જીવનયાત્રા - 3 Dhaval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનયાત્રા - 3

પ્રકરણ – 3
વીરેન બસ તરફ જાય છે અને પાછળથી વીરેન એમ અવાજ સંભળાય છે. જે આપણે પ્રકરણ - 2માં છેલ્લે જોઈ ગયા. હવે આગળ શું થાય છે? તે જોઈએ. વીરેન અવાજ સાંભળીને અટકી જાય છે. પાછળ ફરીને જુએ છે તો રેશ્મા ઊભી છે. વીરેન રેશ્માની નજીક જાય છે. રેશ્માની બંને આંખો આંસુથી ભરેલી છે. રેશ્મા બોલી, વીરેન તું જાય છે? તુએ મને કહ્યું પણ નઇ. તારે એક મેસેજ તો કરી દેવો હતો. માન્યુ કે પરીક્ષાને લીધે તું વાત ન્હોતો કરતો. પણ આજે તો વાત કરાયને. હું તારા ફ્લેટે ગઈ હતી, ત્યાં તારા મિત્રોએ કહ્યું કે વીરેન સાંજની બસમાં ઘરે જવા નીકળે છે. તો હું સીધી અહી સ્ટેશને આવી. વિરેનની આંખમાં પણ આસું આવી જાય છે. આંસુ સાફ કરતા કહે છે, હા રેશ્મા મારા જવાથી તને દુઃખ થશે એની મને ખબર હતી. હું તને દુઃખી કરવા ન્હોતો માંગતો. એટલે જવા સમયે જ તને કહું એમ મે વિચાર્યું. થોડી વાર પહેલા જ મે તને ફોન કર્યો પણ તારો ફોન સ્વીચઑફ હતો. રેશ્માએ પોતાના પર્સમાંથી ફોન કાઢ્યો, બેટરી ઉતરી જવાથી ફોન બંધ થઈ ગયો હતો. સાંભળને વીરેન તું ઘરે જઈશ પછી મારી સાથે વાત તો કરીશને. હા રેશ્મા હું વાત કરીશ જ ને તારી સાથે. રેશ્મા બોલી, હું પણ બે-ત્રણ દિવસમાં ઘરે અમદાવાદ જવાની છું. સમય મળે તો આવજે આપણે ફરવા જઈશું. હા રેશ્મા હું ચોક્કસ આવીશ.
બંને જણા વાતો કરી રહ્યા છે એટલામાં વીરેન જવાનો છે તે બસ ચાલું થઈ જાય છે. ચાલ રેશ્મા તો હું જાવ હવે બસ ઉપડવાની તૈયારી થઈ ગઈ છે. હા વીરેન જા. ઘરે પહોંચીને મને ફોન કરજે. હા રેશ્મા બાય, કહી વીરેન બસ તરફ જાય છે. બસના દરવાજાની અંદર ત્રીજા પગથિયે કંડક્ટર ઉભો છે. વીરેને ઓનલાઈન રીઝર્વેશન કરેલું તે પોતાની ટિકિટ કંડક્ટરને બતાવે છે. કંડક્ટર ટિકિટ ચેક કરી પોતાના પાસે રહેલા લિસ્ટમાં બોલપેનથી ટિકમાર્ક કરે છે અને આઈડી પ્રુફ જોવા માટે માંગે છે. વીરેન પાછળના ખીસામાંથી પોતાનું પાકીટ કાઢી ઇલેકશન કાર્ડ બતાવે છે. ચેક કર્યા બાદ વીરેનને જે સીટ નંબર આવ્યો છે ત્યાં બેસવા માટે કહે છે. વીરેન પોતાની સીટ પર બેસીને બસની બારી ખોલે છે. રેશ્મા બહાર ઉભી છે તેને જોય છે. બસ ઉપડે છે અને વીરેન હાથ હલાવીને બાય કરે છે. સ્ટેશનમાં ઘણી-બધી બસો આવતી જતી હોવાથી ધીમે-ધીમે બસ સ્ટેશનની બહાર નીકળે છે. રેશ્મા પણ બસની સાથે સાથે ચાલે છે. રેશ્મા પણ વીરેનને જોતી સ્ટેશનની બહાર નીકળે છે. બસ દૂર નીકળી જાય છે રેશ્મા તેને જોતી રહે છે. થોડી વાર પછી રેશ્મા રિક્ષામાં બેસીને માસીને ત્યાં જતી રહે છે.
