“બાની”- એક શૂટર
ભાગ : ૨૭
થોડા દિવસમાં જ મને જાણવા મળ્યું કે મીરાંના ડેથ થવાનાં કારણે એની જગ્યા પર મને લેવામાં આવી હતી. મીરાંને લઈને જે આલ્બમની અધૂરી શૂટિંગ થઈ હતી એને પડતી મુકીને નવેસરથી મારા દ્વારા પૂરી કરી હતી. મીરાનું પણ મારી જેમ નવી જ એન્ટ્રી હતી. ડાયરેક્ટર સંતોષ સાહેબે એ વાતને બહાર એક્સપોઝ કરી ન હતી એનું કારણ એ હતું કે એના દીકરા અમન સાથે જ મીરાનું અફેર હતું. આરાધના પ્રોડક્શન હાઉસ હમેશાં એક નવા ચહેરાને પ્રાધાન્ય આપતાં હતાં. અને મીરા એટલી ફેમસ પણ ન હતી કે એની આત્મહત્યાને વાતનું વતેસર મળે..!! એવાં જ સારા નરસા દિવસો ત્રણ મહિના સુધી જતા રહ્યાં. એ આલ્બમ કર્યાં બાદ પણ હું નાના મોટા રોલનું કામ એડ ફિલ્મોમાં કરતી રહી. પાંચ મહિના બાદ એ આલ્બમ રિલીઝ થયું અને હું રાતોરાત ફેમસ થઈ ગઈ. એક ફેમસ બ્યુટીફૂલ ચહેરો તરીકે મારી નામનાં વધી ગઈ. એના પછી મને ઘણી બધી જાહેરાતો સ્પોન્સરશીપ માટે કોલ આવતાં થઈ ગયા.
ડાયરેક્ટર સંતોષ સાહેબનો દીકરા અમન સાથે પણ નાનો એવો પરિચય થયો હતો. પરંતુ મારી સફળતા બાદ, અમનના નામે જે નવી હોટેલની ઓપનીંગ થવાની હતી ત્યાં રિબેન કાપવાં માટે મને આમંત્રિત કરવામાં આવી હતી. એ જ આલીશાન હોટેલમાં ભવ્ય પાર્ટી પણ યોજવામાં આવી હતી. એ પાર્ટીમાં મને ઘણા બધા ખ્યાતીપ્રાપ્ત વ્યક્તિઓ સાથે અમન જ પરિચય કરાવતો જતો હતો. હાલાકી મને ત્યારે એમ લાગતું હતું કે અમનને મારામાં ઇન્ટેરેસ્ટ હોઈ શકે...!! એક પતિના ધોખા બાદ મને બધા જ મર્દ એક સરખા લાગતાં હતાં. હું સેલ્ફીશ રીતે જીવતી હતી. મને મારું કામ અને મારા પૈસા સાથે મતલબ હોય તેવી રીતે હું જીવવા લાગી હતી. પણ મને અફસોસ ફક્ત એ હતો કે મારી આટલી સફળતામાં મારી ખૂશીને શેર કરવાં માટે તું ન હતી. હા હું ફેમસ બની ચૂકી હતી એની જાણ તો તને કરી જ હતી. પણ દિવસો એટલા ઝડપથી પાસ થતાં હતાં કે તને ઊંડાણપૂર્વક જણાવવાનો સમય જ ન મળ્યો.
આરાધના પ્રોડક્શન હાઉસથી એક શોર્ટ ફિલ્મ બની. એ શોર્ટ ફિલ્મ પણ હિટ થઈ. મારા અભિનયની સરાહના થઈ. એ તું જાણે જ છે. એના પછી વેબસિરિઝ પણ બની. હું એક પછી એક સફળતાની ઊંચાઈ પ્રાપ્ત કરતી જતી હતી.
આ બધું જ થયા બાદ એક મહિના પછી અમને મને પ્રપોઝ કરી હતી. મારો ચોખ્ખો જવાબ ‘ના’ માં હતો. એ આ જવાબથી સહમત થયો પણ એણે ફ્રેન્ડશીપ રાખવા માટે કહ્યું હતું. હું આ વાતથી સહમત હતી. પરંતુ મેગેઝીન કે બીજા બધા સમાચારોમાં અમારું બંનેનું નામ ચગવામાં આવ્યું હતું. કેમ કે હું એક ફેમસ મોડેલ સાથે વેબ સિરીઝમાં ફેમસ અભિનેત્રી તરીકે નામનાં મેળવતી હતી.
