મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 15 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 15

નીતિન ઘરે પહોંચ્યો, એને પોતાના પિતાને રિધિમાં વિશે પૂછવાની કોઈ જ ઈચ્છા નહતી. રખે ને ક્યાંક એ કઈ ઊંધું સમજી બેસે. બસ એ વિચારથી એણે આ બાબત ટાળી. ખાવાનું મન તો હતું નહીં. પેટ દુખાવાનું બહાનું બનાવી એણે પિતાને જમાડી દીધા. રિધિમાંનો પણ એ જ હાલ. ફરક એટલો હતો કે એણે "ઓફિસમાં નાસ્તો કર્યો છે" એ બહાનું બતાવ્યું. અને બંને જણ રાતભર એ ઘટના માટે આંસુ વહાવતા રહ્યા. રિધિમાં એક છોકરી હતી, એ આંસુ વહાવે એ કદાચ સમજી શકાય, પણ નીતિન એક પુરુષ હોવા છતાં એની આંખોમાં આંસુ હતા, રિધિમાંએ લીધેલુ પગલું અને એનું નીતિનના જીવનમાં મહત્વ આ બન્ને વચ્ચે એક મોટું યુદ્ધ છેડાઈ ગયું હતું નીતિનના મનમાં. એ જે રિધિમાંને જાણતો હતો આ એ ક્યાં હતી જ? આ વ્યક્તિ તો એ હતી જે કોઈપણ ભોગે નીતિનને મેળવવા માંગતી હતી. આ વિચાર નીતિનને એટલો પરેશાન કરી રહ્યો હતો કે એની આંખોમાં ઊંઘનું સ્થાન આંસુઓએ લઈ લીધું હતું. બધા કહે છે કે પુરુષ ક્યારેય રડતો નથી. બહુ ઓછા જાણે છે કે પુરુષ કોઈ ખાસ માટે જ રડી છે, અને એમાંય જ્યારે વાત પોતાની માતા, બહેન, પુત્રી કે એને ચાહનાર - સાચવનાર - પ્રેમ આપનાર વ્યક્તિ હોય. દરવખતે એ વ્યક્તિ એની પત્ની હોય એ જરૂરી નથી. પણ આ પ્રેમનું અંકુર જ એવું છે કે ક્યારેય આંખો ભીની ન થઈ હોય એવો પુરુષ પણ ચોધાર આંસુ પાડી શકે છે. નીતિનના જીવનમાં જે ખાલીપણું હતુ, એ સંગીતાના કારણે થોડું ઓછું થયું હતું પણ એના જવાને કારણે નીતિન સાવ અધુરો થઈ ગયો હતો, અને એ અધૂરપ રિધિમાં આવતાંવેંત ભરાવા લાગી હતી. અને આજે એણે આપેલી તકલીફ એટલી મોટી હતી કે નીતિન પોતાને રોકી ન શક્યો. બીજું કંઈ વિચારી શકે એ હાલત નહતી એની. પણ રિધિમાં પરનો ગુસ્સો અને એની સજા એ પોતાને આપી રહ્યો હતો એ સ્પષ્ટ હતું. રિધિમાં પણ રડી-રડીને અડધી થઈ જ ગઈ હતી. નીતિનની હાલત જોઈ એ સમજી ગઈ કે એણે ખોટું કર્યું છે. બંને જણે આખી રાત વિચારો અને આંસુઓમાં વિતાવી અને સવારના 5 વાગી ગયા.

