Life journey - 2 books and stories free download online pdf in Gujarati

જીવનયાત્રા - 2

પ્રકરણ - 2
આપણે પ્રથમ પ્રકરણમાં જોયું એ મુજબ રેશ્મા અને વીરેન એકબીજાની આંખોમાં આંખો પરોવી જોઈ રહ્યા છે. વીરેન અને રેશ્માએ વિતાવેલી પ્રણયની પળો તેમને ઘેરી વળે છે. વીરેન અને રેશ્માની પહેલી મુલાકાત રાજકોટ શહેરમાં સીટી બસની અંદર થયેલી. પહેલી નજરમાં જોતા જ રેશ્મા વીરેનની આંખોમાં વસી જાય છે. શરૂઆતના દિવસોમાં વીરેનને રેશ્મા સાથે વાત કરવાની હિંમત થતી નથી. પરંતુ દરરોજ તેઓ સીટી બસમાં ભેગા થતા અને એકબીજાને નિહાળતા. એક દિવસ સંજોગવસાત બસમાં બાજુબાજુની સીટમાં બેસવાનું થાય છે. વિરેનના હૃદયના ધબકારા વધી રહ્યા છે. બોલવાનું મન થાય છે પણ હિંમત ચાલતી નથી. એટલામાં રેશ્મા પૂછી નાખે છે. તમે શેની સ્ટડી કરો છો? વીરેનના ધબકારા ઓર વધી જાય છે અને કહે છે, હું અહી નજીકની કોલેજમાં કમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ કરું છું. હવે વીરેનને થોડો હાશકારો થયો અને પૂછ્યું, તમે? રેશ્મા બોલી હું આર્ટ્સ કોલેજમાં ગુજરાતી વિષય સાથે બી.એ. કરું છું. અત્યારે હું એસ.વાય. માં છું. પછી રેશ્માએ પૂછ્યું તમારું નામ શું છે? વીરેન હળવા સ્મિત સાથે બોલ્યો વીરેન. અને તમારું? રેશ્મા. એટલામાં વીરેનને ઉતારવાનું સ્ટેશન આવ્યું. વીરેન સીટ પરથી ઉભો થઈને બોલ્યો બાય રેશ્મા મારી કોલેજ આવી ગઈ. બસ ઉભી રહે છે અને વીરેન ઉતરી જાય છે. આજે વીરેન ખૂબ જ ખુશ હતો.
હવે તો વીરેન અને રેશ્મા જ્યારે મળતા ત્યારે ખૂબ જ વાતો કરતાં. રેશ્માને પણ વીરેન સાથે વાત કરવાનું ખૂબ જ ગમતું. વીરેન રેશ્માને પોતાનો મોબાઈલ નંબર પણ આપે છે. વોટ્સએપ પર પણ તેઓ ખૂબ વાતો કરતા. તેમનો સંબંધ દોસ્તીથી કંઈક વિશેષ હતો. રજાનો દિવસ હોય તો બંને જણા મુવી જોવા પણ જતા તો ક્યારેક ગાર્ડનમાં ફરવા પણ જતા. આમ ને આમ દિવસો પસાર થતા રહ્યા. વીરેન અને રેશ્મા એકબીજાને ચાહે છે, પરંતુ પોતાના પ્રેમનો ઇઝહાર કરતા નથી. રેશ્માની સેમેસ્ટર-4 ની પરીક્ષાને હવે થોડાં જ દિવસો બાકી છે. પણ તેને વાંચવાનું મન થતું નથી. વીરેનને રેશ્માની પરીક્ષા છે એમ ખબર પડે છે ત્યારે રેશ્મા સાથે ફોન પર વાત કરવાનું ઓછું કરી નાખે છે. કોલેજથી છૂટ્યા બાદ વીરેન મિત્રની બાઇક લઈ રેશ્માને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઈબ્રેરી સુધી મુકવા જાય છે. રેશ્મા ત્યાં બે કલાક સુધી વાંચન કરે છે. પછી રેશ્મા જ્યાં માસીના ઘરે રહે છે ત્યાં સોસાયટીના ગેટ પાસે વીરેન બાઇક પર રેશ્માને ઉતારી આવે છે. રેશ્માની પરીક્ષા શરૂ થાય છે. બધા પેપર સારા જાય છે. ત્યારબાદ રેશ્માને કોલેજમાં વેકેશન પડે છે. પરંતુ વીરેનની પરીક્ષાને હજુ એક મહિનાની વાર હતી. વીરેન ભણવામાં પહેલેથી જ ખૂબ હોશિયાર. વીરેન પણ હવે પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે. બીજી બાજુ રેશ્માને પણ પોતાનો થોડો સમય આપે છે.
