સંઘર્ષની ભઠ્ઠી ભાગ-૭
નિર્મળાબહેન સોનીને પોતાના ઘરે લાવ્યાને પંદર દિવસનો સમયગાળો વીતી ગયો હતો એટલે નિર્મળાબહેને ધીરેથી...., હળવેથી..., સોનીને પોતાની આપવીતી અને પોતાના હૃદયમાં ધરબાયેલો ભૂંડો ભૂતકાળ બહાર કાઢવા માટે હળવું દબાણ કર્યું. છેલ્લા પંદર દિવસથી સોનીના ચહેરા પર જે રોનક ચમકતી હતી તે અચાનકજ પળવારમાં ગાયબ થઇ ગઈ. તેનું મોં સંધ્યા સમયે ચીમળાઈ ગયેલા પુષ્પ સમાન મુરઝાઈ ગયું પરંતુ નિર્મળાબહેનના માતૃત્વભર્યા હઠાગ્રહને વશ થઈને સોનીએ પોતાનું મૌન તોડ્યું અને નિર્મળાબહેન સમક્ષ પોતાની નવી માં મૃદુલાના અસહ્ય ત્રાસથી લઈને પોતાના પિતાના મિત્ર પવનના ઘરમાં પોતાની સાથે જે વ્યવહાર થતો હતો એ બધુજ વિગતવાર સોનીએ પોતાની માતાની સમકક્ષ એવા નિર્મળાબહેન સમક્ષ ઠાલવી દીધું. સોનીની મુખમુદ્રા અને તેના હૃદયને કોતરનારી અંતરવેદનાથી અપરિચિત એવા નિર્મળાબહેન નાદાન સોનીના મુખમાંથી દુઃખના સણકા સભર શબ્દો સાંભળીને એમની આંખોના ખૂણામાં પણ થોડી ભીનાશ આવી ગઈ. તે મનોમન વિચાર કરતા રહ્યા કે કોઈ માણસ પોતાના સ્વજનને આટલું દુઃખ કેમ આપી શકે....?? કોઈ માણસ પોતાના સ્વજનને પોતાનાથી કેમ તરછોડી શકે...?? આ નાની અમથી છોકરીથી આટલું બધું પીડાદાયક દુઃખ કેમ સહન થયું હશે...?? આવા ઘણા બધા સવાલોની હારમાળાએ નિર્મળાબહેનની રાત્રિની ઊંઘ છીનવી ને એને બેચેન કરી દીધા હતા. તે પોતાના જીવનમાં એકલા અને અવિવાહિત હોવાથી આ સંસારની સંબંધોથી જકડાયેલી અમુક પીડાઓથી તે પર હતા. ભલે તેને એ અનુભવ્યું ન હતું પરંતુ તેને ઘરઘરના દુઃખો અને પીડાઓ સાંભળ્યા હતા અને એને જોયા પણ હતા. તે રાત્રીએ નિર્મળાબહેન શાંતિથી સુઈ ન શક્યા અને પોતાની જાત સાથે પ્રશ્નોતરી કરતા રહ્યા અને તેના ઉકેલ લાવવા માટે મથતા રહ્યા. છેલ્લો પ્રહોર થવા આવ્યો હતો. સવારના આગમનની તૈયારીઓ થઇ ચુકી હતી. આખી રાત નિર્મળાબહેન ના મનમાં ચાલેલા સવાલોનું પણ સુપ્રભાત થવા આવ્યું હતું એટલે છેવટે નિર્મળાબહેને પણ એક અજાણ્યા જીવના ઉદ્ધાર માટેથી એક મહત્વનો નિર્ણય લઇ ચુક્યા હતા.