રિધિમાં ઘડિયાળમાં સમય જોઈ ઉભી થઇ અને ફોન હાથમાં લીધો. એક 'સોરી' અને પોતાનું નામ ટાઈપ કરી એ મેસેજ નીતિનને મોકલ્યો. અને પોતાની નિત્યક્રિયા પુરી કરી. એ બસ કોલેજ નીકળવાની તૈયારી કરતી હતી એવામાં એની મમ્મીએ આવીને એને ટીફીન હાથમા પકડાવ્યું. રિધિમાંએ એ હાથમા લઈ બેગમાં મૂક્યું અને બેગ ખભે લટકાવવા જતી હતી ત્યાં..
"રિધું તારી આંખો આમ લાલ અને સુજી ગયેલી કેમ છે?" અને રિધિમાંથી જોરથી ચીસ પડાઈ ગઈ.
"શુ થયું?" એની મમ્મીએ એને પૂછ્યું. રિધિમાંની આંખો જોઈ ગયેલી એની મમ્મીએ રિધિમાંને પૂછવા અને રોકવા માટે એનો જમણો હાથ પકડી લીધો હતો અને રિધિમાંને તકલીફ થતા એનાથી ચીસ પડાઈ ગઈ.
"રિધુ, આ હાથમાં શુ થયું? હાથ પણ સુજી ગયો છે. તું કરે છે શું? કેમનું થયું આ બધું બોલ?" એની મમ્મીએ હાથ જોયો અને એની બેગ લઈ બેડ પર બેસાડી. "શુ થયું છે? કહીશ?" એની મમ્મીને જાણે જાતે જ દુખાવો થતો હોય એમ એ પરેશાન થઈ રહ્યા હતા
"મમ્મી કઈ જ નથી થયું, તું ચિંતા ન કર. આ તો બસ...."
"બસ શુ? કેમનું થયું એ નથી કહેતી અને મને શાંત રહેવા કહે છે. ખબર નહિ બુદ્ધિ જ નથી? દરેક વખતે કઈક આડું- અવળું જ કરે છે. આટલું સુજી ગયું એનો કોઈ જવાબ નથી અને પાછી ઉપડી કોલેજ." એની મમ્મી ઘરમાં ટ્યુબ શોધવાની મથામણ કરતા બોલ્યે જતી હતી. છેવટે ટ્યુબ મળતા એ રિધિમાં જોડે આવી અને ટ્યુબનું ઢાંકણું ખોલી લગાવવા લાગી. સાથે-સાથે આંખોમાં અશ્રુધારા તો ખરા જ.
"મમ્મી આમ રડ નહિ, જો મને કંઈ જ નથી થયું. દુખતું પણ નથી. જો દુખતું હોત તો રાત્રે જ ના કીધું હોત. ગઈ કાલે બસમાં થોડો વળાંક આવતા સ્પીડ વધુ હતી ને મારો હાથ જ્યાં ઉભી હતી એ એન્ગલ પર અટવાઈ ગયો. દુઃખતું પણ નથી જો...." એ મમ્મીને સાંત્વના આપવા લાગી.
" બસ મો બંધ કર, બહુ થયું. દોઢડાહ્યી ન બન." એ ટ્યુબ શાંતિથી લગાવી રહ્યા હતા, પણ રિધિમાં કરતા એમના મોઢેથી તકલીફને કારણે સિસકારા નીકળી રહ્યા હતા. રિધિમાં મમ્મીની આ હાલત જોઈ રહી હતી, અને....

શબ્દોથી લાગણી બતાવી શકાતી હોત
તો બધા જ શબ્દો ઓછા પડે,
સમજણ આપી શકાતી હોત,
તો બધી જ ભાષા સીમિત થઈ જાય,
એ માતા માટે શું બોલવું
જેની આખી દુનિયા માત્ર હું હોય,
એની ભીની આંખો મારૂ હૃદય વીંધી દે છે
અને એક હસી મારો જન્મારો સુધારી દે છે......

વિચારોમાં ખોવાયેલી રિધિમાંને દુઃખાવાનો અહેસાસ થઈ રહ્યો નહતો. પણ હૃદયમાં ખૂબ તકલીફ થઈ રહી હતી. "મમ્મીને ફક્ત હાથનો સોજો જોઈને જ આટલી તકલીફ થતી હોય તો નીતિન સરને કેવું થશે? જ્યારે એ મારો હાથ આમ જોશે?"
"તું આજે ક્યાંય નહીં જાય, આરામ કર ઘરે. એવું હશે તો તારી ઓફિસમાં ફોન જોડી આપજે. હું વાત કરી લઈશ" વિચારમાં ખોવાયેલી રિધિમાં પાછી મમ્મી પાસે આવી ગઈ. અને બોલવા લાગી, "ના ના મમ્મી, હું જઈશ. એવું ન કર. જવું બહુ જરૂરી છે."
"કઈ જરૂરી નથી. હાથના ઠેકાણા ન હોય અને તું ઓફિસ જઈશ? નથી જવું. જો નીકાળી દે તો પણ ભલે. 'પહેલું સુખ તે જાતે નર્યા' નથી સાંભળ્યું તે"
રિધિમાં ખૂબ આનાકાની પછી મમ્મીને ઓફિસ જવા મનાવી શકી. એ પણ એ શરતે કે એ કોલેજ નહીં જાય.

હાડવૈદ્યને ત્યાં જઈ પહેલા પાટો બંધાવશે. પછી જ જશે. રિધિમાંએ હા કહી અને કોલેજ ન જવા અંગે એની ફ્રેન્ડને ફોન કરી દીધો. મમ્મી એને આરામ કરવાનું કહીને ગઈ પણ રિધિમાંની ઊંઘ ગાયબ હતી. જમણો હાથ જ ઇજાગ્રસ્ત હોઈ કામનો તો પ્રશ્ન જ નહતો. બધું પૂરું કરી 14 દિવસનો પાટો હથેળીથી કોણી સુધી બંધાવી એ ઓફિસ ગઈ. અને દુપટ્ટો આગળ રાખી હાથ અંગે કોઈને ખ્યાલ ન આવે એ રીતે એ પોતાની ડેસ્ક પર બેસી ગઈ. એણે નીતિનને ડેસ્ક પરથી જોવાની કોશિશ કરી પણ એ ન દેખાયો.

સાંજે જ્યારે એ સપના સાથે ચા પીવા નીકળી ત્યારે પણ નીતિનને ન જોઈ શકી. છેવટે નાસ્તાની દુકાનમાં..
"રિધિમાં આ શું? હાથે શેનો પોપટ પાડીને આવી? કોને મારવાની કોશિશ કરી કે તને જ વાગ્યું?" સપના વડાપાઉં અને ચા એની તરફ કરતા બોલી.
"અરે કઈ નહિ, બસ અમથું જ. પડી ગઈ હતી અને મમ્મીએ હાથે પાટો બંધાવ્યા વગર જવાની ના પાડી એટલે બંધાવ્યો. બાકી કઈ ખાસ છે નહીં?" વાતને વાળતા એણે કહ્યું.
"ખબર નહિ તું નવી નવી તકલીફો ક્યાંથી લઈ આવે છે? ધ્યાન જ નથી રાખતી. બિચારા સરને ખબર પડશે તો એમને કેટલી તકલીફ થશે તને આમ જોઈ?" સપના એકબાજુ સહાનુભૂતિ અને વ્યંગ બન્ને કરી રહી હતી.
આ જોઈ રિધિમાંથી ન રહેવાતા એ બોલી ગઈ, "બીજું કોઈ તો કઈ નહિ કહે, પણ તું કઈ ના કહેતી. હું એમની સામે નહિ જઉં તો ખ્યાલ પણ નહીં આવે. તું ખાલી તારું મો બંધ રાખજે." એની સામે આંખો મોટી કરતા, "સમજી ને?"

"હા હા મને ડરાવીશ નહિ, તારી આંખો એમપણ મોટી છે અને તું એને પાછી વધારે મોટી કરીને મારા જેવી ભોળી છોકરીને ડરાવે છે. દોસ્તની તો કદર જ નથી!"
"બસ ડ્રામાં કવીન બસ" એની સામે ખોટી સ્માઈલ કરતા "ચલ જઈએ ફટાફટ અંદર." નાસ્તો પૂરો કર્યા પછી રિધિમાંએ સપનાને જ પૂછ્યું, "ઓયે સાંભળ, તું આજે સરને કોઈ કામથી મળી હતી?"
"હા" સપના હાથ પેપર નેપકીનથી સાફ કરી રહી હતી.
"તો એમણે કઈ કીધું કે કઈ અલગ આમ....." શુ બોલવું કે જેથી સપના જવાબ આપે એ રિધિમાંને ન સમજાયું.
"ના કઈ ખાસ નથી થયું. બસ એ જ રૂટિન. સરે આજના કામ સમજાવ્યા. અમુક ઇન્ટરવ્યુ શેડ્યુલ ગોઠવવાના હતા તો એની રીકૃટ માટે કઈ કંપનીને કોલ કરવો બસ એ જ. પણ તને આ બધું કેમ જાણવું છે? શું થયું?"
"હમ... અરે બસ આજે દેખાયા નહિ એટલે પૂછ્યું. બીજું કંઈ નહીં." રિધિમાંએ વાત બદલી.
"ના જાય આજે એમની સામે, એ જ સારું છે તારી માટે."
"મતલબ" આશ્ચર્ય સાથે રિધિમાં સપનાની ખુરશી જોડે ધસી ગઈ અને ટેબલ પર મુકેલો એનો હાથ પકડી લીધો.
"અરે મતલબ, એવું કંઈ નહીં. ગુસ્સો તો નહતા પણ એમની આંખો લાલઘૂમ હતી, ખબર નહિ કદાચ સરખું ઊંઘયા નહિ હોય. અને મને માથાના દુખાવા માટેની ગોળી પણ એમના ડેસ્ક પર દેખાઈ."

"ઓહ...." મુકેલો હાથ પાછો લઈ લીધો અને ખ્યાલ આવી ગયો કે જે હાલ એનો છે એ જ નીતિનનો છે. તરત જ સામેની વ્યક્તિ યાદ આવતા, "તને નથી લાગતું જે તું નાની વસ્તુઓ જોઈને બહુ મોટી વાતોનો અંદાજ લગાવી દે છે."
"ના મેડમ મને નથી લાગતું. નહિતર એમ ન કીધું હોત કે તમારા બંનેની હાલત આજે સરખી છે." સપનાએ જે વ્યંગ કર્યો એ રિધિમાં સમજી ગઈ અને એ ત્યાંથી નીકળી સીધી પોતાના ડેસ્ક પર જતી રહી.

છૂટતી વખતે ફટાફટ નીકળી ગઈ, નીતિનની નજરમાં ન અવાય એમ. આ તકેદારી લેવી જરૂરી હતી એના મતે, કારણકે રજા પાડે તો કારણ આપવું પડે જે નીતિન સહન ન કરી શકે, એના લીધે રિધિમાંને વાગ્યું છે એમ જાણી એના દુઃખમાં વધારો થવાની શક્યતા હતી. એટલે રિધિમાંએ એવો રસ્તો પસંદ કર્યો જેમાં નીતિનને આ વિશે ખ્યાલ જ ન આવે.

એવી રીતે રિધિમાંએ બીજા 4 દિવસ નીકાળી દીધા. નીતિન ઘણીવાર કેબિનમાંથી નીકળતા કે જતા રિધિમાંને જોઈ લેતો, પણ તરત પાછું એનો ચહેરો એ બાજુથી ફેરવી લેતો. રિધિમાંની પ્રત્યે કોઈ સહાનુભૂતિ કે વાતચીતને જગ્યા હવે નીતિન આપવા ઈચ્છતો નહતો. એણે એક રીતે રિધિમાંને નજરઅંદાજ કરી. "બસ એની સામે નહિ

જુએ તો એની પર આવેલો ગુસ્સો શાંત થઈ જશે કે કદાચ એને મને ભૂલવામાં આસાની થશે" એ વિચારથી નીતિન એની સામે જોઇને પણ પોતાને રોકી લેતો. આ બાજુ રિધિમાંને દિવસ દરમિયાન એની એક ઝલક પણ મળી જાય તો બહુ હતી. ભૂલવાનું દૂર પણ એ નીતિનના પ્રેમમાં વધુ પડી રહી હતી. પોતાના પ્રેમને બતાવવા માટે કોઈ રસ્તો એની પાસે નહતો.

તારા સાથે હોવાનો એ મધુર અહેસાસ
તારી પાસે રહેવાની એ સુવાસ
તારાથી દૂર નથી જવા દેતી
અને તારી નારાજગી તારી પાસે નથી આવવા દેતી....

બસ જે હતું એ આ હતું અને અહીં જ હતું, એમ માની રિધિમાં દિવસો કાઢી રહી હતી.

અને ભગવાને એની સામે જોયું ખરા, આ ઘટનાને 5 દિવસ થયા હશે અને જે એમ્પ્લોઈ ગ્રાહકોની સાથે સીધા સંકળાયેલા હતા એટલે કે કંમ્પ્લેઇન લેવી અને એને જે તે જગ્યાએ ફોરવર્ડ કરવી, એમની માટે બુધવારે બપોરના 3 થી 5ની એક ટ્રેઇનિંગ વર્કશોપ રાખવામાં આવી. રિધિમાં પણ એમાની એક હતી. એના પાટાને હજુ 5 દિવસ જ થયા હતા, એટલે નીકાળી શકે એમ નહતી. એને પણ આ વર્કશોપમાં ભાગ તો લેવાનો જ હતો. વર્કશોપ બાજુની નવી બનેલી ઓફિસમાં હતી, એ જ જગ્યા જ્યાં

આદિત્યનું અસલી સ્વરૂપ રિધિમાંએ જોયું હતું.... કચવાતા મને રિધિમાં ત્યાં પહોંચી અને રૂમમાં સૌથી છેલ્લી ચેર પર બેસી. વર્કશોપ આમ તો એ જ ઓફિસના HR લેવાના હતા. અને નીતિને બસ સેટઅપ ગોઠવવાનું જ હતું. પણ મિ. મજુમદારના અવિરત વિશ્વાસને કારણે નીતિને પણ વર્કશોપમાં ભાગ ભજવવાનો હતો. એટલે છેલ્લે કેટલુંક પ્રેકટીકલ નોલેજ એને આપવાનું થયું. વર્કશોપ શરૂ થયાના એક કલાક પછી નીતિન આવ્યો. કોઈ ખુરશી ખાલી ન હોઈ, છેલ્લે બેસવા માટે વિચાર્યું. છેલ્લે જોયું તો રિધિમાંની બાજુમાં જ એક ખુરશી ખાલી હતી,
રિધિમાં બસ પ્રાર્થના કરી રહી હતી કે નીતિન એની બાજુમાં ન બેસે. પણ ટ્રેઇનિંગ વધુ ડિસ્ટર્બ ન થાય એટલે એ રિધિમાં જોડે બેસવા આવ્યો. એને આવતો જોઈ રિધિમાંએ દુપટ્ટો નીચો કરી દીધો જેથી એ એનો હાથ જોઈ ન શકે. 4:30 સુધી બંને એકબીજાની પાસે બેઠા પણ એકબીજાને જોવાની તસ્દી સુદ્ધા ન લીધી. નીતિને તો જાણે કઈ જ ફરક ન પડતો હોય એટલો આરામથી બેઠો હતો. પણ મનોમન એને પણ રિધિમાંની આ જગ્યા સાથેની ખરાબ યાદો પરેશાન કરી જ રહી હતી. એ જાણતો હતો કે મન કેટલુ મજબૂત કરી કદાચ રિધિમાં અહીં આવી હશે.