વીરેન રાજકોટમાં અન્ય ત્રણ મિત્રો સાથે ભાડેના ફ્લેટમાં રહેતો. આ ત્રણ મિત્રો પણ રાજકોટમાં અભ્યાસ કરતાં. જમવાનું તેઓ જાતે જ બનાવી લે. ક્યારેક બનાવવાનો કંટાળો આવે તો બહાર હોટેલમાં જમી આવતા. દર મહિને ફ્લેટનું ભાડું ચારેય જણા સરખા ભાગે પૈસા ઉઘરાવીને ભરી દેતા. વીરેનની પરીક્ષા નજીક આવી રહી હતી એટલે વીરેન વાંચનમાં વધારે સમય ફાળવે છે. સાથે રહેતા એક મિત્ર પાસે બાઇક હતી. બે-ત્રણ દિવસમાં એક વાર બાઇક લઈને વીરેન રેશ્માને મળવા જતો. વીરેન રોજ સાંજે વોટ્સએપ પર વીડિયો કોલ કરી પોતાના મમ્મી સાથે વાત કરતો. વીરેનના મમ્મી-પપ્પા પંચમહાલમાં રહે છે. વિરેનના પિતા શામજીભાઈ સરકારી શાળામાં વિજ્ઞાન વિષયના શિક્ષક છે. તેમનું જીવન એકદમ સાદગી ભર્યું. પોતાના દીકરા વીરેનમાં નાનપણથી જ તેમણે સારા સંસ્કારોનું સિંચન કરેલું. તેમજ વીરેનને ભણાવવામાં તેમણે કોઈ કસર બાકી ન્હોતી રાખી.
એકવાર શામજીભાઈના બાળપણના મિત્ર કરશનભાઇ અમદાવાદથી પંચમહાલ કોઈના લગ્ન-પ્રસંગમાં આવે છે. ત્યારે શામજીભાઈના ઘરે પણ જાય છે. બંને મિત્રો એકબીજાને મળીને ખૂબ જ આનંદની અનુભૂતિ કરે છે. પોતાના સ્મરણોને વાગોળે છે. તેઓ શાળામાં ભણતા ત્યારે સાથે જ છાત્રાલયમાં રહેતા. શામજીભાઈ તેમને આજે રોકાય જવાનો આગ્રહ કરે છે. કરશનભાઈ તે માન્ય રાખે છે અને રોકાય જાય છે. સાંજે મોડે સુધી બંને મિત્રો વાતો કરે છે. શામજીભાઈ પોતાના દીકરા વિરેનના લગ્નની વાત કરે છે. ત્યારે કરશનભાઇ કહે છે, મારી દીકરી પણ લગ્નને લાયક છે. પછી બંનેના લગ્નની વાત આગળ ચલાવે છે. વાતો કરતાં-કરતાં સાડા અગિયાર વાગી જાય છે. પછી બંને મિત્રો સુઈ જાય છે.
બીજે દિવસે કરશનભાઇ શામજીભાઈના ઘરેથી વિદાય લઈ અમદાવાદ જવા નીકળે છે. શામજીભાઈ વિરેનના મમ્મીને કરશનભાઇની દીકરી સાથે વીરેનના લગ્નની વાત કરે છે. લગ્નની વાત સાંભળતા વીરેનના મમ્મી ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી તે વીરેનને ફોન કરે છે અને બધી વાત કહે છે. વીરેન લગ્નની વાત સાંભળતા જ જાણે ડઘાઈ જાય છે. પણ આજ સુધી વીરેને પોતાના મમ્મી-પપ્પાની કોઈપણ વાતનો ઇનકાર નથી કર્યો. તેથી પરીક્ષા પત્યા પછી છોકરી જોવા જવાની હા પાડે છે. વીરેનને કંઈ પણ ચેન નથી પડતું. અંદરથી જાણે ભાંગી પડે છે. પણ હજુ વીરેને રેશ્માને પ્રેમનો ઇઝહાર ન્હોતો કર્યો. કોલેજથી છૂટ્યા બાદ વીરેન રેશ્માને ફોન કરે છે અને ગાર્ડનમાં મળવાનું કહે છે. પછી બંને જણા ગાર્ડનમાં મળે છે. અંદર રહેલા બાકળા પર બેસીને તેઓ વાત કરે છે. વીરેન એકદમ ઉદાસ છે, તેનો ચહેરો નિમાણો પડી ગયો છે. પણ તે પોતાની ઉદાસી રેશ્મા આગળ જતાવવા નથી માંગતો. તેથી પરાણે મોઢાપર હળવું સ્મિત બનાવી રાખે છે.
