સંઘર્ષ ની ભઠ્ઠી ભાગ - ૨ Bhavesh Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષ ની ભઠ્ઠી ભાગ - ૨

સંઘર્ષ ની ભઠ્ઠી ભાગ-2

સોની પોતાના ભાઈ રઘુ ને પ્રેમ થી ઊંચકીને રમાડી રહી હતી. એવામાં એનું ધ્યાનચૂક થયું એટલે ઠેસ વાગતા તે જમીન પર પટકાતા સહેજ બચી ગઈ પણ એના હાથમાંથી ભાઈ રઘુ મુકાઈ ગયો. જમીન પર પડેલો અણીદાર પથ્થર રઘુ ના માથામાં ખુપી ગયો, થોડા હાથ છોલાયા, અને એક પગમાં થોડી ઇજા પહોંચી. શરીર પર થતા અસહ્ય દર્દ થી રઘુની ચીસ ફાટી ગઈ. રઘુની ચીસ સાંભળીને મૃદુલા તો ઘરમાંથી દૌડી આવી. રઘુની દશા જોતાવેંત જ તે સમજી ગઈ કે જરૂર સોનીના હાથમાંથી રઘુ પડીને જમીન પર પટકાયો છે. રઘુ નું દર્દ તો સાઈડ પર રહી ગયું અને મૃદુલા તો એક ભૂખ્યા સાવજ ની જેમ સોની પર તૂટી પડી...

'' કાળમુખી..., નીચ..., કુલટા..., આંધળી...., ''

'' આંધળી છો...?? કે પછી પગમાં મહેંદી મૂકી છે...?? ''

'' મારવા માટે તને મારો પુત્ર જ મળ્યો...!! ''

'' તું કેમ ન મરી ગઈ અભાગણી....!! ''

'' માં મને પણ લાગ્યું છે .., અજાણતા મારો પગ લપસી પડયો છે. ''

પણ સાંભળે કોણ..? મૃદુલા તો હાથમાં જે આવ્યું તે લઈને સોનીને ફટકારવા જ લાગી. એના વાળ ખેંચ્યા, એના ગાલ પર તમાચા માર્યા, મૃદુલામાં જેટલું બળ હતું એટલા બળથી એ સોનીને ફટકારવા લાગી. પેટમાં, કમ્મર પર અને હાથ તથા પગ પર ઢીકા અને પાટા થી વાર કરવા લાગી. એક માં વગરની દીકરી બિચારી હાથ જોડીને એટલું જ કહેતી રહી...,

'' નહિ માં.., બસ માં..., લાગે છે માં..., હવે બસ કર માં..., હવે ક્યારેય ભૂલ નહિ કરું માં..., ''

એક આઠ-દશ વર્ષની છોકરી આખરે કેટલો માર સહન કરે...!! પણ મૃદુલા તો જાણે માનવ માંથી દાનવ બની ગઈ હોય તેમ સોનીને છોડવા તૈયાર જ ન હતી. એવામાં દશરથ કામ પરથી આવ્યો અને એણે જોયું કે મૃદુલા તો સોનીને ઢોર માર મારી રહી હતી ને બાજુમાં રઘુ અસહ્ય પીડાથી રોઈ રહ્યો હતો. પણ મૃદુલામાં તો એક પીશાચ જ ઘુસી ગયું હોવાથી તેને રઘુની પીડા ને મલમ લગાડી તેને મટાડવા કરતા સોની ને ભારે વેદના આપવામાં જ રસ હતો. દશરથે તો આવતા વેંત પ્રથમ તો મૃદુલા ને મારતા અટકાવી. આજે પહેલી વાર તેણે સોની ને માર ખાતા જોઈ દશરથના હ્ર્દયમાં કરુણાનો સણકો ઉઠ્યો. પણ તે હવે લાચાર બની ગયો હતો. સમય તેના હાથમાંથી સરકી ગયો હતો. મૃદુલા તો રઘુને લઇ ઘરમાં ચાલી ગઈ. તે તો રઘુને પાટાપિંડી કરવા લાગી. પણ સોનીના દર્દ પાસે રઘુનું દર્દ તો કઈ ન કહેવાય એવું સામાન્ય હતું. જયારે સોની તો બેભાન હાલતમાં આવી ગઈ હોવાથી દશરથ તાબડતોબ સોની ને લઇ દવાખાને પહોંચ્યો અને તેને પાટાપિંડી કરી તેનો ઈલાજ કરાવ્યો. દશરથ પોતાની દીકરી સોની ને લઈને ઘરે આવ્યો પણ મૃદુલા એ સાફ શબ્દોમાં કહ્યું કે, આ છોકરી આ ઘરમાં નહિ. દશરથ તો મુંજવણમાં મુકાયો કે હવે કરવું શું..?? એ મૃદુલાને સમજાવવા લાગ્યો કે, આ દશ વર્ષની ફૂલ જેવી કોમળ દીકરી ક્યાં જશે..?? ખુબજ આજીજી કરી એટલે મૃદુલા સોનીને પોતાની સાથે રાખવા માટે તૈયાર થઇ પણ કેટલીક શરતો સાથે.