વીરેન વહેલી સવારે પોતાના ઘરે પંચમહાલ પહોંચી જાય છે. તેમનું ઘર સિટીની બહાર આવેલું એટલે ત્યાં ગામડા જેવું ચોખ્ખું વાતાવરણ. વીરેન ઘરે આવ્યો છે તેથી તેના મમ્મી પપ્પા પણ આજે ખૂબ જ ખુશ હતા. વીરેન રેશ્માને ફોન કરીને સારી રીતે ઘરે પહોંચી ગયો છે તેની જાણ કરે છે. શાળામાં પણ વેકેશન પડેલું હોવાથી શામજીભાઈ પણ ઘરે જ છે. તેથી ખેતીનું કામ કરે છે. વીરેન પણ તેમને કામમાં મદદ કરે છે. આમ દિવસો વીતતા જાય છે. વીરેનના મમ્મી વીરેન માટે છોકરી જોવા જવા માટેની યાદ અપાવડાવે છે. એક દિવસ અમદાવાદ રહેતા કરશનભાઇની છોકરીને જોવા જવાનું નક્કી થાય છે. વીરેન અને રેશ્મા દરરોજ વોટ્સએપ પર વાતો કરે છે. વીરેન રેશ્માને અમદાવાદમાં છોકરી જોવા જવાની વાત કરે છે. ત્યારે રેશ્મા કહે છે, હું પણ ઘરે જ છું મને ફોન કરજે હું મળવા માટે આવીશ. વીરેન કહે છે, હા મળશું આપણે. વીરેન મમ્મી-પપ્પા સાથે બસમાં અમદાવાદ જવા નીકળે છે. અમદાવાદ પહોંચીને આપેલા સરનામા મુજબ રિક્ષામાં બેસીને તેઓ કરશનભાઇના ઘરે પહોંચે છે.
શામજીભાઈ અને કરશનભાઈ બંને મિત્રો વાતે ચઢે છે. વીરેનના ચેહરા પર છોકરીને જોવાની કોઈ ખુશી દેખાતી નથી. એટલામાં છોકરી ટ્રેમાં પાણી લઈને આવે છે. વીરેનનું માથું ઝુકેલું છે. પાણીનો ગ્લાસ આપે છે તે વીરેન લઈ લે છે પણ મોઢું ઊંચું કરીને તે છોકરીનો ચેહરો નથી જોતો. ત્યારબાદ થોડીવાર રહીને છોકરી ચા લઈને આવે છે. ત્યારે પણ વીરેન પોતાનું માથું ઝુકેલું જ રાખે છે. વીરેનના મમ્મી-પપ્પાને છોકરી જોતા જ ગમી જાય છે. કપ-રકાબીમાં ચા આપતા પેલી છોકરી વીરેનના હાથમાં રકાબી પકડાવે છે, અને કપમાં રહેલી ચા જાણી જોઈને ઝડપથી રકાબીમાં રેડી દે છે. વીરેનના હાથ પર પણ ચા પડે છે. વીરેન દજાય છે અને તેને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. તે બેસેલો છે ત્યાંથી ઉભો થઇ જાય છે. છોકરી તરફ તે જુએ છે, જોતાંની સાથે જ આશ્ચર્યચકિત થઈ જાય છે. મોટેથી વિરેનથી બોલાય જાય છે, રેશ્મા તું! બધાનું ધ્યાન વીરેન તરફ જાય છે. મને તો હજુ પણ વિશ્વાસ નથી થતો કે આ તુંજ છે ને? રેશ્મા બોલી, હા હુંજ છું વીરેન. વીરેનની ખુશીનો પાર નથી રહેતો. વીરેનનો ગુસ્સો છુમંતર થઈ જાય છે. રેશ્મા બોલી, મને પણ કાલે જ ખબર પડી કે મને જે છોકરો જોવા માટે આવવાનો છે તે તુજ છે. હું તને સરપ્રાઈઝ આપવા માંગતી હતી એટલે તને કંઈ ન્હોતું કહ્યું. વીરેન અને રેશ્મા એકબીજાને કઈ રીતે ઓળખે છે તે બધી વાત વીરેન તેના અને રેશ્માના મમ્મી-પપ્પાને કરે છે. પછી બંનેની સગાઇ નક્કી થઈ જાય છે. સમય ઘણો થઈ ગયો હતો એટલે વીરેન અને તેના મમ્મી-પપ્પા ઘરે રવાના થાય છે. વીરેનને આટલી ખુશી પહેલા ક્યારેય થઈ ન્હોતી જેટલી આજે રેશ્માને જોઈને થઈ હતી.
