ચોખ્ખું ને ચણક - (પ્રસ્તાવના અને ભાગ ૧) પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોખ્ખું ને ચણક - (પ્રસ્તાવના અને ભાગ ૧)

મારુ કબુલાતનામુ
લેખક તરીકે જે મૂલ્યો ગણાવવામાં આવે છે એ એકપણ મૂલ્ય કે લાયકાત મારામાં નથી છતાં હવેથી 'ચોખ્ખું ને ચણક' નામની લેખમાળા શરૂ કરવા જઈ રહ્યો છું.આ લેખમાળામાં કોઈ અલંકારથી સમૃદ્ધ ભાષા વપરાયેલી નહિ હોય પરંતુ મને જે અમુક હકીકતો લાગે છે એને શબ્દરૂપે ઉતારવાનો પ્રયત્ન કર્યો છે.કોઈ વિરહિણીની વ્યથા,યુગોથી એકબીજાની વાટ જોયે રાખતા બે પ્રેમીઓનું મિલન,કોઈ પ્રેમની જઠરાગ્નિમાં તડપતો યોગી વગેરે જેવા અઘરા શબ્દોવાળા વિષયો આ લેખમાળામાં

નહિ હોય એ જાણીને તમને પણ આનંદ થયો હશે એમ હું માનું છું.

આ લેખમાળામાં શું હશે એ વિશે ઉપર બહુ ટૂંકમાં માહિતી આપી દીધી છે છતાં તમને વધુ સમજાય એ ઉદ્દેશથી ફરીથી અહીં ઢસડું છું.આ લેખમાળામાં મને જે સત્યો અને આજના સમાજની જે વક્રોક્તિ દેખાય છે એને જેવા છે એવા જ રૂપમાં આ લેખમાં ઉતારવાનો મારો પ્રયત્ન છે.ભલે મારુ શરીર દુબળુ પાતળું હોય,કોઈક મને એક મુક્કો તો શું થપ્પડ મારે તો પણ હું આખો ખખડી જાઉં એમ હોઉં છતાં કલમમાં એક અનોખી તાકત હોય છે એમ માનીને આ લેખમાળામાં હું કોઈની શેહશરમ રાખ્યા વિના હું તારક મહેતાની ભાષામાં કહું તો 'જે તે વિષય પર માછલાં ધોઈ નાખવાનો છું'.

તમને લાગતું હશે કે આ માણસ આવેશમાં આવીને મનમાં આવે એ ઝીંકે છે તો હા, હું સ્વીકારું છું કે આ લેખમાળામાં મને જે મનમાં આવશે એને એવું ને એવું જ લખવાનો છું.આ જ ફકરામાં મારે થોડી જાહેરાત પણ કરવી છે!મારી આ લેખમાળાના અંશો પ્રતિલિપી,માતૃભારતી(બંને એપમાં મારુ નામ 'શબ્દ શબ્દનો સર્જનહાર' છે) અને વર્ડપ્રેસની મારી સાઈટ પર પણ મળશે આથી જો કોઈ વાંચવા માટે એવું બહાનું કાઢતો હોય કે મારું તો ફેસબુક એકાઉન્ટ ઘણા દિવસથી ડીએક્ટીવેટ છે એટલે વાંચી નથી શકતો તો પછી એને વિનંતી છે કે સ્પષ્ટ કહી દે કે મને તને વાંચવામાં કોઈ રસ નથી એટલે કામ પતે!

આ વાંચીને કોઈની લાગણી દુભાણી હોય તો હું ક્ષમા માંગું છું, છતાંય જો કોઈ મને માફ કરવા તૈયાર ન હોય તો એક કાઠિયાવાડી તરીકે મારો નિયમ છે,

"શક્ય હોય તો માફ કરજો,
બાકી થાય તે કરી લેજો."

આભાર!તો તૈયાર રહેજો હાસ્ય અને વ્યંગના લેખો વાંચવા માટે....ઈતિ સંપૂર્ણમ....



ચોખ્ખું ને ચણક ભાગ ૧
કૃષ્ણ-એક ચૂંથાયેલો ઈશ્વર

વર્ષો પહેલા સુરેશ દલાલે એક કવિતા લખેલી તેમાં એક પંક્તિ એવી હતી કે "શ્યામ તારી વાંસળી લૂલી થઈ!" ખરેખર આજે આના કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ છે.આખા ભારતીય હિન્દૂ ધર્મમાં જો સૌથી વધુ કોઈ ઈશ્વર વિશે લખાયું હોય તો તે કૃષ્ણ છે! રામ વિશે પણ લખાયું છે પણ કૃષ્ણ જેટલું નહિ,રામને સમજવા કૃષ્ણ જેટલા સરળ નથી.પણ આજે અહીં કૃષ્ણ વિશેની વ્યાખ્યાઓ બાંધવાનો કે તેને સમજાવવાનો કોઈ ઉપક્રમ નથી.આજે આ લેખમાં ભારતીયો અને ખાસ કરીને પ્રેમનો ભ્રમ ધરાવતા લોકોએ ખાસ કરીને મુગ્ધ વિદ્યાર્થીઓએ કૃષ્ણ જેવા સીધા સાદા માણસને-વિશિષ્ટ માણસને મોબાઈલમાં સ્ટેટ્સમાં રાખી રાખીને જે ચૂંથી નાખ્યો છે તેની વાત કરવી છે.

