સંઘર્ષની ભઠ્ઠી ભાગ- ૧૦
થોડા દિવસ થયા એટલે પરિણામની તારીખ પણ આવી ગઈ. તે દિવસે બંને બહેનો પરિણામ લેવા માટે શાળા પર પહોંચી અને નોટિસ બોર્ડ પર જોયું તો., સોનીની આંખો ચાર થઇ ગઈ. તેની મહેનત બધા જ રંગો લાવી કારણ કે, તેને આભને પણ ચીરી બતાવ્યું. તે આખી શાળામાં પ્રથમ ક્રમે આવી હતી. તેની સખી કુસુમ પણ સારા નંબર સાથે પાસ થઇ ગઈ હતી. તે સીધી દોડતી દોડતી માતા નિર્મળાબહેન પાસે પહોંચી ગઈ. બંને માં-દીકરીએ એકમેકને ભેટીને ખુબજ ઉષ્માની આપ લે કરી. નિર્મળાબહેનન પણ તે દિવસે ખુબજ ખુશ હતા. તેને પોતાની મહેચ્છા પોતાની દીકરી સોની દ્વારા પૂર્ણ થયાનો સંપૂર્ણપણે સંતોષ થયો.
તેઓ બંને માં દીકરી શાળાએથી ઘરે પરત ફરતા હતા. વેકેશન હોવાથી કુસુમને તેના પપ્પા લેવા માટે આવ્યા હતા. કુસુમને પોતાની ઘરે જતા જોઈને થોડી ક્ષણો માટે તો સોનીને પણ પોતાના પિતા દશરથને મળવાની ઈચ્છા થઇ આવી હતી પરંતુ નિર્મળાબહેને તેને પાછી વાળી લીધી. નિર્મળાબહેન સોનીની હવે પછીની જિંદગી સોનેરી બનાવવા માંગતા હતા. એ જાણતા હતા કે, જો સોની પોતાના ઘરે ચાલી જશે તો તેનું ભાવિ ફરીથી અંધકારમાં ગરકાવ થઇ જશે. આથી એ કોઈપણ જાતનો ચાન્સ લેવા માંગતા ન હતા. કુસુમને વિદાય આપી તેઓ માં દીકરી બંને રસ્તામાં ભાવિ કારકિર્દી વિશેની વાતો આરામથી કરતા જતા હતા. રસ્તામાં એક જવેલરીનો મોટો શોરુમ આવ્યો. નિર્મળાબહેન સોનીને લઈને એ શોરૂમમાં ગયા. એ જ્યાં કાઉન્ટર પર પહોંચ્યા ત્યાં તો એમનું બોક્સ તૈયાર હતું. નિર્મળાબહેને એ બોક્સ લઈને સોનીના હાથમાં થમાવી દીધું. સોનીએ બોક્સ ખોલીને જોયું તો અંદર સોનાની પાયલ હતી. સોની તો ખુબજ ખુશ થઇ ગઈ. તેને પગમાં પાયલ પહેરવી ખુબ જ ગમતી હતી પરંતુ તેની સાવકી માતાએ એ પાયલ પણ પગમાંથી કઢાવી દીધી હતી. એક પાલક માતા પાસેથી આટલી મમતા સોની હવે પચાવી શક્તિ ન હતી. આથી નાનીનાની વાતમાં તેનું રુદન બહાર છલી આવતું હતું.
વેકેશન હવે પૂર્ણ થવાના આરે હતું. આગળના ઉચ્ચ અભ્યાસની તડામાર તૈયારીઓ ફરીથી થવા લાગી હતી. થોડા વિરામ બાદ સોનીનો મહેનત યજ્ઞ ફરીથી શરુ થયો. તેનામાં ધીમે ધીમે સકારાત્મકતાના ભાવો જન્મવા લાગ્યા હતા. તે ફરીથી પોતાના કાર્યમાં જોડાઈ ગઈ. તે ખુબજ મહેનત સાથે પોતાનો આગળનો અભ્યાસ કરવામાં લાગી ગઈ. તે દિવસ રાત પણ જોતી ન હતી. શાળાએથી છૂટ્યા બાદ તેમને વધારાનું કોચિંગ ઘરેથી માતા નિર્મળાબહેન પાસેથી પ્રાપ્ત થઇ જતું હતું. તેના મહેનત યજ્ઞમાં માતા નિર્મળાબહેનનું પણ ઘણું યોગદાન હતું. સોની જયારે રાત્રે વાંચન કરતી હોય ત્યારે નિર્મળાબહેન પોતે પણ એના માટે જાગતા રહે અને એના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરે તેને કંઈ પણ ન આવડે કે ન સમજાય તો નિર્મળાબહેન પોતાનો જીવ રેડીને પણ એને સતત સમજાવતા રહે.
સોનીનો અથાગ પરિશ્રમ એક દિવસ સોનાની જેમ ચમક્યો. એ ફક્ત શાળા જ નહિ પરંતુ સમગ્ર શહેરમાં તે અગ્ર ક્રમે આવી. તેણે પરિણામ પર જટ દઈને વિશ્વાસ આવતો ન હતો. શાળા તરફથી તેનું સન્માન કરવામાં આવ્યું. તેના પર ઇનામ તથા રોકડ ધનરાશિની વર્ષા વર્ષી. ઘણા વર્ષો બાદ એનું મન તૃપ્ત થયું. એણે કંઈક મેળવ્યાનો અપાર આનંદ થયો. શાળામાં જયારે ફંક્શન થયું અને ઇનામ લેવા માટે જયારે સોનીને બોલાવવામાં આવી ત્યારે એણે પોતે ઇનામ સ્વીકારવાના બદલે માતા નિર્મળાબહેન પોતે જ એ ઈનામના સાચા હકદાર છે એવું કહીને પાલક માતા નિર્મળાબહેનના હાથે જ પોતાનું ઇનામ લેવડાવ્યું.
હવે કાલની એ માયકાંગલી સોની હવે ધીમે ધીમે ખરા સોનામાં પરિવર્તિત થતી જતી હતી. તેનામાં હવે ભરપૂર માત્રામાં આત્મવિશ્વાસ આવી ગયો હતો. તે હવે કંઈ પણ કઠિન કાર્ય કરવા માટે સંપૂર્ણ સમર્થ હતી. એને પોતાના મનમાં એક આત્મસ્ફૂર્ણા થઇ આવી કે, હવે તો ગમે તે ભોગે આગળનો અભ્યાસ કરવા માટે તો વિદેશ જ જવું છે. એના મનમાં વળેલી ગાંઠને એ ગમે તે રીતે સફળતામાં ફેરવીને જ જંપતી હતી. એણે પોતાની માતા નિર્મળાબહેનને પોતાને વિદેશની કોઈ સારી એવી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ અર્થે જવું જ છે એવી મીઠી જીદ બતાવી. ત્યારે માતા નિર્મળાબહેને પણ પોતાની લાડલીને આગળના અભ્યાસ અર્થે એ જરૂર વિદેશ મોકલશે એવી દિલાશા આપી.
નિર્મળાબહેને વિદેશ જવા માટેની તપાસ કરી તો માલુમ પડ્યું કે, એના માટે એક પૂરક કસોટી પાસ કરવી અનિવાર્ય છે. એણે તો સોનીને વિદેશ જવા માટેના તમામ સરકારી કાગડો તૈયાર કરી રાખ્યા અને સાથે સાથે તે સોનીને તે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ કરાવવામાં લાગી ગયા. સોનીનો કર્મયોગ ભાગ-૨ શરુ થયો. તે દિવસ રાત ફરીથી મહેનતમાં લાગી ગઈ. હવે તો તે પૂર્ણપણે પરિપક્વ થઇ ચુકી હતી. આથી તે પોતાના ભવિષ્યને લઈને ખુબજ ગંભીર હતી. હવે તે પોતાની પાલક માતા સાથે ખુબજ સુખી જીવન વિતાવતી હોવાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ પણ બહોળો થયો હતો. હવે તો તે પહેલા કરતા પણ અધિક સુંદર દેખાતી હતી. માતા નિર્મળાબહેને તો તેને અભ્યાસની સાથે સાથે જીવનના અઘરા પાઠ પણ ભણાવ્યા હતા. આથી સોની હવે તો તમામ કસોટીઓને પાર કરી શકે એવી માહિર મહિલા બની ગઈ હતી.