હવેથી સોનીએ રઘુને ક્યારેય પણ તેડવાનો નહીં તેને દૂરથી જ રમાડવાનો, શાળાએ જવાનું પણ ઘરનું કામકાજ પહેલા કરવાનું રહેશે, રાતે ઘરની બહાર આવેલા તૂટેલા ફાટેલા છાપરા માં સુવાનું રહેશે. આવી તો ઘણી શરતો મૃદુલાએ દશરથ સમક્ષ મૂકી. દશરથ પોતાની લાચારીમાં સરકી ગયો હોવાથી એને બધીજ શરતો કબૂલ કરી લીધી. હવે દશરથના હૃદયમાં પોતાની દીકરી પ્રત્યે થોડી કરુણા અને દયા જાગી ઉઠ્યા પણ હવે બહુજ મોડું થઇ ગયું હતું. મૃદુલા દશરથ પર હાવી થઇ ગઈ હોવાથી હવે દશરથનું કઈ પણ ચાલતું ન હતું.

દિવસે દિવસે મૃદુલા નો પ્રકોપ વધતો જ જતો હતો. તે સોની સાથે ભારે અન્યાય કરતી હતી. ઘરમાં જમવાનું કોઈ દિવસ સારું બનાવ્યું હોય તો પણ સોની ને તો સુકાઈ ગયેલા રોટલા-રોટલી ના ટુકડા અને એંઠવાડ જ ખાવાના રહેતા હતા. એક દીકરી ની જાત કહેવાય છતાં પણ એ મોટી થતી જતી હતી તો પણ એ થોડા ફાટેલા તૂટેલા અથવા તો થીંગડા મારેલા વસ્ત્રો જ એને પહેરવાના રહેતા હતા. ગમે તેવો શિયાળો.., ઉનાળો.., કે ચોમાસુ હોય તો પણ સોની ને તો સુવા માટે બહાર નું છાપરું જ નસીબ હતું. ક્યારેક તો ભર શિયાળાની ઠંડી માં એ ઠુંઠવાતી હોય ત્યારે તેનો બાપ દશરથ બહાર આવીને એને ઓઢાડી જતો. સોની ની આવી દયામણી હાલત જોઈને દશરથ ની આંખોંના ખૂણા ભીંજવાઈ જતા હતા. પણ એક લાચાર બાપ આખરે કઈ પણ કરી શકતો ન હતો.

એક દિવસ ની વાત છે. મૃદુલાને થોડી ચીજવસ્તુઓ લેવા માટે બજારમાં જવાનું થયું. દશરથ પણ પોતાના કામ પર જતો રહ્યો હતો આથી નાનકડા ભાઈ રઘુની જવાબદારી મૃદુલાએ ફરજીયાત સોની ને જ સોંપીને જવાનું હતું. તેને સોનીને કડક શબ્દોમાં સૂચના આપતા કહ્યું કે, હું બજારમાં થોડો ચીજવસ્તુઓ લેવા માટે જઈ રહી છું. મારા ગયા પછી પાછળથી તારે રઘુ નું ધ્યાન રાખવાનું છે. મારી આ વાત બરાબર કાન ખોલીને સાંભળી લેજે મારા ગયા પછી જો તે કંઈપણ આમતેમ કર્યું છે તો તારી ખેર નથી...!! મૃદુલા તો સોનીને ધાકધમકાવીને જવાબદારીપૂર્વકનું કાર્ય સોંપીને બજારમાં ચાલી ગઈ.