સવાર થયું એટલે નિર્મળાબહેને પોતાના હાથમાં છુંપાયેલી મમત્વની ગુપ્ત ઉષ્માથી સોનીના માથે એક સ્નેહભર્યો હાથ ફેરવ્યો અને એને પ્રેમથી ઉઠાડી. કેટલા વર્ષે સોનીને પણ આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું કે એને કોઈએ પ્રેમથી જગાડી હશે નહિતર તો સવાર સવારમાં ધુત્કાર અને ફિટકાર સિવાય કઈ મળતું ન હતું. નિર્મળાબહેન અને સોનીએ પોતપોતાનું કામ અટોપ્યું અને સાથે સાથે ચા નાસ્તો કર્યો. ત્યારબાદ નિર્મળાબહેને સોનીને કહ્યું કે, સોની...., બેટા આજે તું વ્યવસ્થિત તૈયાર થઇ જજે, કારણકે આજે તારે મારી સાથે આવવાનું છે. સોની જાણે પોતાની સગ્ગી માં પાસે હક જતાવતી હોય એમ નિર્મળાબહેન સમક્ષ હક જતાવતા કહ્યું કે, ક્યાં જવાનું છે...? અને ત્યાં મારુ શું કામ છે...? નિર્મળાબહેનને તો અંદરથી એવું લાગ્યું જાણે કે એ પોતાના કહી શકાય એવા સ્વજન સાથે વાતચીત કરતા હોય...!! નિર્મળાબહેનના અંતઃકરણમાં તો જાણેકે હેતની હેલી ઉછાળા મારવા લાગી હોય તેમ તેને સોનીને પોતાની પાસે બોલાવીને પોતાની સાવ નજીક બેસાડીને કહ્યું કે, સોની આજથી તારે મને '' મમ્મી '' કહીને બોલાવવાની છે. થોડીવાર માટે તો સોનીને પણ થોડી નવાઈ લાગી પરંતુ છેવટે એક માં ના પ્રેમમાં તરબોળ થવા માટે તડપતી સોની જેમ ભાદરવાનો મેઘ તૂટી પડે એમ એની આંખોમાંથી અશ્રુધારા નો ધોધ વહેવા લાગ્યો અને છેવટે એના પરિણામ રૂપે નિર્મળાબહેન અને સોનીનો વગર લોહીનો એક અનન્ય સંબંધ પ્રસ્થાપિત થયો. માં-દીકરી એકબીજાને ભેંટીને, ખુબ રુદન કરીને પોતાનું હૈયું ઠાલું કરીને તે દિવસથી એક નવા દિવસની શરૂઆત થઈ.
નિર્મળાબહેન સોનીને લઈને પોતે જે શાળામાં નોકરી કરતા હતા ત્યાં લઇ આવ્યા. નિર્મળાબહેન હવે તો સોનીની મમ્મી બની ચુક્યા હતા. તેને પોતાની દીકરી સોની સમક્ષ એક અનુમતિ સાથે આજ્ઞા પણ કરી કે, સોની..., દીકરી..., તારે અહીજ ભણવાનું છે. છેલ્લા ત્રણ વર્ષથી સોનીનું શૈક્ષણિક કાર્ય પણ છૂટી ગયું હતું. એને ભણવામાં ખુબજ રુચિ હતી પરંતુ સોની જે દુઃખની નાવડીમાં સફર કરતી હતી તેમાં તેના શિર પર કામ નો એટલો બોજો રહેતો હતો કે એની પાસે શિક્ષા પ્રાપ્ત કરવાનો કોઈ અવકાશ જ ન હતો. ભણવાનું નામ પડતાની સાથે જ સોની ને પોતાના ગામ ની શાળા, સખીઓ અને પોતાનો ભૂતકાળ ફરી તાજો થયો. તે પોતાના ગામમાં જયારે ભણતી ત્યારે હંમેશા અવ્વલ નંબરે જ આવતી હતી. ફરીથી ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થસે એ વિચાર માત્રથી એ મનમાં ને મનમાં ખુબજ પ્રસન્ન થતી હતી. પરંતુ એક અડચણ એ હતી કે ઘણા સમયથી તેણીએ ભણવાનું છોડી દીધું હોવાથી હવે તેને ક્યાં થી ફરી શરૂઆત કરાવવી...? પણ નિર્મળાબહેન ખુબ જ મક્કમ મનવાળા હતા આથી તેને ખુબ વિચારીને સોનીનું નામ ધોરણ દશમાં દાખલ કરી દીધું. એ જાણતા હતા કે છોકરી ને દશમું પાસ કરાવવાનું કાર્ય થોડું નહીં પણ ખુબજ કઠિન છે. પણ માણસ ધારે તો આકાશમાં પણ છેદ કરી દે છે તો એક સામાન્ય એવું દશમું પાસ કરવામાં વળી શાની અડચણ...??