વીરેનની વાત કરવાનો અંદાજ આજે રેશ્માને થોડો અજુગતો લાગ્યો. રેશ્મા વિરેનના હાથ પર પોતાનો હાથ રાખ્યો. બોલને વીરેન શું થયું છે? પરીક્ષાનું ટેન્શન છે? વીરેન હસવાનો ડોળ કરતો હોય એ રીતે બોલ્યો. ઘરે મારા લગ્નની વાત ચાલી રહી છે. સવારે જ મમ્મીનો ફોન હતો અને પરીક્ષા પુરી થાય પછી છોકરી જોવા જવાના છે. રેશ્માને જાણે કરંટનો ઝટકો લાગ્યો હોય એમ વીરેનના હાથ પર રાખેલો પોતાનો હાથ ઝડપથી ખેંચી લીધો. રેશ્મા કંઈ પણ બોલ્યા વગર સ્થિર બેસી રહી. વીરેન પણ ચૂપ છે. થોડી વાર પછી રેશ્મા ખુશીના સમાચાર સાંભળ્યા હોય એમ પરાણે ખુશ થતી હોય એ રીતે બોલી. વાવ, કોંગ્રેચ્યુલેશન વીરેન. લગ્નમાં મને પણ બોલાવીશ ને? અને હા જો તું મને નઇ બોલાવે ને તો પણ હું તો આવીશ જ. તારા લગ્નમાં ડાન્સ કરવાની ખૂબ મજા આવશે. હજુ પણ વીરેન ચૂપ જ છે. રેશ્મા આગળ બોલે છે, હું તારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ પણ લાવીશ. સરપ્રાઈઝ છોડને, હું તારા માટે શું લાવીશ? તું જ મને કેને? વીરેન ઝબકીને જાગ્યો હોય એ રીતે બોલ્યો, ગિફ્ટ. રેશ્મા બોલી, હા ગિફ્ટ વીરેન. તને જે ગમે તે લઈ આવજે. તારી જે પસંદ હશે એજ મારી પણ છે. સાંજના આઠ વાગી ગયા છે. રેશ્માના મોબાઈલમાં માસીનો કોલ આવે છે, રેશ્મા રિસીવ કરે છે, હેલ્લો. હેલ્લો રેશ્મા, ક્યાં છે તું ચાલને જમવાનો સમય થઈ ગયો. રેશ્મા ધીમેથી બોલી, હા. સામેથી - અને હા રેશ્મા થોડી વાર પહેલા મમ્મીનો ફોન હતો, કહેતા હતા કે વેકેશનમાં રહેવા રેશ્માને ઘરે મોકલજો. રેશ્મા - હા આવું છું માસી.
ચાલ વીરેન જઈએ હવે, ઘણું મોડું થઈ ગયું આજે. વીરેન બાઇક ચાલુ કરે છે અને રેશ્મા પાછળ બેસી જાય છે. વીરેન ન જોય એ રીતે પાછળ બેસીને રેશ્મા આંસુ સારે છે અને હાથમાં રહેલા નેપકીનથી આંખો સાફ સાફ કરતી જાય છે. સોસાયટીના ગેટ સુધી પહોંચતા રેશ્માની આંખો લાલચોળ થઈ ગઈ છે. વીરેન ગેટ પાસે બાઇક ઉભી રાખે છે. રેશ્મા તરફ જોઈને, આ તારી આંખોને શું થયું? કેમ લાલ થઈ ગઈ છે? કંઈ નહીં વીરેન કચરુ પડ્યું લાગે છે. રેશ્માને બાય કરીને વીરેન ફ્લેટે જાય છે. જમીને વીરેન વાંચવા માટે બેસે છે પણ તેનું મન લાગતું નથી. દરરોજ સાંજે વોટ્સએપ પર મમ્મીને વીડિઓ કોલ કરે છે પણ આજે તે નથી કરતો. પુસ્તકને છાતી પર રાખીને પથારીમાં પડ્યો રહે છે. આખી રાત તેને ઊંઘ નથી આવતી.
હતાશામાં થોડાં દિવસો પસાર કરે છે. તેની પરીક્ષા શરૂ થાય છે. પરીક્ષાના દિવસોમાં વીરેન રેશ્મા સાથે વાત કરવાનું એકદમ બંધ કરી દે છે. તેના બધા પેપર સારા જાય છે. વીરેન છેલ્લા પેપરના દિવસે પોતાના મોબાઈલથી ઓનલાઈન બસમાં સીટનું રીઝર્વેશન કરાવે છે. સાંજે સાડા નવ વાગ્યે બસનો ટાઈમ હતો. પોતાનો સામાન પેક કરીને રિક્ષામાં બસ સ્ટેશને જાય છે. બસ જ્યાં ઉભી રહેવાની હતી તે પ્લેટફોર્મની આગળ પોતાનું બેગ નીચે મૂકીને ઉભો રહે છે. બસ આવવાને હજુ પંદર મિનિટની વાર હતી. પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને રેશ્માને કોલ કરે છે પણ રેશ્માનો મોબાઈલ સ્વીચઑફ બતાવે છે. થોડી વાર પછી પાછો કોલ કરે છે હજુ પણ તેનો ફોન સ્વીચઑફ જ છે. એટલામાં બસ પ્લેટફોર્મ પર આવીને ઉભી રહે છે. પોતાનું બેગ લઈને વીરેન બસ તરફ જાય છે અને પાછળથી અવાજ આવ્યો વીરેન.

ક્રમશઃ........

- ઢોડિયા ધવલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED