આગળ આપણે જોયું કે પરમાનંદ ને ગોળી વાગે છે.ગુરવિંદરજી એમને રેતીના ઢગલા પાછળ લઈ જાય છે.રાજન,કમલ અને એમની ટીમ થોડી નિરાશ થાય છે.આ મોકાનો લાભ લઈને આંતકવાદીઓ બધાને ઘેરી લ્યે છે....
હવે આગળ.....
આંતકવાદીઓ ગુરવિંદરજીને ઓળખતા હોવાથી એમને જોઈને બોલ્યા, આ આર્મીના ઓફિસરને તો અમે અમારી કેદમાં રાખીશું. ભારતમાં દહેશત ફેલાવવા માટે ઘણાં ઉપયોગી થશે. બાકી બધાને અહીંયા જ ખતમ કરી નાખીશું. ચાલો સૌના હથિયાર લઈ લો. બીજો એક આંતકવાદી યુવાન હથિયાર લેવા જતો હતો ત્યાં જ દૂરથી ફાયરિંગ થયું, ને એ આતંકવાદી ત્યાં જ ઠાર મરાયો. બીજા બધા સાવધાન થયા પણ ત્યાં સુધીમાં તો મહિલા ટીમના ફાયરિંગ વધી ગયાં. આંતકવાદીઓમાં ભાગમ ભાગી મચી ગઈ, કેમકે એમનું સંખ્યાબળ ઓછું હતું.રેતીના ઢગલા કૂદતી,વચ્ચે આવતા ખડા ટેકરા ઓળંગતી ભરતીની વીર દીકરીઓ ઝડપથી દોડતી ને ફાયરિંગ કરતી આગળ વધતી હતી. મહિલા ટીમને જોઈને અહીંયા પણ બધામાં જોમ આવી ગયું.
ગુરવિંદરજી અને બાકીના બધાં હથિયાર લઈને લડાઈ લડવા લાગ્યા. થોડા ઘાયલ થયા, થોડા મર્યા અને અંતે લડાઈ પૂર્ણ થઈ. ઘાયલ થયેલ આતંકવાદીઓને પોતાની સાથે લઈને ભારતના બહાદુર વીરો અને વીરાંગનાઓ ભારતમાતાની જમીન તરફ ચાલવા લાગ્યા.
પરમાનંદ ચાલી શકે એવી સ્થિતિમાં ન હતા. રાજન અને કમલ એમને ખભા પર ઉપાડીને લઈ જઈ રહ્યા હતા,ત્યાં પરમાનંદ બેહોશ થઈ જાય છે. બધાના જીવ અધ્ધર થવા લાગ્યા અને ચાલવાની ઝડપ વધારી.અરે! એમ કહોને કે પોતાના ગુરુને બચાવવા રાજન,કમલ રેતીના રણમાં પણ પરમાનંદને ઊંચકીને દોડવા લાગ્યા. નથી લાગી તરસ,નથી ભુખ...બસ ઝડપથી સરહદ પર પહોંચવું છે.
ગુરવિંદરજીએ ભારતીય આર્મીને મેસેજ અને લોકેશન આપ્યું. ભારતીય આર્મીના અધિકારીઓ સાથે વાહનો પણ સરહદ તરફ આવવા લાગ્યા. બસ હવે માત્ર પંદર-વીસ મિનિટનો જ રસ્તો હતો. જીજ્ઞા વારંવાર પરમાનંદનો હાથ પકડી ચેક કરતી, રાજન સરનું શરીર ઠંડુ પડવા લાગ્યું થોડી વધુ ઝડપે દોડો...જો સમયસર સારવાર ન મળે તો કદાચ....
"નહિ દીદી એવું ન બોલો, સરને કંઈ નહીં થવા દઈએ,પોતાની દોડવાની ઝડપ વધારતા રાજન બોલ્યો."
હવે તો સામે જ સરહદ દેખાવા લાગી. સરહદને પેલે પાર આર્મીના જવાનો, તેમના વાહનો, આર્મીના ડોક્ટરો બધા જ દેખાતા હતા.
જિજ્ઞા, રાજન તથા કમલને આ 15 મિનિટ નો રસ્તો પંદર કિલોમીટર જેટલો દૂર હોય તેવું લાગતું હતું.
છેલ્લા બે-ત્રણ દિવસથી નથી આરામ કર્યો,નથી જમ્યા, સતત લડાઈ કરી અને આગળ વધવાની ખેવના... અને અત્યારે એ બધું ભૂલી એક જ લક્ષ્ય પોતાના જીવનનો આધાર, પોતાનું કૌશલ્ય, પોતાની વાણીના શબ્દો અને પોતાના હૃદયની ધડકન સમા પોતાના ગુરુને વહેલામાં વહેલી તકે તબીબી સારવાર આપવાનો.
અંતે સરહદ પાર પહોંચ્યા... પરમાનંદને તાબડતોબ હોસ્પિટલ લઈ જવા રવાના કર્યા. સાથે સાથે ઘાયલ થયેલ જવાનોને પણ હોસ્પિટલ માટે રવાના કર્યા. અને શહીદ થયેલ જવાનોની ડેડબોડીને માન-સન્માન સાથે એમના પરિવાર સુધી પહોંચાડવામાં આવી. આંતકવાદીઓ પાસેથી છોડાવેલ છોકરીઓને પણ તબીબી સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવાના કરી.