એક દિવસ મને કોઈ ભારી અવાજ સાથે એક મહિલાનો ફોન આવ્યો કે અમનથી દૂર રહેજે. એમાં તારું જ ભલામણ છે. પણ મેં એ વાતને વધારે ધ્યાન પર લીધું નહીં કેમ કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યાં બાદ હું મારું ધ્યાન ખુબ સારી રીતે રાખતી હતી. કેમ કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ખરાબ બાજુ અને સારી બાજુનું મેં ઘણું વાંચ્યું હતું. અને મારે કેવી રીતે રહેવાનું છે એ પણ મેં જાણી લીધું હતું.
એક દિવસ ડાયરેક્ટર સંતોષ સાહેબના બંગલે જવું પડ્યું. સંતોષ સાહેબની તબિયત કથળી હતી અને એણે હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યાં હતાં. એક નોકર મને બીજા માળે તેડી ગયો. સંતોષ સાહેબ ઉપર આરામ ફરમાવતાં હતાં. કમાલ એ હતું કે આટલા મોટા બંગલામાં સેવા ચાકરી માટે ફક્ત નોકરો સિવાય કોઈ હતું નહીં. કેટલું એકલાપણું..!! હું સાહેબનાં તબિયતનો હાલહવાલો લઈને નીચે આવી. એક સોફા ચેર પર બેસી. એક નોકરાની મારા માટે ચા નાસ્તો લઈને આવી. એ મને ક્યારની ઘુરીને જોતી હતી. મને સમજ પડતી ન હતી એ મારી ખૂબસૂરતીથી અંજાઈ હતી કે ફક્ત એમ જ એણે જોવાની આદત હશે એટલે જોતી હતી. એ બીજા નોકર સાથે થોડીઘણી વાતો કરતી હતી ત્યાં જ મને થોડો અંદેશો આવ્યો કે આ અવાજ ક્યાંક તો સાંભળ્યો છે. મેં એના ભણી જોયું. એની નજર પણ મારી સાથે મળી. જાણે મેં એણે ઈશારાથી સમજાવી હોય તેમ કે એ ફોન કરનાર વ્યક્તિ તું જ છે. એ નોકરાનીને કહેવું ઘણું હતું પણ એણે મને કશું પણ કહ્યું નહીં. હું ચા નાસ્તાને થોડો ન્યાય આપીને નીકળી ગઈ. મેં મારા માટે કોઈ બોડીગાર્ડ રાખ્યા ન હતા. એ તું જાણે જ છે.
બે દિવસ બાદ એક ભુરખા પહેરેલ સ્ત્રી મારા ઘરે આવી હતી. ચુનીલાલ ત્યાં જ હતો. હું એમ તો કોઈ પણ બિઝનેસ રિલેટેડ કામ માટે ઘરમાં મળવાનું બની શકે એટલું ટાળતી. ચુનીલાલે મને કહ્યું કે કોઈ મીની નામની ઔરત તમને મળવા માંગે છે. દરવાજો ખોલતા પહેલા હું જ દરવાજા પર આવી અને નાની બારીમાંથી એનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો. એણે ચહેરો દેખાડ્યો નહીં પણ એને ફક્ત ભારી અવાજથી એટલું કહ્યું કે “મેડેમ. મારે તમને મળવું છે.” હું સમજી ગઈ અને એણે અંદર લઈ લીધી. ચુનીલાલને મેં ત્યારે જ કોઈ કામસર બહાર મોકલી દીધો. કેમ કે મને લાગતું હતું કે આ બાઈ સંકોચ અનુભવ કરી રહી હતી.
ચુનીલાલના ગયા બાદ મેં જ એણે પાણી ધર્યું. એણે પાણી પી ને વાતની શુરૂઆત કરી.
“મેડમ, સંતોષ સાહેબ ખૂબ ભલા આદમી છે. પણ એનો દીકરો એક નંબરનો નાલાયક. હું જે કહેવાં આવી છું એમાં મારી પોતાની કોઈ લાલચ નથી. એક સ્ત્રી તરીકે હું કહેવાં આવી છું. કેમ કે એક મોત તો હું જોઈ લીધી છે. બધું ખબર છતાં હું ચૂપ રહી છું. ગરીબ માણસોને કોણ પૂછે? કહેવાં જાય તો પણ આપણું સાંભળે કોણ..?? વાત તો દબાઈ જશે કા તો મને મારી નાખવામાં આવશે.”
“પણ વાત શું છે. મને સમજાતું નથી. શું કહેવાં માંગો છો તમે?” મેં એને અકળાઈને પૂછ્યું.