નિર્મળાબેન એક પોલાદી મનોબળ ધરાવનારા સ્ત્રી હતા. આથી તેમને ખુબજ વિચારીને એક મહત્વનો નિર્ણય કર્યો હતો. તે સારી રીતે જાણતા હતા કે કાયદેસર રીતે જો જોઈએ તો સોની ની ઉંમર અને ધોરણ ને કેમેય કરીને મેળ બેસતો ન હતો પરંતુ સોનીનો શારીરિક બાંધો જોતા એ હવે સાતમા ધોરણમાં બેસે તો યોગ્ય ન ગણાય અને આમ છતાં પણ સોની જો નિયમિત શાળાએ જતી હોત તો એ હાલ દશમાં ધોરણમાં જ હોત. ખુબજ ચકાસણી કર્યા પછી નિર્મળાબહેને પોતાની જાત સાથે એક ગાંઠ વાળીને કરાર કર્યો કે, પોતે સોનીને જે ધોરણમાં દાખલ કરી છે તે એકદમ યોગ્ય જ છે.
તે મનમાં સરવાળો માંડતા રહેતા કે, ગમે તેમ થાય ચાહે ધરતી આકાશ એક થાય પણ મારે ગમે તેમ કરીને પણ મારી દીકરી સોનીને ભણાવવી છે. સોની માટે કાર્ય બહુજ કપરું હતું. પોતે જે આગળના વર્ષમાં ભણવાનું ચુકી ગઈ છે એ એને એક વર્ષમાં સર કરવાનું હતું. એ હવે પોતાના વિચાર માટે સામર્થ્ય ધરાવતી થઇ ગઈ હોવાથી તે મનોમન વિચારતી થઇ ગઈ કે શું હું માં સરસ્વતીની આટલી આકરી સાધના કરી શકીશ...??
શાળાએ થી બધું જ કામકાજ પતાવીને બંને માં-દીકરી ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ચાલતા ચાલતા થોડી વાર તો એમજ રસ્તો પસાર થયો પણ ઘર હજુ ઘણું દૂર હતું. સોનીએ કહ્યું, મમ્મી કંઈ પરેશાન છો....?? નિર્મળાબહેને થોડો એવો સહજતાથી ઉત્તર આપ્યો કે : હા બેટા....!! થોડી એવી તારી ચિંતાં થાય છે. તું ભણવામાં ત્રણ વર્ષ ચુકી ગઈ છે માટે તારે થોડો સંઘર્ષ કરવો પડશે. સોનીએ માતા ને દિલાસો આપતા કહ્યું કે, કઈ વાંધો નહીં હું ખુબજ મહેનત કરીશ. ત્યારે માતા નિર્મળાબહેન સોનીની સામે જોઈને કહેતા હતા કે તું જેટલું ધારે છે એટલું સહેલું નથી. જે ત્રણ વર્ષ તું ચુકી ગઈ છો એ તારો પાયો હતો. નિર્મળાબહેને ચિંતાગ્રસ્ત ચહેરે સોનીની સામે જોઈને કહ્યું કે, દીકરા....., પાયા વિનાની ઇમારત બાંધવી કઠિન નહીં પણ અશક્ય છે. સોની પોતાની માતા નિર્મળાબહેનનો કહેવાનો સ્પષ્ટ મતલબ સમજી ગઈ હતી. તેને એવી બાહેંધરી આપતા એવો ખુલાસો પોતાની માતા નિર્મળાબહેન સમક્ષ કર્યો કે, '' મમ્મી તમે ચિંતા ન કરતા હું ગમે તેવા સંજોગો પૈદા કરીને પણ આ અશક્ય કાર્ય ને શક્ય બનાવીશ ''. સોનીના અભેદ વાક્યમાં નિર્મળાબહેનને થોડા એવા સફળતાનાં પડઘા સંભળાતા એ થોડા હળવા થયા.
માં-દીકરી વચ્ચે આટલી વાત પૂર્ણ થઇ ત્યાં તો ઘર નો મુખ્ય દરવાજો આવી ચુક્યો હતો. ઘરમાં પ્રવેશતા પહેલા માતા નિર્મળાબહેને પોતાની દીકરી સોનીનો હાથ પોતાના હાથ માં લઈને સોની પાસે એક વચન માંગ્યું કે......
ભાવેશ લાખાણી