છેવટે એનો સમય થતા અને HRની ટ્રેઇનિંગ શેડ્યુલ પુરી થતા એનું નામ બોલાતા એ આગળ ગયો અને બાકીનું પ્રેકટીકલ નોલેજ આપવા લાગ્યો. એવામાં કોઈના ફોનની રિંગ વાગી. નીતિન ગુસ્સે થઈ ગયો, " મે આઈ નો કે આ કોણ છે જેને ટ્રેઇનિંગ અને ટાઈમપાસનું અંતર ખબર નથી." કોઈ બોલ્યું નહિ. "તમે ટ્રેઇનિંગ કે ઓફિસ ક્યાંય પણ તમારો ફોન જો સાઈલેન્ટ રાખવાનું ન સમજી શકતા હોવ તો તમારી માટે અહીં જગ્યા નથી." કોઈનો જવાબ ન આવતા એ વધુ ગુસ્સે થયો. "હા એમપણ સાચું જ છે, તમારા બધામાં એટલું નોલેજ તો નથી જ કે આવી કોઈપણ ટ્રેઇનિંગ કે મિટિંગ એટેન્ડ કરતી વખતે તમારી સાથે એક ડાયરી અને પેન રાખી શકો બધું નોટ કરવા. એટલી સીનસિયારીટી પણ ક્યાં?" રિધિમાં સામે જોતા, "સાચું ને મિસ રિધિમાં!"
એનું નામ પડતા જ એ ઉભી થઇ, "સર હું"
"હા તમે, આઈ એમ શ્યોર, ફોન પણ તમારો જ હશે. જે રીતે આટલી જરૂરી વાતો પણ નોટ કરવી તમે યોગ્ય નથી સમજતા. એમ આટલી જરૂરી ટ્રેઇનિંગમાં તને ફોન સાઈલેન્ટ કરવાનું પણ જરૂરી નહિ સમજતા હોય! કેમ?"
"ના સર એવું નથી, એક્ચ્યુલી..."
"સર આઈ એમ સોરી. મારો ફોન હતો. એ સાઈલેન્ટ કરવાનું હું જ ભૂલી ગયો. હું તમારા પૂછવાથી ડરી ગયો એટલે બોલી ન શક્યો." ઓફિસનો જ એક એમ્પ્લોઈ વેદાંતે નીતિનના ગુસ્સાથી ડરી પોતાની ભૂલ કબૂલી લીધી.
"હં... ફોન તમારો નહતો. પણ શું હું તમારું નોટ ન કરવાનું કારણ જાણી શકું?" નીતિનનો ગુસ્સો ઓછું થવાનું નામ લઈ ન રહ્યો હતો.
"સર મને હાથે થોડો પ્રોબ્લેમ છે." રિધિમાંએ વાત ટાળવા માટે કહી તો દીધું પણ નીતિનને ગુસ્સામાં જોઈ એને પોતાનો દુપટ્ટો સહેજ ઉપર કરી હાથ બતાવ્યો.
"ઓકે" કહી નીતિન પોતાના કોમ્પ્યુટરમાં જોવા લાગ્યો આગળની સ્લાઈડ સમજાવવા. પણ જો કદાચ કોઈ આ સમયે એના મનને સમજતું હોત તો એના મનનું તોફાન સમજી શકત. રિધિમાંએ એના હાથ પરનો પાટો લગાવ્યો હતો એ જ હાથ નીતિને પકડ્યો હતો, મતલબ એના જ કારણે રિધિમાંને ઇજા પહોંચી હતી. રિધિમાંને કોઈપણ તકલીફમાં ન જોઈ શકનાર નીતિન, પોતાના જ કારણે થયેલી તકલીફમાં રિધિમાંને જોઈ રહ્યો હતો. એના મનમાં જે તોફાન ચાલી રહ્યું હતું. એ કોઈને બતાવી શકાય એમ નહતું. અને ટ્રેઇનિંગ પુરી કર્યા વગર છૂટકો નહતો. પોતાના હૃદય પર પથ્થર મૂકી એણે બધું સમજાવ્યું અને પૂરું કરી સીધો જ પોતાના કેબિનમાં.

પોતાના કેબિનમાં એ માત્ર રિધિમાં વિશે જ વિચારી રહ્યો હતો, "કદાચ જો એની વાત સાંભળી હોત તો આવું ક્યારેય ન થાત. ન એને ઇજા પહોંચી હોત અને ન મને એની ઇજાથી આટલી તકલીફ થઈ હોત. આ શું કરી લીધું મેં. જેને આટલો પ્રેમ કર્યો એને તકલીફ ન થાય એટલે પોતાનાથી દૂર કરી અને એને જ ઇજા પહોંચાડી. હું આવું કઈ રીતે કરી શકું? એની આંખોમાં એક આંસુ ન જોઈ શકનાર હું એના આંસુઓનું કારણ બની ગયો. પણ બસ હવે બસ. એકવખત એની સાથે વાત કરવી જ પડશે. એક છેલ્લી વખત..." બસ આ વિચારો એના મગજમાં ચકરાઈ રહ્યા હતા અને આ બાજુ રિધિમાં વિચાર કરી રહી હતી, કે એના હાથ વિશે જાણી નીતિન શુ અનુભવતો હશે?