તેણે વિદેશ જવા માટે આપેલી પરીક્ષામાં તે સારા રેન્ક સાથે પાસ થઇ ગઈ. હવે તો તેની વિદેશ જવા માટેની તૈયારીઓ થવા લાગી. તેના માટે નવા નવા કપડાં.., પગરખાં., શુસોભનની વસ્તુઓ., તથા બીજી ઘણી વસ્તુઓની ખરીદી કરવામાં આવી. જેમ જેમ વિદેશની ભૂમિ પર જવાના દિવસો નજીક આવતા જતા હતા તેમ તેમ સોની વધારે ને વધારે ઉતેજીત થતી જતી હતી જ્યારે માતા નિર્મળાબહેન તો વધારે ને વધારે વ્યાધિ ઉપાધિમાં ગરકાવ થતા જતા હતા. તેને મોટો ભય એ સતાવતો હતો કે, જીવનમાં જેણે આપણું કહી શકાય એવી એક દીકરી મળી તો પણ મહેમાનના રૂપમાં..! આટલું વિચારતા તેની આંખો ભીંજાઈ જતી હતી. પરંતુ એક દુખિયારી દીકરીની જિંદગી બની જશે એવું વિચારીને પોતાના મનને મનાવી લેતા હતા. માતા નિર્મળાબહેનની ઉદાસીને દીકરી સોની બરોબર પારખી ગઈ હતી. આથી સોનીએ એક દિવસ મજાકમાં ને મજાકમાં માતા નિર્મળાબહેનને કહી દીધું કે, મમ્મી.., તું બિલકુલ ચિંતા ના કરીશ. જેવી હું ત્યાં સેટ થઇ જઈશ કે તરત જ તને ત્યાં જ બોલાવી લઈશ. આટલું કહેતાંની સાથે માં-દીકરી બંનેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો ચાલુ થઇ જતો.
એ દિવસ આખરે આવી ગયો. સોનીની વિદાયનો સમય થયો એટલે નિર્મળાબહેન એને છોડવા માટે એરપોર્ટ ગયા. સોનીને થોડી એવી અગત્યની સૂચનાઓ આપી. સોની જ્યાં જવાની હતી એ નિર્મળાબેનની ખાસ બહેનપણી હતી. થોડા દિવસ ત્યાં રહેવાનું હતું. ત્યારબાદ તેણે પોતાની વ્યવસ્થા જાતે જ કરવાની હતી. સમય થયો એટલે માં-દીકરી એકમેકને ધરાઈને ભેંટ્યા પછી નોખા પડ્યા. એક આંખના પલકારામાં તો દુઃખી થયેલી અને ગામડાની એક નાદાન છોકરી વિદેશી ધરતી પર પહોંચી ગઈ. ત્યાં એને રહેવાની સગવડ તો અગાઉથી જ માતા નિર્મળાબહેને કરી જ આપી હતી.
થોડા સમયમાં તો સોનીને વિદેશી ધરતી પણ માફક આવી ગઈ. જેમ જેમ તે આગળ અભ્યાસ કરતી જતી હતી તેમ તેમ તેની તેજસ્વીતા બમણી થતી જતી હતી. તેને પોતાના જીવનમાં એક લક્ષ્ય એ સાધ્યું હતું કે, ગમે તેમ થાય હવે તો સુખી થઈને જ જંપવું છે. તે ત્યાં પણ પોતાનો મહેનત યજ્ઞ પ્રગટાવી ચુકી હતી. વિદેશી ધરતી પર નહીં આપણા લોકો., નહીં આપણી ભાષા., નહીં આપનો ખોરાક., નહીં આપણા કોઈ સાથે લોહીના સંબંધો અને છતાં પણ સોની એ વિશ્વવિદ્યાલયમાં ફર્સ્ટ રેન્ક સાથે પાસ થઈને પોતાનું ભાવિ ઉજળું કરી દીધું. લોકોને તેના પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું હતું. એમાનો એક યુવાન એના જેવો જ તેજસ્વી અને ખંતીલો હતો. ધીમે ધીમે બંને એકબીજા પર પ્રેમના ઉજાસ પાથરવા લાગ્યા. સમય જતા એ ઉજાસનો છેડો લગ્નની ગાંઠમાં પરિણમ્યો. સમય જતા નિર્મળાબહેન પણ પોતાની દીકરી સોની પાસે જતા રહ્યા.
સોનીનું હવે નામકરણ થઇ ચૂક્યું હતું. તેનો હસબન્ડ તેને પ્રેમથી સોના કહીને બોલાવતો હતો. સુખી પરિવાર હતું. બંને હસબન્ડ વાઈફ સારી એવી નોકરી કરતા અને માતા નિર્મળાબહેન પણ એની સાથે જ રહેતા હતા. ત્યારબાદ કદી સોની ન તો પોતાના દેશ ફરી આવી કે ન તો કદી એણે પોતાના પરિવારને સંભાળ્યો..!! આવી રીતે એક ગામડામાં દુઃખની દલદલમાં ફસાયેલી એક છોકરી પોતાના અભેદી મનોબળના આધારે વિદશી ભૂમિ પર પોતાની પાલક માતા., સ્નેહાધીન પતિ અને વ્હાલા બાળક સાથે આરામથી જીવન વિતાવ્યું.
સમાપ્ત....
ભાવેશ લાખાણી..