દરેક ના જીવનમાં જુદા જુદા અનુભવ થતાં જ હોય છે.આમ તો આ એક ખૂબ સામાન્ય વાત છે. બધા એ બાપ દીકરીના પ્રેમ વિશે ખૂબ સાંભળ્યું જ હશે. અને ઘણા લોકો એ એનો અનુભવ પણ કર્યો જ હશે.
પિતા ની માટે તેની દીકરી હંમેશા રાજકુમારી જ હોય છે અને એ રાજકુમારી ની એક દિવસ વિદાય દરેક પિતા કરે જ છે. પણ સમય અને સંજોગો બદલાય ત્યારે શું એ રાજકુમારી એની વિદાય પેલા જ પિતા ની વિદાય કરી ને જીવી શકે. આમ પણ કોઈ પણ વ્યક્તિ નું મૂલ્ય એમના ગયા પછી જ સમજાય છે.પણ હા અમને બહેનોને એ મુલ્ય સમજાય હતા અને સમજીએ છીએ.
આમ તો અમારા માથે બાળપણથી જ પિતાની છત્રછાયા નથી. પણ અમારી માં અમને બાળપણ થી જ માતા પિતા નો પ્રેમ આપે છે. અમને કોઈ વાત ની કમી લાગે કે કે ખોટ ના વર્તાઈ એનું ખાસ ધ્યાન રાખે છે. અરે ગજબનું વ્યક્તિત્વ છે અમારી માતા નું. અમારી પડખે આભ જેવો ટેકો બની ને ઊભા છે. અમારી મા તો માં છે.જે પોતે અભણ છે છતાં અમને સ્નાતક બનાવ્યા અને દુનિયાદારી ની સમજ છે એમનામાં. આજના ટેક્નોલોજી ના સમય સાથે ચાલે છે.અમારા બાળપણ થી લઈ ને આજ સુધી માતા પિતા અને ભાઈ ના એમ ત્રણ ત્રણ રોલ ખૂબ જ સારી રીતે ભજવ્યા છે.
આ તો થઈ મારી માતા ની વાત હવે પપ્પા ગયા પછી...
બહેન સમય કરતા વધારે મોટી થઈ અને મારે પણ સમય કરતાં જલ્દી મોટું થવું પડ્યું.બધી જ જવાબદારી માથે લઈ લીધી. એક પિતા ની અને એક ભાઈ ની.સ્નાતક ની પદવી મેળવ્યા પછી નોકરી કરી ઘર પણ ચલાવવાનું હતું અને નાની બહેન ની જવાબદારી હતી જે એક પિતા કે ભાઈ ને નિભાવવાની હોય તે મારે જ નિભાવવાની હતી.
ક્યાં ખબર હતી કે આટલું જલ્દી મોટું થવું પડશે.
પપ્પા તમે હંમેશા કહેતા કે દિકરી નહિ દીકરો છે આ મારો,
ત્યારે તમને સમજી નો'તી શકી તમને કે કેમ દર વખતે દીકરો કહેતા હશો.
આજ તમારા શબ્દો નું દુઃખ જાણ્યું
કરવી પડશે તમારી વિદાય એ ડર તમારી અંદર હતો.
કોઈ નહી સમજી શકે
તમારી આ સરળ નાદાન દીકરી ને તમને તેનો ભય હતો.
અમે બહેનો રોજ રોજ ફોન માં વાત નથી કરતા છતાં પણ એકબીજા માટે આભની જેમ ટેકો આપવાનું ચૂકતા નથી. અમને પણ પપ્પા ની યાદ આવે છે એમની ગેર હાજરી લાગે છે પણ છતાં કોઈ ને બતાવતા નથી કે કોઈ ને કઈ કહેતા નથી. અમને અમારા દ્વારિકાધીશ કૃષ્ણ પર અતૂટ વિશ્વાસ છે.
હવે મારી મનપસંદ લાઈન સંભળાવી જ દઉં
એક પિતાની વગર નું જીવન અંગુઠા વગર ની આંગળી જેવું છે.
પિતા એટલે એવી છત્રી જેની છાયા બધાના નસીબમાં નથી હોતી
પિતા ની હાજરી એ સૂરજ જેવી છે સૂરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાય જાય છે
જ્યારે માં છોડીને જાય છે ત્યારે દુનિયામાં કોઈ આશીર્વાદ આપવા વાળું નથી હોતું પણ જ્યારે પિતા છોડીને જાય ત્યારે દુનિયા માં કોઈ આપણને હિંમત આપવા વાળું નથી હોતું બસ માત્ર એની યાદ હોય છે.
સંસાર માં સૌનો પ્રેમ મળી શકે છે પણ પિતાના પ્રેમની સામે ભગવાન નો પ્રેમ પણ ઝાંખો લાગે, એટલે જ તો કોઈ પણ દીકરી કદાચ ભગવાન વિરુદ્ધ સાંભળી લેશે પણ પિતા વિરુદ્ધ સાંભળી શકતી નથી.
જીવી જાય છે એક પિતા
દીકરી ને સાસરે વળાવી ને!
શું જીવી શકે છે એક દીકરી
પિતાને કાયમ માટે વળાવી ને?
તમે જ કહો જીવી શકાય?ના જરાય નહિ. બસ મારા પણ કઈક આવા જ હાલ છે.
એક દીકરી નું સ્વપ્ન હોય છે કે એના પિતા એની દીકરી ને સાસરે વળાવે. પણ અહી તો ઊંધું જ થયું. જે દીકરી બાળપણ માં એની ઢીંગલી ના લગ્ન કરે એની બહેનપણીના ઢીંગલા સાથે છતાં એની ઢીંગલી ની પણ વિદાય ના કરે. અને એ જ દીકરી ને એના પિતાની વિદાય કરવાની એ પણ કાયમ માટે. તો એ આવી વસમી વિદાય કેમ જીરવી શકે. તમે એની કલ્પના પણ ના કરી શકો કે બાળપણ માં જે રમવા કૂદવા નો સમય હોય તે સમયે આવી વસમી વિદાય કેમ સહન કરી શકે. અને પછી આખી જિંદગી એ દુઃખ તો સાથે જ રાખવાનું. તમને જરા અતિશયોક્તિ લાગશે. પણ આ જ સત્ય છે તો છે. જેને કોઈ બદલી ના શકે.
આવી જિંદગીમાં હું દુનીયાની રીતે ખૂબ આગળ વધી ગઈ છું. પરંતુ હું તો હજુ ત્યાં જ છું. તમારી રાહ જોતી ઊભી છું પપ્પા. જાણું છું કે તમે પાછા નથી આવવાના પણ તમે પાછા નહી આવો એવું કહીને પણ નથી ગયા ને એટલે દરવાજે ઊભી રહી ને રાહ જોઉં છું.
આ બધા માં એટલું તો સમજાય ગયું કે પિતાની છત્રછાયા જાય પછી બઘું બદલાય જાય છે અને બઘું સમજાય પણ જાય છે.અને ઉંમર કરતા જલ્દી જ મોટા થઈ ગયા.