આ જ તો મોટી ખૂબી હતી આ બંનેના પ્રેમની, પોતાની તકલીફમાં પણ એ સામેવાળા વિશે વિચારી રહ્યા હતા. અને એ જ ખૂબી એમની દુરીનું કારણ હતી. ઓફિસ જેમ-તેમ પતાવી રિધિમાં ઘરે જતી રહી. બીજા દિવસે ગુરુવાર હતો અને રિધિમાં કોલેજ ગઈ. લગભગ 10 વાગ્યા હશે અને એને ફોનની વાઈબ્રેશનનો અનુભવ થયો. એ સમયે બ્રેક પૂરો થવાથી એ ક્લાસમાં જ જઈ રહી હતી. ફોન જોયો કે પાછી 2 માળ ઉતરી નીચે આવી અને સીધી મેઈન ગેટ તરફ જતી રહી. વોચમેને ગેટ બંધ કરી દીધો હતો. એ વોચમેનને ઓળખતી હતી એટલે કીધું.
"અંકલ પ્લીઝ મને બહાર જવા દો ને."
"જુઓ બેન, બ્રેક પુરી થઈ ગઈ છે હવે બહાર ન જઈ શકો. હવે તો છૂટયા પછી જ...." વોચમેન આનકાની કરવા લાગ્યો.
છેવટે રિધિમાં કઈક વિચાર કરતા, "અંકલ એમ જ જવાનું નથી કહેતી, સામે નાસ્તા ગલીમાં હું નાસ્તો કરવા ગઈ હતી તો કદાચ ત્યાં ક્યાંક મારો ફોન રહી ગયો છે. પ્લીઝ જવા દો ને..."
(એચ.કે.ની સામેની ગલીમાં ઘણી નાસ્તાની સ્ટોલ હોઈ એ નાસ્તાગલી તરીકે જ ઓળખાય છે.)
"ઓકે.. ઓકે.. એમપણ તમે ખોટું બોલો એમ લાગતું નથી. જાઓ જોઈ લો." અને વોચમેને ગેટ ખોલી દીધો.

રિધિમાં સીધી બહાર નીકળી અને સામે ગઈ. જોયું તો વોચમેનની નજર હજુ એની પર જ હતી. તો એ ગલીની અંદર જતી રહી. અને થોડીવાર પછી એક રીક્ષા ત્યાં જ ઉભી રખાવી.
"ગૂજરાત વિદ્યાપીઠ, ઇન્કમટેકસ."
"20 રૂપિયા થશે" રિક્ષાવાળાએ ટૂંકમાં પૂરું કર્યું.
એ બેસી ગઈ. આટલું ભાડું ન હોવાની જાણ છતાં વગર કોઈ માથાકુટે એ અંદર બેઠી. રીક્ષા ચાલુ થઈ કે એણે બેગમાંથી ફોન કાઢ્યો અને ફોનમાં જોવા લાગી. ફોનમાં એક મેસેજ હતો, કઈક આ પ્રમાણે. "ઓસવાલ રેસ્ટોરન્ટ, મીટ મી એટ 10:30, વોના ટોક" રિધિમાં એક મેસેજથી પરેશાન થઈ કોઈપણને મળવા જતી રહે એવી છોકરી નહતી. પણ જે વ્યક્તિએ એ મેસેજ મોકલ્યો હતો. એની સાથે હાલ પૂરતું તો નર્કમાં પણ જવા તૈયાર હતી..... મેસેજ નીતિનનો હતો. અને એ જોઈ રિધિમાં આ બધી ઉપાધિ ઉઠાવી રહી હતી.

ત્યાં પહોંચી એ રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરી સીધી રેસ્ટોરન્ટમાં પહોંચી, નીતિન ત્યાં એની રાહ જોઈ રહ્યો હતો. એક ખૂણાના ટેબલ પર એ બેઠો હતો. રેસ્ટોરન્ટમાં કોલેજીયનોની ભીડ જ વધુ હતું. એકબાજુ હોટેલના ખૂણા પર કંદોઈ જલેબી બનાવી રહ્યો હતો, અને બીજો ફાફડા. જે બધી જગ્યાએ પોતાની સોડમ પાથરી રહી હતી.
અંદર જતા દરેક પગલાએ રિધિમાંની હૃદયના ધબકારા એકદમ વધી રહ્યા હતા. ડગલેને પગલે એ જાણે ઉત્તેજિત થઈ રહી હતી. નીતિને સામેથી એને બોલાવી એ જાણે એની માટે અમૃત મળ્યા સમાન હતી.
એ નીતિનની નજીક પહોંચી, "ગુડ મોર્નીગ, સર" નીતિનની સામે જોયું અને એક સ્માઈલ આપી.

(નીતિનની 'એક છેલ્લી વખત પાછળનું શુ રહસ્ય હશે? એણે રિધિમાંને કેમ બોલાવી હશે? રિધિમાં જેટલી ખુશી સાથે નીતિનને મળવા ગઈ શુ એ ખુશી લાંબો સમય ટકી શકશે ખરા? ફાફડા અને જલેબીની સોડમનો અનુભવ કરી આપે આગળના ભાગની રાહ જોવી પડશે. વધારે નહિ બસ થોડી જ.......)