૈસા વગર સમાજમાં કોઇ બોલાવતું પણ નથી.લગ્નના છ વર્ષમાં હિંમત ત્રણ બાળકો નો પિતા બની ગયો હતો.મોટા બંગલામાં રહેવા ગયો હતો.પંદરલાખની ગાડી આવી ગઇ હતી.બાળકો ઇંગ્લિશ મિડિયમમાં ભણવા મુક્યાં હતાં.
હિંમત અવારનવાર ગામડે જતો અને ગામના વિકાસના કામમાં લાખો રૂપિયા ખર્ચતો.રૂઘનાથકાકાનું અવસાન થયું ત્યારે તેમની પાછળ હિંમતે બ્રાહ્મણોની ન્યાત જમાડી હતી.શહેરના વૃદ્ધાશ્રમમાં, સ્કૂલોમાં, અનાથાશ્રમમાં, ઝુંપડપટ્ટીમાં,સરકારી દવાખાનામાં તેમનું મોટું દાન હતું.
શહેરની મધ્યમાં પોશ વિસ્તારમાં ધૂમકેતુ ટાવરના દસમા માળે આવેલી 'અગ્નિ પંથ' ન્યુઝ પેપર ની વિશાળ અને વૈભવી ઑફિસમાં અત્યારે એડિટર સુધીરશર્મા સતત દસમી સિગારેટ પી રહ્યા હતા.તેમને જે માહિતી મળી હતી એ અકલ્પનીય હતી.શહેરનો દાનવીર,અનેક લોકોની પ્રેરણામૂર્તિ એવો વ્યક્તિ આટલો મોટો ગુનેગાર હોઇ શકે? તો પછી કોના ઉપર વિશ્વાસ મુકીશું? સુધીરશર્મા ન્યુઝ પેપર ના એડિટર જ નહીં પણ એક બાહોશ જાસુસ તરીકે પણ નામના મેળવી ચૂકેલા છે.પોલીસખાતું પણ કોઇ અટપટા કેસમાં એમની સલાહ લેછે.
એમના એક જાસુસ પત્રકારે એમને તપાસનો રિપોર્ટ આપ્યો હતો.ચાર દિવસ પહેલાં પોલીસ કમિશનર સાહેબનો ફોન આવ્યો હતો કે શહેરની કોલેજના વિદ્યાર્થીઓ ચરસ અને હેરોઈન ના રવાડે ચડ્યાછે એવી ચિંતા યુનિવર્સિટીએ વ્યકત કરીછે અને આની પાછળ કયા ગુનેગારો છે એની તપાસ કરવાની માગણી કરી હતી.તો તમે પણ તમારૂં જાસુસ ખાતું કામે લગાડો.
' અલ્યા કોલેજમાં નવો આવ્યો છે કે શું?'
એક નવા આવેલા વિદ્યાર્થીને ઉદ્દેશીને દૂર ઊભેલા ચાર વિદ્યાર્થીઓ મશ્કરીમાં બોલી રહ્યા હતા.પણ પેલો નવો વિદ્યાર્થી કંઇ જવાબ આપે એ પહેલાં એને ચક્કર આવ્યા હોય એવું લાગ્યું અેટલે નીચે બેસી ગયો.પેલા ચાર વિદ્યાર્થીઓ દોડતા તેની પાસે આવ્યા અને પાણી પાયું તથા બાજુના બાંકડા પર બેસાડ્યો.થોડીવાર પછી તેણે આંખો ખોલી.' શું થયું હતું દોસ્ત? બિમાર છે? ઘરે મુકી જઇએ?'
' ના, મિત્રો આજે પડીકી લીધી નથી એટલે આવું થયું.પડીકીની આદત પડી ગઇછે.હમણાંથી પડીકીનો મેળ પડ્યો નથી.જો સાંજ સુધીમાં મેળ નહીં પડેતો મારી હાલત ખરાબ થઇ જશે'
પેલા ચાર જણા એકબીજાની સામે જોવા લાગ્યા.ઇશારાથી કંઇક વાતો કરી લીધી પછી એક દાઢીધારી યુવાન બોલ્યો' પડીકીનો બંદોબસ્ત અમે કરી આપીશું.પૈસા તૈયાર રાખજે'
' ઓકે મિત્રો પૈસા તૈયાર જ છે.લેતા આવો પડીકી.'
કોલેજના કંપાઉન્ડમાં પોલીસની જીપ આવી અને ગણતરીની મિનિટોમાં પેલા ચાર વિદ્યાર્થીઓને પકડીને ગાડીમાં બેસાડીને ઉપડી ગઇ.શહેરમાં હોબાળો મચી ગયો.પેલા ચાર જણના કોર્ટે રીમાન્ડ મંજૂર કર્યા અને પોલીસે થર્ડ ડીગ્રી વાપરી.પોલીસની થર્ડ ડીગ્રી આગળ ખૂંખાર ગુનેગારો પણ પોપટ બની જતા હોય ત્યાં આ વિદ્યાર્થીઓનું ગજુ કેટલું?
સુધીર શર્માના મોબાઇલમાં રીંગ આવી.પોલીસ કમિશનર સાહેબનો ફોન હતો' આભાર સાહેબ.મને ખબર જ હતી આ કામ અગ્નિપંથ જ કરી શકશે.મુખ્ય ગુનેગાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે પણ અમે તેને ખેંચીને બહાર લાવીશું.'
હિંમતલાલ દોડીદોડીને થાકી ગયો હતો, હાંફી ગયો હતો.નજર સામે ફાંસીનો માંચડો દેખાઇ રહ્યો હતો.ભાગીભાગીને કેટલે જવાશે? ચાર દિવસથી ભૂખ્યો તરસ્યો સંતાતો ફરી રહ્યો છું પણ કાયદો મને છોડશે નહીં.જલ્દી જલ્દી અતિશય પૈસા કમાવવાની લ્હાયમાં પોતે કેટલા લોકોનો ભોગ લીધો હશે ભગવાન જાણે.નશીલી દવાઓ વેચીને પોતે કરોડપતિ થઇ ગયો હતો પણ અંજામ આવો આવશે એવીતો કદી કલ્પના પણ નહોતી કરી.હવે ભાગવું નથી.ઘરે જઇને બધાંની માફી માગીને ગુનો કબૂલી લઇશ.રાત્રે ચાર વાગ્યે આંખ ખુલી.તેને વિચાર આવ્યો કે મને કોઇ માફ નહીં કરે.
સવારે ગામના તળાવમાં હિંમતલાલની લાશ તરી રહી હતી.પોલીસે પંચનામું કરીને લાશનો કબજો લીધો.હિંમતલાલે પોલીસખાતાનો અને ન્યાયતંત્ર નો સમય અને પૈસા તો બચાવ્યા જ હતા.
(સમાપ્ત)
મિત્રો, વાર્તા ગમે તો મને સ્ટાર આપજો અને મારા ફોલોઅર બનશોજી