પહેલી અને કદાચ ન ગમે તેવી વાસ્તવિકતા એ છે કે કૃષ્ણ પ્રેમનો ઈશ્વર જ નથી પણ આપણે છૂટથી પ્રેમલીલા કરી શકીએ એ માટે કૃષ્ણને પ્રેમનો ઈશ્વર બનાવી દીધો છે.કૃષ્ણએ જિંદગી આખી પ્રેમ જ નહોતો કર્યો એ વાત પુરાવા સાથે સાબિત કરી શકાય એમ છે.હવે તો જો વૈકુંઠનું ખરેખર અસ્તિત્વ હશે તો કૃષ્ણ પણ ત્યાં બેઠા બેઠા વિચારતા હશે કે,"સાલું, હું આવું જીવન ક્યારે જીવેલો?!'' કોઈ છોકરીએ સામું જોઈને હસ્યું ને બસ,એ મારી રાધા ને હું એનો કાનુડો!પછી સ્ટેટ્સમાં ટીવી પર ચાલતી મુફલીસ ને પુરાવવિહોણી ધારાવાહિક 'રાધાકૃષ્ણ'(જેમાં મનોરંજન છે પણ સત્ય નથી)ના કલાકારોના વોટ્સએપ સ્ટેટ્સ શરૂ!ખરેખર,જો રાધાકૃષ્ણને વિશે વિચારીએ તો તરત જ ખ્યાલ આવી જશે કે એ બંને જે ઉંમરમાં સાથે હતા ત્યારે આપણે જાજરૂ જવા માટે પણ આપણા માતુશ્રીની મદદ લેવી પડતી!

રાધા કૃષ્ણના પ્રેમને બધા લેખકોએ,પ્રેમના ભ્રમમાં રાચતા લોકોએ નકામો ચૂંથી નાખ્યો છે.દરેક પ્રેમી પ્રેમિકા પોતાને રાધા કૃષ્ણ સમજે છે.ખરી વાત તો એ છે કે આપણે જ્યારે એ ઉંમરના હોઈશું ત્યારે અનેક છોકરીઓ (અથવા છોકરાઓ) સાથે રખડયા હોઈશું તો એનો અર્થ એવો નથી કે આપણે બધા પ્રેમમાં હતા!જોકે તમને લાગ્યું હશે કે વિષયાંતર થઈ ગયું પણ આ મુદ્દો જ એવો છે કે કૃષ્ણનું નામ આવે એટલે એની ચર્ચા કર્યા વિના ન ચાલે.કૃષ્ણ વિશે સંસ્કૃત રસકવિઓએ પણ આપણને ગૂંચવવામાં ઓછો ફાળો નથી આપ્યો.

ગુજરાતી સાહિત્યમાં પણ જુઓ તો સહેજેય મારા વજન જેટલા કૃષ્ણ પર લખેલા પુસ્તકો મળી આવશે.એ વાસ્તવિકતા જો દરેક હિન્દૂ સ્વીકારી લે કે અવતારવાદ એ પુરાણીઓની કલ્પના છે તો ખરેખર બધા જ મનાતા અવતારોમાંથી આપણે સારું એવું જીવનમાં શીખી શકીશું.આપણે બધાએ ગીતાના ગુણ-ગાન ગાઈએ છીએ પણ કૃષ્ણને ગીતાનું જ્ઞાન સૂઝ્યું ક્યાંથી એ વિચાર કોઈને કેમ ન આવ્યો?કૃષ્ણ તો ભગવાન હતા,સર્વજ્ઞ હતા એવી નકામી દલીલ કરવાને કોઈ અવકાશ નથી.શ્રદ્ધાનું સ્થાન ઊંચું છે પણ તર્કથી અલગ છે.પણ વાસ્તવિકતા એ છે કે આપણને આપણા ઈશ્વરને તર્કની કસોટીએ ચડાવવામાં ડર લાગે છે.તો ફરી પાછા વાત પર આવીએ તો જ્યારે પાંડવો વનવાસ-અજ્ઞાતવાસમાં હતા ત્યારે કૃષ્ણ શું કરતા હતા એ વિચાર કોઈએ કેમ ન કર્યો?આ સમય દરમિયાન કૃષ્ણએ કઠિન અભ્યાસ કર્યો છે અને એની ફલશ્રુતિરૂપે આપણને ગીતા મળી છે.આ વાત ટીવી સિરિયલોની જેમ કલ્પના નથી પણ આપણા ભુલાઈ ગયેલા વિચારક કિશોરીલાલ મશરુવાળાના પુસ્તક 'રામ અને કૃષ્ણ'માં આ વાત આપી છે.આજના બધા લેખકોએ પોતાના પુસ્તકોમાં જે નકામું ચીતર્યું છે(સદ્ભાગ્યે અપવાદ છે) એ વાંચવા કરતા જો આ વિચારકને વાંચીશું તો વધારે સાચું જાણી શકીશું.

