“બાની”- એક શૂટર
ભાગ : ૨૯
"બાની તને નથી લાગતું ફ્લો અલગ જ એંગલ લઈ રહ્યું છે?" ટીપેન્દ્રએ વિચારીને કહ્યું.
"શું..?!" દ્વિધાથી બાનીએ પૂછ્યું.
બાની પોતાના બસમાં હતી જ ક્યાં!! એની વિચારવાની શક્તિ ઘટી ગઈ હોય તેમ લાગતું હતું. એ કોન્સન્ટ્રેટ કરી શકતી ન હોય તેમ એ મહેસૂસ કરી રહી હતી.
"આ ડાયરી પૂખતો સબૂત છે. ડાયરીમાં જાસ્મીનનાં ખૂનનું રહસ્ય છુપાયેલું છે. બીજી કડીઓ ઓટોમેટિક બહાર આવી જશે." ટીપેન્દ્રએ કહ્યું.
"પણ ઈવાનનું કશું ઉલ્લેખ જ નથી આ ડાયરીમાં..!! કમાલની વાત તો એ છે કે જાસ્મીને પણ મને પર્સનલી કશું કહ્યું નહીં ઈવાન વિશે..!!" બાનીએ કહ્યું.
"બાની એ તો હવે ઈવાન જ આપણાને કહી શકશે જાસ્મીન સાથે એનો શો સંબંધ હતો..!!" ટીપેન્દ્રએ કહ્યું.
"પણ ઈવાન છે ક્યાં? ક્રિશ તો આવીને ગયો. એણે કશું ખબર હોય ઈવાન વિશે? તેમ જ ઈવાન જાસ્મીન રિલેશનશિપનું ?" બાનીએ કહ્યું.
"પણ બાની હવે એ બધી જ ઈન્વેસ્ટિગેશન પોલિસ જ કરશે. પાસો તો ધીરે ધીરે જ ખુલાશે ને..!! જે બનેલી ઘટના હોય એમાં કોઈ મોટું સંડોવાયું હોય તો એ ઘટનાને દબાવામાં આવતી હોય છે અને જે બિનજરૂરી ઘટના હોય એને જ સામે લાવવામાં આવે છે. પણ કામ ડાઉન બાની. જીત સત્યની થશે." ટીપેન્દ્રએ બાનીને સમજાવીને ધીરજ આપી.
"એટલે આ અમનનું નામ આવવાનું જ નથી વચ્ચે??" બાનીએ પૂછ્યું.
"જો તું આ ડાયરી પોલીસને સોંપશે તો આગળની કાર્યવાહી બની શકશે ને." ટીપેન્દ્રએ કહ્યું. બાની વિચારમાં પડી ગઈ.
"ટીપી તું શું કહેતો હતો?? કોઈ મોટું સંડોવાયું હોય તો એ ઘટનાને દબાવામાં આવતી હોય છે. એમ જ ને? " બાનીએ પૂછ્યું.
"હં..!" ટીપેન્દ્રએ કહ્યું.
"માની લો. આ ડાયરી પોલીસના હાથમાં આપું તો પણ શું એ મોટું આ વાતને દબાવાની કોશિશ ન કરે..??" બાનીએ પૂછ્યું.
"બિલકુલ એવું જ થઈ પણ શકે અને નહીં પણ થઈ શકે..!!" ટીપેન્દ્રએ કહ્યું.
"તું એક જ જવાબ આપી ન શકે??" બાનીએ અકળાઈને કહ્યું.
" આ કળયુગમાં હું એક જવાબ આપી કેવી રીતે શકું?? તને કે મને જેટલી વાત ખબર ન હોય એના કરતાં તો વધુ મીડિયા ખબર રાખતી હોય છે." ટીપેન્દ્રએ કહ્યું.
"ટીપેન્દ્ર..!! અત્યારે દલીલમાં પડવાની વાત જ ક્યાંથી આવી. તું બોલ મારે આગળ શું કરવું જોઈએ??" બાનીએ પૂછ્યું.
"તું આ ડાયરી પોલીસનાં હાથમાં સોંપવા માંગે છે કે નહીં?" ટીપીએ પૂછ્યું.
બાની થોડી મિનીટ માટે વિચારમાં પડી ગઈ પછી મક્કમ મને કહ્યું, " ના હું આ ડાયરી પોલિસનાં હાથમાં અત્યારે તો નહીં જ સોંપૂ. હું પહેલા સિચ્યુએશન જોવા માંગીશ. મીડિયામાં જો મારા માટેના આવા ખોટા આરોપો ચગવવામાં આવતા હોય. જેનું હજું મારી પાસેથી વાતનું ખંડન કરવામાં આવ્યું જ ન હોય એ વાતને આવી રીતે ફ્લેશ કેવી રીતે કરી શકે??"