પાકિસ્તાની આર્મીના જવાનોને એમની સરહદમાં છૂટા કરવામાં આવ્યા. સાથે એમને એના સાથી મિત્રોના ડેડબોડી પણ પરત સોંપી, એમના આર્મીના વડાને સંદેશો આપવામાં આવ્યો..."અમે શાંતિના પુજારી છીએ. આપણા બંને મુલકમાં શાંતિ જળવાઇ રહે એ જ આપણા પ્રયત્નો રહેશે. તમારા શહિદ વીરોની ડેડબોડી માન-સન્માન સાથે તમને સોંપીએ છીએ.તમારા વિસ્તારમાં તમારી ધ્યાન બહાર ચાલતું આંતકવાદી કેમ્પનો અમે નાશ કર્યો છે. કેમ કે એ લોકોએ અમારી 1200 જેટલી બહેનોને બંધી બનાવી હતી.આ સમાચાર સાંભળી આપ અમને આપના પ્રતિભાવ જણાવશો. જય હિંદ."
બીજા દિવસે બધા જ સમાચારપત્રમાં હેડલાઈન્સ છપાઈ હતી... ભારતીય આર્મી તથા તપોવન ધામના યુવાનો દ્વારા એક મોટા આતંકવાદી કેમ્પને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને નાશ કરવામાં આવ્યો છે, અને આશરે ૧૨૦૦ છોકરીઓને એમની કેદમાંથી છોડાવવામાં આવી છે.
આર્મીના વડા ગુરવિંદરજીએ આપેલ માહિતી મુજબ તપોવનધામના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રોફેસર ગગનકુમાર પર થયેલો કેસ ખોટો હતો. આ કેસનું મૂળ આ આતંકવાદીઓ અને તેમના સભ્યો હતા. એમની સાથે જોડાયેલા સાત ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે અદાલતને અનુરોધ કરવામાં આવે છે કે ગગન કુમારને નિર્દોષ જાહેર કરી, પકડાયેલા સાત ભારતીય નાગરિકોને યોગ્ય સજા આપવામાં આવે.
આ આખા મિશનમાં તપોધન ધામના વડા પરમાનંદને ત્રણ ગોળી લાગી છે,આટલી મોટી ઉંમરે પણ એક નૌ જુવાનને શોભે એ રીતે આંતકવાદીઓ સામે લડ્યા અને પોતાની ટીમને બચાવવા પોતાની જાનની પણ પરવા કર્યા વિના બૉમ્બ ઉપાડી આંતકવાદી કેમ્પ પર ફેંક્યો.જેના પ્રત્યુત્તરમાં એમને ત્રણ ગોળી વાગી.
હજુ સુધી પરમાનંદ બેહોશ છે. ડોક્ટરોનું કહેવું છે કે વહેલામાં વહેલી તકે પરમાનંદ સાજા થઈ જશે. જો એકાદ કલાક મોડા પહોંચ્યા હોત તો કદાચ એમને બચાવવા મારા હાથમાં રહેત નહીં. પરમાનંદનો શિષ્ય ડોક્ટર રાજેશ હાલ એમની ટ્રીટમેન્ટમાં સામેલ હતો. હોસ્પિટલ બહાર લોકોની ખુબ ભીડ ,મોટા રાજકારણીઓ, વકીલો , વિદ્યાર્થીઓ, ડોક્ટરો.. બધાં લોકો પરમાનંદ વહેલામાં વહેલી તકે સજા થાય તેવી પ્રાર્થના કરે છે.
બીજે દિવસે વહેલી સવારે પરમાનંદ હોશમાં આવે છે. ડોક્ટર હવે એમને ચિંતા મુક્ત જાહેર કર્યા છે ,તે જ દિવસે સવારે ગગનને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. ગગન તથા તેમના સ્ટુડન્ટ સીધાં જ હોસ્પિટલમાં પરમાનંદ પાસે આવે છે.
એક અઠવાડિયા બાદ પરમાનંદને રજા આપવામાં આવે છે. અલબત્ત હજુ પૂર્ણ સક્ષમ નથી,પણ એમની સારવાર માટે રાજેશ ખુદ તેમની સાથે રહેશે એ વાત પર તેમને રજા આપવામાં આવે છે.
પરમાનંદ તપોવનધામ આવે છે.આજે તપોવનધામ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે કેમ કે, ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પરમાનંદની તબિયતના ખબર કાઢવા માટે આવવાના હતા.
તપોવનધામમાં રાજ્યના મુખ્યમંત્રી ,દેશના વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ પરમાનંદની સાથે બેઠા છે. બધા દેશભક્તિ ખાતર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર તપોવનધામના સંચાલક તથા તેમના અનુયાયીઓને અભિનંદન આપે છે.
આ સાથે જ પરમાનંદ જાહેર કરે છે કે "હવે આ સંસ્થાનું સંચાલન ગગન કરશે, તથા જીજ્ઞા એમને મદદ કરશે, સાથે સાથે અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષમાં દેશસેવા તથા દેશને ખાતર લડાઈ વખતની ટ્રેનીંગ પણ આપવામાં આવશે".
બધા સાથે જમીને છૂટા પડે છે. તપોવનધામ પાછું પોતાની આગવી જીવનશૈલી મુજબ ધબકવા લાગે છે. પરમાનંદ પોતાનો મોટાભાગનો સમય ધ્યાન , યોગ તથા આયુર્વેદના અભ્યાસ ,પ્રચાર અને પ્રસાર માટે કાઢે છે .જીજ્ઞા પરમાનંદ પાસેથી આ બધું શીખવામાં સમય પસાર કરે છે, જ્યારે ગગન બાળકોને ખમીરવંતા યુવાનો બનાવવા પોતાના લોહીનું પાણી કરે છે.
મિત્રો મારી આ નવલકથાને આપે હોંસે હોંસે વધાવી, વાંચી અને મને પ્રેમ ,પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યા એ બદલ બધાનો હૃદયપૂર્વક આભાર....
સમાપ્ત.......