ખરેખર તો કૃષ્ણ એ એક જમાનાથી આગળ ચાલીને વિચારનારા વ્યક્તિ હતા,તેજસ્વી હતા!એ પણ મારા ને તમારા જેવા જ માણસ હતા પણ આપણે અને જુદા જુદા સંપ્રદાયોએ નકામા અહોભાવથી એને માથે ચડાવ્યા છે!આપણને બાલકૃષ્ણ દેખાય છે પણ વિદ્યાલયમાં જઈને નિષ્ઠાથી અભ્યાસ કરતા કૃષ્ણ કેમ દેખાતા નથી?એનું કડવું કારણ એ છે કે આપણે આપણી કલ્પનાઓ મુજબ ઈશ્વર બનાવતા શીખી ગયા છીએ અને ટીવી સિરિયલો એમાં આપણને મન ભરીને સાથ આપે છે.બધા વાચકોને અનુરોધ છે કે ટીવી સિરિયલો જોઈને ઈતિહાસ આવો જ છે એવું ન માને.

કોઈની શ્રદ્ધા પર ઘાત થતો હોય તો ભલે થાય પણ હવે કૃષ્ણને કોઈ ઈશ્વર તરીકે નહીં પણ એક મહાપુરુષ તરીકે જોવાની જરૂર છે.થાય છે એવું કે કૃષ્ણને ઈશ્વર કહીએ છીએ પણ એમાંથી કંઈ શીખતાં નથી,તેના પર મોટા મોટા ગ્રંથો લખનારા પણ આપણા જેવા જ હોય છે-એ પણ કંઈ જીવનના મૂલ્યો અપનાવી લેતા નથી.એના કરતા કૃષ્ણને એક માનવ તરીકે સ્વીકારી,આપણી પોતાની કલ્પના મુજબ કૃષ્ણની કલ્પના કરવાનું બંધ કરીને એક નવી દિશા ખોલીએ ને ભાષણો બંધ કરીએ તો ખરેખર કલ્યાણ થાય!(જોકે અત્યારે હું એમાં જ વધારો કરી રહ્યો છું એનો ખેદ છે.)

કૃષ્ણએ સદૈવ પોતાના જીવનમાં સુધારાવાદી વલણ અપનાવ્યું છે અને 'ગોવર્ધનપૂજા'માંથી એ પ્રદર્શિત થાય છે પણ આપણે એને બદલે કંઈક બીજો જ નિષ્કર્ષ કાઢી લીધો!આવા કૃષ્ણની પાસે સ્ત્રીઓ માસિક સ્ત્રાવ થાય એ સમય દરમિયાન જઈ ન શકે એવા તો પાછા મુર્ખતાભર્યા નિયમ છે પછી એમાં આપણે આપણી જાતે તર્ક બનાવીને ઉમેરીએ એ ખરાબ અને હલકટ વાત છે.આપણી સંસ્કૃતિ અને આપણો કૃષ્ણ મહાન હતો એ બાબતે જગતમાં કોઈ પ્રશ્ન ઉઠાવી શકે એમ નથી પણ આપણે એના જીવનમાંથી કંઈ સાચું શીખી શકતા નથી અને એનું કારણ એ કે આપણને કૃષ્ણનું આ પાસું કોઈએ બતાવ્યું જ નથી!યાદ રાખો કે નરસિંહ મહેતા હોય કે મીરાંબાઈ કોઈએ ભક્તિ કરવા બીજાને જાણીજોઈને દુઃખી કર્યા હોય એવો એકેય પ્રસંગ મને યાદ નથી!આજે અનેક ભક્તો કરે છે.

આ કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં ગયેલા ત્યારે લગભગ સિત્તેર વર્ષના હતા એ જીવનના અંતિમ તબક્કા સુધી જિજીવિષા ન છોડવી એ સૂચવે છે.બહુ આદર સાથે આ વાતો લખી છે પણ કૃષ્ણ પ્રત્યેનો અતિઆદર જો આપણને મૂળ મૂલ્યોથી વિમુખ કરતા હોય તો ટકોર કરવી એ મારે મન તો કૃષ્ણભક્તિ જ છે.ઊગતા પ્રભાતમાં(કુતરાનું સંવનન જોઈને) આ લેખ લખવા બેઠો છું કદાચ ખૂબ બકવાસ લાગ્યો હશે તમને પણ મારો દાવો છે કે ગુજરાતી વાચકોને બકવાસ વાંચવામાં જ રસ છે.

જેના વિશે અનેક તર્કબદ્ધ ચર્ચાઓ કરી છતાં કોઈ અનોખું આકર્ષણ રહ્યું એવા કૃષ્ણને(મહાપુરુષ કૃષ્ણને) વંદન!