સોની તો ઘરમાં અધૂરું પડેલું કામ આટોપવામાં લાગી ગઈ. નાનકડો ભાઈ રઘુ તો ઘોડિયામાં એકલો એકલો રમી રહ્યો હતો. સોની ને તો મૃદુલાના ગયા પછી બેવડી જવાબદારી નિભાવવાની હતી. ઘરનું બધું કામકાજ પણ કરવાનું અને સાથેસાથે ભાઈ રાધુનું પણ ધ્યાન રાખવાનું રહેતું. ઘરનું બધું કામકાજ પૂર્ણ કરીને સોની તો રઘુના ઘોડિયા પાસે આવી અને ઘોડિયાને હલેસા મારી એ હીચકાવા લાગી. એ મૃદુલા ની જેમ જોશથી હેલારા મારી ને રઘુને સુવડાવવાનો પ્રયત્ન કરવા લાગી. પણ ઘણી વખત એવું બને કે , ભલાઈ ના કામમાં પણ વિઘ્ન આવે અને ઘણી વખત વિઘ્નના વંટોળમાં ભલાઈ છુપાયેલી હોય છે. આ વિધાન કુદરતની કચેરીનું છે. એમાં આપણું કંઈપણ ન ચાલે. સોની તો બિચારી પોતાની સાવકી માતા મૃદુલા ની નકલ કરી ભાઈ રઘુને સુવડાવવાની મથામણ કરી રહી હતી. પણ એની ભલાઈ એના પર આફત બનીને તૂટી પડવાની હોય એમ ઘોડિયાની જોરીનું એક નાકુ તૂટી ગયું, અને ધડામ..મ..મ...મ...!! દઈને અવાજ આવ્યો એને ભાઈ રઘુના મોઢામાંથી ચીસ ફાટી ગઈ. રઘુની આંખો ઉપર ચડી ગઈ, એના નાકમાંથી લોહી વહેવા માંડયું. સોની તો પોતાના થી થયેલી દુર્ઘટના જોઈને થરથર ધ્રુજવા લાગી. તેને કંઈપણ સમજ પડતી ન હતી કે હવે કરવું શું...?? તે તો તાબડતોબ સામે આવેલા દિવાળી બા ને ત્યાં પહોંચી અને દિવાળી બા નો હાથ પકડીને પોતાના ઘરે લાવી. દિવાળી બા સમજી ગયા કે, આમ તો કાગડા ને બેસવાનું અને વૃક્ષની ડાળી તૂટવા જેવો ઘાટ હતો. પરંતુ આ નાની એવી છોકરી તો પોતાનાથી કાર્ય થયેલું હોવાથી ખુબજ ગભરાઈ ગઈ હતી. દિવાળી બા એ તો પોતાના નામ પ્રમાણે ઘણી દિવાળી જોઈ હોવાથી પોતાનું ડોસી વૈદું કરવા લાગ્યા અને સાથેસાથે સોની ને આશ્વાસન આપવા લાગ્યા કે કઈ થયું નથી હમણાં સૌ સારા વાના થઇ જશે. પરંતુ સોનીના મનમાં જે ધ્રાસ્કો પડ્યો હતો એ કેમેય કરી શાંત પડતો ન હતો. દિવાળી બા તો રઘુના તાળવાને તેલથી ઘસવા લાગ્યા. તે પોતાનું દેશી વૈદપણું કરતા હતા ત્યાં તો મૃદુલા આવી ગઈ. એને જોયું તો દિવાળી બા રાધુનું તાળવું ઘસતા હતા. બાજુમાં ઉતરેલા ચહેરા સાથે સોની બેઠી હતી. ઘોડિયાની જોરી તૂટેલી પડી હતી. એવામાં મૃદુલાને જોતાજ સોનીના હૃદયમાં તો ફાળ પડી ગયો.

આવું અઘટિત દ્રશ્ય જોતા વેંત જ મૃદુલાએ સોનીની સામે જોયું અને પછી......


ક્રમશ......


ભાવેશ લાખાણી