“એ ભલી છોકરી હતી. આઠ મહિના પહેલા એનું ડેથ થઈ ગયું. કદાચ એ વાતથી તમે વાકેફ હોઈ શકો. કોઈની માસૂમ દીકરીનું આવી રીતે કમોત થાય તો એના ઘરવાળાનું થતું શું હશે. ભગવાન એની આત્માને શાંતિ આપે..” એણે ઉપર ઈશારો કરતાં કાંપતા કહ્યું.
“મને સમજાય એવી રીતે કહો. તમે સરખી વાત કરો.” મેં એણે કહ્યું.
“સાહેબનું નમક કાધેલું છે. પણ બંધ આંખ કરીને ક્યાં સુધી જીવાય. હું ઘરડી થતી જાઉં છું. ઈશ્વરને શું જવાબ આપીશ. બધું જ અંતરમાં રાખીશ તો..!!” એણે કીધું.
“મારો સમય બગાડો નહીં. તમને જે કહેવું હોય એ જલ્દી કહો.” મારી મર્યાદા હવે તૂટી હતી એનું સાંભળીને.
“અમન સાહેબ અને સંતોષ સાહેબ બંનેનો અલગ અલગ ધંધો. સંતોષ સાહેબને સિનેમાની પિક્ચર બનાવાનો શોખ. એમાં આવતાં પૈસાને એ અલગ અલગ જગ્યે મોટી પ્રોપર્ટીઓ લઈને ઇન્વેસ્ટ કરતાં. કેટલીક વિદેશોમાં પણ લઈને રાખી છે. જયારે અમન સાહેબ એને ફક્ત સંભાળવાનું કામ કરતાં.” એ ઘણું બધું બોલતી જતી હતી.
“પ્લીઝ તમે ઊઠો. કોણે શું લીધું શું કર્યું મને જરા પણ રસ નથી તમારી વાતોમાં. મુદ્દાની વાત કરવી હોય તો બેસો નહીં તો તમે જઈ શકો છો.” મેં ગુસ્સામાં બરાડી.
“ત્રણ વર્ષ પહેલાની વાત છે. અમન સાહેબને સુંદર લલનાઓ લઈને ફરવાનો શોખ. એક દિવસ સંતોષ સાહેબની ઓફિસમાં ઓચિંતા જ કામસર અમન સાહેબ ગયા હતાં. ત્યાં જ ઓડીશન આપવાં આવેલી નાદાન છોકરી અમન સાહેબને પસંદ પડી ગયેલી. પછી શું..!! ત્રણ વર્ષ સુધી એની સાથે ડેટ કર્યાં બાદ એ છોકરી પ્રેગ્નેન્ટ થઈ ગઈ. છોકરીએ લગ્ન માટે ઘણી આજીજી કરી હતી. પણ અમન સાહેબે કહ્યું કે એવી તો કેટલી બધી છોકરી એની પાસે પડી છે તો શું એ બધી છોકરીઓ સાથે લગ્ન કરી લે. એ નાદાન છોકરીએ ગુસ્સામાં આવીને અમનને ધમકી આપીને પછાડ્યો હતો. એણે એક્પોઝ કરવાની ધમકી આપી હતી કે એ કેવી રીતે મોટી ફિલ્મોની લાલચ આપીને છોકરીઓને પોતાની વાસનાનો શિકાર બનાવે છે. એ છોકરી બિચારી ગરીબ ઘરની રહી હશે. અભિનેત્રી બનવાનાં સપનામાં રાચતી પરિવારથી છુટી પડીને કે પછી ઝગડો કરીને આવી હશે પણ એણે મળ્યું શું મોત..!!” એકસાથે એ બોલી ગઈ.
“તમે મીરાંની તો વાત કરતાં નથી ને..??” મેં મારા મોબાઈલમાં લીધેલો પિક્ચરને શોધતા કહ્યું.
“નામ તો હું નથી જાણતી. આ બધી જ વાત અમારા નોકરોના સ્ટાફથી જાણ થયેલી. એ બંગલે આવતી એટલે એણે મેં ઘણી વાર જોયેલી હતી.” એણે કીધું અને મેં એણે પિક્ચર દેખાડ્યું.
“હાં આ એ જ છોકરી.” એણે મોબાઈલમાં ધ્યાનથી ફોટો જોતાં કહ્યું.
“પણ મીરાંનું મોત કેવી રીતે થયું?” મારા મનમાં એ પ્રશ્ન તો કેટલા સમયથી ચાલતો હતો.
(ક્રમશઃ)
(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)