"એટલે તારું એવું કહેવું છે કે હવે પોલિસો પણ આરોપો મૂકશે જ..!! તો આ ડાયરી ક્યાં રાખવા માંગે છે?" ટીપીએ ઝડપથી કહ્યું.
"હા કદાચ એવું જ બની શકે..!! આ ડાયરીને હું તને સોપું છું. તું એમ જ સમજ હું મારી જાસ્મીન જ સોંપી રહી છું એ જ વિચારથી તું એને સાચવજે." બાનીએ રડું રડું થતાં કહ્યું.
"બાની તું બેફિકર રહે. મને હવે નીકળવું જોઈએ." ટીપીએ કહ્યું.
બાનીએ ટીપી પાસેથી એ ડાયરી લીધી. અને જેવી પહેલા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી એવી જ રીતે મૂકીને આપતા કહ્યું, " ટીપી મને તારા પર મારા કરતાં પણ વધુ વિશ્વાસ છે. તું આ ડાયરીનો વ્યવસ્થિત અભ્યાસ કર. કદાચ મેં ઘાઈમાં જ એકાદ પેજ વાંચ્યા ન હોય એવું પણ બની શકે. કેમ કે ઘણા નાના અક્ષરથી લખવામાં આવ્યું છે. એમાં કદાચ ઈવાનનો પણ ઉલ્લેખ કર્યો હોય...એમાં રબરબેન્ડ જેવું પણ કશુંક છે.. તું આરામથી જોજે.!!"
"ઓકે હું નીકળું. ધ્યાન રાખજે તારું. તારું એક્સીડેન્ટ થયેલું છે. લોયર બધું સંભાળી લેશે." ટીપીએ ત્રુટક વાતમાં શાનથી સમજાવી દીધું. ઈન્વીટેશન કાર્ડ પોતાનું પટલુનમાં ખોસ્યું. શર્ટ વ્યવસ્થિત ઈન કર્યો. દરવાજો ઓપન કરવા જ જતો હતો પરંતુ એ પાછો એક વિચાર લઈને ફર્યો, " બાની..!! જાસ્મીનનો નોકર ચુનીલાલ જો ડાયરી વિષેની જબાન ખોલશે તો..!!"
"એ નહીં ખોલે જબાન. કેમ કે ચુનીલાલ મારો નોકર હતો." આત્મવિશ્વાસથી બાનીએ કહ્યું. બાનીનો વિશ્વાસભર્યો ચહેરો જોઈને ટીપેન્દ્ર નીચું મોઢું કરીને સડસડાટ નીકળી ગયો. એ બંગલાનાં પાછળના ગેટ તરફથી જ આવ્યો હતો. પછી બધા ફ્રેન્ડો સાથે ભળી ગયો હતો. અને ફરી એ જ સ્વિમીંગપૂલના રસ્તેથી એ બહારની તરફ નીકળી ગયો.
બીજી તરફ મેઈન ગેટથી પોલીસની ગાડી કમ્પાઉન્ડની અંદર આવીને પાર્ક થઈ. સીસીટીવી કેમેરાના માધ્યમથી બધું જ અપડેટ બાની પોતાનાં મોબાઈલમાં લઈ રહી હતી. બાનીએ પોતાને સ્વસ્થ કરી.
થોડી જ મિનીટોમાં પોલીસ આવી પહોંચી.
દાદીએ દરવાજા પર ટકોરા કર્યા.
"આવો દાદી." બાનીએ શાંત ચિત્તે કહ્યું. " ઈન્સ્પેક્ટર સા'બ..!!" બાનીના દાદીએ કહ્યું.
"મોકલો દાદી." બાનીએ કહ્યું.
"હેલો મિસ બાની. હું ઈન્સ્પેકટર ગૌતમ જૈસવાલ. વહેલી સવારે જ હોસ્પિટલમાંથી સીધા ઘરે શિફ્ટ થઈ ગયા? શું વાત છે?" નવજુવાન ઈન્સ્પેકટર જૈસવાલની આદત સાથે એનું કામ પણ હતું કે તેઓ આડકતરી રીતે જ વાત કરતાં.