‌ હવે તો વીરેન ખૂબ જ ખુશ રહેવા લાગ્યો. રેશ્મા પણ ખૂબ ખુશ છે. પહેલા કરતા હવે બંને વચ્ચે ફોન પર વાતો પણ ઘણી થતી. વીરેનના મમ્મી સાથે પણ રેશ્મા ઘણી વાતો કરતી. વીરેન તેના પપ્પાને ખેતીના કામમાં ખૂબ જ મદદ કરે છે. ખેતીનું કામ કરવામાં વીરેનને ખૂબ મજા આવતી એટલે સવારે વહેલો જાગીને પપ્પા સાથે ખેતરે જતો રહે. ત્યાં પપ્પા સાથે ખેતીની નવી-નવી તકનીકો પણ શીખતો. વીરેનના મમ્મી પણ તેમને ખેતી કાર્યમાં મદદ કરતાં. વીરેનના મમ્મી ઇન્દુબેને બારમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેમના ઘરે બે દુજણી ગાયો છે એટલે વીરેનના મમ્મી ગાયને નિરવું, પાણી પાવું, છાણ-વાસીદુ કરવું વગેરે કાર્યમાં વ્યસ્ત રહેતા. સવારે અને સાંજે ગાયનું દૂધ દોહીને ઇન્દુબેન નજીકમાં આવેલી સહકારી ડેરીમાં દૂધ ભરી આવતા. તેમનો સ્વભાવ એકદમ માયાળુ. દરરોજ આજુબાજુ વાળા પાડોશીઓને હોંશે-હોંશે પોતે બનાવેલી છાસ આપતા. ઇન્દુબેનનો આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાને કારણે ક્યાં નીકળી જતો ખબર જ ન પડતી. તેઓ ખૂબ જ મહેનતુ. પૈસા કરતા તેઓ કામને વધારે મહત્વ આપતા. પોતાના દીકરા વીરેનને પણ તેમણે પરિશ્રમના પાઠો શીખવાડેલા. એટલે વીરેન પણ દરેક કાર્યોને પુરી નિષ્ઠા અને લગન સાથે કરતો. શામજીભાઈને શાળા શરૂ હોય ત્યારે ખેતીનો બધો કારભાર ઇન્દુબેન પોતે સંભાળી લેતા. ખેતરમાં મજૂરો કરીને કામ કરાવડાવતા અને પોતે પણ સાથે કામ કરતા.