"ખૈર, અભિનેત્રી જાસ્મીનને ગોલી મારીને હત્યા કરવામાં આવી છે. એ તમારી બેસ્ટ ફ્રેન્ડ રહી છે. તમારું બયાન અમારા માટે આ હત્યાનું રહસ્ય સુલજાવા માટે મદદ નીવડે એવી ઈચ્છા રાખી શકીએ કે નહીં?" ઈન્સ્પેકટર જૈસવાલે પૂછ્યું. ઈન્સ્પેકટર જૈસવાલ સાથે કોન્સ્ટેબલ કૈલાશ ગાયકવાડ પણ ઉપસ્થિત હતો.
"સર, જાસ્મીનનો હત્યારાનો નકાબ જલ્દીથી જલ્દી ઉઠી જાય એ હું ન ઈચ્છું તો કોણ ઈચ્છશે??" બાનીની કોરી આંખો ગુસ્સાથી કહી રહી હતી.
"હત્યારો જ કેમ હત્યારી કેમ નહીં?" ઈન્સ્પેકટર જૈસવાલે પૂછી પાડ્યું. બાની આશ્ચર્યથી ઈન્સ્પેકટર જૈસવાલને જોતી રહી. એ સમજી ચૂકી હતી કે બધો ઈશારો એના પોતાના માટે થઈ રહ્યો હતો. પરંતુ એને પોતાનું મનને અત્યારે ખૂબ જ સ્ટ્રોંગ બનાવી દીધું હતું.
"ઈન્સ્પેકટર સા'બ. તમે મારી દીકરીને પજવી રહ્યાં છો. એનું એક્સીડેન્ટ થયું છે. એમાં જ એની બેસ્ટ ફ્રેન્ડનું મૃત્યું..!! એની માનસિક હાલત તમે સમજો." બાનીના ડેડીએ બેડરૂમમાં પ્રવેશતાં કહ્યું.
"મિસ બાનીની માનસિક હાલત જોઈને જ હું ઘરે પૂછતાછ માટે આવ્યો છું. મારા કામમાં તમે ખલેલ ન પહોંચાડશો. વિનંતી એટલી છે કે તમે બધા બહાર જાઓ." ઈન્સ્પેકટર જૈસવાલ બગડ્યા.
" ડેડ, હું ઓકે છું. સરને પોતાનું કામ કરવા દો. તમે બધા જ બહાર જાઓ પ્લીઝ." બાનીએ કશું જ બન્યું ન હોય તેમ સપાટ સ્વરમાં કહ્યું.
"મિસ બાની હું મુદ્દા પર આવું. તમે એબ્રોડથી આવીને સીધા જ જાસ્મીનને મળવા ગયેલા?" કોન્સ્ટેબલ કૈલાશ ગાયકવાડની તરફ એક વાર નજર નાંખતા ઈન્સ્પેકટર જૈસવાલે પૂછ્યું.
" હા એ કશુંક મને ઈમ્પોર્ટન્ટ વાત કરવાની હતી. હંમેશા એ વિડિઓ કોલ દ્વારા એક જ પ્રશ્ન પૂછતી કે બાની તું ઈંડિયા ક્યારે આવશે. હું એટલું તો જાણી ચૂકી હતી કે જાસ્મીન જરૂર મુસીબતમાં હશે..!! એ જ જાણવા માટે મને એબ્રોડથી આવવું પડ્યું. હું જાસ્મીનને મળવા તો ગઈ. પણ એ એના ફ્લેટ પર ન હતી. મેં ખાસી રાહ જોઈ. કાર લઈને હું ઘરે ફક્ત પગ જ મુક્યો હશે ત્યાં જ જાસ્મીનનો કોલ આવ્યો. મેં પૂરપાટ વેગે કાર ભગાવી મૂકી ત્યાં જ મારું એક્સીડેન્ટ..!!" બાનીએ કહ્યું.
"મિસ બાની..!! એબ્રોડથી આવીને ઈવાન સાથે તારા મેરેજ થવાના હતા..!! પણ મિસ્ટર ઈવાન તારી જ બેસ્ટ ફ્રેન્ડ જાસ્મીન સાથે ઈશ્ક લડાવી રહ્યો હતો. એ જ તારાથી સહન ન થયું. જાસ્મીન નામનો કાંટો કાઢવાનાં પહેલા તે તારું જ પહેલા એક્સીડેન્ટ કરાવી લીધું જેથી તું શક ના ઘેરામાં ન આવે!! રાઈટ??" પૂછતાં જ ઈન્સ્પેકટર જૈસવાલનો અવાજ ઊંચો થઈ ગયો.
આંચકા સાથે બાની આશ્ચર્યચકિત નજરે ઈન્સ્પેકટર જૈસવાલને જોતી જ રહી ગઈ.
(ક્રમશઃ)
(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)