ઇન્દુબેન પોતે ઓછું ભણ્યા છે તેનો અફસોસ તેમને સહેજ પણ ન્હોતો. કારણ કે તેઓ જીવનને જ પોતાની પાઠશાળા માનતા. જીવનના અનુભવો તેમને નવાને નવા પાઠો શીખવાડે છે એમ તેઓ માનતા. પોતાના કુટુંબમાં પણ મોટાભાગના પ્રસંગોમાં ઇન્દુબેન આગળ જ રહેતા. તેમની કોઠાસૂઝ તેમના વ્યક્તિત્વને વધુને વધુ ઓજસ પ્રદાન કરતી. કોઈ હતાશ વ્યક્તિ ઇન્દુબેન સાથે બે ઘડી વાત કરે તો તેની નિરાશા ભુલાવી આશાનું કિરણ પ્રગટાવી દે તેવું ઇન્દુબેનનું અદ્ભૂત વ્યક્તિત્વ છે. દર રવિવારે તેમના ઘરની આગળ સ્વાધ્યાય સભાનું આયોજન કરવામાં આવતું. જેમાં ઘણા બધા બાળકો અને સ્ત્રીઓ આવતા. ઇન્દુબેન તેમને સંસ્કૃતના શ્લોક અને પ્રાર્થના શીખવાડતા. શ્રીમદ ભગવદગીતાના શ્લોક સમજાવતા. તેમજ આધ્યાત્મિક વાર્તા કહીને તેમના જીવનને યોગ્ય દિશામાં વાળવા સંસ્કારોનું સિંચન કરતા. ઇન્દુબેનમાં આધ્યાત્મિક જ્ઞાન પણ ખૂબ જ ભરેલું. તેઓ સમજાવતા હોય ત્યારે તેમની વાણીથી સાંભળનારમાં ઉર્જાનો સંચાર થતો હોય એવી અનુભૂતિ થતી. શામજીભાઈની ગામમાં જેટલી પ્રતિષ્ઠા હતી એટલી જ તેમના ધર્મપત્ની ઇન્દુબેનની પણ હતી.
વીરેનને વેકેશનના દિવસો હવે પુરા થવા આવ્યા છે. શામજીભાઈને વીરેનના લગ્નની ચિંતા છે એટલે કરશનભાઇને ફોન કરીને લગ્નની વાત કરે છે. પરંતુ કરશનભાઇ તેમને કહે છે કે હજુ રેશ્મા અને વીરેનને કોલેજનું એક-એક વર્ષ બાકી છે. તે પૂરું થાય પછી ગોઠવશું તો વધારે સારું રહેશે. શામજીભાઈને કરશનભાઈનો આ વિચાર ગમ્યો. વીરેન અને રેશ્માના એક વર્ષ બાદ લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું. હવે શામજીભાઈને વીરેનના લગ્નની ચિંતા દૂર થઈ. તેમને પણ શાળામાં વેકેશન પૂરું થવાનું હતું. રજાના દિવસોમાં વીરેનને મમ્મી-પપ્પા સાથે ઘરે રહેવાની ખૂબ મજા આવતી હતી. જેમ-જેમ કોલેજ ખુલવાના દિવસો નજીક આવતા જાય છે તેમ-તેમ વીરેનનું મન વ્યગ્રતા અનુભવે છે. તેને મમ્મી-પપ્પાથી દૂર જવું ગમતું નથી. પરંતુ ભણવા માટે તે પોતાના મનને મનાવી લે છે. વીરેનની પરીક્ષાનું રિઝલ્ટ ઓનલાઈન મુકાયું હોય છે. વીરેન પોતાના મોબાઈલમાં યુનિવર્સિટીની સાઈટ ખોલે છે જેમાં રિઝલ્ટ જોવા માટે વિદ્યાર્થીનો સીટ નંબર નાખવાનો હોય છે. પરંતુ વીરેનને સીટ નંબર યાદ નથી એટલે વીરેનને પોતાનું રિઝલ્ટ જોવાની ચિંતા થાય છે. પછી વીરેનને યાદ આવે છે કે પરીક્ષાની હોલ ટિકિટનો ફોટો પાડીને ગુગલ ડ્રાઇવમાં અપલોડ કર્યો હતો. તરત વીરેન ઇ-મેઈલ આઇડી નાખી ગુગલ ડ્રાઇવ ખોલે છે. તેમાં પોતાની હોલ ટિકિટમાંથી પોતાનો સીટ નંબર જોઈ લે છે. ત્યારબાદ યુનિવર્સિટીની સાઈટ ખોલી પોતાનો નંબર નાખે છે અને સર્ચ કરે છે. મોબાઈલમાં થોડી વાર સર્ચની પ્રોસેસ થાય છે પણ એરર બતાવી દે છે.

ક્રમશઃ......

- ઢોડિયા ધવલ